સાિહત્ય વિશેષ / ઇલાબહેનની શાનદાર ‘સપ્તમાતૃકા’

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Dec 30, 2018, 06:01 PM IST

ઇલા આરબ મહેતા ગુણવંતરાય આચાર્યનાં સુપુત્રી-વર્ષાબહેન અડાલજાથી મોટાં. બંનેએ પિતાશ્રીનો વારસો શોભાવ્યો છે.


નવલિકા-નવલકથા ક્ષેત્રે ઇલાબહેનનું પ્રદાન આવકાર પામતું રહ્યું છે. એમની અભિવ્યક્તિ પ્રશિષ્ટ પ્રકારની ગણાય. અભ્યાસવૃત્તિ નિરંતર ટકી રહી. એનું એક પરિણામ છે-‘સપ્તમાતૃકા.’ રંગદર્શી થઇ જવાય એવી પરિસ્થિતિમાં પણ ઇલાબહેનની કલમ સંસ્કારી સંયમ દાખવે છે. નૌકામાં મુનિ પરાશર અને મત્સ્યગંધા ઢીમર કન્યા સત્યવતીનું દૈહિક મિલન લેખિકા કશા રાગાવેગ વિના વર્ણવે છે: તપસ્વી પરાશર સ્વસ્થ પણ આજ્ઞાકારી સ્વરે કહે છે:

નવલકથા બને છે કે કેમ એની ચર્ચા થતી રહેશે પણ પાત્રલેખન સુરેખતા-પ્રત્યક્ષતા એ ‘સપ્તમાતૃકા’ની ઉપલબ્ધિ છે

‘મત્સ્યગંધા, મારી કામેચ્છા તૃપ્ત કર.’ પછી સ્પષ્ટતા કરે છે: મત્સ્યગંધા, સંતાન થાય તે મને આપી જજે. તે મારો પુત્ર છે. બ્રાહ્મણ પુત્ર છે-જરા વાર રહી ઉમેર્યું: ‘હું ઉપકૃત છું.’ (પૃ. 7, સપ્તમાતૃકા)
આ પુત્ર જન્મે છે તે કૃષ્ણ ઢૈપાયન વ્યાસ-વેદ વ્યાસ. માતા જરૂર પડશે ત્યારે પુત્રને મદદ માટે બોલાવી શકશે, વચન છે ઋષિનું.


સમ્રાટ શાંતનુ સત્યવતીને મહારાણી બનાવવા માટે છેલ્લે સફળ થાય છે-અંતા પુત્રને રાજા બનાવવાની શરતે. જાણીતી ઘટના છે, ઇલાબહેને એ પૂર્વે પ્રતીતિજનક સમય અને પરિસ્થિતિ આલેખીને કથાને આગળ વધારી છે.


એમણે કઇ સપ્તમાતૃકાનો મહિમા કરવો છે? માતા સત્યવતી, અંબાલિકા, અંબિકા, કુંતી, ગાંધારી, દ્રૌપદી અને ગંગા. એમની વચ્ચે આંતરસંબંધ સ્થાપવાનું કાર્ય વિકટ હતું. પણ ઇલાબહેને મહાભારત અને અન્ય ગ્રંથોનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે. ભૂમિકા વાંચતાં લાગે કે એમણે વૈદિક સંસ્કૃતિની સ્થાપનાઓમાં શ્રદ્ધા છે. પ્રથમેશ ગણેશ અને મૂળ સપ્તમાતૃકાઓની વંદનાનું એ આલેખન કરે છે: મહાભારતનો સંહાર પૂરો થયો છે. વ્યાસ પોતાના વંશજોનું વૃત્તાંત લખવા બ્રહ્મા દ્વારા ગણેશની મદદ માગે છે. ગણેશની પૂજા કરવા પૂર્વે સપ્તમાતૃકાની આરાધના કરવાની રહે:


‘આંખો બંધ કરી વ્યાસ ધ્યાનમાં ડૂબી ગયા. ધીરેધીરે સપ્તમાતૃકાઓ ગૌરી, પદ્મા, શચી, સાવિત્રી, વિજયા, જયાના તેજોમય આકારો ગુફામાં પ્રવેશતા હોય તેમ ચૂડીઓના ખણકાર, ઝાંઝરના ઝણકાર, વસ્ત્રોની સળવળાટીથી અનુભવાયું. સપ્ત માતાઓ સ્વસ્થાને બિરાજવા લાગી....અગ્નિ વધુ પ્રદીપ્ત થયો ને ગણેશજી ઉપસ્થિત થયા.’


ઇલાબહેન નોંધે છે કે મહાભારત દૈવ પર બહુ ભાર મૂકે છે. એ પ્રમાણે નિરૂપણ કરવા છતાં મહત્ત્વનાં પાત્રો વચ્ચે જે અવ્યક્ત અવકાશ રહી ગયો હતો એની પૂર્તિ કરવા એમણે આ કથાનકની રચના કરી છે.

નવલકથા બને છે કે કેમ એની ચર્ચા થતી રહેશે પણ પાત્રલેખન સુરેખતા-પ્રત્યક્ષતા એ સપ્તમાતૃકાની ઉપલબ્ધિ છે. વ્યાસને ઉપસાવવા એમણે આવશ્યક વિસ્તાર સાધ્યો છે. દેવવ્રત-ભીષ્મને પણ ઉપસાવ્યા છે. એમણે અંબા સાથેનો સંવાદ, હસ્તિનાપુરના ભાવિ નરેશોનાં બીજ વાવવાની ઘટના સંક્ષેપમાં વર્ણવાઇ છે. પાંચમા પ્રકરણમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ઉદ્યાનમાં રમતા જોવા મળે છે. વિદુરનું ચરિત્ર લેખિકાએ સમાદર સાથે આલેખ્યું છે.


કેટલાક લેખકો-વિનોદ જોશી જેવા કવિઓ પણ કર્ણનો ભારે મહિમા કરે છે અને દ્રૌપદી કર્ણને ઝંખતી હોય એવું નિરૂપણ કરે છે. જ્યારે ઇલાબહેન લખે છે: ‘છતાં કોઇ રાતે તે આકાશના તારાઓને તાકતી પડી રહે છે. એક રાતે તે આકાશ વનનાં વૃક્ષોએ ઢાંકી દીધું હતું. પાંચ પાંડવો તેની આસપાસ સૂતા હતા. શું હું તું, શું ખટક્યું મનમાં?’


‘વેશ્યા!’ સૂતપુત્રે તેને વેશ્યા કહી, કેવું આશ્ચર્ય! માતા કુંતી તો તેનું નામ સાંભળતાં રડવા લાગ્યાં! વધુ આશ્ચર્ય કે તે ધનંજય જેટલો જ પ્રખર લક્ષ્યવેધી ધનુર્ધર છે! કે એણે પોતાના સ્વયંવરમાં આવવાની ધૃષ્ટતા કરી, દ્રૌપદીની દૃષ્ટિ સામે સ્વયંવર, સૂતપુત્રનું મત્સ્યવેધ કરવા ઊઠીને આગળ આવવું ને પછી વિદ્યુત ઝબકારાની જેમ સ્મરણમાં આવ્યું. સૂતપુત્રને હું નહીં વરું. પોતે કહેલા શબ્દો આર્યવર્તના સમસ્ત રાજાઓ-સમ્રાટોની વચ્ચે પોતે એને ધુત્કારી કાઢ્યો. એટલે એણે મને શું આવો અપશબ્દ કહ્યો? (પૃ. 203, ‘સપ્તમાતૃકા’)


કુંતી કર્ણને મળવા આવે છે. પોતાના પાંચ પુત્રો જ નહીં, કર્ણ પણ યુદ્ધમાં ન હણાય એવી માતા તરીકેની એમની યાચના છે, આ અર્થઘટન કુંતીના પાત્રને ન્યાય આપે છે. પ્રત્યેક માતૃકા પાસે પોતાની વેદના ઉપરાંત બીજાનો વિચાર કરવાની ક્ષમતા છે.


ટૂંકમાં તારવી શકાય એવું વાર્તાતત્ત્વ અહીં નથી પણ ભારતીય ચિત્તમાં સ્થાન પામી ચૂકેલાં પાત્રો નવા નવા સંદર્ભમાં પ્રસ્તુત થતાં હોઇ રસ જળવાઇ રહે છે. ભીષ્મના વિષ્ણુસહસ્ત્રનામના નિર્દેશ સાથે, ગંગાની પીડાના ઉલ્લેખ સાથે, ફરી હું ‘અવતાર મટી માનવી બનીશ’ એવા કૃષ્ણના વચન સાથે ‘સપ્તમાતૃકા’નું સમાપન થાય છે. મહાભારત, ભાગવત, રામાયણ અને વૈદિક સંસ્કૃતિ પ્રત્યે જિજ્ઞાસા ધરાવનાર વાચકોને આ પુસ્તક ગમશે. આ પુસ્તક તમને ગૂર્જર સાહિત્ય ભવનમાંથી મળી રહેશે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી