સાિહત્ય વિશેષ / દક્ષિણ ગુજરાતનાં ‘એકલવીર’ વાર્તાકાર

article by raghuvier chaudhari

રઘુવીર ચૌધરી

Feb 17, 2019, 02:57 PM IST

પ્રો. જયશ્રી જે. ચૌધરી વિજ્ઞાન ભણાવે છે. સાથે સાથે પતિશ્રી જીતેન્દ્ર ચૌધરી સાથે સમાજસેવા અને સંશોધન કરે છે. જન્મસ્થળ ડુંગરી, વતન નળધરા, પિતાજીના કાર્યક્ષેત્ર સાપુતારા, આહવા આદિનો પરિચય થતો ગયો. ચૌધરી સમાજનાં ગીતો, વાદ્યો અને વિધિવિધાનો વિશે સી.ડી, ડી.વી.ડી. તૈયાર કરી છે. નિરીક્ષણ અને અનુભવનું વૈવિધ્ય એમને વાર્તાની સામગ્રી મેળવી આપે છે.
‘આશા’ નામનો ચોવીસ વાર્તાઓનો સંચય તૈયાર થાય છે. પોતાના વિસ્તારના કર્મઠ ધારાસભ્ય ઈશ્વરસિંહની સાહિત્યપ્રીતિ બદલ આભાર વ્યક્ત કરે છે. આ બધાં કારણે જયશ્રીબહેન સમકાલીન વાર્તાકારોથી જુદાં પડે છે. નવા લેખકો પુસ્તકનું નામ ‘આશા’ ભાગ્યે જ રાખે, પણ જયશ્રીબહેનને આશા છે ભવિષ્યમાં.

  • પ્રો. જયશ્રી ચૌધરી મોટાભાગે કંઈક નવાની મથામણ કરવાને બદલે જે જોયું સમજાયું એ સાદી સીધી શુદ્ધ ભાષામાં રજૂ કરે છે

પ્રો. જયેશ ભોગાયતાએ સને 2011ના નવલિકાચયનમાં જયશ્રી ચૌધરીની વાર્તા ‘ઇજ્જત કી રોટી’ પસંદ કરેલી. કારણ? લેખિકાએ સાંપ્રત સમાજજીવનમાં ક્રિકેટ મેચના ઉન્માદી વાતાવરણ વચ્ચે ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાનું દુ:ખ સંયત સ્વરે રજૂ કર્યું છે.
આ સામાજિક નિસ્બત મોટાભાગની વાર્તાઓમાં જોઈ શકાય, પણ જે વાર્તાઓમાં આદિવાસી સમાજના રીતરિવાજો અને વહેમોનું વર્ણન થયું છે ત્યાં લેખિકાનો પોતીકો ઇલાકો પ્રગટ થાય છે. આવી એક વાર્તા છે: ‘ભગવાનની મા.’ ભગતના ઘરનું વર્ણન છે. એણે પાછલા બારણે બારસાખને અઢેલીને જોયું તો સાદડાના ઝાડના થડમાં મૂકેલાં સિંદૂર ચોખાના તિલકથી રંગાયેલાં દેવી-દેવતાના પ્રતીકરૂપ પથ્થરો એકબીજાના ટેકે ગોઠવાયેલા હતા. એની નજીક મોરપિચ્છની ઝૂડી જેવી ‘પીંછી’ ઊભી મૂકવામાં આવી હતી. એને યાદ આવ્યું-શરીરમાં અસુખ લાગે એટલે મા મનુસિંહ ભગત પાસે ‘વચન’ના ચોખા અને રૂપિયો લઈને આવે. દક્ષિણ દિશા તરફ પગ લંબાવીને એ બેઠો હોય. ભગત અસ્પષ્ટ ઉચ્ચારોમાં ‘બોલ’ બોલતાં બોલતાં માથાથી પગ તરફ ‘પીંછી’ ફેરવે. એ બંધ આંખે મોરપિચ્છનો સ્પર્શ માણ્યા કરે, જાણે મોર એને પીંછાં વડે પંખો નાખતો ન હોય! એની તમામ તકલીફ ગાયબ થઈ જાય.
લેખક-પ્રકાશક જનક નાયકે અવસાન પૂર્વે આ વાર્તાસંગ્રહની વિસ્તૃત પ્રસ્તાવના લખેલી, જે અહીં વાંચવા મળે છે. એમણે લગભગ દરેક વાર્તાની વિશેષતા તારવી આપી છે. એમણે સેવન ટ્રીઝનો ખાસ ઉલ્લેખ કર્યો છે. બાળઉછેરની ક્ષતિઓ અને શાળામાં અપાતું શિક્ષણ ‘બાળક’ને યંત્ર બનાવે છે, ‘માણસ’ નહીં, એવું દર્શાવતી જયશ્રી ચૌધરીની વાર્તા ‘સેવન ટ્રીઝ’.
કશુંક નવું કરવાની ખેવના ધરાવતા વાર્તાકારો જુદા તરી આવે છે. પ્રો. જયશ્રી ચૌધરી મોટાભાગે એવી કશી મથામણ કરવાને બદલે જે જોયું સમજાયું એ સાદી સીધી શુદ્ધ ભાષામાં રજૂ કરે છે. વાર્તાનું કોઈ પાત્ર વાર્તા દરમિયાન સુધરે એનો જયશ્રી ચૌધરીને વાંધો નથી. પહેલી વાર્તા ‘આશા’ એનું ઉદાહરણ છે.
સાત પૃષ્ઠની ફેન્ટસીપ્રધાન વાર્તા છે ‘સેવન ટ્રીઝ’. સેવન ટ્રીઝ કયાં? નોલેજ ટ્રી, મેનેજમેન્ટ ટ્રી, અચીવમેન્ટ ટ્રી, કમ્પ્યૂટર ટ્રી, પર્સલનાલિટી ટ્રી, લવ ટ્રી અને સેક્સ ટ્રી. આ સાત વૃક્ષો વર્તમાન વિશ્વની સંકુલ પરિસ્થિતિ સૂચવે છે, પણ વાર્તાના કેન્દ્રમાં રહેલા ઐન્દ્રને તો માના પ્રતીક સમા બોન્સાઈ ટ્રીમાં રસ છે અને એ દિશામાં વાર્તા ક્રમશ: આગળ વધે છે.
વાર્તાનો અંત જુઓ: ‘મા મારે કલ્પવૃક્ષ નથી જોઈતું. તું જોઈએ છે.’
એક પળ એને થયું, તુલસીમંજરીથી મહેકતો માનો ચહેરો એના પર ઝળૂંબી રહ્યો છે.
ભયંકર વીજળીનો કડાકો થયો. ઐન્દ્રનું અંગેઅંગ ભયથી ધ્રૂજી ઊઠ્યું. માનો ચહેરો અદૃશ્ય થઈ ગયો. માને જોવા બાવરી બનેલી આંખો ચકળવકળ થતી રહી.
નીરવ ખંડમાં ઐન્દ્રના મસ્તિકમાં સ્મૃતિ ચોસલાંઓ ઘૂમરાવા લાગ્યાં. સ્મૃતિ સરકતી સરકતી આંગળીના ટેરવે આવીને અટકી ગઈ. ઐન્દ્રનો જમણો હાથ અધ્ધર રહી ગયો. વેદનાએ એના ચહેરા પર ચીતરામણ કર્યું. એ અસ્પષ્ટપણે બોલ્યો, ‘મા, હું જાઉં છું.’
બોન્સાઈ ટ્રી ઐન્દ્ર તરફ ઢળતી મુદ્રામાં અકબંધ યથાવત્ ઊભું હતું.
જયશ્રીબહેનની વાર્તામાં દક્ષિણ ગુજરાતની, ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ બરાબર ઝીલાય છે. એટલે જ તેમને દક્ષિણ ગુજરાતના એકલવીર સાહિત્યકાર જેવી ઉપમા આપવામાં અતિશયોક્તિ ન ગણાય.
જયશ્રીબહેનની વાર્તાઓની રજૂઆત સીધી સાદી હોવા છતાં તેમાં રહેલા સત્ય અને તથ્યને કારણે તે સચોટ બની રહે છે. વાર્તાઓમાં સત્યઘટનાનો આધાર હોવાથી તેમાં રહેલી સંવેદનાઓ વાચકોને જરૂર સ્પર્શે છે.
સેવન ટ્રીઝ’ જેવી વાર્તા ગુજરાતી વાર્તા સાહિત્યને સમૃદ્ધ બનાવવા સક્ષમ છે. જયશ્રીબહેન વાર્તાઓ લખતાં રહે અને વધુ સંગ્રહો આપે એવી આશા છે.

X
article by raghuvier chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી