ક્રાઇમ સિક્રેટ / હોટેલના માલિકને બ્લેકમેઇલ કરી અધિકારીઓએ પચાસ હજાર માગ્યા

article by raj bhaskar

રાજ ભાસ્કર

Feb 13, 2019, 03:03 PM IST

લંચનો સમય હતો. રાજ હોટેલ હકડેઠઠ ભરી હતી. લોકો હોટેલનું સ્વાદિષ્ટ ભોજન માણવામાં મશગૂલ હતા. હોટેલની ડિજિટલ ક્લોક બરાબર એક વાગીને સાત મિનિટનો સમય બતાવી રહી હતી, એ જ વખતે હોટેલના ગેટ પર એક લાલ લાઇટવાળી સફેદ રંગની એમ્બેસેડર કાર આવીને ઊભી રહી. હોટેલના દરવાજા પાસે ડ્રાઇવરે ગાડી થોભાવી અને અંદરથી ત્રણ અફસરો જેવા લાગતા માણસો નીચે ઊતર્યા. જેમાં એક મહિલા હતી અને બે પુરુષ. જમાદારની સલામ ઝીલતા એ લોકો રુઆબભેર અંદર ગયા. કોઈની પણ પૂછપરછ વગર સીધા જ હોટેલના મેનેજરની કેબિનમાં પ્રવેશ્યા.

  • હોટેલના દરવાજા પાસે ડ્રાઇવરે ગાડી થોભાવી અને અંદરથી ત્રણ અફસરો જેવા લાગતા માણસો નીચે ઊતર્યા

‘વી આર કમિંગ ફ્રોમ ક્રાઇમ બ્રાન્ચ!’ મહિલાએ કેબિનમાં બેઠેલા એક જવાબદાર લાગતા માણસ સામે જોઈને કહ્યું.
‘વેલકમ સર, અમારા ગરીબખાનામાં તમારું સ્વાગત છે.’ પેલા માણસે અચાનક વળી ગયેલા પરસેવાને સાફ કરતાં જવાબ આપ્યો.
‘સ્વાગત પછી કરજો પહેલાં એ કહો કે તમે કોણ છો અને આ હોટેલના માલિક ક્યાં છે?’
‘મેડમજી, હું જ આ હોટેલનો માલિક છું. મારું નામ મહેન્દ્ર છે, પણ તમે બેસો તો ખરાં. પહેલાં ઠંડું ગરમ લો પછી શાંતિથી વાત કરીએ.’ કહેતાં જ એણે વેઇટરને બૂમ મારી, ‘શામુ, સાહેબ માટે બે બદામ જ્યૂસ લાવ.’
‘એય મિસ્ટર, અમે અહીં બદામ જ્યૂસ પીવા નથી આવ્યા. સમજ્યા! આઇ એમ સુલેખા તિવારી. એ.એસ.પી. ઓફ ક્રાઇમ બ્રાન્ચ અને આ અમારા એસ.પી. સાહેબ છે. ઇન્સ્પેક્ટર અમનકુમાર.’
મહેન્દ્રના ચહેરાનો પરસેવો વધતો જતા હતો. છતાં એણે હિંમત રાખી કહ્યું, ‘સર, તમે શા માટે આવ્યા છો એ તો હું નથી જાણતો, પણ એ બધી વાત પછી. આટલા મોટા માણસો મારી હોટેલ પર આવ્યા છે એનો મને લાભ લેવા દો. બસ, મારી હોટેલમાં એક વાર જમી લો. મને ખૂબ આનદ થશે.’

ઇન્સ્પેક્ટર સાહેબ હવે બરાબરના ખિજાયા હતા. એ ગુસ્સે થઈ ગયા, ‘એય અમને ફોસલાવવાની કોશિશ ન કર. ભૂલેચૂકેય અમને ઓછા ન આંકતો. આજ સુધી તને જે મળ્યા હશે એમાં અને અમારામાં ફર્ક છે સમજ્યો?’
‘સર, તમે કેમ આમ ગુસ્સે થાવ છો? મારો કોઈ વાંક ગુનો?’

‘અમને બાતમી મળી છે કે છેલ્લા ઘણા વખતથી તમારી હોટેલમાં ગેરકાનૂની કામ થાય છે. તમે બહારથી છોકરીઓ મંગાવીને હોટેલના નામે દેહનો વેપાર કરો છો.’
‘ઓહ નો સર! મહેન્દ્ર ધ્રૂજી ઊઠ્યો, તમને કોઈએ ખોટા સમાચાર આપ્યા છે. મારી હોટેલમાં એવું કાંઈ જ નથી ચાલતું!’
‘એ તો હવે કોર્ટમાં સાબિત કરજો. અમારી પાસે પુરાવા છે અને તમારી ધરપકડનું વોરંટ પણ છે.’
‘સર, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. લોકો જોઈ રહ્યા છે. હું બદનામ થઈ જઈશ.’

‘ભાઈ, એ તો તમારે આવા આડાઅવળા ધંધા કરતાં પહેલાં વિચારવાનું હતું.’ અત્યાર સુધી ચૂપ રહેલા ત્રીજા અફસરે હવે મહેન્દ્રને ધધડાવાનું ચાલુ કર્યું હતું, ‘ચાલો, તમારા તમામ કસ્ટમર્સને બહાર કાઢો, અમારે હોટેલની તપાસ કરવી છે.’
મહેન્દ્ર હવે ગભરાઈ ગયો હતો. એનામાં પરસેવો લૂછવા જેટલી પણ હિંમત નહોતી રહી. એ સાવ ગળગળો થઈ ગયો. ત્રણેત્રણ અફસરો આગળ રીતસરનો કરગરી પડ્યો, ‘સર, ખરેખર તમારી કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થતી લાગે છે. આ હોટેલમાં એવું કશું જ નથી ચાલતું. મેં બહુ મહેનત કરીને આ હોટલ શરૂ કરી છે. હજુ તો દેવું પણ નથી ભરાયું. તમે આ રીતે તપાસ કરશો તા આખા વિસ્તારમાં મારી હોટેલ બદનામ થઈ જશે. પ્લીઝ સર, બિલિવ મી. હું નિર્દોષ છું.’

લગભગ કલાકેક સુધી ચર્ચા ચાલી. છેલ્લે તો મહેન્દ્ર રડી ૫ડ્યો ત્યારે એક અફસરને દયા આવી, ‘જો ભાઈ તેં ગુનો કર્યો છે એટલે તને સજા તો થશે જ. તારી ગરીબ પરિસ્થિતિની દયા આવે છે એટલે જિંદગીમાં આજે પહેલી વાર આ રીતે મામલો રફાદફા કરી રહ્યા છીએ, પણ એ આખાયે કામ માટે પચાસ હજાર રૂપિયા થશે અને હા, એક વાત, તને જો એમ લાગતું હોય કે અમે રિશ્વત માગી રહ્યા છીએ તો ન આપીશ. ખરેખર એવું છે કે તારી હોટેલની વાત છેક ઉપલા લેવલ સુધી પહોંચી ગઈ છે. અમારે પણ અમારા ઉપરી અધિકારીને જવાબ આપવાનો હોય. એટલે એમને મનાવવા આ પૈસા માગીએ છીએ.

મહેન્દ્રની ગભરાહટ થોડી ઓછી થઈ, પણ બીજી મૂંઝવણ ચાલુ થઈ. પચાસ હજાર રૂપિયા એની પાસે હતા નહીં. એ ફરીવાર સાહેબો આગળ કરગરી પડ્યો. અફસરોએ ફરીવાર એને ખખડાવવાનું ચાલુ કર્યું. ફરીવાર મહેન્દ્ર રડી પડ્યો અને આખરે સાહેબોએ એના પર દયા ખાઈને બાર હજારમાં બધું પતાવી દીધું. મહેન્દ્ર રાજીના રેડ થઈ ગયો.

* * *
નવી દિલ્હીમાં લાલડુ કસ્બો જનપદ માહોલીના ડેરા બસ્સી હેઠળ આવેલો છે. આ જ લાલડુમાં આવેલી મહેન્દ્ર હોટેલની 14મી ઓગસ્ટ, 2008ની આ વાત છે. એ દિવસે અચાનક અહીં સી.બી.આઇ.ની રેડ પડી ગઈ. મહેન્દ્ર સી.બી.આઇ. ના અફસરોને કરગરી રહ્યો હતો એ દૃશ્ય હોટેલમાં ટહેલતા એક જણની નજરે ચઢી ગયું. એ માણસ લાલડુ પોલીસનો એક ખાસ ખબરી હતો. એણે ધ્યાનથી આખી ઘટના નિહાળ્યા કરી. છેલ્લા ઘણા સમયથી એને પણ માહિતી મળ્યા કરતી હતી કે આ વિસ્તારમાં સી.બી.આઇ.ના કેટલાક અધિકારીઓ અવારનવાર આવે છે ને લોકોને ડરાવી ધમકાવીને એમની પાસેથી પૈસા પડાવે છે. એને ઘણીવાર ઇચ્છા થઈ કે પોલીસને આ માહિતી આપે, પણ સામે સી.બી.આઇ ના સૌથી સિનિયર અધિકારીઓ હતા એટલે એની જીભ કે કદમ ઊપડતા નહોતા અને આમેય હજુ સુધી એણે માત્ર આ વાત સાંભળી જ હતી, ક્યારેય નજરોનજર જોયું નહોતું એટલે પોલીસને બાતમી આપવામાં પૂરેપૂરું જોખમ હતું, પણ આજે એણે સી.બી.આઇ.ના અફસરોને લાંચ લેતા અને પ્રજાને હેરાન કરતા નજરોનજર જોઈ લીધા હતા. એને ખબર પડી ગઈ હતી કે આ તક એની કારકિર્દીની સુવર્ણ તક હતી. આ ખબર એ જો પોલીસને પહોંચાડી દેશે તો હાહાકાર મચી જશે અને સરકાર તરફથી મોટું ઇનામ અને શાબ્બાશી પણ મળશે. એણે તાત્કાલિક તક ઝડપી લેવાનું નક્કી કર્યું અને ઝડપથી હોટેલની બહાર નીકળી ગયો.
* * *

સ્વતંત્રતા દિવસની ઉજવણીને હવે માત્ર એક જ દિવસ બાકી હતો. આવતી કાલે લાલડુમાં ભવ્ય ઉજવણી થવાની હતી. તડામાર તૈયારીઓ અને સઘન તપાસ ચાલુ હતી. ચપ્પે ચપ્પે, નાકે નાકે પોલીસ બદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. આવા જ એક નાકા પર લાલડુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્ચાર્જ સુખવિન્દર સિંહ તૈનાત હતા. લાલડુ શાકમાર્કેટ અને બસસ્ટેન્ડ વચ્ચે આવેલી સડક પર એ પહેરો ભરી રહ્યા હતા ત્યાં જ પેલો ખબરી હાંફળોફાંફળો ત્યાં દોડી આવ્યો. બધીયે વાત જણાવી એણે કહ્યું, ‘જલદી કરો. આપણી પાસે ટાઇમ બહુ ઓછો છે. એ લોકો ત્યાંથી જતા રહેશે તો પકડવા મુશ્કેલ પડી જશે. આપણી પાસે પુરાવા પણ નથી, બહેતર છે કે આપણે એમને રંગેહાથ જ પકડી લઈએ.’

ઘટનાની ગંભીરતા જોઈને ઇ. સુખવિન્દર સિંહ તાત્કાલિક એમની ટુકડીને લઈને હોટેલ મહેન્દ્ર તરફ રવાના થયા અને આ સનસનીખેજ ખબર આપનાર ખબરીને પણ એમની જ ગાડીમાં સાથે બેસાડી લીધો. ખબરીને ટેન્શન હતું કે ક્યાંક એ લોકો જતા રહ્યા ન હોય, પણ હોેટલ પર પહોંચતાં એનું ટેન્શન ગાયબ થઈ ગયું. પેલી સફેદ રંગની એમ્બેસેડર હજુ ત્યાં જ ઊભી હતી. ઇ. સુખવિન્દરે બાકીની ટુકડીને ત્યાં જ ઊભા રહેવાની સૂચના આપી અને ખબરી સાથે અંદર ગયા. સી.બી.આઇ.ની ટુકડી શાહી ભોજન માણી રહી હતી. ખબરીએ દૂરથી જ ઇશારો કરીને ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોર્યું. સુખવિન્દર એમને તાકી રહ્યા. એમના હાવભાવ જોતા રહ્યા પછી બોલ્યા, ‘દાળમાં જરૂર કંઈક કાળું લાગે છે. એમની પૂછપરછ જ કરવી પડશે. હું અત્યારે જ જઈને એમની પાસેથી વિગતો મેળવું છું.’

આટલું બોલી એ આગળ વધ્યા. એ વખતે એમને ખબર નહોતી કે સામાન્ય લાગતો આ કેસ બહુ જ મોટો પર્દાફાશ કરવાનો હતો. એ વખતે એમને એ પણ અંદાજ નહોતો કે દાળમાં કાળું નહોતું, પણ આખી દાળ જ કાળી હતી. એ આગળ વધી રહ્યા હતા અને એક સનસની તેમની રાહ જોઈ રહી હતી. આ ઘટનામાં ક્રાઇમ કોણ કરી રહ્યું છે એનું સિક્રેટ આવતા અઠવાડિયે.ક્રમશ:

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી