ઉમાશંકર-સુન્દરમ્્ની બે પ્રગતિશીલ વાર્તાઓ

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Nov 18, 2018, 12:05 AM IST

ઉમાશંકર-સુન્દરમે માર્ક્સનો અભ્યાસ કરી ગાંધીને સ્વીકાર્યા છે. એ સૂચવતી બે વાર્તાઓ જોઇએ.


1. શ્રાવણી મેળો: અંબી અને સોના નામની બહેનપણીઓની વાતચીતથી આરંભાય છે. મેળામાં એક બે આંટા મારી આવીને બંને પાછાં ચકડોળમાં બેઠાં છે. સોનાએ બે મેળા પહેલાં જીવનસાથી મેળામાં ગોતી કાઢેલો. અંબીને આજે થોડીક ઉદાસી પછી દેવાનો જોડિયો પાવો સાંભળવા મળે છે. શ્રાવણી મેળાનું સ્થળ જુઓ: વર્ષ 1936.

કવિતા, વાર્તા, વિવેચન ત્રણેય પ્રકારોમાં ઉમાશંકર-સુન્દરમ્્નું પ્રદાન સમજીને નવી પેઢી એક ડગલું આગળ વધી શકશે

‘ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોવરસ મેળો ભરાતો. ને વાતાવરણ ડુંગરના દૂઝ્યા સાવજ ચાખ્યાં પાણી પિનારો નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા ને બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતા ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાના હાથ ઝાલી રસ્તે પડતાં.’


આ રંગદર્શી વાતાવરણ વાર્તાને અંતે કરુણ બને છે. ટટુ પર જતો શેઠ અંબી અને દેવાને જોઇ એની હીનતા દાખવે છે. શેઠ એ શોષકોનો પ્રતિનિધિ છે. એ દેવાના બાપને વાત કરે એ પહેલાં વરસાદ અને બીજી અગવડો વચ્ચે દેવો ઘેર પહોંચે છે. બાપે તો દીકરાને એની સાથી નવવધૂ માટે ખાટલા ઢાળી રાખ્યા છે. દેવો શેઠની કુટીલતા પામીને કુહાડી હાથમાં લે છે. શેઠની હત્યા બદલ જેલમાં છે. બીજો શ્રાવણ મેળો ભરાય ત્યાં સુધી વાર્તાનો અંત એક વરસ કૂદી જાય છે.

અંબીનું ગામ અને દેવાનો પાવો દયાહીન શોષકના જુલમથી વિખૂટાં પડી ગયો છે. માતાપિતા ગુમાવી બેઠેલી કર્મઠ અંબીને એની સખી સોના સહાનુભૂતિથી વધુ કંઇ આપી શકે એમ નથી. શ્રાવણને બદલે શૂન્યતા અને મેળાને બદલે કાયમી વિરહ સૂચવતી આ વાર્તા ઉમાશંકરના વતનપ્રેમની સઘન ઓળખ આપે છે. ગુજરાતી સાહિત્યમાં પ્રગતિવાદના વિધાયક પ્રભાવનાં એ વર્ષો હતાં. શ્રમજીવી માણસોના સામુહિક ઉત્સવ જેવો મેળો ઉમાશંકર જોશી દ્વારા આ વાર્તારૂપે સાહિત્યમાં પ્રવેશે છે, પછી તો પન્નાલાલ આદિ લેખકો એનો પૂરતો લાભ લે છે. જોકે કાનજી-જીવી પણ સુખી થવાના વિકલ્પે પ્રેમ પામે છે.


2. માજા વેલાનું મૃત્યુ: ‘પિયાસી’ (1940) વાર્તાસંગ્રહમાં સમાવેશ પામેલી કૃતિ ‘માજા વેલાનું મૃત્યુ’ વિલક્ષણ છે. એમાં વ્યક્ત થયેલી માનવીય સંવેદના ગાંધીયુગીન છે. એનો નાયક ઉપેક્ષિત સમાજમાંથી આવે છે. તો બીજી બાજુ ગાંધીયુગીન નૈતિક મૂલ્યોના સદંતર ભંગ થતો ગુણ હોય તો એક પોતાની ત્રણેય પેઢી માટે અપાર વાત્સલ્ય અને ભત્રીજાની દીકરી ખુડી માટે ખોડિયારમાની માનતા, હિંસ્ર પશુઓ એમનાં બચ્ચાંને જતનથી સાચવે છે એ આનુવંશિક લક્ષણનું અહીં સ્મરણ થાય. જાણે કે આ માનવજાતિની નહીં, સમગ્ર જીવસૃષ્ટિની વાર્તા છે.


પોતાના વાસમાંથી શહેરના ટાવર પાસેના ફૂટપાથ પર આવેલો માજા વેલાનો આબાલવૃદ્ધ ત્રીસેકનો કબીલો ભીખમાં મળેલા એંઠવાડમાંથી ખાવાની વસ્તુઓ જુદી તારવે છે એ વર્ણન વાસ્તવિક લાગે છે. પતરાળાં ફેંકવા આવેલી ઘાંચણના ઘરેણાં પડાવી લઇ એને મારી નાખનાર માજા વેલાનો જગુડિયો સહુને બે વરસની સજા થઇ એમાં નિમિત્ત બનેલો. ‘અને પછી માજા વેલાએ બીજી, ત્રીજી, ચોથી એમ પરાક્રમકથાઓ કહેવા માંડી.’ - આ દરમિયાન સિગારેટનું ઠૂંઠું મંગાવી લઇ પીવાની ચેષ્ટા, કે તાવ વધવાની ગતિ સાથે વચ્ચે વચ્ચે બાળકો દ્વારા ખાવાનું ધરવાની ક્રિયા અને ‘હવેના લોકો શું ખાઇ જાણે કહી જણાવે છે: ‘અલ્યો, કોઇનામાં સૂતરફેણી આવી હોય તો લાવજો આંહી!’


‘સ્ત્રીઓ જરાક રણકતું હસી. પુરુષોમાંથી કોક ધીમેથી બોલ્યું: ડોસાનેય શું મરતેમરત ભસકા થાય છે!’ પોતાના આગેવાન-વડીલ વિશેનો આવો ઉદ્્ગાર આંતરસંબંધ સૂચવે છે. કોઇ ઇચ્છતું નથી કે ડોસા મરે, સહુ સાચવવા તત્પર છે. વળી, આ સૂતરફેણી બાળકો અને દાદાને જોડે છે. પેલી ધાડની વાત બધા વારંવાર સાંભળવા ઇચ્છે છે. અંતે વનો ભાતભાતની મીઠાઇનો કરંડિયો તફડાવી લાવે છે. માજા વેલાનો તાવ વધતો ગયો છે, ટાવર જાણે ધ્રૂજવા લાગ્યું છે. બધા વધુ ને વધુ કાળજી લે છે. મરણ ભણી લઇ જતો તાવ ખાવાની આડે આવતો નથી. માજો બધું ખલાસ કરે છે. વનો હાથ ફેરવી ડોસાની મૂછો ચોખ્ખી કરે છે. કોઇએ રડવાનું નથી, ડોસા સુખી થઇને ગયા છે. ત્રીસેક જણ અંદરઅંદર વાતો કરતા ચાલે છે: ‘બહુ સારું મોત.’


ભરપેટ ખાવા ઝંખતી માણસની ભૂખ પ્રેમચંદની નવલિકા ‘કફન’માં સગર્ભા સ્ત્રીના મોતના આધારે સૂચવાઇ છે. બંનેમાં સમાજ બહારના સમાજની દુનિયા વાસ્તવવાદી અભિગમથી આલેખાઇ છે.


આલ્બેર કામૂએ માનવમૂલ્યોની શોધને અંતે કહેલું કે કોઇ ચિરંતન માનવમૂલ્ય નથી. જેવો છે તેવો માણસ પોતે જ એક મૂલ્ય છે.


કવિતા, વાર્તા, વિવેચન ત્રણેય પ્રકારોમાં ઉમાશંકર-સુન્દરમનું પ્રદાન સમજીને નવી પેઢી એક ડગલું આગળ વધી શકશે.


ગુજરાતી ભાષા આ બે સર્જક-સાક્ષરોમાં પરમ ઉત્કર્ષ પામી છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી