ક્રાઇમ સિક્રેટ / સેલ્યૂટ તો મેડમ તમે કહો એટલી વાર હું કરી દઈશ, પણ... ઇન્સ્પેક્ટરે ત્રણેનાં આઇકાર્ડ માંગ્યાં એ સાથે જ એક ભયંકર ષડ્યંત્ર ખુલ્યું

article by raj bhaskar

રાજ ભાસ્કર

Feb 20, 2019, 12:38 PM IST

નવી દિલ્હીના લાલડુ કસબામાં આવેલી મહેન્દ્ર હોટેલ પર એક વખત ક્રાઈમ બ્રાન્ચની ટુકડી રેડ પાડે છે. હોટેલના માલિક મહેન્દ્રને ધમકાવે છે કે એ ત્યાં દેહવેપારનો ધંધો કરી રહ્યો છે. ગભરાયેલો મહેન્દ્ર કરગરી પડે છે અને કહે છે કે એ એવું કશું જ નથી કરતો, પણ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી માનતી નથી. આથી મહેન્દ્ર નછૂટકે તેમને પૈસા આપવાની વાત કરે છે. આખરે બાર હજારમાં સોદો પાર પડે છે. આ બધી ઘટના બની ત્યારે ત્યાં પોલીસનો એક ખબરી પણ ઉપસ્થિત હતો. બધી વાતો સાંભળતાં એને દાળમાં કંઈક કાળું લાગ્યું. એ તરત જ ત્યાંથી રવાના થયો અને ઇન્સ્પેક્ટર સુખવિન્દર સિંહને સાથે લઈને આવ્યો. ઇ. સુખવિન્દર સિંહની ગાડી હોટેલની બહાર ઊભી રહી ત્યારે પેલા ક્રાઈમ બ્રાન્ચના માણસો ત્યાં જમી રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે એમને જોઈને તાગ મેળવી લીધો કે મામલો જરૂર ગરબડવાળો છે. એ એમની પાસે જ જઈ રહ્યા હતા ત્યાં જ ત્રણે જણ જમીને ઊભા થયા. એ બધા બહાર નીકળતા હતા ત્યાં જ ઇ. સુખવિન્દર સિંહે એમને રોક્યા, ‘સર, બહાર લાલ લાઇટવાળી જે ગાડી ઊભી છે એ તમારી છે?’

  • ઇન્સ્પેક્ટરે એમને જોઈને તાગ મેળવી લીધો કે મામલો જરૂર ગરબડવાળો છે

અચાનક એક વર્દીધારી પોલીસ ઇન્સ્પેક્ટરને સામે ઊભેલો જોઈ પહેલાં તો ત્રણેના ચહેરા પર મુશ્કેલીના ભાવ ઊભરી આવ્યા, પણ પછી તરત જ ત્રણેએ એ ભાવને કાબૂમાં કરી લીધા અને એસ.પી. અમનકુમાર સામે આવીને બોલ્યા, ‘હા, બોલો શું કામ પડ્યું? એ ગાડી અમારી જ છે.’
‘સર, વાત એમ છે કે...’ ઇ. સુખવિન્દર સિંહ બોલવા જતા હતાં ત્યાં જ એ.એસ.પી. સુલેખાએ એમને અટકાવ્યા, ‘એય ઇન્સ્પેક્ટર, કોઈ ડિસિપ્લિન જેવું છે કે નહીં. એસ.પી. સાહેબ છે. એમને પહેલાં સેલ્યૂટ કરવી પડે પછી જ વાત કરાય એટલુંયે ભાન નથી.’
‘સેલ્યૂટ તો મેડમ તમે કહો એટલી વાર હું કરી દઈશ, પણ પહેલાં મને વેરીફાઈ તો કરી લેવા દો કે તમે જે કહો છો તે સાચું છે. તમે ખરેખરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છો કે પછી કોઈ બહુરૂપિયા!’
‘શું વાત કરો છો તમે? હું તમને મારી માનહાનિના કેસમા અંદર કરી દઈશ. લો જોઈ લો આ.’ એસ.પી. અમનકુમારે ચિડાઈને પોતાનું વિઝિટિંગ કાર્ડ ઇ. સુખવિન્દર સિંહ સામે ધર્યું. એટલી વારમાં હોટેલના માલિક મહેન્દ્ર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. એને જોઈને ત્રણેના ચહેરા પર ફરીવાર મુશ્કેલીનાં વાદળો છવાઈ ગયાં. ઇ. સુખવિન્દર સિંહ વિઝિટિંગ કાર્ડ પર નજર ફેરવી રહ્યા હતા. મહેન્દ્ર આવતાં જ એમણે એક તીખી નજર પેલા ત્રણે પર નાખી અને એના તરફ પ્રશ્નસૂચક દૃષ્ટિ સ્થિર કરી.
‘સર, હું આ હોટેલનો માલિક છું.’ મહેન્દ્ર એમની આંખોમાં રહેલો પ્રશ્ન વાંચીને જવાબ આપવા માંડ્યો, ‘મારું નામ મહેન્દ્ર છે. આ હોટેલ મારી છે. આ લોકોએ મને ખોટી રીતે ડરાવી ધમકાવીને મારી પાસેથી બાર હજાર રૂપિયા પડાવી લીધા છે. મને અેમણે ખોટી રીતે બ્લેકમેઇલ કર્યો છે.’
જવાબમાં ઇ. સુખવિન્દર હસ્યા અને મહેન્દ્રના ખભે હાથ મૂકતાં બોલ્યા, ‘મહેન્દ્ર, તમે પણ ખરા છો. બ્લેકમેઇલર બ્લેકમેઇલ ન કરે તો બીજું શું કરે? આ લોકો કોઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ નથી, મહાઠગ બહુરૂપિયા છે.’
ઇ. સુખવિન્દરના શબ્દો સાંભળીને મહેન્દ્ર સાથે સાથે પેલો પોલીસનો ખબરી પણ ચોંકી ઊઠ્યો. એને તો એમ હતું કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જ લાંચ લઈ રહ્યા છે, પણ જે કંઈ થઈ રહ્યું હતું એ એની ધારણાની બહાર હતું. નકલી ક્રાઈમ બ્રાન્ચ. સાહેબોને પણ નહોતું સમજાઈ રહ્યું કે હવે શું કરવું. ત્રણેમાંથી કોઈ કાંઈ બોલી પણ નહોતું શકતું. ઇ. સુખવિન્દર સિંહે ઘટનાસ્થળ પર જ ત્રણેની તલાશી લીધી. એમની પાસેથી કુલ પાંચ બનાવટી આઇકાર્ડ મળ્યાં. જેમાં એક સુલેખા તિવારીના નામે હતું અને એક યતીન્દ્ર ડાવરાના નામે. જેના પર લખ્યું હતું સુપરિટેન્ડેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ, પણ બાકીના ત્રણે આઇકાર્ડ એક જ વ્યક્તિ અમનકુમારના નામે હતાં અને જુદા જુદા હોદ્દા બતાવતા હતા. આ આઇકાર્ડ જ એ ત્રણેના બનાવટી હોવાની ચાડી ફૂંકતાં હતાં. ઇ. સુખવિન્દર સિંહે તાત્કાલિક બહાર ઊભેલી ફોર્સને જાણ કરી. ત્રણેની ધરપકડ કરી લેવામાં આવી. બહાર લાલ લાઇટવાળી એમ્બેસેડરમાં બેઠેલા ડ્રાઇવરને પણ પકડી લેવામાં આવ્યો.
* * *
ચારેતરફ હાહાકાર મચી ગયો હતો. આ કોઈ મામૂલી કેસ નહોતો. ઇ. સુખવિન્દર અને ખબરીની સતર્કતાએ જિલ્લાના મહાઠગોને હાથ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના નામે ચાલતી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉપમડલ ડેરાના પોલીસ કમિશનર તાત્કાલિક લાલડુ દોડી આવ્યા અને લાલડુ પોલીસની પીઠ થપથપાવી. કમિશનર સાહેબ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ચારેયની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન ચારેયે રજૂ કરેલી દાસ્તાન સાંભળ્યા પછી પોલીસને જાણ થઈ કે સમગ્ર પ્રકરણમાં આ ચાર મહાઠગ ઉપરાંત એક અન્ય જણ પણ સામેલ છે.
* * *
દાસ્તાન કંઈક આવી હતી. પંચકુલાના સેક્ટર 20માં રહેતા પત્રકાર સુભાષ ચંદ્રને બે દીકરા હતા. મોટો સંજય અને નાનો યતીશ. યતીશના છૂટાછેડા થઈ ગયા હતા અને એ પણ પિતાના પગલે પત્રકારત્વમાં જોડાયો હતો. પત્રકારત્વ દરમિયાન યતીશની ઓળખાણ સુધા સાથે થઈ. સુધાએ પણ એના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને એકલી રહેતી હતી. ધીમેધીમે બંને પ્રેમમાં પડ્યાં અને 2007માં પંચકુલાના ઐતિહાસિક મંદિર મનસાદેવીમાં લગ્ન કરી લીધાં.
થોડા જ સમયમાં બનેને લાગ્યું કે પત્રકારત્વમાં વાહવાહી છે. માન સન્માન છે, પણ મબલખ પૈસા નથી. આથી બંનેએ પંચકુલાના સેક્ટર 10માં ચેનલ 8ના નામે પ્રાઇવેટ ચેનલ શરૂ કરી અને લોકોને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું. એમાં એમને સાથ મળ્યો એમને ત્યાં પત્રકાર તરીકે જોડાયેલા કુરુક્ષેત્રના રહીશ અમનકુમારનો. ત્રણેની ટોળકી પત્રકારત્વની આડમાં લોકોને લૂંટતી રહી, પણ હવે એમની ભૂખ વધારે ઊઘડી હતી. થોડા જ સમયમાં એમણે ક્રાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી લોકોને લૂંટી લેવાનો જબરદસ્ત પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં ખૂબ જ પૈસા હતા. આ કાર્યમાં કુરુક્ષેત્રના મારકડા ગામનો નિવાસી ગુરુદયાલ સિંહનો પુત્ર સુરેશ પણ જોડાયો. સુરેશ અમનનો મિત્ર હતો અને એ ડ્રાઇવર તરીકે જોડાયો હતો. આ આખાયે પ્લાનને આખરી ઓપ આપવા જરૂર હતી એક વિશ્વાસુ ફોટોગ્રાફર અને આર્ટિસ્ટની. એ જવાબદારી નિભાવી અમનના જ અન્ય એક મિત્ર તેજેન્દ્ર સિંહે. તેજેન્દ્ર સિંહ ફોટોગ્રાફર અને કમ્પ્યૂટરનો બિઝનેસ કરતો હતો. એણે જ આ ટોળકીને ક્રાઈમ બ્રાન્ચનાં નકલી આઇકાર્ડ બનાવી આપ્યાં હતાં અને નકલી વર્દીમાં ચારેયના ફોટા પણ પાડી આપ્યા હતા. નકલી આઇકાર્ડ દ્વારા સુધા ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર સુલેખા તિવારી બની ગઈ, યતીશ યતીન્દ્ર ડાવરા બની ગયો અને અમનકુમારે અમનકુમારના નામે જ છેતરપિંડી કરવાનું પસંદ કર્યું.
બસ, પછી તો આ ટોળકી આખાયે જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચના નામે લૂંટ કરતી રહી. ધીમે ધીમે એમની હિંમત વધતી જતી હતી. એ ગમે ત્યારે ગમે તેને ક્રાઈમ બ્રાન્ચની હુલ આપી લૂંટી લેતાં હતાં. છેલ્લે તો એમણે એક બેન્ક લૂંટવાનો પ્લાન પણ બનાવ્યો હતો. 14મી ઓગસ્ટના દિવસે પણ આ ટોળકી લાલડુ વિસ્તારમાં એક બેન્કની શોધમાં જ ફરી રહી ત્યાં જ એમની નજર હોટેલ મહેન્દ્ર પર ગઈ. ભૂખ બહુ લાગી હતી. થયું ચાલો જમી પણ લઈએ અને હોટેલ માલિક પાસેથી થોડી ખિસ્સાખર્ચી પણ લેતા જઈએ. આખરે એમણે એમનું ચક્કર ચલાવીને હોટેલના માલિક પાસેથી બાર હજાર રૂપિયા તો પડાવી લીધા, પણ પછી મફતનું ભોજન એમને મોંઘું પડી ગયું. પૈસા લઈને એ લોકો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હોત તો કોઈ વાંધો નહોતો, પણ એ લોકો અતિ આત્મવિશ્વાસમાં ભોજન કરવા બેઠાં એમાં પકડાઈ ગયાં.
જિંદગીનો નિયમ છે કે વધારે પડતી ભૂખ માણસને મારી નાખે છે. ચાહે તે પૈસાની ભૂખ હોય કે ભોજનની. એમાંય બીજા પાસેથી છીનવીને માણસ જ્યારે પોતાની ભૂખ સંતોષે ત્યારે તો ખાસ. દેખીતી રીતે તો આ લોકો એમની ભોજનની ભૂખને કારણે પકડાયાં હતાં, પણ ખરેખર એમને સજા થઈ હતી એમની પૈસાની ભૂખ અને બીજા પાસેથી છીનવી લેવાની આદતને કારણે. છીનવીને ખાવું એ એક ક્રાઇમ છે અને છીનવીને ખાધેલું ક્યારેય પચતું નથી.

સમાપ્ત
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી