રે જિંદગી / એક વૃદ્ધની સ્યુસાઇડનોટ!

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 24, 2019, 03:48 PM IST

‘હું નરેન્દ્ર પ્રભુદાસ સિસોદિયા મારી પૂરી સભાનતામાં આ ચિઠ્ઠી લખી રહ્યો છું. આજે મારી ઉંમર બાસઠ વર્ષ સાત મહિના અને અઢાર દિવસ છે. આજે મારી પાસે કેટલી મિલકત છે એ મને ખુદને ખબર નથી. મિલકત તો ઘણી રળેલી છે. આખી જિંદગી મહેનત કરી કરીને ખૂબ કમાણી કરેલી છે. આજે મારા પરિવારની હાલત એટલી સધ્ધર છે કે મારા દીકરાઓ... સોનાના ચમચે આઇસક્રીમો ખાય છે, પણ હું જન્મ્યો ત્યારે મારા બાપે મને ગળથૂથી પીવડાવવા પણ ઉછીની ચમચી માગેલી.

  • વિધાતા સાથે કરેલો વાયદો મેં પૂરો કર્યો હતો. મારા છોકરાઓને મેં જિંદગીમાં એક પણ ચીજની કમી નથી પડવા દીધી. અભાવ કોને કહેવાય એ પણ એમને ખબર નથી

અમારે ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર પણ નહીં. દાદા-દાદી બાપાના માથે પાંચ-પાંચ બહેનોનો ભાર મૂકતા ગયેલા. બાપા પાસે આજીવન મજૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે ખૂબ પરસેવો પાડેલો. મહેનતની કમાણી ઓછી પડે ત્યારે દેવું કરેલું.
બાપાએ બહેનોની જિંદગી તો અજવાળી દીધી, પણ પત્ની અને દીકરાની જિંદગીમાં અમાસનું કાજળ ચોપડી દીધું. દેવાનું વ્યાજ ભરવામાં બાપા તૂટતા ચાલ્યા. મારી માને મેં જેટલી વાર ભૂખી સૂતા જોઈ છે એટલી વાર જમતાં નથી જોઈ. એ હસે ત્યારે કેવી લાગે છે એ પણ મને ખબર નથી. એના ચહેરા પર ઉદાસીના હાવભાવ જાણે અંકિત થઈ જતા હતા. ભૂખ તો દિવસમાં દસ વખત લાગતી, પણ ઘરમાં મોટા ભાગે એક જ ટંક રંધાતું. મારાં મા અને બાપા સળંગ પાંચ-પાંચ દિવસ પાણી પર કાઢતાં. હું જન્મ્યો ત્યારથી જ અભાવોની જિંદગી જીવ્યો છું. હંમેશાં વિચારતો રહેતો, કે આ ગરીબી કેમ દૂર થાય? મારા દાદાએ મારા બાપાના ગળામાં ગરીબીનો ભોરિંગ ભેરવી દીધો એવું હું મારા દીકરાઓ સાથે નહીં કરું. જે દિવસ મારી પત્ની અને દીકરાઓને રેશમના ગાદી તકિયા અને બત્રીસ જાતનાં ખાણાં ખવડાવવાની હેસિયત હશે એ જ દિવસે પરણીશ અને હું ગામડું છોડી અમદાવાદ આવી ગયો. શરૂઆત કરી રોડ પર મજૂરી કરવાથી. પછી એક ફેક્ટરીમાં કામે ચઢ્યો. હું રાત-દિવસ કામ કરતો. શરીર થાકથી તૂટી જતું, નસો ફાટફાટ થતી. તરડાઈ, નિચોવાઈને શરીર જ્યારે પરાણે નીચે બેસી જતું તરત મને વિચાર આવતો કે મારે મારા દીકરાઓને મારા જેવી અભાવગ્રસ્ત જિંદગી નથી જીવવા દેવી અને ગમે તેટલા થાક છતાંય શરીર સડક દઈને બેઠું થઈ જતું. જિંદગીમાં પૂરાં દસ વર્ષ મેં મહેનત કરી અને કંપનીમાં હેલ્પરથી લઈને મેનેજર સુધી પહોંચ્યો.

મા-બાપ આખરે સુખ જોઈને ગયાં. મારાં લગ્ન પણ એમનાં મૃત્યુના વર્ષ પહેલાં થયેલાં. પત્નીનાં પગલે લક્ષ્મીજી વધારે રીઝ્યાં. બીજા ત્રણ વર્ષમાં હું ચાર કંપનીઓનો અને બે દીકરાઓનો બાપ બન્યો. વિધાતા સાથે કરેલો વાયદો મેં પૂરો કર્યો હતો. મારા છોકરાઓને મેં જિંદગીમાં એક પણ ચીજની કમી નથી પડવા દીધી. અભાવ કોને કહેવાય એ પણ એમને ખબર નથી.

ગયા વર્ષે પત્ની ગઈ પછી સમય જાણે થંભી ગયો. આ પૈસો, આ પ્રસિદ્ધિ, આ ધનદોલત, આ દીકરાઓનો ખિલખિલાટ કરતો પરિવાર બધું જ નકામું લાગે છે. જેટલી તકલીફ મને જિંદગીના એકસઠ વર્ષ કાઢવામાં નથી પડી એટલી તકલીફ પત્ની વગરનું આ એક વર્ષ કાઢવામાં પડી છે. બસ, હવે હું થાકી ગયો છું, હારી ગયો છું, તૂટી ગયો છું. હવે મને ખાતરી થઈ ગઈ છે કે એના વગર જીવવું મુશ્કેલ જ નહીં અશક્ય પણ છે અને એટલે જ હું આ ફાની દુનિયા છોડીને જઈ રહ્યો છું. બાસઠ વર્ષ સાત મહિના અને અઢાર દિવસનો હું, નરેન્દ્ર સિસોદિયા, મારા પૂરા હોશહવાસમાં ઝેર પીને જીવન ટૂંકાવી રહ્યો છું. મારા મોત માટે હું ખુદ જવાબદાર છું, મારાથી મારી પત્નીનો વિરહ સહન ન થતાં હું આ પગલું ભરું છું. માટે પોલીસને ખાસ વિનંતી કે મારા મોત બદલ મારા દીકરાઓને હેરાન કરવામાં ન આવે. માફ કરશો. - આપનો નરેન્દ્ર!’

***
ચિઠ્ઠી પૂરી કરી નરેન્દ્રભાઈએ સામે પડેલા દૂધના ગ્લાસ પર નજર કરી. મોટા દીકરાની વહુ અનિતા હમણાં જ એ ગ્લાસ મૂકી ગઈ હતી. એ થોડીવાર શૂન્યમનસ્ક તાકી રહ્યા પછી ફળફળતો નિસાસો નાખી મનમાં બબડ્યા, ‘અરેરે દીકરાઓ! આ બધી મિલકત તમારી જ તો હતી. પૈસાની આટલી ભૂખ કે તમારે મને મારવા દૂધમાં ઝેર ભેળવીને મોકલવું પડે. એ તો સારું થયું કે હું તમારી વાત સાંભળી ગયો. નહીં તો તમે લોકો ફસાઈ જાત, પણ મેં વિધાતાને વચન આપ્યું છે કે હું મારા દીકરાઓને ક્યારેય દુઃખ નહીં પડવા દઉં, એટલે આ ચિઠ્ઠી લખીને જાઉં છું, ખુશ રહો બેટા અને બબડતાં બબડતાં એ દીકરાઓએ પીરસેલું ઝેર હસતા મોઢે પી ગયા.
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી