નસીમ અને હરીશની લઘુકથાઓ : ‘ફરીથી’

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Sep 02, 2018, 12:05 AM IST

અટક મહુવાકર પણ આ દંપતી નસીમ અને હરીશ રહે છે ભાવનગરમાં. એમનાં સંતાનો ઇશા અને રિહાન પણ સાહિત્યમાં વાંચન-લેખન-બેઉ પ્રકારની રુચિ ધરાવે છે. નસીમ-હરીશનો પ્રથમ લઘુકથા સંગ્રહ ‘અમે’ સને 2005માં પ્રગટ થયો હતો. વચ્ચેના દોઢ દાયકામાં લખાયેલી લઘુકથાઓમાંથી પચીસ પચીસ તારવીને ‘ફરીથી’ નામે તૈયાર કરેલો સંગ્રહ લટૂર પ્રકાશને પ્રગટ કર્યો છે. આરંભે વીનેશ અંતાણીનો લેખ છે, છેલ્લે મોહનલાલ પટેલનો. ‘વાત અમારી-તમારી’ દ્વારા સર્જકોએ આપેલી કેફિયતમાં આ ફકરો નોંધપાત્ર છે:


‘જીવનમાં જોયલી, અનુભવેલી, સાંભળેલી ઘટનાઓ, મનને સ્પર્શી ગયેલાં સંવેદનોનો સાથ મળ્યો, ને તૈયાર થયું ‘ફરીથી’. જીવન સહિયારું, સંગ્રહ સહિયારો તો અમારા બંનેના કેટલાક અનુભવો પણ સહિયારા. અમારી કેટલીક લઘુકથાઓ આ બાબતની સાક્ષી, જેમ કે ‘નિત્યક્રમ’ અને ‘ટ્યૂનિંગ’ અમે અનુભવેલા સહિયારા સંવેદનને અમારા પોતાના શબ્દોમાં ઢાળીએ. સંવેદન એક અને કૃતિ જન્મે બે. અમારી ભિન્ન વિશિષ્ટતા સાથે.’
(પૃ. 5, ફરીથી)

આ લેખિકાની પ્રથમ લઘુકથા ‘કોઈનું કોઈ’ નારી સંવેદનનું જમા પાસું વ્યક્ત કરવાની સાથે શ્રમજીવી નારીનું જીવંત ચિત્ર આપે છે

નિત્યક્રમ-નસીમજીની રચના છે તો ‘ટ્યુનિંગ’ હરીશભાઇની. ‘નિત્યક્રમ’માં બાવન ફ્લેટની ઇમારતમાં વાર્તાકથક ગૃહિણી રહે છે. એનો એપાર્ટમેન્ટ ચોથા માળે છે. ગેલેરીમાંથી દેખાતું શહેર, ધીમી હવાની લહેરો અને હાથમાં પુસ્તક-આ છે સુખની ક્ષણો. ત્યાં ગાયત્રીભાભી ભાડે રહેવા આવે છે. નિખાલસ સ્વભાવ અને મીઠું સ્મિત. ‘અમારા સંબંધોની લીલાશ વધતી રહી.’
ગાયત્રીભાભીનો નિવાસ ભોંયતળિયે આવેલા એપાર્ટમેન્ટમાં છે. એ કારણે એમને નાનકડા ફળિયાનો લાભ મળ્યો છે. એમાં એમણે બગીચો બનાવ્યો છે. ‘ભાભી દરરોજ સવારે તુલસીક્યારે આવી દીવો પેટાવે.’ આ સમયે વાર્તાકથક પણ ગેલેરીમાં હોય. ભાભીની પૂજા પતે એટલે પોતે ‘જય શ્રીકૃષ્ણ’ કહે, ભાભી એને. ‘અમારા દિવસની હળવીફૂલ શરૂઆત થાય.’


હવે લઘુકથામાં વળાંક આવે છે. વાર્તાકથક નીચે જુએ છે. બીજું બધું બરાબર છે પણ દીવો અને અગરબત્તી નથી. ગાયત્રીભાભીના નામની બૂમ પાડે છે. પછી યાદ આવે છે: ગાયત્રીભાભી કાલે જ બીજે રહેવા ગયાં છે.


કથા અહીં પૂરી થતી નથી. મોબાઇલ લઇ આવી ગેલેરીમાંથી ફોન જોડી બોલી ઊઠે છે: ‘હેલ્લો ગાયત્રીભાભી! જયશ્રીકૃષ્ણ.’ આ સંબોધનમાં વચ્ચેનું અંતર નાબૂદ થઇ જાય છે. દીવો પ્રગટે છે સંબોધનમાં. દોઢ પૃષ્ઠની આ કથા સાદ્યંત સર્જનાત્મક બની છે.


હરીશભાઇની ‘ટ્યૂનિંગ’ કથામાં પણ મકાન આ પ્રકારનું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં ગૃહિણીનું નામ મીનાબહેન છે. વાર્તાકથક એમની સાથે માર્કેટ, મંદિર બધે જાય છે. મિસકૉલ કરતાં જ એકબીજાનાં મોં બહાર આવી જાય છે.


એકવાર બંને મિસકૉલ કરે છે. ‘દોડતીક ગઇ ગેલેરીમાં ને નીચે ડોકિયું કર્યું, પણ મીનાબહેન દેખાયાં જ નહીં!’ (પૃ. 69, ફરીથી)


હવે વાર્તાકથકનું નામ મીનાબહેનના સંબોધનમાં સાંભળવા મળે છે: આરતીબહેન!
મીનાબહેન હવે ભાડાના જે ઘરમાં ગયાં છે એને ઉપલો માળ જ નથી. પણ મિસકૉલ બંનેને દોડાવે છે. છેલ્લું વાક્ય છે: ‘મને ખબર છે તમેય મારી જેમ જ કર્યું હશે, ખરું ને આરતીબહેન? ને એ પણ હસી પડ્યાં.’
બંને લઘુકથાઓ મિસકૉલનો આધાર લે છે. અંતે જુદાઇ પછીને સદ્્ભાવ બંનેમાં છે. ‘નિત્યક્રમ’માં બગીચો-દીવો-અગરબત્તી એક વાતાવરણ રચે છે. ‘ટ્યૂનિંગ’માં મંદિર-માર્કેટનો સાથ છે.


દંપતીએ એક વિષય પર લખ્યાનો નિર્દેશ કર્યો છે. કોઇકને પ્રશ્ન થાય. કઇ વાર્તા પહેલા લખાઇ હશે? ‘ટ્યૂનિંગ’ વિ-વિદ્યાનગરમાં 2011માં પ્રગટ થઇ છે, ‘નિત્યક્રમ’ ‘સાહિત્યસેતુ’ 2015માં પ્રગટ થઇ છે. નસીમબાનુના લેખનમાં મહુવાનાં હોવાના સંસ્કાર પણ વ્યક્ત થયા છે. હવે કોઇ ત્રીજો લેખક ‘નિત્યક્રમ’થી વધુ સંતર્પક કથા લખી શકે? એમનાં સંતાનોને છૂટ.
આ લેખિકાની પ્રથમ લઘુકથા ‘કોઇનું કોઇ’ નારી સંવેદનનું જમા પાસું વ્યક્ત કરવાની સાથે શ્રમજીવી નારીનું જીવંત ચિત્ર આપે છે.
‘મુંબઇની લોકલ ટ્રેન એટલે પાટા પર ફરતું નગર.’ પહેલું વાક્ય ભાવકને અંદર ખેંચી લે છે. વાર્તાકથક મહિલાને અહીં શરીરો જ શરીરો દેખાય છે. હૂંફ નથી. ‘મને થતું અહીંયાં કોઇ કોઇનું નથી.’


વળાંક સૂચવે છે કે કોઇનું કોઇ છે.
‘જોયું તો એક ફૂલવાળી લઘર-વઘર
વેશ, માથા પર ફૂલોનો ટોપલો, ને કાખમાં છોકરું. ફૂલ જોઇને યાદ આવ્યું, આજ તો ‘વેલેન્ટાઇન ડે.’
ફૂલ વેચતી જાય છે, છોકરું અને પૈસા

સંભાળતી જાય છે. હવે ટોપલામાંથી ફૂલ કાઢવાની જરૂર હતી. અહીં આવે છે કથાનું કેન્દ્ર: ‘પેલી ત્રીસેક વર્ષની ‘મોડર્ન’ સ્ત્રીનું ધ્યાન એના પર ગયું. પોતાની સુંદર ડોક હલાવી એણે ફૂલવાળીને પાસે બોલાવી. ફૂલ ખરીદવા નહીં, ફૂલવાળીના બાળકને તેડી લેવા, જેથી એ ટોપલામાંથી બીજાં ફૂલ કાઢી શકે.’
‘બાળકને ઉઠાવી તે સરસ રીતે રમાડતી રહી. તેનું મન કળી ગયેલું બાળક પણ તેની સાથે કિલ્લોલ કરતું રહ્યું.’
વાર્તાકથકને હવે મહાનગરની મૂડી સમજાય છે. ‘લાગ્યું કે અહીંયાં પણ ‘કોઇનું કોઇ’ તો છે જ.’
હરીશભાઇની કથાઓમાં પણ પરિવાર, સમાજ, કેળવણીના સંદર્ભો સાથે વિધાયક અંત શોધાયો છે. ‘ઓ ડેડ્ડી’ કથામાં વાર્તાકથક એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં છે. માતાપિતાએ મહેનતથી ઘરમાં સ્વર્ગીય વાતાવરણ સર્જ્યું છે. વાર્તાકથક ઇચ્છે છે એની પાસે બાઇક હોય પણ બહેનનું વેવિશાળ, નાના ભાઇનું એડમિશન અને પોતાનું ખર્ચ, એને બાઇક માગતાં રોકે છે. પણ ડેડી તો કહેતા: ‘તું તારે લઇ લે. બોલ ક્યારે લેવા જવું છે?’
છેંતાલીસની વયે ડેડીનું અવસાન થયું છે. એમનું બાઇક ત્રણ અઠવાડિયાં પછી પણ એ
છોડી ગયા હતા તેમનું તેમ પડ્યું હતું. ધૂળ જામી ગઇ હતી.
ડેડી મનોમન દેખાય છે. સૂચવે છે. વાર્તાકથક બાઇક સ્ટાર્ટ કરે છે. ભવિષ્યમાં કૂદકો લગાવ્યો. ‘પોતે છેંતાલીસનો બની દુનિયા જોવા લાગ્યો.’
અભાવ આમ ભાવમાં પરિણમે છે.
X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી