સાહિત્ય વિશેષ / પ્રવૃત્તિમય સંન્યાસી શિરીષ પંચાલ

article by raghuvir chaudahari

રઘુવીર ચૌધરી

Apr 07, 2019, 04:38 PM IST

સાહિત્ય અને કલાવિશ્વ સાથે સંવાદ સાધતા રહેલા અગ્રણી સાહિત્યકાર શિરીષ પંચાલ 75 વર્ષના થયા. ગઈ તા. 16મી માર્ચે અમદાવાદમાં એમના કાર્ય અને આયોજન વિશે બે દિવસનો કાર્યક્રમ યોજાયો. શરીફા વીજળીવાળા, જયદેવથી હસમુખ શાહ અને ગુલામ મોહમ્મદ શેખ, ચંદ્રકાંત ટોપીવાળા સુધીના ત્રણ પેઢીના સાહિત્યકારોએ આ કાર્યક્રમની ગુણવત્તા વધારી અને સાક્ષરનું અમૃતપર્વ કેવું હોઈ શકે એનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. બીજા દિવસે શિરીષ પંચાલ સંપાદિત ‘ભારતીય કથાવિશ્વ’ના બે ખંડ પ્રકાશિત થયા. કુલ પાંચ ગ્રંથની સામગ્રીની આછી રૂપરેખા આપતી પુસ્તિકા સંવાદ પ્રકાશને પ્રગટ કરી છે. સમગ્ર ભારતીય કથાવિશ્વને પાંચ ભાગમાં સમાવવાનું આયોજન કેવું છે?
અગાઉ મધ્યકાલીન કથાનકો વિશે હસુ યાજ્ઞિક અને બોલીઓની કથાઓ વિશે શાંતિભાઈ આચાર્યે કામ કર્યું છે.
ગ્રંથ-1: વેદ, ઉપનિષદ, બ્રાહ્મણોમાં જોવા મળતી કથાઓમાંથી પસંદ કરીને સંપાદિત કરેલી કથાઓ.
ગ્રંથ-2: રામાયણ-મહાભારતમાં મળતી આડકથાઓ.
ગ્રંથ-3: જાતકથાઓ, વસુદેવહિંડી, કથાસરિતસાગર, પઉમચરીય, તરંગલીલા જેવી પ્રાકૃત કથાઓ.
ગ્રંથ-4: પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી, દશકુમારચરિત, શ્રીમદ્્ભાગવત, સ્કંદપુરાણ વગેરે પુરાણોની કથાઓ.
ગ્રંથ-5: લોકકથાઓ.

  • આ પાંચેય ગ્રંથ પ્રગટ થશે ત્યારે ભારતીય કથાવિશ્વનો એક નાનકડો જ્ઞાનકોશ પ્રાપ્ત થયાનો આનંદ થશે

આ સંપાદનનો હેતુ માત્ર સંકલન નથી, પસંદગીપૂર્વક મૂળ કથાનકને નવા સંદર્ભમાં રજૂ કરવાનો છે. અગાઉ કેટલું બધું કામ થયું છે! ‘હાઇનરીક મીમરથી માંડીને એ. કે. વોર્ડર અને હરિવલ્લભ ભાયાણીથી માંડીને હસુ યાજ્ઞિક સુધીના બધા વિદ્વાનો આ મતના છે, કે ભારતીય કથાસાહિત્ય અનેક રીતે સમૃદ્ધ છે. શિરીષભાઈ નોંધે છે તેમ ‘પશ્ચિમની ઘણી બધી કથાઓનાં મૂળિયાં પણ પ્રાચીન ભારતીય કથાઓમાં જોવા મળે છે.’
આ પાંચ ગ્રંથોમાં પસંદગીના અભિગમ અને મૂળ વસ્તુના સ્રોત વિશે શિરીષભાઈ લખે છે: ‘ઋગ્વેદમાં જેટલી કથાઓ અને કથાબીજ જોવા મળે છે તેટલી સામગ્રી બીજા વેદમાં જોવા મળતી નથી. વળી, ઉર્વશી-પુરુરવા, યમ-યમીની કથાઓ ઋગ્વેદમાં વિગતે જોવા મળે છે, આવી સંપૂર્ણ કથાઓ આ વેદોમાં જોવા નહીં મળે. હા, કથાબીજ જોવા મળશે. બહુ જ જાણીતી એક કથા લઈએ ચ્યવન ઋષિની. ઋગ્વેદમાં આવી ઋચાઓ જોવા મળશે કે કેવી રીતે અશ્વિનીકુમારોએ ચ્યવન ઋષિ પર પ્રસન્ન થઈને એમને નવયુવાન બનાવી દીધા, એટલું જ નહીં, એમને પત્નીઓ પણ સંપડાવી આપી. તે અશ્વિનીકુમારો અમારા પર પ્રસન્ન થાય. હવે જ્યારે આપણે આ ઋચા વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે ચ્યવન કોણ, સુકન્યા કોણ, નવયૌવન કેવી રીતે? ઋગ્વેદના સમય પૂર્વે ચ્યવન અને સુકન્યાની કથા લોકોમાં પ્રચલિત હોવી જોઈએ. ઋગ્વેદના ઋષિ માત્ર કથાબીજ આપે છે અને અનુગામી કવિઓ એમાંથી વિકસિત કથાઓ આપણને આપે છે. અહીં કથાઓના સંકેતો વેરવિખેર પડેલા જોઈ શકાય. ક્યારેક આશ્ચર્યજનક સામ્ય ભારતીય સંસ્કૃતિમાં અને ગ્રીક સંસ્કૃતિમાં જોવા મળશે.’(પૃ. 5, ભારતીય કથા વિશ્વ: એક આછી રૂપરેખા).
શિરીષભાઈએ મૂળ સ્રોત અને એમાંથી સર્જાયેલી પરંપરા વિશે તારણો આપતાં પહેલાં વિવિધ સંદર્ભગ્રંથો અને એમની જુદી જુદી વાચનાઓનો અભ્યાસ કર્યો છે. નવાં તારણો આપ્યાં છે. કેટલાંક જોઈએ:
કેટલાક વિદ્વાનો મહાભારતને રામાયણ કરતાં પહેલું મૂકે છે. (અજ્ઞેયજી આમ કહેતા.)
શાકુન્તલના સંદર્ભે ઉમાશંકરે એક જાતકનો ઉલ્લેખ કર્યો છે. જેમાં લાકડાં વીણનારી કન્યાના પ્રેમમાં રાજા પડે છે. એ સગર્ભા થતાં એને વીંટી આપે છે.
વિશ્વામિત્ર જેવું એક નામ હોય, પણ પાત્રો જુદાં હોઈ શકે.
બધી કથાઓમાં અહલ્યા શિલા થતી નથી
રામાયણની સમીક્ષિત વાચનામાં લક્ષણરેખાનો ઉલ્લેખ નથી. (પૃ. 8)
મહાભારતની સમીક્ષિત વાચનામાં એવું જ નોંધાયું છે કે બીજા રાજાઓની જેમ કર્ણ પણ ઊભા થયા અને તે લક્ષ્યવેધ કરી જ ન શક્યા! જ્યારે જાતિગત સભાનતા વધવા માંડી હશે ત્યારે કોઈ કવિએ દ્રૌપદીના મોઢામાં આ ઉક્તિ મૂકી દીધી હશે. (ઉપેન્દ્રરાય સાંડેસરાના સંશોધન મુજબ એક વાર નિષ્ફળ ગયેલા સૂતપુત્ર કર્ણને પોતે નહીં વરે એમ દ્રૌપદી બોલે છે.)
આ પાંચેય ગ્રંથ પ્રગટ થશે ત્યારે ભારતીય કથાવિશ્વનો એક નાનકડો જ્ઞાનકોશ પ્રાપ્ત થયાનો આનંદ થશે. બે પ્રગટ થઈ ચૂક્યા છે.
આ વિભાગમાં અગાઉ શિરીષભાઈની નવલિકાઓ અને વાત આપણા વિવેચનની વિશે લખેલું છે. એ પુસ્તકને દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જાહેર થયેલો, જે તેમણે લીધો ન હતો. ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રની જેમ એ પ્રવૃત્તિમય સંન્યાસી છે.

X
article by raghuvir chaudahari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી