Back કથા સરિતા
રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

સાહિત્ય (પ્રકરણ - 34)
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’નો સ્વાધ્યાય

  • પ્રકાશન તારીખ09 Dec 2018
  •  

ગતિશીલ ઓજસ્વી કવિતા અને પ્રાસાદિક પ્રવાહીગદ્યના સર્જક રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ (જન્મ તા. 23-09-2008, અવસાન તા. 24-04-1974)નો જન્મ સિમરિયા, જિ. બેગૂસરાય, બિહાર. દિનકરજીના જન્મસ્થળ સિમરિયામાં ડિસેમ્બર 1થી 9 સુધી સાહિત્ય મહાકુંભનું આયોજન થયું. એના ભાગ તરીકે વંદનીય મોરારિબાપુની રામકથાનું આયોજન થયું. વિષય રાખ્યો ‘રામકથા માનસ આદિકવિ.’

સંસ્કૃતિના ચાર અધ્યાયમાં દિનકરજીએ સમગ્ર ભારતના ત્રણેય કાળને નજર સામે રાખ્યા છે. લક્ષ્ય છે ભાવાત્મક એકતા

છાસઠ વર્ષના આયુષ્યમાં દિનકરજીએ કાવ્ય અને ગદ્યનાં પચાસેક પુસ્તક આપ્યાં. સને 1959માં ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ માટે એમને સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. તો ‘ઉર્વશી’ પ્રબંધકાવ્ય માટે સને 1972નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. બીજાં પણ અનેક સન્માન એમને મળ્યાં હતાં, જેમનાથી એમની લોકપ્રિયતા ઘણી આગળ ચાલતી રહી હતી. માત્ર હિન્દીભાષી પ્રદેશમાં નહીં પણ સમગ્ર ભારતમાં રાષ્ટ્રકવિ તરીકે એમને લોકચાહના પ્રાપ્ત થઇ હતી. સને 1952માં એ રાજ્યસભાના સભ્ય નિયુક્ત થયા.

એ પૂર્વે સરકારી નોકરી કરતા રહ્યા. અધ્યાપન કર્યું, કુલપતિ થયા, ભારત સરકારના હિન્દી સલાહકાર હતા. છેલ્લે તિરુપતિમાં વ્યંકટેશ્વરનાં દર્શન કરી મદ્રાસ આવ્યા ત્યાં હૃદયની ગતિ અટકતાં અવસાન થયું. છેલ્લાં વર્ષોમાં એમનું ચિત્ત ધર્મ ભણી નમ્યું. ‘ઉર્વશી’ને કેટલાક વિવેચકો મહાકાવ્ય માને છે, એ નાટ્યાત્મક તો છે જ. એ માત્ર પુરુરવા-ઉર્વશીની પ્રેમકથા નથી, ધર્મ-અર્થ-કામ-મોક્ષની મીમાંસા પણ છે. દિનકરજીનું પ્રબંધકાવ્ય ‘કુરુક્ષેત્ર’ યુદ્ધની સમસ્યા વિશે વૈચારિક મૂઠભેડ છે, તો ‘ઉર્વશી’ વર્તમાન મનુષ્યની પ્રણયગાથા છે. આ કાવ્ય લખતાં પહેલાં દિનકરજીએ કામ-મનોવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમનું કર્ણ વિશેનું કથાકાવ્ય ‘રશ્મિરથી’ પણ હિન્દી સાહિત્યના વિદ્યાર્થીઓ ભણ્યા હશે. પણ ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસીઓ માટે મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ છે, મહાગ્રંથ છે.


દિનકરજી ઇતિહાસ સાથે બી.એ. થયેલા. એ પછીના અધ્યયને એમણે ઇતિહાસને સાંસ્કૃતિક ઘટના રૂપે તપાસી. પાંચેક વર્ષના ઊંડા અધ્યયન પછી એમણે ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ની રચના કરી. પ્રથમ આવૃત્તિ 1956માં પ્રગટ થઇ પછી સતત આવૃત્તિઓ થતી ગઇ. પંડિત નહેરુએ એની પ્રસ્તાવના લખી છે. આધુનિક સર્જક, પ્રયોગવાદના પ્રવર્તક અજ્ઞેયજી દિનકરજીને ‘સમયસૂર્ય’ કહી નવાજે છે.


સંસ્કૃતિના ચાર અધ્યાયમાં દિનકરજીએ સમગ્ર ભારતના ત્રણેય કાળને નજર સામે રાખ્યા છે. લક્ષ્ય છે ભાવાત્મક એકતા.


પ્રથમ અધ્યાયનો વિષય છે ભારતીય જનતાની રચના અને હિન્દુ સંસ્કૃતિનો આવિર્ભાવ. આ અધ્યાયમાં આર્ય-દ્રવિડ સમસ્યા, આર્ય અને આર્યેતર સંસ્કૃતિનું મિલન-
બીજા અધ્યાયનું નામ છે પ્રાચીન હિન્દુત્વ સામે વિદ્રોહ. અહીં બુદ્ધ પહેલાંનું હિન્દુત્વ, જૈન અને બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારત અને બાહ્ય વિશ્વ, બૌદ્ધ સાધના પર શાક્ત પ્રભાવ.


ત્રીજા અધ્યાયમાં હિન્દુ સંસ્કૃતિ અને ઇસ્લામની ચર્ચા છે. અહીં દિનકરજીના ઊંડા સમભાવી અધ્યયનનો અનુભવ થાય છે. મુસ્લિમ-આક્રમણ અને હિન્દુ સમાજ તેમજ હિન્દુ-મુસ્લિમ સંબંધ, ઇસ્લામનો હિન્દુત્વ પર પ્રભાવ, ભક્તિ-આંદોલન અને ઇસ્લામ, કલા અને શિલ્પ પર ઇસ્લામનો પ્રભાવ, શીખધર્મ, ઉર્દૂનો જન્મ-આ અધ્યાય સ્વતંત્ર પુસ્તક જેવો છે.


ચોથો અધ્યાય છે: ભારતીય સંસ્કૃતિ અને યુરોપ. ભારતમાં યુરોપનું આગમન, શિક્ષણમાં ક્રાંતિ, ખ્રિસ્તી ધર્મ અને ભારતીય જનતા, હિન્દુ પુનર્જાગરણ, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, લોકમાન્ય તિલક, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધીના પ્રયોગો, ભારતીય રાષ્ટ્રીયતા અને મુસલમાન. બિહાર ધર્મા અને જાતિઓનું સંગમસ્થાન છે એની અસર અહીં જોઇ શકાશે.


દિનકરજી સંયોજન અને સમન્વયની દૃષ્ટિથી આ ચાર અધ્યાયનું નિરૂપણ કરે છે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ સામે, વિચારહીન જોહુકમી સામે દિનકરજી હાથ ઊંચો કરી વિરોધ દાખવે છે. આજે સર્વ ક્ષેત્રે કોઇ ને કોઇ પ્રકારનો સામ્રાજ્યવાદ ઊભો થતો જવા મળે છે. દિનકરજીનું સર્જન સ્વાધીન ચિંતન પર ભાર મૂકે છે. ‘સ્વાધીન ચિંતનની સંસ્કૃતિ જ સ્વાધીન મનુષ્યને જન્મ આપી શકે છે.’ દિનકરજીએ જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા શોધવા આ આઠસો પૃષ્ઠનો મહાગ્રંથ રચ્યો છે.


દિનકરજીની અનેક પંક્તિઓ સાહિત્યરસિકોને કંઠસ્થ હશે. જયપ્રકાશ નારાયણને પગે સાયેટિકાની તકલીફ હતી ત્યારે પણ એ જેલની દીવાલ કૂદીને નીકળ્યા હતા, આઝાદીના સંઘર્ષને બળ પૂરું પાડ્યું હતું. દિનકરજીએ એ પ્રસંગે લખેલી દીર્ઘ કવિતામાંથી બે પંક્તિઓ જુઓ: સેનાની કહો પ્રમાણ અભય ભાવી ઇતિહાસ તુમ્હારા હૈ, મે નખત અમા કે બૂઝતે હૈ, સારા આકાશ તુમ્હારા હૈ!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP