ઘરવખરી: જાણે આખા કુટુંબની કવિતા!

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Sep 23, 2018, 12:05 AM IST

પ્રો. દક્ષાબેન પટેલ ભાવકમાંથી સર્જક થયાં છે. એમનાં અનુવાદનાં પુસ્તકો જીવનસાથી રાજેન્દ્ર પટેલના સહયોગમાં પ્રગટ થયાં છે. દક્ષાબહેન અને દીકરીઓ શૈલજા અને શિવાની ત્રણેય ચિત્રકળા સાથે ઊંડો નાતો ધરાવે છે. એમનાં ચિત્રદર્શનનોએ ધ્યાન ખેંચ્યું છે. આ કાવ્યસંગ્રહનું મુખપૃષ્ઠ શૈલજાએ તૈયાર કરેલું છે. સૂચક છે. છતાં વૃક્ષની ડાળી પર બારી દ્વારા દરજીડાનો માળો બતાવ્યો હોત તો દક્ષાબહેનની ભાવના પ્રત્યક્ષ થાત.

જીવનનો અનુભવ કવિતા ન બને તો પણ જીવન તરીકે જ ગૃહજીવનની ઉમદા મૂડી બની શકે એમ છે

દરજીડો એ નાનું નમણું પક્ષી છે. એ જમીનની નજીક રહે છે. કપાસનાં બે પાંદડાં સીવીને એ માળો તૈયાર કરે છે. ચાંચ દ્વારા એ સોય-દોરાનું કામ કરે છે તેથી દરજીડો કહેવાય છે. ‘સાડી’ નામની કવિતા આ દરજીડાનો ચમત્કાર છે. પટેલ મણિલાલે આ સંગ્રહને આવકારમાં આ આખી કવિતા નોંધી છે. પ્રકૃતિના સાહચર્યે જાગતી ગ્રામજીવનની ખૂબીઓ જાણનારને આવી રચના ‘કવિતા’ આનંદ આપે. દક્ષાબહેને આધાર લીધો છે લગ્નના આણામાં મળેલી સાડીનો. પહેરતાં, એમાંથી જરૂરિયાતની ચીજો બનાવતાં સાડી ટુકડે ટુકડે વહેંચાઇ જાય છે. એમાંથી મસોતાં પણ થાય છે, પણ એની અસલ ભાત ભૂંસાતી નથી. હવે કાવ્યની અંતિમ પંક્તિઓ સર્જનાત્મક ક્ષણ જગવે છે:


એકવાર ચકરાવો લેતો નાનકડો દરજીડો આવ્યો,
સુકાતાં મસોતાંને
ચાંચ મારી મારીને, કાંતી કાંતીને
દોરાનો મુલાયમ ગોટો બનાવ્યો
અને પાસેના ઝાડ પર માળો ગૂંથ્યો.
થોડા દિવસમાં એમાંથી
બચ્ચાં બહાર નીકળ્યાં.
અને પેલી સાડી જાણે ફરી જીવતી થઇ ગઇ. (પૃ. 30, ઘરવખરી)


પ્રથમ કવિતા ‘ધનતેરસ’માં બાની તિજોરીની દાબડીઓનો ઉલ્લેખ નેવું વર્ષનાં બાને કંકુ-ચોખા ચઢાવવા સુધીનો ક્રમ રચે છે. કોણ છે આ બા? માતા કે સાસુમા?
આ પ્રોફેસર સન્નારી, જન્મે બ્રાહ્મણ, પટેલને દસ વર્ષના સાહચર્ય પછી વરી, આધુનિક સાહિત્યમાં નિરુપાયેલા નારીવાદને, નારીના વિદ્રોહને જાણી લઇને, એના બાહ્ય કલેવરને પસંદ કરવાને બદલે પરમ ગહન ગણાતા સેવાધર્મને અપનાવે છે. ઉજાગરા પણ કરે છે. એમાંથી જાગે છે સંવેદનની મૂડી. સાસુમાનાં અંતિમ દસ વર્ષનું સાહચર્ય અણધાર્યું પરિણામ બક્ષે છે:


‘બાપુજીએ વિદાય લીધી. કદી ના પુરાય તેવી ખોટ પડી ગઇ. બા એકલાં પડી ગયાં. પગ ભાંગ્યો, પથારીવશ થયાં. ત્યારે તેમની ઉંમર એંશી વર્ષ, મગજ સુધી લોહી પહોંચે નહીં, એટલે ઘણીવાર બા સંબંધો ને સંદર્ભોથી દૂર નીકળી જતાં. ઘણું ભૂલી જતાં. નવાઇ પમાડે તેવી વાતો કરતાં અથવા વર્તન કરતાં. હું ધીરજથી કાળજીપૂર્વક તેમની આવી માનસિક અવસ્થાને ટેકો આપી આખી વાત પૂરી કરવામાં મદદ કરતી. જેનો સંતોષ તેમના ચહેરા પર ઝળકી ઊઠતો. રાતની આવી વાતો સવારે રાજેન્દ્રને કરતી. તે તરત કહેતા: આને શબ્દસ્થ કરી લે.’ (પૃ. 5, નિવેદન)


કવિની કેફિયત રૂપે આ ફકરો જેટલો મહત્ત્વનો છે એથીય વધુ મહત્ત્વનો છે સાંસારિક જીવનના ઊજળા પાસા રૂપે. જીવનનો આ અનુભવ કવિતા ન બને તો પણ જીવન તરીકે જ ગૃહજીવનની ઉમદા મૂડી બની શકે એમ છે.


નાયિકાના હાથમાંથી વાટકી છટકતાં બાનું ધ્યાન ખેંચાય છે અને એ પોતાની ઘરવખરી કેવી રીતે વધતી ગઇ એનો આખો ઇતિહાસ કહે છે. કવિતાનો ઉપસંહાર છે: ‘જેટલી વાર વઘાર થાય છે,/ તેટલી વાર બાનો આખો સંસાર/જાણે જીવંત થઇ ઊઠે છે.’ (પૃ. 3)
બા મૂળ ગામનાં. એ સંસ્કારે પોતાનો સંસાર ઊજળો કર્યો. ‘ઉનાળાના દિવસો’ રચનાનો અંત જુઓ:


દીકરાના દીકરાની દીકરીને
ઘોડિયામાં સુવડાવી
દોરી ખેંચતાં ખેંચતાં
બા ક્યારેય ના સુકાય એવી
લીલીછમ વાડી, થઇ ગયાં. (પૃ. 6)
‘રસોડાની દીવાલ પર’ કવિતા શબ્દશ: નોંધવા જેવી છે. એમાં વાસ્તવ અને પરાવાસ્તવનો વિરલ સંયોગ છે. ‘ઘરના આંગણે’ રચનામાં ઠૂંઠો ગરમાવો અને એકાકી બાની સહોપસ્થિતિ ધ્યાન ખેંચે છે. ‘બાની હથેળીઓ’ હસ્તરેખા વગરની બની ગઇ છે અને ટેરવાંની વચ્ચે ફરતી માળાના મણકા થંભી જાય છે વીતેલા સમયની જેમ.
વ્હીલચેર પર બેસતાં બા કહે છે: ‘ચાલોખેતર’ (પૃ. 12)


‘રાંક ઘર’નો અંત છે,
બા વગરનું રાંક ઘર
તાકી રહ્યું છે
બારણાંની તિરાડમાંથી
ઘરબહાર તુલસી ક્યારે જતી
કીડીઓની હારને. (પૃ.20, ઘરવખરી)


આ સંગ્રહમાં સાસુમા જેવો શબ્દપ્રયોગ કર્યા વિના જ કવયિત્રી બા સાથેનો વિધાયક સંબંધ અનેક ભાવસ્થિતિઓ રચીને વર્ણવે છે. પછી તો બા વૈશ્વિક સંબંધરૂપે અનુભવાય છે. તેમ છતાં અહીં જે બા છે એ ગ્રામમાતા છે. વીતેલા સમયની ભૂંસાતી રેખાઓ અહીં જીવંત થાય છે, એમાં પ્રકૃતિના સાહચર્યની મોટી મદદ છે. ‘ના, નથી’ રચના આ સંગ્રહમાં જુદી પડે છે. શાલીન નારીભાવ છોડીને કવયિત્રી અહીં પૌરાણિક સંદર્ભો યાદ કરી પુરુષને ઠપકો આપે છે, નામર્દ કહે છે. સંગ્રહમાં આ રચના શોભતી નથી.


અંધારાનું અજવાળું બનીને બેઠેલો ‘ચોકીદાર’ ચિત્રાત્મક રચના છે. ‘મરજીવા’ રચનાનું ભોંયરું ચિત્રરૂપે ગતિશીલ અને સઘન છે. ‘રોટલો’ ઘડતી અકિંચન સ્ત્રી ચોથા રોટલે આવતીકાલના સૂરજનો સંકેત કરે છે. દક્ષાબહેનની લઘુરચનાઓ કેવી સુબદ્ધ હોય છે એનો આ નમૂનો છે. ઘડિયાળ વિશે ચાર કાવ્યો છે. ‘બેસતું વર્ષ’ સંગ્રહની છેલ્લી રચના છે. પલકારામાં બારીમાંથી અંદર આવી બા-બાપુજીના ફોટા પર બેસે છે, એ રીતે કહે છે ‘સાલ મુબારક’- આ સંગ્રહમાં ગીત કે ગઝલ નથી એ નોંધવું રહ્યું. પ્રકાશન રન્નાદેનું છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી