ક્રાઇમ સિક્રેટ / ચાલો દોસ્તો, પકડીને બાંધી દો આને...

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 20, 2019, 02:13 PM IST

હરિદ્વારના રૂડકી વિસ્તારમાં રહેતો સાડીઓનો વેપારી અર્જુનદેવ એક દિવસ ગાયબ થઈ જાય છે. એનો ભાઈ જગન્નાથ પોલીસ ફરિયાદ કરે છે. અર્જુનના બે મિત્રો વિજય અને તરુણ પણ ગાયબ હોય છે. પોલીસના ઇન્વેસ્ટિગેશન બાદ અઠવાડિયા પછી હાઇવે પરથી વિજય, તરુણ સહિત શેઠપાલ, માંગેરામ અને નવાબ નામની અન્ય ત્રણ વ્યક્તિઓ પકડાય છે. એમની પૂછપરછમાં એક એવો રાઝ ખૂલે છે કે પોલીસ પણ હતપ્રભ રહી જાય છે. એ રાઝ શું હતો અને અર્જુનની સાથે શું થયું એ જાણતા પહેલાં એની જિંદગી વિશે જાણવું જરૂરી છે.
***

અર્જુનદેવ એક સીધો-સાદો વ્યક્તિ હતો. સોસાયટીમાં રહેતા તરુણ અને વિજય સાથે ફક્ત હાય-હલ્લોનો જ સંબંધ, ૫ણ થોડા જ સમયમાં ત્રણેય પાક્કા દોસ્ત બની ગયા. ધીમે ધીમે તરુણ અને વિજયના અન્ય મિત્ર શેઠપાલ, માંગેરામ અને નવાબ સાથે પણ પરિચય અને દોસ્તી થઈ ગઈ. છએ જણ દર રવિવારે સાંજે મળતા. મોડી રાત સુધી દારૂની મહેફિલ જામતી. વર્ષોથી આ સિલસિલો જારી હતો.

  • શેરડીના ઊભા મોલ વચ્ચે ફરીવાર મહેફિલ જામી. બધા ખૂબ હસીને વાતો કરી રહ્યા હતા

પણ એક દિવસ ગજબની ઘટના બની ગઈ. એ સાંજ અર્જુનની જિંદગીમાં વાવાઝોડું બનીને ત્રાટકી. રવિવારનો દિવસ હતો. સાંજે. વિજય, તરુણ, શેઠપાલ, માંગેરામ અને નવાબ એમના રોજિંદા સ્થળ પર બેસી અર્જુનદેવનો ઇન્તજાર કરી રહ્યા હતા. ત્યાં જ અર્જુન આવ્યો. આવતાંવેંત મિત્રો વચ્ચે દારૂની બોટલો મૂકતાં બોલ્યો, ‘દોસ્તો, આજે મન મૂકીને પીઓ. પેટની તડપ છિપાય ત્યાં સુધી ખાઓ. જશન મનાઓ, આજની પાર્ટી મારા તરફથી.’, ‘શું વાત છે અર્જુન, આજે તો કાંઈ બહુ ખુશ દેખાય છે ને!’ માંગેરામે કહ્યું.
અર્જુન આનંદથી બોલ્યો, ‘મારી તો લોટરી લાગી ગઈ છે યારો. એકસાથે બે-બે કમેટી મારા નામે નીકળી છે. જાણો છો કુલ કેટલા પૈસા મળવાના છે ?’
‘કેટલા?’ એકસાથે પાંચ ગંધાતાં ગળાં બોલી ઊઠ્યાં.
‘પચીસ લાખ?’ પાંચેયનો નશો ઊતરી ગયો. માંગેરામ બોલ્યો, ‘તારી તો લાઇફ બની ગઈ યાર! પણ આટલી મોટી રકમ તું વાપરીશ ક્યાં?’
‘એ હજુ નક્કી નથી થયું. તમે લોકો થોડું વિચારીને મને કહેજો કે આ રકમ હું ક્યાં ઇન્વેસ્ટ કરું, પણ આ વાત મેં તમારા સિવાય કોઈને નથી કરી. મારા પરિવારને પણ નહીં. માટે આ વાત બહાર ન જાય.’
‘ચોક્કસ નહીં જાય. પાંચેય જણા એકસાથે બોલ્યા. પાંચેયની નજર એકબીજા સાથે ટકરાઈ અને પછી ગ્લાસ પણ ટકરાયા, ‘ચિયર્સ દોસ્તો. એન્જોય ધ પાર્ટી! અને એક ખંધુ હાસ્ય રાતના અંધકારમાં ભળી ગયું. અર્જુન એને પારખી ન શક્યો. દોસ્તો હોઠથી અર્જુનનાં ભાગ્યનાં વખાણ કરતા રહ્યા, પણ એમના મનમાં આગ લાગી ગઈ હતી. ‚રૂંવે રૂંવે ઈર્ષાનો સાપ ફૂંફાડા મારવા લાગ્યો હતો, જે ગમે ત્યારે અર્જુનને ડસી લેવાનો હતો.

દિવસો વીતતા જતા હતા. કમેટી લાગવાથી અર્જુન ખુશ હતો. કમેટી વીસી જેવી એક પદ્ધતિ છે. કારોબારી લોકો આપસમાં કમેટીઓ નાખીને લોટરીની જેમ દર મહિને ડ્રો કરતા હોય છે. જેની કમેટી એટલે કે જેનું નામ પહેલાં જ ધડાકે નીકળી જાય એને એક મોટી રોકડ રકમ મળતી હોય છે. જેનું વ્યાજ પણ ચૂકવવાનું નથી હોતું અને દર મહિને નજીવી રકમનો હપ્તો ચૂકવી રકમ પૂરી કરવાની હોય છે. અર્જુનનાં નસીબ સારાં હતાં. એની એકસાથે બે કમેટી નીકળી હતી. હવે એ પચીસ લાખ રૂપિયાનું સારું વળતર મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માગતો હતો. બે અઠવાડિયાં એમ જ પસાર થઈ ગયાં. એક રવિવારે ફરી દોસ્તોની મહેફિલ જામી હતી. શેઠપાલે સિંગભુજિયાનો દાણો મોઢામાં મૂકતાં કહ્યું, ‘અર્જુન, તેં પેલા પચીસ લાખના ઇન્વેસ્ટમેન્ટ વિશે પૂછ્યું હતું ને!’, ‘હા હા, શું છે એનું?’
‘યાર, મને લાગે છે કે આજકાલ સૌથી વધુ ફાયદો પ્રોપર્ટી ખરીદવામાં જ છે. તું છપારમાં એક પ્લોટ ખરીદી લે. ત્યાં જમીનની કિંમત રોકેટની ઝડપે ઊંચે જઈ રહી છે. માત્ર બે જ વર્ષમાં પૈસા ડબલ થઈ જશે.’
‘શું વાત કરે છે. બે જ વર્ષમાં ડબલ?’

‘હાસ્તો વળી.’ બાકીના દોસ્તોએ પણ શેઠપાલની હામાં હા ભણી. આખરે નક્કી થયું કે 19મી સપ્ટેમ્બરે બધા મિત્રોએ છપાર જવું અને ત્યાં એક સારી જમીન જોઈને એનો સોદો કરી નાખવો.
19મી સપ્ટેમ્બરે સૂરજ ઊગતાં જ છએ મિત્રો કાર લઈને છપાર તરફ નીકળી પડ્યા. છપાર પહોંચીને છએ એક હોટલમાં ચા-નાસ્તો કરવા રોકાયા. પછી એમની કાર ગંગાનહેર રેલવે લાઇનના કિનારે-કિનારે બિજોપુર ગામ તરફ આગળ વધી. ધીમે-ધીમે રાત ઊતરી આવી. ગાડી હજુ ચાલુ જ હતી. અંધારું થતાં જ વિજય અને તરુણે દારૂ પીવાની ઇચ્છા વ્યક્ત કરી. શેરડીના એક ખેતર પાસે ગાડી ઊભી રહી. શેરડીના ઊભા મોલ વચ્ચે ફરીવાર મહેફિલ જામી. બધા ખૂબ જ હસીને વાતો કરી રહ્યા હતા, પણ અર્જુનને ચેન નહોતું પડતું. સવારથી નીકળ્યા હતા, રાત પડી ગઈ હતી છતાં હજુ એનું કાંઈ કામ નહોતું થયું. એણે ગુસ્સાથી કહ્યું, ‘અરે યાર! હસી મજાક બંધ કરો. આપણે જે કામ માટે આવ્યા હતા એ તો થયું જ નહીં.

‘શાંતિ રાખ થઈ જશે.’ માંગેરામે હસતાં હસતાં કહ્યું. જવાબમાં અર્જુને ગંદી ગાળ કાઢી, ‘સાલા...! મને પ્લોટ બતાવવા લાવ્યા છો કે દારૂ પીવડાવવા.’
અર્જુનની તાલાવેલી પર પાંચેય મિત્રો હસી પડ્યા. થોડીવારે એ હાસ્ય વિકૃતિમાં પલટાઈ ગયું. ગંધાતા મોઢા સાથે ગંધાતા શબ્દો ઉચ્ચારતાં માંગેરામ બોલ્યો, ‘દોસ્ત, હવે પ્લોટ-બ્લોટ ખરીદવાનું ભૂલી જા. અમે તને કંઈ પ્લોટ ખરીદવા નથી લાવ્યા. તારું અપહરણ કરીને લાવ્યા છીએ. ચાલો દોસ્તો, પકડીને બાંધી દો આને.’
બાકીના મિત્રોએ એવા જ ખિખિયાટા સાથે અર્જુનને પકડીને રસ્સી વડે બાંધી દીધો. અર્જુન રાડો પાડતો રહ્યો, ‘અરે યાર, છોડો મને. શા માટે તમે આવું કરી રહ્યા છો? હું તમારો દોસ્ત છું. પ્લીઝ, છોડી દો મને.’
‘દોસ્ત નહીં, તું તો અમારા માટે સોનાનાં ઈંડાં આપનારી મરઘી છે. તને મળેલાં પચીસ લાખ કાંઈ તારા એકલાના થોડા છે. હવે તારા બદલામાં તારા ઘરવાળા પાસેથી અમે 25 લાખ માગીશું અને એશ કરીશું.’
***

ખંડમાં સન્નાટો હતો. પોલીસ અધિકરીઓ સ્તબ્ધ હતા. આરોપીઓ એમના જ મોઢે એમના જ ગુનાઓનો પર્દાફાશ કરી રહ્યા હતા. અંગત મિત્રો પર વિશ્વાસ મૂકી કહેલી રાઝની વાત અર્જુનને મોંઘી પડી હતી. ગુનો તો કબૂલાઈ ગયો હતો, પણ હવે અર્જુનને છોડવાની વાત હતી. શી ખબર, આટલા દિવસમાં આ લોકોએ એના પર કેવાં કેવાં સિતમ ગુજાર્યા હશે! ઇ. રઘુવીરસિંહે વાતનો નિચોડ લાવવા આરોપીઓ સામે જોઈ પ્રશ્ન કર્યો, ‘ઠીક છે. તમારી તો પછી વાત છે. પહેલાં એ કહો કે અર્જુનને ક્યાં સંતાડ્યો છે.’
જવાબમાં પાંચેય આરોપીઓ એકબીજા સામે તાકી રહ્યા. કોઈ પાસે જવાબ નહોતો. ઇન્સ્પેક્ટરે થોડીવારે ફરીવાર ગુસ્સે થઈને પૂછ્યું, ‘એય, સાલાઓ જવાબ આપો, નહીંતર ચામડી ઉતેડી નાખીશ.’
ધ્રૂજતા અવાજે તરુણ બોલ્યો, ‘સર, અમે અર્જુનને બાંધી રહ્યા હતા ત્યારે એ બહુ રાડો પાડી રહ્યો હતો. એને રાડો પાડતો જોઈ અમે ગભરાઈ ગયા હતા. આજુબાજુથી પસાર થતો કોઈ રાહદારી સાંભળી જાય તો અમારું આવી બને એમ હતું. અર્જુન કોઈ વાતે શાંત નહોતો પડતો. આખરે માંગેરામ અને શેઠપાલે તમંચો કાઢી એની છાતી અને ચહેરા પર બે ગોળીઓ ધરબી દીધી.’

‘વ્હોટ?’ પોલીસ અધિકારી આંચકો ખાઈ ગયા.
‘હા, સર! અમે અર્જુનને મારી નાખ્યો છે અને એની લાશ પણ ત્યાં જ ખાડો ખોદીને દાટી દીધી છે. પછી પોલીસની બીકે અમે ભાગતા ફરતા હતા. આખરે થાકીને નિર્ણય કર્યો કે અદાલતમાં આત્મસમર્પણ કરી દેવું. એ માટે અદાલત જવા નીકળ્યા અને તમે પકડી લીધા.’
પણ અર્જુનદેવના પરિવારની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. નાનો ભાઈ જગન્નાથ સાવ અચાનક ટેકા વગરનો થઈ ગયો હતો. પત્નીના માથેથી પતિ અને બાળકોના માથેથી બાપ નામનો છાંયડો હંમેશાં માટે છિનવાઈ ગયો હતો. રહી ગઈ હતી તો માત્ર દોજખભરી જિંદગી અને ચાલ્યા જનારની ખંજરની ધાર જેવી યાદ. કોઈપણ પ્રકારના ગુના વગર અર્જુનદેવનો પરિવાર સજા ભોગવી રહ્યો હતો. દોસ્તી અર્જુને કરી હતી, પણ દુ:ખ પરિવારે ભોગવ્યાં. આ સત્યઘટના સમાજની કારમી વાસ્તવિકતા પર આપણું ધ્યાન દોરી જાય છે કે અત્યારે કોઈ પર વિશ્વાસ મૂકી શકાય એમ નથી. અતિ વિશ્વાસ ક્યારેક આખાયે પરિવાર પર કાળ બનીને ત્રાટકી શકે છે.
(સમાપ્ત)

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી