સૌરાષ્ટ્રની ધરતીનો ધબકારો વાણી અને વ્યવહારો

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Dec 02, 2018, 12:05 AM IST

કવિશ્રી હરિકૃષ્ણ પાઠક જગદીપ ઉપાધ્યાયના કાવ્યસંગ્રહ ‘પ્રણયાખ્યાન’ની પ્રસ્તાવનાનું સમાપન આ શબ્દોમાં કરે છે:


‘સૌરાષ્ટ્રની ધરતીનો ધબકારો, તેના શ્વાસોચ્છ્વાસ, તેનાં વાણી અને વ્યવહારો-એમ સમગ્ર સંસ્કારને કવિએ આત્મસાત્ કર્યા છે, તેથી કવિતા-પદારથ અંગેની સમ્યક સમજમાંથી એ બધું હૃદયસ્થ થઇ રહે તેવાં રંગે-રૂપે પ્રાપ્ત થઇ રહ્યું છે.’ વાંકાનેરના નિવાસી શ્રી જગદીપ ઉપાધ્યાય અને એમના પિતાશ્રી ગણપતભાઇ બંને શિક્ષણ સાથે સંકળાયેલા છે. ‘અખંડ આનંદ’ માસિકનો કવિતાવિભાગ હરિકૃષ્ણભાઇ વર્ષોથી સંભાળે છે, કવિઓના વિકાસના સાક્ષી છે. એમને પ્રણય-વિરહની સંવેદના એના ઉત્તમ સ્વરૂપે સ્પર્શી ગઇ છે. એ જ રીતે કવિ-વિવેચક વિનોદ જોશી અગિયાર પૃષ્ઠની સુદીર્ઘ પ્રસ્તાવનામાં પ્રણયભાવનું ઉત્તમ ગીતમાલિકામાં રૂપાંતર જુએ છે.

કવિશ્રી જગદીપ ઉપાધ્યાય ઘટનાના વિકલ્પે ભાવનું આલેખન કરે છે. એમાંથી આખ્યાનનો આલેખ રચે છે.

કવિ આ 151 પૃષ્ઠના સંકલનને પ્રણયનું આખ્યાન કહે છે. કવિશ્રી જગદીપ ઉપાધ્યાય ઘટનાના વિકલ્પે ભાવનું આલેખન કરે છે. એમાંથી આખ્યાનનો આલેખ રચે છે. આમ કરવું સહેલું ન હતું. સફળ થવાની આકાંક્ષા ન હોય એ જ આવું સાહસ કરી શકે. પણ આનંદની વાત છે કે જગદીપભાઇ પ્રણયનું ભાવવાહી આખ્યાન રચવામાં સફળ થયા છે. ભલે ક્ષણોનો ક્રમ છેલ્લે નક્કી કર્યો હોય.


સને 2008માં આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શબ્દધેનુ’ પ્રગટ થયો. લખવાનો આરંભ અઢી દાયકા પહેલાં કરેલો. આ રચના ‘પ્રણયાખ્યાન’ એકથી વધુ દાયકાઓની સર્જન પ્રક્રિયાનું પરિણામ હશે એવું અનુભવાય છે. સંયોજન જુઓ: મુગ્ધા-ષેરક, પ્રણયારંભ, મિલનલહરી, લોકાપવાદ, વિચ્છેદ, વિરહમાલા, પાગલદશા, પ્રેમ-ગીતા, પ્રણયના અંતિમ અધ્યાયનાં ગીતો-આ નવ સર્ગમાં-દરેકમાં સાત કે તેથી વધુ ગીતો દ્વારા સંવેદનાને ગતિશીલ કરી છે. નાયિકા કેન્દ્રમાં છે, નાયક આરંભે અને અંતે આવે છે કલ્પનરૂપે. સંસ્કૃત સાહિત્ય અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ પ્રો. વસંત પરીખ આ યાત્રાને દુખાની કહેતા નથી. એ તારવે છે કે પ્રણયની કેડી અંતે તો પરમના શિખરે લઇ જાય છે. તો કવિશ્રી રાજેશ વ્યાસને નાયકમાં સંગીત તત્ત્વ વરતાય છે: ‘વહતો ભાભો મીંચક મીંચક.’ કહે છે: ‘જેમ જેમ આ મીંઝક મીંઝકની લગની લાગતી જાય છે, અંદરથી બધું દૂર થતું જાય છે, બધું શમી જાય છે અને એ પછી વહતા ભાભાને સમજાઇ ગયું હોય છે કે આ ‘વહતા’ નામનો તો ખાલી ભજવવા વેશ મળ્યો છે.’ (પૃ. 129)


કવિશ્રી રમેશ પારેખના સંચય ‘મીરાં સામે પાર’ એક સૂત્રમાં ગૂંથાયેલા લાગે છે પણ એ ક્રમ મૂળનો નથી. ‘પ્રણયાખ્યાન’ પણ અહીં સંકલિત ક્રમની ગીત રચનાઓ નથી છતાં પ્રકાશન-વ્યવસ્થા નિશ્ચિત ક્રમ સૂચવે છે, એ આ રચનાની વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે કોઇ પણ પૃષ્ઠ પરથી રચના વાંચો, માણી શકશો. જેમ કે ‘મિલનલહરી’ની ત્રીજી રચના:


ઊભી દિશા ખોલી દ્વાર, સાજન જઇએ સીમા-પાર
આ સીમા પાર જવાની ઝંખના સમગ્ર રચનાનો મર્મ પણ સૂચવી દે છે-ગેયતા અને અંત્ય પ્રાસની ખૂબી પણ ધ્યાન ખેંચે છે.


કેવળ ઉરનું લઇ સંગીત,
પ્રેમ તણું થઇ જાશું ગીત,
કાયાની ના નડશે ભીંત
અળગાં થાશું ના પળવાર.
(પૃ. 58, પ્રણયાખ્યાન)
અંત ભાગની રચના ‘વિરહ’
આવી રે જાન ઓતર દેશથી,
થનગન પ્રાણોમાં દુવાર,
અણીયા ખેંચે છે આંબલિયો મને,
ખેંચે ઓલીપા મંદાર.
આ મંદાર એ સ્વર્ગીય વૃક્ષ છે. બીજા અંતરાની બે પંક્તિ જુઓ:
અક્ષર તે અઢીની ઓઢી ચૂંદડી, હે વિરહા વિજોગણ વેશ,
બાંધીને પાલવડે માયા માટીની, ચાલી સાંવરિયાને દેશ.

(પૃ. 144)


અહીં કબીર સાહેબનું સ્મરણ થાય: ‘કર લે સિંગાર ચતુર અલબેલી પ્રણયના અંતિમ અધ્યાયનું ગીત આરંભ અને અંતને જોડે છે.’
આવ્યા આવ્યા રે અસવાર...
એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર
આ ગીતની અંતિમ પંક્તિ છે:
ભીતરની સૌ ભ્રમણા ભાંગી સંધાયો છે તાર...


આત્મા અને પરમ આત્માનું મિલન પ્રેમલક્ષણા ભક્તિ ગાય છે. મહાકવિ સુરદાસે અંતે ગાયું: રાધા-માધવ એક ભયે.
શ્રી જગદીપ ઉપાધ્યાય પ્રેમગીત ગાનાર શ્રીકૃષ્ણ-સ્વરૂપને- ભગવન્ નારાયણને પ્રણયાખ્યાન અર્પણ કરે છે એમાં પણ એમનો પરિચય પ્રાપ્ત થાય છે. શ્રી સુરેશ રાવળનાં ચિત્રોની પણ નોંધ લેવી ઘટે. પ્રકાશન પ્રવીણનું છે. છેલ્લે સારરૂપ એક-બે પંક્તિ:
જાય ભૂંસાતા ભેદ બધાયે, કોણ હવે આ ચંદર, તારા જ્યોત નિરંતર
ગેબ નગારાં, અનહદ બારાં, સુન શિખરને વ્યોમ તણી ગહરાઇ.(પૃ. 127).

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી