રે જિંદગી / છોકરાં હવે મોટાં થયાં, જરા લાજો!

article raj bhaskar

રાજ ભાસ્કર

Feb 17, 2019, 03:15 PM IST

‘પપ્પા! હવે કચકચ કરવાનું બંધ કરો! મારું દિમાગ હટી જશે તો હું કંઈક બોલી બેસીશ! બોલતો નથી એટલે તમે માથે ચડી ગયા છો હં.’ પ્રવાલ પગ પછાડતો બહાર નીકળી ગયો. બહારથી બાઇક જવાનો અવાજ આવ્યો. જમનાદાસને લાગ્યું જાણે બાઇકનાં વ્હીલ એમના હૃદય પર ફરી વળ્યાં છે.
જમનાદાસ પત્ની શારદા તરફ ફર્યા, ‘જોયું શારદા! આ આજકાલના છોકરાઓ’ પણ એ આગળ ન બોલી શક્યા. શારદાબહેને ઊલટાનો એમનો ઊઘડો લીધો. ‘શું આજકાલના છોકરાઓ? પ્રવાલ સાચું જ કહે છે. તમને નાની-નાની વાતમાં ખણખોદ કરવાની આદત પડી ગઈ છે. છોકરાંઓ હવે મોટાં થયાં જરા લાજો.’
‘શારદા! મા-બાપ માટે છોકરાંઓ ક્યારેય મોટાં થતાં જ નથી.’
‘થોથાનું થૂંક ન ઉડાડો, છાનામાના બેસો!’

  • છોકરાંઓએ શારદાબહેન સાથે ક્યારેય ખરાબ વર્તન નહોતું કર્યું એટલે એમને ખબર નહોતી કે છોકરાંઓ મોઢું તોડી લે એ ઘા કેટલો ઊંડો હોય છે. સમય પારખીને જમનાદાસે હોઠ સીવી લીધા

ત્યાં જ દસમા ધોરણમાં ભણતી દીકરી પ્રજ્ઞા પ્રવેશી. બાર ને વીસે સ્કૂલમાંથી છૂટતી દીકરી ત્રણ વાગ્યે ઘરે આવી રહી હતી. જમનાદાસે સ્વભાવ મુજબ એને પણ ટપારી, ‘બેટા, તારી સ્કૂલથી ઘરનું અંતર માંડ અઢી મિનિટનું છે અને તું અઢી કલાકે ઘરે આવી રહી છે, ક્યાં હતી?’
જવાબમાં પ્રજ્ઞાએ ડોળા કાઢી બૂમ મારી, ‘મમ્મી, આમને સમજાવ નહીંતર..!’ અને શારદાબહેને ફરી પતિનો ઊઘડો લીધો, ‘જો પાછા બડબડ કરવા લાગ્યા. એ જ્યાં ગઈ હોય ત્યાં, તમારી લૂલીને બંધ રાખો. એકવાર કીધુંને કે છોકરાં હવે મોટાં થયાં.’
ચાર જણનું કુટુંબ હતું, પણ જમનાદાસ એકલા હતા. પત્ની શારદા છોકરાંઓને માથે ચડાવે જતી હતી. જમનાદાસ કંઈ બોલે તો છોકરાંઓનો પક્ષ લઈ ઊલટાના એમને ખખડાવી નાખતી. આના લીધે છોકરાંઓ બગડીને બેહાલ થઈ ગયાં હતાં. બાપને જેમ ફાવે તેમ બોલતાં હતાં. સંસ્કાર નામની નદી સૂકી ભઠ્ઠ થઈ ગઈ હતી.
જમનાદાસે ઘણીવાર છોકરાઓ અને પત્નીને સમજાવવાની કોશિશ કરી જોઈ, પણ બધું વ્યર્થ હતું. શારદાબહેન બાળકોને વધારે ને વધારે ઉશ્કેરતાં. દીકરો- દીકરી એમની સાથે ખૂબ સારો વ્યવહાર રાખતાં, કારણ કે મમ્મી ક્યારેય એમને ટોકતી નહોતી. બધી વાતે છૂટછાટ આપતી હતી. જ્યારે પપ્પા વાતે વાતે ટપારતા રહેતા.
છોકરાંઓએ શારદાબહેન સાથે ક્યારેય ખરાબ વર્તન નહોતું કર્યું એટલે એમને ખબર નહોતી કે છોકરાંઓ મોઢું તોડી લે એ ઘા કેટલો ઊંડો હોય છે. સમય પારખીને જમનાદાસે હોઠ સીવી લીધા હતા. મમ્મીને માખણ લગાવીને પ્રવાલ અને પ્રજ્ઞા બંને ક્યાંયના ક્યાંય લસરી ગયાં હતાં.
***
રાતનો બરાબર એક વાગ્યો હતો. જમનાદાસ અને શારદાબહેન દીકરાના આવવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યાં જ બારણું ખખડ્યું. શારદાબહેને બારણું ખોલ્યું એ સાથે જ દારૂના નશામાં ધૂત પ્રવાલ લથડિયાં ખાતો અંદર દાખલ થયો. જમનાદાસ મૂંગા મોઢે બધો ખેલ જોઈ રહ્યા હતા.
પ્રવાલ સાથે એક છોકરી પણ હતી. એણે પણ દારૂ પીધો હોય એવું લાગતું હતું. પ્રવાલની આવી ગુસ્તાખી જોઈ શારદાબહેનનું દિમાગ ફાટી ગયું, ‘પ્રવાલ! નાલાયક, આ શું માંડ્યું છે?’
‘એય, બુઢ્ઢી ચલ હટ! અંદર જઈને સૂઈ જા.’ શારદાબહેનને લાગ્યું જાણે કોઈએ ગરમ-ગરમ સળિયોં છાતીમાં ભોંકી દીધો છે. એ બબડતાં રહ્યાં અને પ્રવાલ પેલી છોકરીને લઈને એના રૂમમાં જતો રહ્યો. સામે જ પ્રજ્ઞા ઊભી હતી. શારદાબહેન એને ભેટી પડ્યાં, ‘પ્રજ્ઞા જોયું! આ છોકરાએ મને કેવું કીધું!’
‘તે કહે જ ને! તું પણ પપ્પા જેવી છીછરી થઈ ગઈ છે. પપ્પાને કહ્યા કરે છે, પણ તું જ નથી સમજતી કે છોકરાં હવે મોટાં થઈ ગયાં છે. જા હવે બડબડ કર્યા વગર ઊંઘી જા. ભઈલાને ડિસ્ટર્બ થશે.’
ઓરડામાં આવી શારદાબહેન પતિના પગમાં પડી ગયાં. ‘મને માફ કરો, મને ખબર ન’તી કે છોકરાંઓ આટલાં બધાં મોટાં થઈ જશે. મહેરબાની કરી કંઈક કરો નહીંતર આ છોકરાંઓ આપણને બદનામ કરી નાખશે. તમારા હોઠના ટાંકા ખોલો હવે.’
પત્નીનો સાથ મળતાં જ જમનાદાસમાં નવું જોમ ભરાયું. એ ઊભા થયા. પલંગ નીચે પડેલો ડંડો લીધો અને વાવાઝોડાની જેમ પ્રવાલના ઓરડા તરફ ધસી ગયા. પા કલાક પછી પ્રવાલ પપ્પાની લાત અને ડંડાથી સૂઝેલા બરડે બાપની માફી માગી રહ્યો હતો. બીજા દિવસથી બાર ને વીસે છૂટતી પ્રજ્ઞા બાર ને ત્રેવીસે ઘરમાં દાખલ થઈ હતી અને દારૂમાં ખૂંપેલો પ્રવાલ મેથ્સના દાખલામાં ખૂંપી ગયો હતો. ક્યારેક ક્યારેક પેગ મારવાનું મન થઈ જતું, પણ તરત જ એને લાત રૂપે પડતો પપ્પાનો પગ યાદ આવી જતો.
[email protected]

X
article raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી