ક્રાઇમ સિક્રેટ / ફેસબુક વોલ પર લખાયેલા એક વાક્યે હત્યારાને પકડાવી દીધો

article by raj bhaskar

રાજ ભાસ્કર

Apr 10, 2019, 01:08 PM IST

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રહેતા અનંતરાવ યાદવની એકની એક દીકરી અપૂર્વાની એના જ ઘરમાં હત્યા થઈ જાય છે. પોલીસ તપાસમાં અપૂર્વાનો આખો ઇતિહાસ બહાર આવે છે. અપૂર્વા, સાર્થક અને અમર ત્રણ મિત્રો આઠમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણતાં હતાં. એ પછી ત્રણે જુદા જુદા અભ્યાસમાં જોડાઈ જાય છે. સાર્થક અપૂર્વાને ખૂબ પ્રેમ કરતો હોય છે, પણ અપૂર્વા એના પ્રેમનો અસ્વીકાર કરે છે એટલે એ આત્મહત્યા કરી લે છે. અપૂર્વા મેડિકલ કોલેજ કર્ણાટકમાં અભ્યાસ કરતી હોય છે. ત્યાં રહેતો મૌલી ધોપલ પણ એને પ્રેમ કરતો હોય છે. આથી અપૂર્વાના પિતાને શંકા છે કે કદાચ સાર્થકના પિતા બાબાસાહેબ જાધવ અથવા મૌલી ધોપલે હત્યા કરાવી હોય, પરંતુ પોલીસની તપાસમાં એકેય વિરુદ્ધ પુરાવા
મળતા નથી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સુનીલ નાગરને અપૂર્વાની હત્યા પહેલાં આવેલા એક કોલ પર શંકા ગઈ. તેમણે તરત જ હુકમ કર્યો, ‘પાટીલ, તપાસ કરો. આ નંબર કોનો છે? અપૂર્વાની હત્યા પહેલાં દસ વાગ્યે એના પર આ નંબર પરથી કોલ આવેલો છે.’
ઇ. પાટીલે તરત જ તપાસ કરી સાહેબને માહિતી આપી, ‘સર, આપની શંકા સાચી હોય તેવું લાગે છે. આ નંબર સાર્થક જાધવના નામે જ રજિસ્ટર્ડ છે.’
ઈ. સુનીલ નાગર બોલ્યા, ‘સાર્થક તો મરી ગયો છે! એનો અર્થ એ કે એના નામનું કાર્ડ બીજું કોઈ વાપરી રહ્યું છે.’
‘સર, ક્યાંક એના પિતા બાબાસાહેબ જાધવ કે પરિવારનું અન્ય કોઈ તો નહીં હોય ને. પોલીસ ડિપાર્ટમેન્ટે એમને તો છોડી દીધા છે.’
તાત્કાલિક ઇ. અશોક માલીને બોલાવીને બધી વાત કરવામાં આવી. તેમણે વિશ્વાસથી કહ્યું, ‘સાહેબ, મેં પૂરતી તપાસ કરી છે. સો ટકા બાબાસાહેબનો આમાં કોઈ હાથ નથી. છતાં મારા ખબરીઓ હજુ તેમની એક એક હરકત પર નજર રાખી રહ્યા છે. સાર્થકના નામે આ કાર્ડ રજિસ્ટર્ડ છે, પણ એ બીજા કોઈ એના ફ્રેન્ડ્સ પાસે હોય એવું પણ બને.’
ઇ. અશોકની વાત પરથી ઈ. સુનીલના મનમાં તપાસનો એક નવો રસ્તો ખૂલ્યો. એમણે કહ્યું, ‘આપની વાત સાચી છે. કોઈ ફ્રેન્ડ હોય એવું પણ બને. આપણે તપાસનો આધુનિક રસ્તો તો ભૂલી જ ગયા. અપૂર્વાના ફેસબુક ફ્રેન્ડ, ટ્વિટર વગેરેની તપાસ કરવી જોઈએ એવું મને લાગે છે.’
ક્રાઇમ બ્રાન્ચની ટીમના સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ અપૂર્વાના ફેસબુકનો પાસવર્ડ તોડીને તપાસમાં લાગી ગયા. ખૂબ ઊંડી તપાસને અંતે એક નામ પર ફરી શંકાની સૂઈ અટકી. તપાસ ટીમે ઇ. સુનીલ નાગર અને નામદેવ પાટીલ સમક્ષ રિપોર્ટ આપતાં કહ્યું, ‘સર, અપૂર્વાનું સોશિયલ નેટવર્ક જોયા બાદ અમને એક વસ્તુ શંકાસ્પદ જણાય છે!
‘કઈ?’, ‘સાહેબ, સાર્થકે અપૂર્વાના પ્રેમમાં આત્મહત્યા કરી લીધી એ પહેલાં એની ફેસબુક વોલ પર હતાશાથી લખ્યું હતું કે, અગર મુઝે કુછ હો ગયા તો ઇસ દુનિયા મેં કોઈ નહીં રોયેગા!’
‘હા, પણ તેથી શું? એવું તો બહુ જ બધું લખાતું હોય છે.’ ઇ. સુનીલ બોલ્યા.
એક્સપર્ટે જવાબ આપ્યો, ‘હા, પણ આ વાક્યનો જવાબ પણ બીજા દ્વારા લખાયો હતો. સાર્થક અને અપૂર્વાના ખાસ ફ્રેન્ડ અમર શીંદેએ સાર્થકની આ હતાશાના જવાબમાં એની વોલ પર લખ્યુ હતું કે, અગર તુઝે કુછ હો ગયા તો, મૈં પૂરી દુનિયા કો રુલાઉંગા!’
‘ઓહ! વેરી ગુડ.’ ઇ. સુનીલ આંચકો ખાઈ ગયા.’
ઈ. પાટીલ બોલ્યા, ‘સર, આપણે જાણીએ જ છીએ કે અપૂર્વાને બે પાક્કા મિત્રો હતા, જે આઠમા ધોરણથી સાથે હતા. સાર્થક અને અમર શિંદે. અમર શીંદેએ જ પહેલીવાર સાર્થકના દિલની વાત અપૂર્વા સુધી પહોંચાડી હતી. આ કેસના ઇન્વેસ્ટિગેશનમાં આપણે અમર શીંદેની તપાસ કરી જ નથી.’
‘યેસ, પાટીલ! નાઉ હરી અપ! એરેસ્ટ અમર શીંદે. ફેસબુકના આ વાક્ય પરથી તો લાગે છે કે અમરનો આ હત્યામાં ચોક્કસ હાથ હોવો જોઈએ.’
‘હાથ નહીં સર, અમર આખેઆખો હશે જોજો તમે.’
‘લેટ્સ શી!’
***
અમર શીંદે આ કેસમાં એટલે ભુલાઈ ગયો હતો કે બારમાં ધોરણ પછી માત્ર એક જ વાર એ પિક્ચરમાં આવ્યો હતો. સાર્થકના દિલની વાત અપૂર્વા સુધી પહોંચાડવા માટે. એ પછી ન તો અપૂર્વાએ કદી એનો ઉલ્લેખ કર્યો હતો ન તો એનાં માતા-પિતાએ એને જોયો હતો. અમર શીંદે વિશાલ નગરમાં જ રહેતો હતો. પોલીસે એની ધરપકડ કરી અને રિમાન્ડ લીધા.
ઇ. સુનીલ નાગર, નામદેવ પાટીલ અને ઇ. અશોક માલી ત્રણેય હાજર હતા. ઇ. સુનીલે કહ્યું, ‘અમર, અમારી પાસે પુરાવા છે કે તેં જ અપૂર્વાની કતલ કરી છે!’
‘બતાવો!’ અમરે બીજી જ સેકન્ડે ફુલ કોન્ફિડન્સથી પુરાવા માગ્યા. એ સાથે જ ઈ. સુનીલે એને ચાર-પાંચ તમાચા જડી દીધા અને બોલ્યા, ‘એક નહીં અનેક પુરાવા છે. તારી બાઇકના ફોટા પાડીને અમે અપૂર્વાના પાડોશીઓને બતાવી દીધા છે. એ દિવસે તું જ આવ્યો હતો. સાર્થકના નામનું કાર્ડ પણ તારા ઘરનું જ લનોકેશન બતાવે છે. એન્ડ યેસ, યોર ફેસબુક સ્ટેટસ. મૈં પુરી દુનિયા કો રુલાઉંગા! હવે કબૂલે છે કે તમાચાના બદલે ડંડો વાપરવો પડશે!’
આખરે અમર શીંદે ભાંગી પડ્યો. એણે ગુનો કબૂલ કરી લીધો, ‘યેસ... યેસ... મેં જ મારી છે એ અભિમાની છોકરીને.’
‘કેમ?’
‘કારણ કે એણે મારા જિગરજાન મિત્રને માર્યો હતો. સાર્થકને આત્મહત્યા માટે મજબૂર કરનારી એ જ હતી. સાર્થક એને સાચા દિલથી પ્રેમ કરતો હતો, પણ એણે એના પ્રેમને ઠુકરાવી દીધો એ મોટી ભૂલ કરી. સાર્થક મર્યો ત્યારથી મને અપૂર્વાથી નફરત થઈ ગઈ હતી. મારે એના મોતનો બદલો લેવો હતો. હું તકની રાહ જોઈ રહ્યો હતો. એવામાં અપૂર્વા રજામાં અહીં આવી. હું એની રેકી કરતો હતો. મને ખબર પડી કે અપૂર્વાના પિતા કર્ણાટક ગયા છે અને એની માતા રોજ અગિયારથી બાર મંદિરે જાય છે. મારી પાસે સાર્થકના નામે લેવાયેલું જૂનું કાર્ડ હતું. મેં એમાંથી સવારે દસ વાગ્યે અપૂર્વાને ફોન કર્યો. એણે મને કહ્યું, ‘મમ્મી ઘરે નથી, એ બાર વાગ્યે પરત આવશે. તારે મળવું હોય તો બાર વાગ્યે આવજે.’ પણ મારે એને મારવી હતી એટલે હું એનાં મમ્મી ગયાં કે તરત જ અગિયાર વાગ્યે પહોંચી ગયો. બાઇક મારું હતું, પણ હેલ્મેટ પહેરીને ગયો અને હેલ્મેટ પહેરીને જ અંદર પ્રવેશ્યો. સવારે આમેય એ સોસાયટીમાં કોઈ ભીડ નહોતી એટલે મને કોઈએ ઓળખ્યો નહીં. હું અંદર ગયો. અપૂર્વાને બિચારીને સપનેય ખ્યાલ નહોતો કે હું એને ખૂબ નફરત કરતો હતો અને એને મારવા આવ્યો છું. એણે તો મને મિત્ર સમજી પાણી આપ્યું અને ચા પણ બનાવી. એ જૂના દિવસો યાદ કરીને હસતી હતી. મેં અપૂર્વા પાસે ફરી પાણી માગ્યું. એ પાણી લેવા રસોડામાં ગઈ એટલી વારમાં મેં ટીવીનો વોલ્યૂમ વધારી દીધો અને મારા થેલામાંથી ચપ્પુ કાઢી લીધું. એ પાણી લઈને આવી અને કંઈ સમજે એ પહેલાં જ મેં એને દબોચી લીધી. કહ્યું, ‘સાલી, મારા ભાઈ જેવા ભાઈબંધને મારી નાખ્યો. તું ફક્ત સાર્થકની જ થવા સર્જાઈ છે. જીવતા જીવ તો ન માની, હવે તને એની પાસે મોકલી રહ્યો છું.’ આટલું કહીને મેં એના ગળે અને છાતીમાં ચપ્પાના વાર કરવા માંડ્યા. એ તરફડિયા મારતી નીચે પડી. હું થેલામાં બીજો શર્ટ લાવ્યો હતો. એ પહેરીને હેલ્મેટ માથે ચડાવીને તરત જ બહાર નીકળી ગયો. બસ, આટલી છે મારી કહાની. મને સંતોષ છે કે મેં મારા દોસ્તના મોતનો બદલો લીધો. એને એનો પ્રેમ આપ્યો. હું પકડાઈ ગયો એનો પણ મને અફસોસ નથી.’ આટલું બોલીને અમર ચૂપ થઈ ગયો. ઇ. સુનીલે એના વાળ જોરથી ખેંચ્યા અને એની આંખોમાં આંખો નાખતાં કહ્યું, ‘અફસોસ તને નહીં, તને જન્મ આપનારાને થશે અને તારા મિત્ર સાર્થકને થશે, કારણ કે તેં એના પ્રેમનું ગળું વેતર્યું છે.’
બીજા દિવસે અમર શીંદે પર ભારતીય સંવિધાનની કલમ 302 ઉપરાંત ધારા 201 અને ધારા 34 પણ લગાવવામાં આવી અને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. અદાલતે એને સજા કરીને જેલમાં ધકેલી આપ્યો. સમાપ્ત {
[email protected]
X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી