ડો. સંજય મકવાણાના બે વિવેચન સંગ્રહ

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Sep 30, 2018, 12:05 AM IST

પ્રો. સંજય મકવાણા અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરે છે. વિદ્યાર્થીઓ-અધ્યાપકો માટેની વાચન-લેખન શિબિરોમાં એમની સેવાઓ સુલભ થતી રહી છે. કાર્યક્રમોનું સંચાલન કરવામાં એમને સ્મરણશક્તિ મદદરૂપ થાય છે. અઢળક કાવ્યપંક્તિઓ એમને યાદ છે. એમની રુચિ રમેશ પારેખની કવિતાથી ઘડાઇ હોય એમ લાગે છે. ભાવનગર સાહિત્ય વર્તુળ અને ગૂજરાત વિદ્યાપીઠને સંજયભાઇ આદરથી યાદ કરે છે. વિનોદ જોશી અને ઉષા ઉપાધ્યાયે એમના સ્વાધ્યાયને પ્રમાણભૂત કહી આવકાર્યો છે. ‘શબ્દસખ્ય’ વિવેચન સંગ્રહમાં કવિતાનાં સ્વરૂપોને અનુલક્ષીને આઠ લેખ છે, જેમ કે ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહમાં પ્રગટતી દલિત સંવેદના, પ્રેમાનંદની આખ્યાનકળા, રામાયણ:માનવતાનું મહાકાવ્યમાં આધુનિક યુગ સંદર્ભનો અનુબંધ, લોકગીતોમાં લગ્નગીતો...

ડો. સંજય મકવાણાની રુચિ રમેશ પારેખની કવિતાથી ઘડાઇ હોય એમ લાગે છે. તેમનું લેખન પહેલ કરનારું છે અને વ્યાપક સાંસ્કૃતિક ભૂમિકા પર ચાલે છે

ગદ્ય વિભાગમાં ‘પરિત્રાણ’, ગુજરાતી નવલકથામાં ચૌલાદેવીનાં વિવિધ રૂપો, ભૂકંપમાં પ્રગટતી માનવીય સંવેદનાની ગુજરાતી નવલિકાઓ, પંડિત સુંદરલાલજી લિખિત ‘ગીતા અને કુરાન’ આ અને અન્ય લેખો જોતાં લાગે કે ડો. સંજય મકવાણાનું લેખન ચીલાચાલુ નથી, પહેલ કરનારું છે અને વ્યાપક સાંસ્કૃતિક ભૂમિકા પર ચાલે છે. નીરવ પટેલ અને ગુણવંત શાહને એકસરખા આદરથી એ વાંચે છે. ગુણવંતભાઇ કાવ્યાત્મક રીતે સંસ્કૃતિનો મહિમા કેવી રીતે કરે છે એ જણાવવા એ અવતરણ આપે છે:


ભારતીય સંસ્કૃતિનો આત્મા વેદ છે,
ઉપનિષદ એનું સત્ત્વ છે,
ભગવદ્્ગીતા એનું હૃદય છે.
રામાયણ અને મહાભારત એની આંખો છે,
સત્ય એનો શ્વાસ છે,
ધર્મ એનું રક્ષાકવચ છે,
વિચાર એનું કાળજું છે
મર્યાદા એની શોભા છે અને
વિવેક એનો ધબકાર છે.
ભારતીય સંસ્કૃતિમાં
આર્ય ભૂમિપુત્ર છે,
પૃથ્વી માતા છે અને
પર્જન્ય પિતા છે. (પૃ. 64, શબ્દસખ્ય)


ઉપર્યુક્ત અવતરણની ચર્ચા કરીને સંજયભાઇ ગાંધીજીના એકાદશ વ્રત સાથે તુલના કરી શક્યા હોત. નારાયણ દેસાઇ એકાદશ વ્રતને ગાંધીજીને સમજવાનાં પગથિયાં ગણાવતા.
‘રમેશ પારેખની કવિતાનું ભાષાકર્મ’ નોંધપાત્ર છે. રમેશ પારેખ વિશે અનેક નોંધપાત્ર અભ્યાસ થયા છે. ડો. વર્ષા પ્રજાપતિએ પણ ઝીણવટથી કામ કર્યું છે. સંજય મકવાણાએ રમેશને સાદ્યંત વારંવાર વાંચ્યા લાગે છે. તેથી તેર પ્રકરણમાં એમણે જુદા જુદા આધાર લઇને વિશ્લેષણ કર્યું છે. પ્રકરણ 8 અને 9માં રમેશ પારેખની કવિતામાં રૂઢિપ્રયોગ અને કહેવતો વિશે વિગતવાર વાત કરી છે તો પ્રકરણ 10માં દ્વિરુક્તિઓની ચર્ચા છે.


66 જેટલી પંક્તિઓ નોંધીને રૂઢિપ્રયોગ રેખાંકિત કર્યા છે. થોડીક પંક્તિઓ માણીએ.
1. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ. પાંચે આંગળીએ પૂજવાં-સઘળા ભાવનું આરોપણ કરી દેવું, સમર્પિત થઇ જવું.


2. લોલ, મારે મોભારે કાગડો બોલ્યો ને અમથી લજી મરું રે લોલ. મોભારે કાગડો બોલવો-કોઇ મહેમાન આવવાની શુભ એંધાણી આપવી. (પૃ. 158 રમેશ પારેખની કવિતામાં ભાષાકર્મ)
રમેશ પૂર્વેનાં ગીતોમાં લોકજીવનની આ ભાવસૃષ્ટિ રૂઢિપ્રયોગો દ્વારા ભાગ્યે જ વ્યક્ત થઇ હશે.
બધા રૂઢિપ્રયોગ કવિતાની કક્ષાએ સંવેદના જગવે છે કે કેમ એની ચર્ચા થઇ શકી હોત.


કહેવતોના 39 પ્રયોગો નોંધ્યા છે, એ નીવડેલી કહેવતો નથી, રમેશની કવિતાની ભાવકો એને ભવિષ્યમાં કહેવત તરીકે સ્થાપે એ શક્ય છે. હળવી ઉક્તિઓ પણ વિવિધ સંદર્ભે આ કવિની રચનાઓમાં આવે છે. તો નગરજીવનની કૃત્રિમતા સૂચવતા પ્રયોગો પણ અનાયાસ આવે છે:
4. ‘આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.’ સંજયભાઇ આ પંક્તિને એકમાં અનેકના અર્થમાં સમજાવે છે. રમેશને કદાચ એટલું જ અભિપ્રેત છે કે ચહેરો મહોરું થઇ જાય.
દ્વિરુક્તિઓની ચર્ચા વધુ શાસ્ત્રીય છે. બાર મુદ્દામાં ચર્ચા થઇ છે. અહીં વ્યાકરણ, ભાષવિજ્ઞાનની ભૂમિકા ઉપકારક થઇ છે. અને વધુ તો રમેશ પારેખની કવિતાનો કેવો સાંગોપાંગ અભ્યાસ કર્યો છે એની વાચકને ખાતરી થાય છે.


આ પછી રવાનુકારી અને તળપદા શબ્દોનું વર્ગીકરણ છે.
પુસ્તકને અંતે કવિતા જીવનની મહત્ત્વની ઘટનાઓ અને સંદર્ભસૂચિ આપી છે.
‘નિષ્કર્મ અને મૂલ્યાંકન’ પ્રકરણમાં નોંધેલો પંડિત લાભશંકર પુરોહિતનો અભિપ્રાય થોડા શબ્દોમાં આખા યુગને-બલકે બે યુગોને આવરી લે છે.


‘વ્યાપક લોકમાન્યતા અને સારસ્વત માન્યતા પ્રાપ્ત કરનાર કવિશ્રી રમેશ પારેખ પન્નાલાલ પછી ગુજરાતી સાહિત્યનો મોટો ચમત્કાર છે. ન્હાનાલાલ અને મેઘાણી પછી ગુજરાતી પ્રજાએ અર્વાચીન કાળના કોઇ કવિને પોંખ્યો હોય તો તે રમેશ પારેખ છે.’ (પૃ. 245)


ડો. સંજય મકવાણા તારવે છે કે રમેશની સિદ્ધિનું કારણ ભાષા છે. ‘ભાષાની અવનવી લઢણ અને અનેક સ્તરે તેને ધાર કાઢીને પ્રયોજવાની અને અભિવ્યક્ત કરવાની ખેવના સતત રહી છે.’


રમેશ પારેખ કવિતાનો સતત અભ્યાસ કરતા રહેલા. મધ્યકાલીન કવિતા અને લોકગીતમાંથી પણ એમણે સર્જનાત્મક ક્ષણો પ્રાપ્ત કરીને ભાવકોને પહોંચાડી.


આ બંને પુસ્તકોનું પ્રકાશન ફ્લેમિંગોનું છે.
તાજેતરમાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ ડો. રાજેશ પંડ્યા પાસે લખાવીને ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણીમાં રમેશ પારેખ વિશે પુસ્તિકા પ્રગટ કરી છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી