ક્રાઇમ સિક્રેટ / મોડેલ સુનિતાની લાશ પડી હતી

article by raj bhaskar

રાજ ભાસ્કર

Apr 17, 2019, 05:11 PM IST

શિયાળાની ઠંડી મહાનગરી મુંબઈને આગોશમાં લઈને બેઠી હતી. 4 નવેમ્બર, 2018નો દિવસ. સવારના નવ વાગ્યા હતા. મુંબઈના અંધેરી વેસ્ટના ઓશિવારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શૈલેશ પાલસકર રૂટિન કામ કરી રહ્યા હતા ત્યાં જ એક ફોન આવ્યો, ‘સર, અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સની ક્રોસગેટ સોસાયટીની બિલ્ડિંગના બી વિંગના ફ્લેટ નંબર 301માં એક મહિલાનું મર્ડર થઈ ગયું છે. એ મહિલા બોલિવૂડની પ્રસિદ્ધ હસ્તી છે. આપ જલદી પહોંચો.’
‘આપ કોણ બોલો છો?’ ઇ. પાલસકર પ્રશ્ન પૂછે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો. ઇન્સ્પેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટર પાલસકરે કહ્યું, ‘અમને આ ઘરમાં કંઈક અજુગતું બન્યાની બાતમી મળી છે. કોણ રહે છે અહીં?’ વાત કરતાં કરતાં એમણે ડોરબેલ વગાડ્યો. પાંચેક મિનિટ થઈ, પણ કોઈએ બારણું ન ખોલ્યું. પાડોશીએ માહિતી આપી, ‘સર, આ ફ્લેટમાં બોલિવૂડની પ્રસિદ્ધ મોડેલ અને ફેશન ડિઝાઇનર સુનિતાસિંહ લાઠર અને તેનો દીકરો લક્ષ્યસિંહ રહે છે. લક્ષ્યસિંહની પ્રેમિકા એશપ્રિયા બેનર્જી પણ મોટાભાગે અહીં જ હોય છે.’ વાતચીત ચાલતી હતી ત્યાં જ 23 વર્ષનો લક્ષ્ય આવી પહોંચ્યો. એણે પણ ડોરબેલ વગાડી પણ બારણું ન ખૂલ્યું. આખરે સૌ બારણું તોડી અંદર પ્રવેશ્યા. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ફર્શ પર સુનિતાસિંહની લાશ પડી હતી. એના માથામાં ગંભીર ઘા હતો અને થોડું સુકાયેલું લોહી જામ થઈ ગયું હતું. મમ્મીને મરેલી પડેલી જોઈને લક્ષ્યસિંહ પોક મૂકીને રડી પડ્યો. આ એક હાઇપ્રોફાઇલ મર્ડર કેસ હતો એટલે થોડી જ વારમાં ત્યાં ડીસીપી મનોજ શર્મા પણ આવી પહોંચ્યા. ફોરેન્સિક લેબની ટીમ સાથે એમણે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ઇન્સ્પેક્ટર પાલસકરને ઇન્વેસ્ટિગેશન સંબંધિત કેટલીક સૂચનાઓ આપી ત્યાંથી રવાના થયા. પાલસકરે કેસ ફાઇલ કરીને સુનિતાસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે વિલેપાર્લેની કપૂર હોસ્પિટલમાં મોકલી આપી.
***
પોલીસ માટે આશ્ચર્યનો સવાલ એ હતો કે, ફોન કરીને પોલીસને લાશની જાણકારી આપનાર કોણ હતો? એને કેવી રીતે ખબર પડી કે રૂમ નંબર 301માં લાશ પડી છે? નંબરની તપાસ થઈ. પબ્લિક ટેલિફોન બૂથમાંથી ફોન થયો હતો. બૂથના માલિકે કહ્યું, ‘સાહેબ, અહીં તો અનેક લોકો આવે છે. મને ખબર નથી કે નવ વાગ્યે કોણ આવ્યું હતું.’ વળી, આસપાસ કેમેરા પણ નહોતા. આખરે પોલીસે ફોન કરનારની તપાસ આદરી. એ જ દિવસે સાંજે પોલીસે લક્ષ્યસિંહને બોલાવી પૂછપરછ કરી, ‘લક્ષ્ય, રાત્રે તું ક્યાં હતો?’
‘સર! રાત્રે હું ઘરે જ હતો. વહેલી સવારે સાત વાગ્યે હું મંદિરે ગયો ત્યારે મમ્મી એના રૂમમાં ઊંઘતી હતી.’
‘તને કોઈના પર શંકા છે ?’
‘હા, સર! મારા પપ્પા કુલદીપસિંહના આત્મા પર શંકા છે!’ લક્ષ્યસિંહના જવાબથી ખળભળાટ મચી ગયો, પણ ઇન્સ્પેક્ટરે ધૈર્યથી વાત ચાલુ રાખી. લક્ષ્યે કહ્યું, ‘સાહેબ, મારા પપ્પાનું નામ કુલદીપસિંહ લાઠર છે. તેમનું અવસાન થઈ ચૂક્યું છે. મારી મમ્મી અવારનવાર કહેતી હતી કે પપ્પાનો આત્મા એની પાસે આવીને વાત કરે છે. ક્યારેક તો આત્મા એવો હાવી થઈ જતો કે મમ્મી રાડારાડ કરી મૂકતી. વળી, મમ્મીને દારૂ અને ડ્રગ્સની પણ લત હતી. સાહેબ, મને કહેતા પણ સંકોચ થાય છે કે મમ્મી સાવ ગાંડી થઈ ગઈ હતી. એ ક્યારેક એટલો નશો કરી લેતી કે મારી સાથે શારીરિક સંબંધોની માંગ કરતી. અવારનવાર એ મારી સાથે પૈસા બાબતે ઝઘડતી. ગઈ કાલે રાત્રે એણે ખૂબ જ ડ્રગ્સ લીધો હતો. એના રૂમમાંથી મને ચિત્રવિચિત્ર અવાજો આવી રહ્યા હતા.’
‘અમે સાંભળ્યું છે કે તારી પ્રેમિકા એશપ્રિયા બેનર્જી પણ મોટાભાગે તમારી સાથે રહેતી હતી.’
‘હા, વીક એન્ડમાં હોય છે. એ મારી મંગેતર પણ છે. કાલે એ સાથે જ હતી, પણ રાત્રે ચાલી ગઈ હતી.’ લક્ષ્યની પૂરતી પૂછપરછ કરીને પાલસકરે એને રવાના કરી દીધો.
***
પોલીસે સુનિતાસિંહની જિંદગીની કુંડળી કાઢવા માટે એક ટીમ નીમી. ગણતરીના સમયમાં સુનિતાની જિંદગીનાં પાનાં ખૂલી ગયાં. સુનિતાસિંહ લાઠર મૂળ હરિયાણાના પાનીપતના અસંધ રોડસ્થિત અગ્રસેન કોલોનીમાં ઉછરી હતી. એના પિતાનું નામ રોહતાશ ઢાંડા. તેઓ પાનીપતના મોટા વેપારી હતા. સુનિતા ઉપરાંત તેમને એક દીકરો દેવેન્દ્ર ઢાંડા અને અન્ય એક દીકરી પણ હતી. સુનિતા એમાં સૌથી નાની. સુનિતા ભણવામાં હોશિયાર, સુંદર અને મહાત્ત્વાકાંક્ષી યુવતી હતી. માયાનગરી મુંબઈમાં જઈને ફેશન ડિઝાઇનર તરીકે કરિયર શરૂ કરવાનુ એનું સપનું હતું. પણ સપનાં પૂરાં કરવા સુનિતા કંઈ પગલાં ભરે એ પહેલાં જ કરનાલમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના યુવક કુલદીપસિંહ લાઠર સાથે એનાં લગ્ન થઈ ગયાં. સપનાને છાતીમાં ધરબી દઈને સુનિતા પરણી ગઈ. લગ્નજીવનનાં ત્રણ વર્ષમાં એ બે સંતાનોની માતા બની ગઈ. એક દીકરો લક્ષ્ય અને બીજી દીકરી આસ્થા, પણ એ ખુશ નહોતી, કારણ કે કુલદીપસિંહ શરાબી હતો. એ દિવસ-રાત નશામાં ધૂત રહેતો. સુનિતાએ અેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ માન્યો નહીં. આખરે એક દિવસ સુનિતા એને છોડીને પિયર આવી ગઈ. એણે ભાઈને ફેશન ડિઝાઇનર બનવાની વાત કરી. ભાઈએ સાથ આપ્યો અને એને મુંબઈ મોકલી. એ દરમિયાન સંતાનોને એણે બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી દીધાં હતાં. મુંબઈ આવ્યાં પછી સુનિતાએ પાછું વળીને જોયું નથી. ઘણા સંઘર્ષ બાદ એણે મુંબઈમાં ફેશન ડિઝાઇનર તરીકે પોતાનું આગવું નામ બનાવી લીધું. એ અત્યંત સુંદર હતી, કોઈ કહી શકે નહીં કે એ બે સંતાનોની માતા હશે. મિત્રોની સલાહ પર એણે મોડેલિંગ પણ શરૂ કરી દીધું. પછી તો એની શોહરત આકાશની બુલંદીઓ આંબવા લાગી. દરમિયાન કુલદીપ સુધરી ગયો હતો. એણે સુનિતાને સાથે રહેવા ખૂબ આગ્રહ કર્યો, પણ સાથે રહેવાને બદલે સુનિતાએ છૂટાછેડા લઈ લીધા. હવે છોકરાઓ જુવાન થઈ ગયાં હતાં. સુનિતાએ લક્ષ્ય અને આસ્થાને પોતાની પાસે મુંબઈ બોલાવી લીધાં અને એશોઆરામથી હાઇ પ્રોફાઇલ જિંદગી જીવવા લાગ્યાં. આપણે ત્યાં કહેવત છે કે, ‘બિલાડી ઘી હજમ ન કરી શકે.’ સુનિતાના કિસ્સામાં પણ એવું જ થયું. એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી ગઈ. એટલું જ નહીં એણે દીકરાને પણ ડ્રગ્સના રવાડે ચડાવી દીધો. દીકરીને આ બધું ગમતું નહીં આથી એ નાના-નાની પાસે પાનીપત ચાલી ગઈ. ડ્રગ્સ અને દારૂના નશામાં સુનિતા એટલી ડૂબી ગઈ કે એને કામ મળવાનું પણ બંધ થઈ ગયું. બાદમાં એણે લક્ષ્યને મોડેલિંગમાં મૂક્યો. મનીષ મલ્હોત્રા અને રણબીર કપૂર જેવી ખ્યાત હસ્તીઓએ એને સહયોગ કર્યો, પણ ડ્રગ્સના નશાને કારણે એનું કામ પણ બહુ ન ચાલ્યું. મા-દીકરો આર્થિક રીતે પડી ભાંગ્યાં. ઘરમાં રોજ રોજ ઝઘડા થવા લાગ્યા. દરમિયાન લક્ષ્યને એશપ્રિયા સાથે પ્રેમ થયો અને ગાડું ચાલવા લાગ્યું. ઇન્સ્પેક્ટર પાલસકર સામે સુનિતાસિંહની આખી કુંડળી ખુલ્લી પડી હતી. એ કંઈક વિચારી રહ્યા હતા ત્યાં જ માહિતી આપનાર ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘સાહેબ, અસલી માહિતી તો હવે આપું છું. લક્ષ્યસિંહને એની માએ કહ્યું હતું કે એના પિતા મરી ગયા છે, પણ એ વાત ખોટી છે. કુલદીપસિંહ તો જીવે છે. શરાબના લીધે એનું જીવન બરબાદ થયું હતું. એનાં સંતાનો એનાથી અલગ થયાં હતાં એટલે એણે શરાબ જ છોડી દીધો. અત્યારે એ રિહેબિલિટેશન સેન્ટરમાં કાઉન્સેલિંગનું કામ કરે છે. મમ્મીમાં પિતાનો આત્મા આવતો હોવાની લક્ષ્યની વાત ખોટી છે. બીજી મહત્ત્વની વાત કે સુનિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. એના શરીર પર મારનાં અસંખ્ય નિશાન છે અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ માથામાં કઠણ પદાર્થ વાગવાથી તેનું મૃત્યુ થયું છે. યાની કી મર્ડર!’ મોડેલ અને ફેશન ડિઝાઇનર સુનિતાસિંહનો કેસ એક કોયડો બનીને ઇન્સ્પેક્ટર પાલસકરના મગજમાં ઘુમરાઈ રહ્યો હતો. શું લક્ષ્યસિંહ ખોટું બોલે છે? શું એણે જ હત્યા કરી છે? શું કુલદીપસિંહ બદલો લેવા આવ્યો હશે? એણે હત્યા કરી હશે કે પછી બીજું જ કોઈ હશે? આ બધા પ્રશ્નો પાલસકરના દિમાગમાં ઉપસી રહ્યા હતા. એનું સિક્રેટ આવતા
અઠવાડિયે.

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી