ક્રાઇમ સિક્રેટ / એને ખબર નહોતી કે અજાણતાં મારેલા ધક્કાથી એનું મોત થઈ જશે

article by raj bhaskar

રાજ ભાસ્કર

Apr 24, 2019, 05:09 PM IST

મુંબઈમાં રહેતી બોલિવૂડની પ્રખ્યાત મોડેલ અને ફેશન ડિઝાઇનર સુનિતાસિંહ લાઠુરની એના જ ઘરમાંથી લાશ મળે છે. એ દીકરા લક્ષ્યસિંહ સાથે રહેતી હોય છે. લક્ષ્યના કહેવા મુજબ સવારે એ મંદિરે ગયો ત્યારે એની માતા બેડરૂમમાં જ હતી. માતાને ડ્રગ્સની લત હતી અને એના પિતા કુલદીપસિંહનો આત્મા એને હેરાન કરતો હતો.
લક્ષ્યસિંહ આખા કેસને ભૂતપ્રેતની બાબતમાં ઉલઝાવી દેવા માગતો હતો, પણ પોલીસ સુનિતાની કુંડળી કાઢે છે. સુનિતાએ પતિને ઘણાં વર્ષ પહેલાં તલાક આપી દીધા હોય છે અને એ જીવતો હોય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનિતાને ખૂબ માર મારવામાં આવ્યો હોય છે અને એના માથામાં કોઈ કઠણ પદાર્થ વાગવાથી એનું મૃત્યુ થયું હોય છે.
ઇન્સપેક્ટર પાલસકર માટે કેસ પેચિદો બની ગયો હતો. હવે સુનિતાસિંહનો દીકરો લક્ષ્યસિંહ અને પતિ કુલદીપસિંહ બંને શંકાના ઘેરામાં આવી ગયા હતા. સાથે સાથે એ પ્રશ્ન પણ સતાવી રહ્યો હતો કે, ફોન કરીને પોલીસને ખૂનની બાતમી આપનાર છે કોણ? એને કેવી રીતે ખબર પડી કે રૂમ નંબર 301માં સુનિતાની લાશ પડી છે.
પાલસકરે ડીસીપી મનોજ શર્મા સમક્ષ અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનની વાત રજૂ કરી. ડીસીપી સાહેબે કહ્યું, ‘પાલસકર, આ કેસ હાઇપ્રોફાઇલ છે. કુલદીપસિંહ અથવા તો લક્ષ્યસિંહે આ હત્યા કરી હોય તેવું લાગે છે. બની શકે કે બંનેએ સાથે મળીને પણ હત્યા કરી હોય અને બેમાંથી જ કોઈએ બહાર જઈને પબ્લિક ટેલિફોન બૂથમાંથી ફોન કરી પોલીસને જાણ કરી હોય. તમે એક કામ કરો, કુલદિપસિંહનો પત્તો શોધો અને એને અહીં લઈ આવો. લક્ષ્યસિંહના કોલ રેકોર્ડની તપાસ કરો, એની પ્રેમિકા અને મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવો. એમની પાસેથી માહિતી મેળવ્યા પછી જ લક્ષ્યની ફરીવાર પૂછપરછ કરો. ડ્રગ્સ એડિક્ટ ગુનેગારોના રિમાન્ડની એક જુદી જ ટ્રિક હોય છે. એ માત્ર ડંડાથી કે મારથી મોં નથી ખોલતા. લાગણીથી, ચાલાકીથી એમની પાસેથી સત્ય ઓકાવું પડે છે.’
‘ઓ.કે. સર!’
ડીસીપીની સૂચના મળતાં જ ઇન્સપેક્ટર પાલસકરે એક ટીમ બનાવીને કુલદીપસિંહની તપાસ માટે મોકલી. દરમિયાન હત્યાના દિવસે લક્ષ્યસિંહના ઘરે કોણ કોણ આવ્યું હતું એની પણ તપાસ કરી. હત્યાના દિવસે લક્ષ્યસિંહની પ્રેમિકા એશપ્રિયા અને એનો મિત્ર નિખિલ સીસીટીવી કેમેરામાં સાંજે ચાર વાગ્યે ફ્લેટમાં જતાં જોવા મળ્યાં. પાલસકરે સૌથી પહેલાં એશપ્રિયાને પૂછપરછ માટે બોલાવી.
‘એશપ્રિયા, સુનિતાસિંહની હત્યા થઈ એ રાત્રે તું ક્યાં હતી?’
‘એના ઘરે જ હતી સર!’ એશપ્રિયાએ બિન્ધાસ્ત જવાબ આપ્યો.
‘બીજું કોણ કોણ હતું?’
‘નિખિલ પણ હતો. મેં, નિખિલ, લક્ષ્ય અને એની મોમ સુનિતાએ એ દિવસે ડ્રગ્સ અને શરાબની પાર્ટી કરી હતી. પાર્ટી દરમિયાન લક્ષ્ય અને એની માતા વચ્ચે આર્થિક બાબતે ખૂબ ઝઘડો થયો હતો. અમે માંડ માંડ એમને શાંત પાડ્યાં હતાં.’
‘ડ્રગ્સનો નશો પ્રતિબંધિત છે એની તને ખબર છેને?’
‘હા, ખબર છે સર! પણ હું એટલા માટે સાચું બોલી રહી છું કે હું કોઈ પણ મુશ્કેલીમાં ફસાવા માંગતી નથી. જે થયું હતું એ કહું છું. એ દિવસે રાત્રે અગિયાર વાગ્યે હું અને નિખિલ ત્યાંથી નીકળી ગયાં હતાં. ગયાં ત્યારે પણ મા-દીકરા વચ્ચે ચડભડ ચાલુ હતી. પછી શું થયું એની અમને બિલકુલ ખબર નથી સર! તમારે ડ્રગ્સના નશાની જે સજા કરવી હોય એ કરો, પણ હું બીજું કંઈ નથી જાણતી.’
એશપ્રિયાને પાલસકરે ઘણા પ્રશ્નો પૂછ્યા. એની વાતમાં રહેલો સચ્ચાઈનો રણકો પારખીને એમણે એને જવા દીધી. એ પછી નિખિલની પૂછપરછમાં પણ આ જ માહિતી મળી. બંને પર વોચ ગોઠવીને ઇન્સપેક્ટર પાલસકર આગળના ઇન્વેસ્ટિગેશનમાં લાગ્યા. દરમિયાન પોલીસ ટીમે કુલદીપસિંહને પણ શોધી કાઢ્યો હતો.
પાલસકરનું ઇન્વેસ્ટિગેશન અને અનુભવ કહેતો હતો કે લક્ષ્યસિંહ જ હત્યારો છે. બે દિવસથી એ એમની કસ્ટડીમાં હતો. આખરે એમણે એની ફરીવાર પૂછપરછ શરૂ કરી. લક્ષ્યસિંહ ડ્રગ્સ એડિક્ટ હતો એટલે એમણે ખૂબ સાવચેતીપૂર્વક વાત મૂકી, ‘જો લક્ષ્ય, અમને ખબર છે કે તારાથી ભૂલથી માતા પર વાર થઈ ગયો છે અને અજાણતાં જ એ મરી ગઈ છે. તું નશામાં હતો એટલે તારો વાંક જ નથી. આ બધું અજાણતાં થયું છે.’
ઇન્સપેક્ટર પાલસકરનાં વાક્યો સાંભળી લક્ષ્યસિંહ ઘડીભર સ્તબ્ધ થઈને એમની સામે જોઈ રહ્યો. પાલસકરે ફરીવાર કહ્યું, ‘તું ચિંતા ન કર! આ બધું અજાણતાં થઈ ગયું છે. અજાણતાં થયેલી ભૂલની બહુ જ ઓછી સજા હોય છે. એમાંય જો તું કબૂલી લઈશ અને સાચેસાચું કહી દઈશ તો સાવ મામૂલી સજા થશે અને કદાચ ન પણ થાય. બોલ ભાઈ, શું થયું હતું એ દિવસે?’
પાલસકરે પૂછ્યું પણ લક્ષ્યસિંહે કંઈ જવાબ ન આપ્યો. એ થરથર ધ્રૂજી રહ્યો હતો. પાલસકરે બીજો દાવ નાખ્યો, ‘બેટા લક્ષ્ય, તારી જિંદગી ખરાબ કરનારી તારી માતા જ છે. એણે જ તને ડ્રગ્સની લત લગાડી અને બીજું એક ભયંકર સત્ય કહું? એ સત્ય એ છે કે તારા પપ્પા કુલદીપસિંહ મર્યા નથી. એ જીવે છે. તારી માતા તારી સાથે ખોટું બોલતી હતી. પપ્પાનો કોઈ આત્મા એમનામાં આવતો નહોતો. એ બધાં નાટક હતાં.’
આ વખતે ઇન્સપેક્ટર પાલસકરની વાત સાંભળી લક્ષ્ય ખળભળી ગયો. એ ચીખી ઊઠ્યો, ‘શું વાત કરો છો સર! મારા પપ્પા જીવે છે? મારી મમ્મીએ આખી જિંદગી મારી સાથે જૂઠ ચલાવ્યું. મને અંધારામાં રાખ્યો!’
‘હા, એ જીવે છે અને આજે સાંજ સુધીમાં જ અહીં તારી સામે આવી જશે.’
પાલસકરની વાત સાંભળીને લક્ષ્યસિંહ જોરજોરથી રડવા લાગ્યો. ઇન્સ્પેક્ટરે એને હળવો થઈ જવા દીધો. પછી લક્ષ્ય ખુદ બોલવા લાગ્યો, ‘તમારી વાત સાચી છે સાહેબ. મારાથી ભૂલથી આ કામ થઈ ગયું છે. મારો ઇરાદો મમ્મીને મારવાનો નહોતો. એ દિવસે સાંજે ચાર વાગ્યે હું, એશપ્રિયા, નિખિલ અને મમ્મી ડ્રગ્સ લેવા બેઠાં. એ દરમિયાન અમારી વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો. એનું કામ બંધ થઈ ગયું હતું. પૈસા ખૂટી રહ્યા હતા, પણ એણે એશોઆરામ નહોતા છોડવા. એ મારી પાસે પૈસાની માંગણી કરી રહી હતી. એ બાબતે ઝઘડો થયો હતો. મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે એશપ્રિયા અને નિખિલ ગયાં. પછી મમ્મીએે મારી સાથે વધારે ઝઘડો શરૂ કર્યો. હું નશામાં હતો. હું મમ્મીને મારવા લાગ્યો. એ મારા હાથમાં નહોતી રહેતી એટલે એને ધક્કો મારી બાથરૂમમાં પૂરી દીધી અને રાત્રે બહાર નીકળી ગયો. મોડી રાત્રે પાછો આવીને મારા બેડરૂમમાં જઈને સૂઈ ગયો. સવારે ઊઠ્યો ત્યારે મારો નશો ઊતરી ગયો હતો. મને મમ્મીની યાદ આવી. હું તરત જ બાથરૂમ તરફ ગયો, પણ જોયું તો મમ્મી મરેલી પડી હતી. એને બાથરૂમમાં પૂરતી વખતે ભૂલથી ધક્કો વાગી જતાં એનું માથું નળ સાથે અથડાયું હશે અને એ મરી ગઈ હશે. હું તરત જ મમ્મીને બહાર ઢસડી લાવ્યો અને ફર્શ પર સુવડાવી. પછી આખુંયે બાથરૂમ ધોઈને સાફ કર્યું. એ પછી હું બહાર નીકળી ગયો અને મારા એક જ્વેલર મિત્રને મળ્યો. એને આખી વાત કરી. એણે સલાહ આપી કે જે થયું એ ભૂલી જઈને હું સીધો જ ઘરે પહોંચી જાઉં. રાતની વાત વિશે કોઈને વાત ન કરું, જે થાય તે જોયા કરું. હું ઘરે આવ્યો ત્યારે તમે ત્યાં હાજર હતા. પછી ઇન્વેસ્ટિગેશન ચાલ્યું, પણ મને ડર લાગતો હતો એટલે સાચું ન બોલ્યો.’ આટલું બોલીને લક્ષ્ય રડી પડ્યો. લક્ષ્ય પાસેથી જ્વેલરનું નામ લઈ એને પણ પોલીસ સ્ટેશને બોલાવી લેવામાં આવ્યો. એણે કબૂલ કર્યું કે એણે જ પબ્લિક બૂથમાંથી ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પાલસકરે ઇન્ડિયન પીનલ કોડની ધારા 304 અંતર્ગત અજાણતાં થયેલી હત્યાના આરોપમાં લક્ષ્યસિંહની કાયદેસરની ધરપકડ કરી. દરમિયાન સાંજે કુલદીપસિંહ લાઠર આવી પહોંચ્યા. દીકરા લક્ષ્યે જ પોતાની માતાની હત્યા કરી છે એ જાણીને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેલના સળિયા પાછળ કેદ દીકરાને મળીને તેઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા. ઇન્સપેક્ટર પાલસકરે ખૂબ જ હોશિયારીપૂર્વક આખાયે ક્રાઇમનું સિક્રેટ ખોલ્યું એ બદલ ડીસીપીએ એમને ધન્યવાદ આપ્યા. અતિ મહત્ત્વાકાંક્ષા અને બેફામ જીવનશૈલી ક્રાઇમને જન્મ આપે છે અને અનેક જીવન બરબાદ કરે છે એનું આ કેસ સાર્થક ઉદાહરણ છે. સમાપ્ત.

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી