રે જિંદગી / છૂરો, ગરદન અને બચ્ચું

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 10, 2019, 12:05 AM IST

‘અબ્દુલના ઘરમાં ત્રણ દિવસથી ચૂલો નહોતો જલ્યો. બીવી સમીના અને એ પાણી પીને દિન ગુજારી રહ્યાં હતાં. એક તો એ અંગૂઠાછાપ હતો અને પાછો માથાભારે. એની મથરાવટી એટલી મેલી થઈ ગઈ હતી કે એને તો શું એની બીવીને પણ કોઈ કામ નહોતું આપતું.’
આખરે ભૂખના દુઃખથી ત્રાસીને એણે એક દિવસ સમીના આગળ રજૂઆત કરી, ‘સમી, મેરેકુ એક નૌકરી મિલ રએલી હૈ, તું જો હાં કેવે તો...’ સમીના ઉત્સાહમાં આવી, ‘અરે! ઇસમેં મેરેકુ ક્યા પૂછને કા! જલદી સે લગ જા.’
‘લેકિન નોકરી અચ્છી નહીં હૈ.’
‘ક્યૂં? ઝાડુ મારને કા કામ મિલા હૈ?’
‘નહીં, બકરે કાટને કા!’

  • મોતનો તરફડાટ, રક્તના ફુવારા અને ચિચિયારીઓએ બેઘડી એને વિચલિત કરી દીધો, પણ એની સામે એના પેટમાંથી ઊઠતી ભૂખ નામની ડાકણની ચિચિયારી વધારે તાકાતવાન સાબિત થઈ

અબ્દુલનો જવાબ સાંભળીને સમીનાએ એક જ ઝાટકે શોહરને ના પાડી દીધી, પણ સમીનાની લાખ આનાકાની છતાં અબ્દુલ મટનની દુકાનમાં નોકરીએ લાગી ગયો. પહેલાં જ દિવસે એણે ત્રણ બકરાં અને પાંચ મુરઘીઓની ગરદન પર છૂરો ફેરવી દીધો. મોતનો તરફડાટ, રક્તના ફુવારા અને ચિચિયારીઓએ બેઘડી એને વિચલિત કરી દીધો, પણ એની સામે એના પેટમાંથી ઊઠતી ભૂખ નામની ડાકણની ચિચિયારી વધારે તાકાતવાન સાબિત થઈ.
રક્તવાળાં કપડાં લઈ પહેલા દિવસે એ
ઘરે ગયો ત્યારે સમીનાએ બે હાથ જોડીને એને વિનંતી કરી, ‘દેખો, યે કામ હમારા નહીં હૈ, પૂરે મહોલ્લે મેં બાત ફૈલ ગઈ હૈ કિ તુમ મટન કી દુકાન મેં કામ પે લગે હો. સબ તાને માર રહે થે કી યે તો હત્યારા હૈ. ખુદા કા વાસ્તા હૈ તુમ્હેં, યે કામ છોડ દો.’
પણ આજે પાંચ વર્ષ થયાં છતાં અબ્દુલે આ કામ છોડ્યું નહોતું. એનો એક જ જવાબ હતો. ‘યે કામ છોડ દૂંગા તો હમ ખાયેંગે ક્યા?’
લગ્નનાં દસ વર્ષ થયાં છતાં સમીના નામની ડાળ પર હજુ ફૂલ નહોતું બેઠું. કેટલીયે દરગાહો પર માથાં ટેકવ્યાં, અલ્લાહની બંદગી કરી, તહે-દિલથી નમાઝો પઢી છતાં એની ગોદ હજુ ખાલી હતી. પાડોશીઓ નિત નવા ટોણા માર્યા કરતા, ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી. ઉસકા શોહર રોજ બેજુબાન જાનવરો કા કત્લ કરતા હૈ ઔર ઇસ સાહિબજાદી કો બચ્ચા ચાહિયે. ઐસે પાપ કરને પર તો ખુદા સાત જન્મોં તક બાંઝ રખે તો ભી કમ હૈ.’
સમીનાના કાનના કીડા ખરી પડતા. એ પતિના પગ પકડીને રોજ કરગરી પડતી, ‘ખુદા કે લિયે યે કામ છોડ દો, યે પાપ હૈ. શાયદ ઇસી લિયે આજ તક મૈં બાંઝ હૂં.’
પણ રોજ રોજ બકરાં અને મરઘાંની ગરદન પર છૂરો ફેરવીને નઠારો થઈ ગયેલો અબ્દુલ એની એક ન સાંભળતો. પાડોશીઓ રોજ ટોણા મારતા રહ્યા, પણ અબ્દુલે કામ ના છોડ્યું. સમીના બાળક વગર તરફડી રહી હતી, અદ્દલ અબ્દુલના હાથે કપાયેલાં મરઘા અને બકરાં જેમ જ.
એક દિવસ સવારના પહોરમાં અબ્દુલ છરો લઈને કતલખાને પહોંચી ગયો. પાછળના ભાગે આવેલ થડા ઉપર બેઠો-બેઠો એ ‘માલ’નો ઇન્તજાર કરી રહ્યો હતો. ત્યાં જ એના બે સાગરિતો એક બકરીને તાણીને તેની પાસે લઈ આવ્યા,
‘લે અબ્દુલ, કાટ ડાલ, વો બાજુવાલે બુઢ્ઢેને સસ્તે મેં હમેં દે દી.’
બેં…બેં કરતી બકરીને અબ્દુલે પાસે ખેંચી અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પેલો ધારદાર છરો બકરીની ગરદન પર ફેરવી દીધો. બકરીનું ધડ તરફડિયા મારતું એક તરફ પડ્યું અને માથું બીજી તરફ. અબ્દુલ બકરીના ધડ તરફ ઝૂક્યો, ત્યાં જ બેં બેં…બેં કરતું એક બકરીનું બચ્ચું ત્યાં આવી ચઢ્યું. પોતાની માને બે ભાગમાં વહેંચાયેલી જોઈને બચ્ચાએ આક્રંદ મચાવી મૂક્યો. ઘડીક બકરીના મોઢા તરફ તો ઘડીક બકરીના ધડ પર આવીને બચ્ચું વલોપાત કરવા લાગ્યું. એણે બકરીનાં
સ્તન પર મોઢું લગાવ્યું, પણ ત્યાંથી દૂધને બદલે રક્ત છૂટ્યું.
આ આક્રંદે અબ્દુલનું હૃદય ભેદી નાખ્યું. એણે હાથમાં રહેલા છરાનો માલિક તરફ ઘા કર્યો અને બચ્ચાને ઉઠાવી લીધું. બચ્ચાને ઉઠાવીને એ સીધો ઘર તરફ ભાગ્યો. આખો મહોલ્લો એને જોઈ રહ્યો. હાંફતાં-હાંફતાં એ એની બીવી પાસે પહોંચ્યો અને બચ્ચું એના ખોળામાં મૂકતાં બોલ્યો,
‘બચ્ચા, બચ્ચા કરતી થી ના! યે લે બચ્ચા! ભગવાન ને હમારી સૂન લી. આજ સે યહી હમારા બચ્ચા હૈ, પાલોગી ના ઇસકો?’
અને જવાબમાં સમીનાના ગળામાંથી ભીનો-ભીનો જવાબ નીકળી પડ્યો, ‘ક્યૂં નહીં પાલૂંગી? યે તો મેરા પહલા બચ્ચા હૈ. ઇસે તો મૈં જાન સે ભી જ્યાદા પ્યાર દૂંગી!’
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી