ક્રાઇમ સિક્રેટ / તારો ભાઈ અમારા કબજામાં છે સહીસલામત જોઈતો હોય તો 25 લાખ તૈયાર રાખ

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 13, 2019, 01:11 PM IST

જગન્નાથના પરિવારમાં હડકંપ મચી ગયો. એક હસતા ખેલતા પરિવાર પર અચાનક એક આફત આવી પડી. જગન્નાથનો મોટોભાઈ અર્જુનદેવ બે દિવસથી ગાયબ હતો. સગાંસંબંધીઓ, મિત્રો-દોસ્તાર બધાનાં ઘરે તપાસ કરી જોઈ, પણ ક્યાંયથી એની ખબર ન મળી. અર્જુનની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ અને બાળકો બીમાર. ઘટના છે હરિદ્વારના રુડકી વિસ્તારની. સતત બે દિવસ સુધી મોટાભાઈને શોધીને થાકેલો જગન્નાથ આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ હાજર હતા. એમણે શાંતિથી જગન્નાથને સાંભળ્યો પછી પ્રશ્નોત્તરી શરૂ કરી. ‘આટલા મોડા કેમ રિપોર્ટ લખાવવા આવ્યા?’
‘સર, અમને એમ કે અર્જુનને અચાનક ક્યાંક જવાનું થયું હોય અને એ પાછો આવી જાય તો નાહકનો પોલીસ કેસ થાય અને બધાએ પરેશાન થવું પડે.’
‘અર્જુન ધંધો શું કરે છે અને ક્યાં રહે છે?’

  • બે દિવસ સુધી મોટાભાઈને શોધીને થાકેલો જગન્નાથ આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો

‘સાડીઓનો ધંધો કરે છે. જ્વાલાપુરમાં એની મોટી દુકાન છે. એ મારો મોટો ભાઈ છે. અમે રામનગરની ગલી નં-2માં આવેલા 70 નંબરના મકાનમાં પરિવાર સાથે જ રહીએ છીએ.’
‘ઓકે, છેલ્લે ક્યારે એ ઘરેથી નીકળ્યો?’
‘18મી સપ્ટેમ્બર, 2007ના દિવસે સવારે 11 વાગ્યે.’
‘ક્યાં જવાનું કહીને નીકળ્યો હતો?’
‘એવું તો એ ક્યારેય નહોતો કહેતો.’
‘કોઈ ઉપર શક?’
‘હા થોડો!’
‘કોના ઉપર?’
‘એના બે દોસ્તો છે. વિજય અને તરુણ!’
‘ક્યાં રહે છે?’

‘અમારી સોસાયટીમાં જ રહે છે. અર્જુન ગાયબ થઈ ગયો એટલે અમે પહેલાં જ એના ઘરે પૂછવા ગયા હતા. એ લોકો ઘરે નહોતા. પરિવારને પૂછ્યું તો કહ્યું કે બહાર ગયા છે. ક્યારે આવશે એ નક્કી નહીં.’
‘બરાબર છે. મને અર્જુનનો ફોટો આપો અને તમે જાવ. જરૂર પડશે તો તમને બોલાવી લઈશું.’
‘સર, પ્લીઝ, મારા ભાઈને જલદી શોધી આપો. એની પત્ની રડી રડીને ગાંડી થઈ ગઈ છે. અમારા જીવવાનો ઉત્સાહ જ મરી ગયો છે. પ્લીઝ સર.’
‘ચિંતા ન કરો, અર્જુન જરૂર મળી જશે.’ ઇન્સ્પેક્ટરે આશ્વાસન આપ્યું. જગન્નાથ ભાંગેલી ચાલે બહાર નીકળ્યો. એ પોલીસ સ્ટેશનના દરવાજા બહાર પગ જ મૂકતો હતો ત્યાં રઘુવીરસિંહે પાછો બોલાવ્યો, ‘એક મિનિટ જગન્નાથ અહીં આવ તો!’
‘જી, સર !’
‘મને એના બીજા દોસ્તારોનાં નામ-સરનામાં આપ. એના ખાસ દોસ્તોનાં!’
‘એના ખાસ દોસ્ત વિજય અને તરુણ જ છે. સવારે દુકાને જાય અને સાંજે ઘેર પાછો આવે. રવિવારે રજાના દિવસે પણ આખો દિવસ પરિવાર સાથે રહેતો. સાંજે વિજય અને તરુણ સાથે બહાર જતો અને રાત્રે મોડેથી જમીને પાછો આવતો. આ એનો દર રવિવારનો ક્રમ હતો.
‘એને દારૂની આદત હતી?’
‘પીતો હતો, પણ રવિવારે જ. વિજય અને તરુણ સાથે.’
‘ઓકે. તું જઈ શકે છે.
***

ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ સમજી ગયા હતા કે અર્જુનનું અપહરણ થયું છે અને થોડા જ દિવસમાં કંઈક માગણી કરતો ફોન આવવો જોઈએ. એમની ધારણા સાચી પડી. ઘટનાના પાંચમા દિવસે જગન્નાથના મોબાઇલ પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો. ‘તમારો ભાઈ અર્જુનદેવ અમારા કબ્જામાં છે. જો એને સહીસલામત પાછો મેળવવો હોય તો જલદીથી 25 લાખ રૂપિયાની સગવડ કરી રાખો. હું પછી ફોન કરીશ અને હા, જો પોલીસને જાણ કરી છે તો તમારા ભાઈની લાશ ઘરે આવશે.’

જગન્નાથ હાંફળોફાંફળો પોલીસ સ્ટેશન દોડી ગયો. ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહે તાત્કાલિક આ જાણકારી એસ.એસ.પી. વી મુરુગેશનને આપી. જગન્નાથ પર આવેલા નંબર પર સંપર્ક કર્યો. જગન્નાથના દરેક કોલ પર પોલીસના ચાંપતા કાન મંડાયા હતા અને શહેરના દરેક સ્થળ પર ચાંપતી નજર. ગઢવાલ રેંજના ડી.આઇ.જી. અશોકકુમાર અને પ્રદેશ પોલીસ કમિશનર કંચન ચૌધરી પણ હવે આ કેસમાં રસ લઈ રહ્યા હતા, કારણ કે અર્જુનદેવ એક વેપારી હતો અને એના અપહરણ મામલે વેપારીઓનું એક આખું યુનિયન રોડ પર ઊતરી આવ્યું હતું. વિજય અને તરુણ હજુ ઘરે નહોતા આવ્યા. પોલીસને યકીન થઈ ગયું હતું કે અર્જુનનું અપહરણ એ લોકોએ જ કર્યું હતું. પોલીસના ખબરીઓ ચારે તરફ એમને શોધી રહ્યા હતા. 27મી સપ્ટેમ્બર, 2007ના દિવસે સવારે દસ વાગ્યે પોલીસના એક ખબરીએ રઘુવીરસિંહના મોબાઇલ પર ખબર આપી. ‘સર, વિજય અને તરુણ એમના બીજા ત્રણ દોસ્તો સાથે ઇન્ડિકા કાર દ્વારા પનિયાલા રોડથી રુડકી તરફ આવી રહ્યા છે. ગાડીનો નંબર છે યુ.એ. 08 જી. – 3874’. ખબર મળતાં જ રઘુવીરસિંહ એમની ટીમ સાથે પનિયાલા - રુડકી રોડ પર એક ગેસ એજન્સી પાછળ છુપાઈને બેસી ગયા. થોડી જ વારમાં સૂચિત નંબરની ઇન્ડિકા કાર પસાર થતી દેખાઈ. ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહે તરત જ જીપ રોડની વચ્ચોવચ ઊભી રાખી દીધી. કાર એક ચિચિયારી સાથે રોડ વચ્ચે ચોંટી ગઈ. એ સાથે જ એની પાછળ અને આજુબાજુ પોલીસની જીપો આવીને ઊભી રહી ગઈ. પોલીસે ગાડીમાંથી વિજય, તરુણ સહિત શેઠપાલ, માંગેરામ અને નવાબ નામની અન્ય ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી એમને ગંગા નહર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. એમની પાસેથી 315 બોરનો એક તમંચો પણ બરામદ થયો. પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એમની પૂછપરછ કરી. પહેલાં તો એ લોકો નિર્દોષ હોવાની માળા જપતા રહ્યા, પણ પછી પોલીસે એમની આસપાસ એવી મનોવૈજ્ઞાનિક જાળ ગૂંથી કે એ ફસાઈ ગયા. અર્જુનદેવના જ હમપ્યાલા, હમનિવાલા દોસ્તો જ એનો કાળ બની ગયા હતા, કારણ કે અર્જુનદેવે એમની સામે એક રાઝ ખોલી નાખ્યો હતો. એ રાઝ કયો હતો અને અર્જુનદેવનું શું થયું? એ વાત આવતા બુધવારે.

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી