રે જિંદગી / રાહ જોતી વેરાન આંખો!

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 17, 2019, 06:06 PM IST

‘હેલ્લો, મિસ્ટર શાહ કા ઘર હૈ યે!’
‘જી હાં, આપ કૌન?’
‘જી, મૈં બોરીવલી પુલિસ સ્ટેશન મુંબઈ સે બોલ રહા હૂં. એક પંદરા સાલકા લડકા મિલા હૈ, પાર્થ નામ હૈ. વો બતા રહા હૈ કી પાંચ સાલ પહલે વો આપસે બિછડ ગયા થા.’
‘હા ભાઈ હા, એ મારો જ દીકરો છે.’ સામેની વાત પૂરી થયા પહેલાં જ મહેન્દ્રભાઈ આનંદિત થઈને બોલી ઊઠ્યા.
‘ભાઈ, તમે જલદી એને ફોન આપો. એનો અવાજ સાંભળવા હું તરસી ગયો છું. હે પ્રભુ! તારી લીલા અપરંપાર છે.’

  • પાંચ વર્ષ એ દીકરાના બિસ્તરને બથ ભરીને રડતાં રહ્યાં અને ત્યાં દીકરો મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર ગેંગ માટે ભીખ માગતો રહ્યો. આ તો અચાનક એક બબાલમાં પોલીસે તેને પકડ્યો...

થોડીવારે સામે છેડેથી એક ભીનો અવાજ આવ્યો, ‘પપ્પા, હું પાર્થ બોલું છું. મને જલદી લઈ જાવ.’ મહેન્દ્રભાઈ અને શાંતિબહેન પાંચ વર્ષે દીકરાનો અવાજ સાંભળી ગાંડાં-ગાંડાં થઈ ગયાં. આંખમાંથી એટલાં આંસુ વહી રહ્યાં હતાં કે જાણે હમણાં એમાં તણાઈ જશે.
પાંચ વર્ષ પહેલાં પતિ-પત્ની એમના દસ વર્ષના એકના એક દીકરાને લઈને જૂનાગઢના મેળામાં ગયેલાં. અતિશય ભીડભાડમાં અચાનક પાર્થની મુઠ્ઠીમાંથી પપ્પાની આંગળી સરકી ગઈ અને પપ્પાની મુઠ્ઠીમાં જિંદગી. નાગાબાવાના વેશે ફરતી મુંબઈની એક ગેંગ એને ગાડીમાં બેસાડી સરકી ગઈ હતી. અહીં મહેન્દ્રભાઈએ જમીન–આસમાન એક કરી નાખ્યાં. જૂનાગઢના પહાડોના એક એક પથ્થર અને જંગલોના એક એક ઝાડ ફેંદી નાખ્યાં, પણ સરકી ગયેલી જિંદગી હાથમાં ન આવી. સમય હવાની પીઠે સવાર થઈને સરકતો રહ્યો. મહેન્દ્રભાઈ અને શાંતિબહેનના ચહેરાનું નૂર ઊડી ગયું. એ રોજ મંદિર અને પોલીસ સ્ટેશનોના ધક્કા ખાતા રહ્યા. પાંચ વર્ષ એ દીકરાના બિસ્તરને બથ ભરીને રડતાં રહ્યાં અને ત્યાં દીકરો મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર ગેંગ માટે ભીખ માગતો રહ્યો. આ તો અચાનક એક નાની બબાલમાં પોલીસે તેને પકડ્યો અને એના હોઠના સેવા તૂટ્યા. બાકી ગેંગના ડરથી આજ સુધી હિંમત જ નહોતી ચાલી.

***
એ જ રાત્રે દસની ટ્રેનમાં મહેન્દ્રભાઈ અને શાંતિબહેન મુંબઈ જવા ઊપડી ગયાં. જલદી દીકરાને મળું અને જલદી પાંચ વરસનું સામટું વહાલ વરસાવી દઉં એ એક જ ધગશ હતી. આખી રાત બંને ભીની આંખે દીકરાનાં સંસ્મરણો વાગોળતાં રહ્યાં, ‘તને ખબર છે શાંતુ, પાર્થ ત્રણ મહિનાનો હતો. ત્યારે એક દિવસ સીડીમાંથી પડી ગયેલો અને એની પહેલાં તો આપણે રડી પડેલાં?’

‘હાસ્તો વળી, એ કેમ ભુલાય? પણ તમને પેલી ખબર છે. એ બે વર્ષનો હતો ત્યારે એની જીદ ખાતર રાત્રે ત્રણ વાગ્યે આપણે આઇસક્રીમની દુકાન શોધવા નીકળેલાં અને કલાક રખડીને એની જીદ પૂરી કરેલી?’
‘હા, બધું જ યાદ છે. એની કાલીઘેલી ભાષા, એનો ગોળમટોળ ચહેરો, એના ખભા પરનું લાખું, એના વાંકડિયા વાળ બધું જ.’
‘એ હેં! અત્યારે એ કેવો દેખાતો હશે?’

‘મારા જેટલો ઊંચો થયો હોય તો સારું, તારી જેમ ઠીંગણો ન જોઈએ.’
‘ઊંચો જ હશે બસ!’
‘એને હવે તો મૂછ પણ ફૂટી હશે. આવતા મહિને એનો જન્મદિવસ છે. રાઇટ પંદર વર્ષનો થશે. એનો જન્મદિવસ ધામધૂમથી ઊજવીશું.’
‘હા, બધું જ કરીશ, પણ પહેલાં મને એને મનભરીને જોઈ લેવા દેજો. આ આંખો એને જોવા આતુર છે, કાન એનો અવાજ સાંભળવા કણસી રહ્યા છે. બસ હવે તો જલદી મુંબઈ આવે એટલે બસ!’
અને મુંબઈ આવી ગયું. બંને બોરીવલી સ્ટેશને પહોંચ્યાં. પ્રાથમિક વિધિ પતાવી એક પોલીસ અધિકારી બંનેને પાર્થને રાખ્યો હતો એ રૂમ પાસે લઈ ગયા. પાંચ વર્ષથી વેરાન આંખો જેની રાહ જોઈ રહી હતી તે દીકરો હવે માત્ર પચીસ ડગલાં જ દૂર હતો. એણે બંને હાથ ફેલાવીને ભીના અવાજે કહ્યું, ‘મમ્મી-પપ્પા!’ જવાબમાં બંને પતિ-પત્નીએ દોડીને દીકરાને છાતી સરસો ચાંપી લેવા પગ ઉપાડ્યા ત્યાં જ છત પર કિચૂડાટ કરતો બાબા આદમના જમાનાનો વજનદાર પંખો ધડામ દઈને પાર્થના માથા પર પડ્યો અને એની ખોપરી ફાડીને શાંત થઈ ગયો.
એ સાથે જ બીજું બધું શાંત થઈ ગયું. પાર્થ પણ અને એનાં મમ્મી-પપ્પાની આંખોનો ઇન્તજાર પણ.

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી