રે જિંદગી / શુક્રિયા ઉસ યેડે ઇન્સ્પેક્ટર કા!

article by raj bhaskar

રાજ ભાસ્કર

Apr 21, 2019, 04:52 PM IST

ટાઇમ હતો સવારના દસનો. ઓફિસ ટાઇમમાં ટ્રાફિક સ્વાભાવિક જ વધારે હતો. ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ. કે. માલવિયા ગાંધીરોડ પર ઊભા ઊભા પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્યાં જ રોંગ સાઇડમાંથી ધરધરાટ કરતી એક રિક્ષા ઘૂસી આવી. માલવિયા દોડ્યા. ડંડો ઉગામીને રિક્ષા ઊભી રખાવી.
રિક્ષામાંથી એક સાવ ઘરડો માણસ નીચે ઊતર્યો. આંખે બેતાલાનાં ચશ્માં, થીગડાંવાળો શર્ટ અને સાવ જરીપુરાણું પેન્ટ. શરીર હતું કે હાડપિંજર એ નક્કી કરવું ઇ. માલવિયા માટે પણ મુશ્કેલ થઈ પડ્યું. ઊતરતાંવેંત એણે બંને હાથ જોડી દીધા, ‘સાહબ, ભૂલ હો ગઈ!’
‘હાથ જોડવાનું બંધ કરો અને લાઇસન્સ બતાવો. આ વન વે છે ખબર નથી પડતી.’
ઇન્સ્પેક્ટરે પૂરેપૂરી સભ્યતાથી વાત કરી. પેલો માણસ નીચું ઘાલી ફરી બોલ્યો, ‘સાહબ, ગલતી હો ગઈ. જાને દીજિયે ના!’ એને ખબર હતી કે એકવાર લાઇસન્સ પોલીસના હાથમાં જશે પછી દંડ ભર્યા વગર પાછું નહીં આવે, પણ ઇન્સ્પેક્ટર ન માન્યા. આખરે એણે લાઇસન્સ કાઢવું પડ્યું. લાયસન્સ ચેક કરી ઇન્સ્પેક્ટર બોલ્યા, ‘બસો રૂપિયા દંડ ભરો ભાઈ અને હવેથી ધ્યાન રાખજો.’
પેલો કરગરી પડ્યો. ‘સાહબ! મહેરબાની કીજિયે.’

  • ‘મુઝે પતા થા સાહબ કી મૈં રોંગ સાઇડ મેં ઘૂસ રહા હૂં, લેકિન પાપી પેટ કે લિયે પાંચ રૂપયે બચાને કે લિયે ઐસા કિયા.’ એણે એના ઊંડા ઊતરી ગયેલા પેટ પર ત્રણ વાર થપાટ મારી

‘શું કામ હું મહેરબાની કરું? રોંગ સાઇડમાં ગાડી ચલાવતી વખતે ખબર નથી પડતી?’
જવાબમાં પેલો માણસ રડી પડ્યો, ‘મુઝે પતા થા સાહબ કી મૈં રોંગ સાઇડ મેં ઘૂસ રહા હૂં, લેકિન પાપી પેટ કે લિયે પાંચ રૂપયે બચાને કે લિયે ઐસા કિયા.’ એણે એના ઊંડા ઊતરી ગયેલા પેટ પર ત્રણ વાર થપાટ મારી, ‘ભાડે કી રિક્ષા હૈ સાહબ! હરરોજ કા તીનસો રૂપયે ભાડા ઔર સો ડેઢસો કા ગૈસ. ઉસકે બાદ જો બચે વો મેરા. બારહ લોગોં કા પરિવાર હૈ. બીમાર મા હૈ. સબકા ગુજારા મેરી ઇસ આમદની સે હી ચલાના પડતા હૈ. રોજ મેરે હિસ્સે તીનસો-ચારસો રૂપયે બચતે હૈં. ઉતને મેં બારા લોગોં કા ગુજારા કરને કા ઔર બીમાર મા કી દવા ભી કરને કી. એક ટાઇમ ભરપેટ ખાના નહીં મિલતા ઇસ લિયે પાંચ-પાંચ રૂપયે બચાતા હૂં. ઉસ તરફ સે જાતા તો પાંચ રૂપયે કા ગૈસ જ્યાદા જલતા...’ એણે ખમીસની બાંયથી આંસુ લૂછયાં, ‘અબ આપ દોસો રૂપયે દંડ લે લેંગે તો મેરે બચ્ચોં કો ભૂખા રહના પડેગા.’
ઇન્સ્પેક્ટરને સમજાયુ નહીં કે શું કરવું. એમણે ફરીવાર એના પર નજર નાખી. હવે એમને સમજાયું કે આ માણસ ઘરડો નથી, કાળની થપાટે અકાળે વૃદ્ધત્વ બેસી ગયું છે. એમનું મન આકુળવ્યાકુળ થઈ ગયું. પાછળ બેઠેલો એક પેસેન્જર પણ બોલ્યો, ‘સાહેબ, જવા દો ને, ગરીબ માણસ છે.’ ઇન્સ્પેક્ટરે માથું હલાવ્યું અને લાઇસન્સ પાછું આપ્યું. પેલો માણસ કમરથી ઝૂકીને ઇન્સ્પેક્ટરને સલામ ઠોકતો ચાલ્યો ગયો.
એ રિક્ષામાં બેઠો, સેલ માર્યો ત્યાં જ ઇન્સ્પેક્ટરે ઇશારો કરી એને પાછો બોલાવ્યો, ‘જી સાહબ!’
‘આ લો આ પચાસ રૂપિયા, મારા તરફથી તારાં બાળકો માટે સારો નાસ્તો લઈ જજે.’
‘શુક્રિયા સાહબ, શુક્રિયા. આપ ભગવાન હૈ.’ ફરીવાર આંસુઓ સાથે એ વિદાય થયો.
⬛ ⬛ ⬛
રાતના દસ વાગ્યે એક રિક્ષા ઘરઘરાટ કરતી શહેરના છેવાડે આવેલી એક ચાલીમાં પ્રવેશી. ડ્રાઇવરે ઊતરતા સાથે જ બૂમ મારી, ‘અબ્દુલ, રિક્ષા મેં સે માલ નિકાલ લે.’
અબ્દુલ દોડીને આવ્યો. રિક્ષાની ડિક્કીમાંથી દારૂની બોટલો કાઢીને ઓરડીમાં મૂકી
આવ્યો, પાછા જતી વખતે ડ્રાઇવરે એને ફરી બૂમ મારી. અબ્દુલ ફરી દોડીને પાસે આવ્યો, ‘જી ભાઈજાન!’
‘યે લે પચાસ રૂપયે, મેરી ઔર સે તેરે બચ્ચોં કો મિઠાઈ ખિલાના.’
‘શુક્રિયા ભાઈજાન’ અબ્દુલે આભાર માન્યો.
‘શુક્રિયા મુઝે નહીં, ઉસ યેડે ઇન્સ્પેક્ટર કો બોલ.’ એવું બોલીને એ ગરીબડા દેખાતા માણસે રિક્ષા મારી મૂકી. અબ્દુલ માથું ખંજવાળતો ત્યાં જ ઊભો રહ્યો.
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી