ક્રાઇમ સિક્રેટ / લાશના બે ડઝન ટુકડા એસિડ ભરેલા ડ્રમમાં ખદબદતા હતા

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 28, 2019, 04:48 PM IST

તારીખ 5 ફેબ્રુઆરી, 2019ની સાંજ. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલી આનંદનગર સોસાયટીના રહીશો એક મકાનની બહાર ભેગા થઈ ઘુસપુસ કરી રહ્યા હતા. બધાના નાકે રૂમાલ દાબેલો હતો. એ મકાનમાંથી બે દિવસથી ભારે દુર્ગંધ આવી રહી હતી.
‘અંદર કંઈક રંધાઈ રહ્યું છે! આપણે અંદર જઈ પૂછવું જોઈએ!’ એક વ્યક્તિએ કહ્યું.

  • હવે બહુ મોડું થઈ ગયું હતું. ક્રાઈમ પણ થઈ ગયો હતો અને સિક્રેટ પણ ખૂલી ગયું હતું

‘રંધાઈ નથી રહ્યું, ગંધાઈ રહ્યું છે. આપણે મકાનમાલિકને કહેવાને બદલે પોલીસને જાણ કરવી જોઈએ.’ બીજી સમજદાર વ્યક્તિએ કહ્યું. પોલીસને જાણ કરવામાં આવી. થોડી જ વારમાં આનંદનગર પોલીસ સ્ટેશનના જાંબાઝ ઇન્સ્પેક્ટર પી. કે. શર્મા ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. શર્માને અંદાજ આવી ગયો હતો કે અંદર કંઈક ગેરકાયદે થઈ રહ્યું છે. આથી તેમણે દરવાજો ખખડાવાના બદલે તોડી નાખ્યો. અંદરનું દૃશ્ય જોઈ આખી ટીમ થથરી ઊઠી. અંદર ટોઇલેટમાં એક વ્યક્તિ આરી લઈને કોઈની લાશના ટુકડા કરી રહ્યો હતો. એ આખો લોહીથી લથપથ હતો. ટોઇલેટના દરવાજા પાસે એક મોટું ડ્રમ પડ્યું હતું. અંદર એસિડ ભરેલું હતું અને લાશના બે ડઝનથી વધારે ટુકડા એમાં ખદબદી રહ્યા હતા. બાથરૂમમાં કપાયેલો પગ, હાથ અને માંસના લોચા લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. તાત્કાલિક એ માણસની ધરપકડ કરવામાં આવી. પોલીસ એને લઈને જઈ રહી હતી ત્યારે કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ માણસ આવું કરી શકે? પોલીસ અને રહીશો માટે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે જેને આરીથી કાપીને એસિડમાં ગાળી નાખી એ વ્યક્તિ કોણ હતી? આવું ક્રૂર મોત આપવું પડે એવી તે કેવી દાઝ અને દુશ્મની હતી?

6 ફેબ્રુઆરી, 2019ના રોજ જસ્ટિસ સંદીપકુમાર પાટીલની કોર્ટમાં એ ગુનેગાર શખ્સને પેશ કરવામાં આવ્યો. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડનો હુકમ કર્યો અને એમાં બધા જ રાઝ ખૂલી ગયા.
આ વિકૃત મૂળ જાણવા દસ વર્ષ પાછળનો ભૂતકાળ ખોતરવો પડે. મધ્યપ્રદેશના ઇટારસીની ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સરકારી હોસ્પિટલમાં ડો. સુનીલ મંત્રી નામના એક હાડકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નોકરી કરતા હતા. સ્વભાવે ખૂબ જ સરળ અને આનંદિત. ડો. સુનીલ મંત્રીની પત્ની સારિકાએ 2008માં ઘરમાં જ બ્યુટિકનું કામ શરૂ કર્યું. એની મદદ માટે થોડે દૂર આવેલા મહોલ્લામાં રહેતી માલતી પણ આવવા લાગી. માલતી યુવાન અત્યંત સુંદર હતી. એના પતિનું નામ હતું વિરેન્દ્ર પચૌરી. એ વિસ્તારમાં એ વીરુ તરીકે જ ઓળખાતો હતો. બંને ગરીબ સ્થિતિના. વીરુ છૂટક મજૂરીનું કામ કરતો. ડો. સુનીલ અને સારિકાની ઉંમર પ્રમાણમાં ખાસ્સી હતી. તેમને બે બાળકો પણ હતાં અને અભ્યાસ કરતાં હતાં. આ પરિવારને માલતી અને વીરુ સાથે સારી રીતે ફાવી ગયું હતું. બધું જ સુખરૂપ ચાલી રહ્યું હતું, પણ પચાસે પહોંચવા આવેલા ડો. સુનીલના મનમાં એમના કરતાં અડધી ઉંમરની માલતીનું રૂપ વસી ગયું હતું. એવામાં વર્ષ 2017ની સાલમાં તેમની પત્ની સારિકાનું મૃત્યુ થઈ ગયું. ડો. સુનીલે બંને બાળકોને મુંબઈમાં હોસ્ટેલમાં ભણવા માટે મોકલી દીધાં. હવે અહીં તેઓ એકલા જ હતા, માલતી એકલી બ્યુટિકનું કામ સંભાળતી હતી. એક દિવસ એમણે લાગ જોઈને માલતીને આંતરી, ‘માલતી, હું તને ખૂબ પ્રેમ કરું છું. આઇ લવ યુ!’ પહેલાં માલતીએ આનાકાની કરી, પણ પછી એ પણ માની ગઈ. પછી તો માલતી અને ડો. સુનીલનો સંબંધ પૂરપાટ વેગે દોડવા લાગ્યો. માલતી બ્યુટિકના કામ માટે આવતી એટલે કોઈને શક પણ ન ગયો. ડોક્ટર અને માલતી વચ્ચેની તમામ હદો તૂટી ગઈ, પણ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે, પણ આ સંબંધમાં એમનું પાપ મોબાઇલે ચડીને પોકાર્યું. એક વખત માલતીનો મોબાઇલ બગડ્યો હોવાથી એણે વીરુનો મોબાઇલ વાપરવા લીધો હતો. તેમાં કોલ રેકોર્ડર હતું. માલતી અને ડોક્ટરની વાતો વીરુએ સાંભળી લીધી. યકીન માટે એણે એકવાર માલતીનો પીછો કરી ડોક્ટર સાથે રૂમમાં જતાં પણ જોઈ લીધી.
વીરુએ ખૂબ મનોમંથન કર્યું અને વિચાર્યું કે હું ગમે તેવી ફરિયાદ કરીશ તોયે ડોક્ટરનું કંઈ નહીં બગાડી શકું. એ કરતાં એને બ્લેકમેઇલ કરીને પૈસા એંઠી લઉં તો જિંદગી સુધરી જાય. આમ વિચારી એક વખત એ ડોક્ટર પાસે ગયો અને પેલું રેકોર્ડિંગ સંભળાવ્યું. ડોક્ટરના પગ તળેથી જમીન સરકી ગઈ. એણે માફી માગી, પણ વીરુએ કહ્યું, ‘ડોક્ટર દરેક ભૂલની કિંમત થાય છે. તારે મને એક લાખ રૂપિયા આપવા પડશે અને હવે પછી માલતી સાથેના સંબંધો બંધ!’

મોબાઇલના રેકોર્ડિંગને આધારે એણે ડોક્ટરને બ્લેકમેઇલ કરી એક લાખ માગ્યા. ગભરાયેલા ડોક્ટરે ઇજ્જત જવાની બીકે આપી દીધા. પછી તો વીરુ મહિને-બે મહિને લાખ લાખ માગવા માંડ્યો અને સાત-આઠ લાખ રૂપિયા ડોક્ટર પાસેથી પડાવી લીધા. ડોક્ટર હવે કંટાળી ગયા હતા. એમણે વીરુને કહ્યું, ‘ભાઈ, મારી પાસે હવે રૂપિયા નથી. તું એક કામ કર. મારા ડ્રાઇવર તરીકે નોકરી કરી લે. એટલે તારે મજૂરી પણ ન કરવી પડે અને તું સતત મારી સાથે હોય તેથી જોઈ પણ શકે કે હું ક્યાં જાઉં છું. માલતીને મળું છું કે નહીં. હું તને ડબલ પગાર આપીશ. મને બ્લેકમેઇલ કરવાનું બંદ કર!
આખરે વીરુ માની ગયો. એ ડોક્ટરના ડ્રાઇવર તરીકે જોડાઈ ગયો. વીરુને ડોક્ટર ડબલ પગાર આપતા હતા છતાં એણે એકવાર ફરી એમને બ્લેકમેઇલ કર્યા અને એક લાખ રૂપિયા માગ્યા. ડોક્ટરે અઠવાડિયા પછી આપવાનો વાયદો કર્યો. વાયદો કર્યા પછી ડોક્ટર વિચારવા લાગ્યા કે આ રીતે તો આખી જિંદગી એને પૈસા આપતા રહેવું પડશે. આમાંથી છૂટવું હોય તો હવે એને ખતમ કર્યે જ છૂટકો. આમ એ રાત્રે તેમણે વીરુને મારી નાખવાનો નિર્ણય કર્યો અને તકની રાહ જોવા લાગ્યા. ત્રણ જ દિવસ પછી એમને તક મળી ગઈ. એક સાંજે હોસ્પિટલથી ઘરે મૂકવા આવેલા વીરુએ ડોક્ટરને કહ્યું, ‘સર, મને દાઢ બહુ દુખે છે. કંઈક દવા આપો!’

ડો. સુનીલના મનમાં તરત જ હત્યાનો વિચાર સળવળ્યો. એમણે કહ્યું, ‘મારી પાસે દાઢના દુખાવાનું એક ઇન્જેક્શન છે. એ લઈ લે અને માત્ર દસ મિનિટ આરામ કર એટલે દુખાવો મટી જશે.’ વીરુ માની ગયો. ડોક્ટરે એને પોતાના આનંદનગરસ્થિત ઘરમાં જ ઇન્જેક્શન આપ્યું, પણ એ ઇન્જેક્શન દાઢના દુખાવાનું નહોતું બેહોશીનું હતું. વીરુ બે જ મિનિટમાં બેહોશ થઈ ગયો. ડોક્ટરે તરત જ એનું ગળું દબાવી એને મારી નાખ્યો. હવે માત્ર લાશને ઠેકાણે પાડવાનો પ્રશ્ન હતો. લાશ બહાર લઈ જઈ ફેંકે તો પકડાઈ જવાય. ડોક્ટર તરીકે એમણે વિચાર્યું કે લાશના ટુકડા કરીને એને સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે તો એ હાડકાં સમેત ગળી જાય. તરત જ એ માર્કેટમાં દોડ્યા. સલ્ફ્યુરિક એસિડ માર્કેટમાં સામાન્ય લોકોને મળતું નથી, પણ ડોક્ટરે એક કેમિસ્ટ મિત્રને પટાવીને એ ખરીદ્યું અને સાથે લોખંડ કાપવાની એક આરી પણ ખરીદી. ત્રણ-ચાર વખત વારા ફરતી જઈને ડોક્ટર આખું ડ્રમ ભરાઈ જાય તેટલું એસિડ નાના કેરબા ભરીને લઈ આવ્યા. ટોઇલેટ પાસે ડ્રમ ભર્યું અને પછી આખી રાત ટોઇલેટમાં બેસી લાશને આરીથી કાપી એના ટુકડા એસિડ ભરેલા ડ્રમમાં નાખી ગાળી નાખ્યા અને ટોઇલેટમાં ફ્લશ કરી દીધા. બીજા દિવસે નોકરી પર ગયા. સાંજે પાછા આવી ફરી બાથરૂમમાં બેસીને લાશના બે ડઝન ટુકડા કરીને એસિડમાં ગાળતા હતા ત્યાં જ પાડોશીઓને દુર્ગંધ આવતાં તેમણે પોલીસને જાણ કરી અને પોલીસે એમની ધરપકડ કરી. રિમાન્ડમાં ખુદ ડો. સુનીલે આ બધી વાત કબૂલી લીધી છે. વ્યભિચારને કારણે ડોક્ટરે પોતાની અને સંતાનોની જિંદગી બગાડી એ બદલ એમને અફસોસ છે, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. ક્રાઈમ પણ થઈ ગયો હતો અને સિક્રેટ પણ ખૂલી ગયું હતું. હવે સજા ભોગવ્યા સિવાય છૂટકો નહોતો.

સમાપ્ત

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી