ક્રાઇમ સિક્રેટ / દિલ્હીની એક પત્રકારનું મર્ડર થયું પૂર્વ આઇપીએસ અધિકારી પર શંકાની સૂઈ તકાઈ

article by raj bhaskar

રાજ ભાસ્કર

Feb 06, 2019, 12:33 PM IST

શિવાની એ દિવસે ફ્લેટમાં એકલી હતી. પત્રકારત્વની દોડધામભરી જિંદગીમાંથી માંડ મળેલી એક દિવસની રજાને ભરપૂર માણી રહી હતી. બપોરનું ભોજન પતાવી તે આડી પડી હતી ત્યાં જ ઇન્ટરકોમની રિંગ વાગી. બપોરના અઢી વાગી રહ્યા હતા. ગુસ્સા અને કંટાળાના ભાવ સાથે એણે ફોન રિસીવ કર્યો. નમસ્તે મેડમ, હું ગેટ ઉપરથી રામસિંગ બોલું છું, એક કુરિયરવાળો આવ્યો છે. લગ્નની કંકોતરી અને મીઠાઈનું બોક્સ લાવ્યો છે. મેં તમારા સુધી પહોંચાડી દેવાની વાત કરી પણ નથી માનતો. કહે છે કે તમને રૂબરૂ જ આપશે. શું કરું?
વાંધો નહીં મોકલો ઉપર!

  • હું પત્રકાર છું. સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં હું તને સમાજમાં ઉઘાડો પાડી દઈશ

થોડી વારે એક યુવાન શિવાનીના ફ્લેટના ડોર પર ઊભો હતો. એણે શિવાનીને મીઠાઈનું બોક્સ અને કંકોતરી આપ્યાં, એની સહી લીધી અને પછી કહ્યું, ‘મેડમ, બહુ તરસ લાગી છે. એક ગ્લાસ ઠંડું પાણી મળશે.’
‘શ્યોર! શિવાની જેવી પાછળ ફરી કે તરત જ પેલો યુવક દરવાજો બંધ કરીને ચિતાની ઝડપે એના પર લપક્યો અને એના ગળામાં તારનો ફંદો કસી દીધો. શિવાની છૂટવા માટે તરફડિયા મારવા લાગી. મહામુસીબતે એ છટકી તરત જ યુવકે એક ધારદાર ચપ્પુ કાઢ્યું અને એના ઉપર તૂટી પડ્યો. થોડી જ વારમાં આખો ડ્રોઇંગરૂમ લોહીના ખાબોચિયામાં પલટાઈ ગયો. શિવાનીએ તરફડતાં તરફડતાં જીવ છોડી દીધો. યુવક ચૂપચાપ બહાર નીકળી ગયો અને દુનિયાની ભીડમાં અદૃશ્ય થઈ ગયો.

* * *
સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસની જાણીતી પત્રકારની એના જ ફ્લેેટમાં હત્યાથી આખું શહેર સ્તબ્ધ હતું. મંડાવલી પોલીસે આવીને છાનબીન શરૂ કરી. શિવાનીનું આખું નામ શિવાની રાકેશ ભટનાગર. માત્ર એકત્રીસ વર્ષની ઉંમર. દિલ્હીની બાહોશ પત્રકારોમાં એનું નામ હતું. એનો હસબન્ડ રાકેશ પણ એક સારો પત્રકાર હતો. 1996માં શિવાનીએ રાકેશ સાથે લવમેરજ કરેલા.

પોલીસ છાનબીન શરૂ થઈ. ફ્લેેટના મુલાકાતી રજિસ્ટરની તપાસ થઈ. બપોરે કુરિયર આપવા આવનાર છોકરાએ જે કુરિયરનું નામ અને સરનામું લખાવ્યું હતું એવી કોઈ કુરિયરની ઓફિસ શહેરમાં હતી જ નહીં. શિવાનીના પતિ રાકેશથી માંડીને એના મિત્રો, દુશ્મનો, ઓફિસ કર્મચારીઓ વગેરે તમામની પૂછપરછ થઈ. સમય વહેતો ગયો અને પોલીસ તપાસ કરતી રહી, પણ ધૂળના રજકણ જેટલો પણ પુરાવો નહોતો મળતો. 23મી જાન્યુઆરી, 1999ના રોજ શિવાનીનું ખૂન થયેલું ત્યારથી લઈને પૂરા સાડા ત્રણ વર્ષ પોલીસ અંધારામાં હાથ-પગ ફંગોળતી રહી, પણ કીડીના એક પગલા જેટલીયે પ્રગતિ ન કરી. આખરે 18મી જૂન, 2002ના રોજ આ અાખોયે કેસ ક્રાઇમ બ્રાન્ચના એસપી હેમંત ચોપરાને ટ્રાન્સફર કરી દેવાયો. હેમંત ચોપરાની સ્ટાઇલ જરા જુદી હતી. એમણે શિવાનીના પતિ, એના એ વખતના મિત્રો વગેરે કોઈની પૂછપરછ ન કરી. એમને રસ હતો શિવાનીના ભૂતકાળમાં. એમણે શિવાનીના પ્રારંભિક તબક્કાના કેટલાક મિત્રોની શોધ કરી લીધી અને એમને એક ક્લૂ મળી પણ ગયો. શિવાનીની વર્ષો જૂની બહેનપણી સેજલે એક સામાન્ય પણ અતિ મહત્ત્વની વાત જણાવી, ‘સર, એ વખતે શિવાની પીએમઓ, સીબીઆઈ, આઇબી, કાનૂન મંત્રાલય જેવા મહત્ત્વપૂર્ણ બીટ સંભાળતી હતી. ખાસ સમાચારોની જાણકારી માટે એ અવારનવાર પીએમઓ કાર્યાલયની અવરજવર કર્યા કરતી હતી. એણે મને કહ્યું હતું કે ત્યાં એ કોઈ રવિકાંતના પ્રેમમાં છે. બસ પછી કોઈ દિવસ એણે એ વાત કરી નહોતી. અમે મળતા અને છૂટા પડતા. હેમંતે રવિકાંત વિશે તપાસ કરાવી. તપાસમાં મળેલી માહિતીથી આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ચોંકી ગયો.

* * *
રવિકાંત એક બાહોશ આઇ.પી.એસ અધિકારી હતો. એ પછી એ પી.એમ.ઓ. કાર્યાલયમાં પણ જોડાયેલો. શિવાની રવિકાંતના ગળાડૂબ પ્રેમમાં હતી. એને એના સિવાય કાંઈ જ નહોતું દેખાતું. શિવાની ગર્ભવતી થઈ ગઈ ત્યાં સુધી એને કોઈ ભાન જ ન રહ્યું અને પછી પણ ભાન તો ત્યારે જ થયું જ્યારે રવિકાંત આ ખબર જાણીને પરેશાન થઈ ગયો. રવિકાંતે બાળકનો નિકાલ કરી નાખવાની સલાહ આપી ત્યારે શિવાનીને ખબર પડી કે એનો પ્રેમી તો સાવ માટીપગો છે, પણ શિવાની મક્કમ હતી. એણે બાળક પડાવવાની ધૂણીને ના પાડી દીધી. શિવાનીની બહેન પણ આ વાત જાણતી હતી. આખરે રવિકાંતની નામરજી છતાં પણ શિવાનીએ 19મી ઓક્ટોબર, 1998ના રોજ કરોલબાગની જસ્સારામ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. શિવાનીએ તરત જ રવિકાંતને દીકરો જન્મવાની ખુશખબરી આપી. રવિકાંતે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો. શિવાનીને ભારે આઘાત લાગ્યો. એણે રવિકાંતને ધધડાવી નાખ્યો, ‘રવિ, તેં મારી સાથે બેવફાઈ કરી છે. હું તને બરબાદ કરી નાખીશ તને ખબર છે ને કે તેં મને...’

શિવાનીના છેલ્લા શબ્દો સાંભળીને રવિકાંતના પગ તળેથી જમીન સરકી ગઈ. એ ફફડી ઊઠ્યો. એને ડર લાગ્યો કે એ વાત જો જાહેર થઈ જશે તો પોતે સમાજમાં કોઈને મોં બતાવવાલાયક પણ નહીં રહે. શિવાની ગર્ભવતી થઈ એ વાતથી રવિકાંતને કોઈ ડર નહોતો, પણ આ મામલો વધારે ભયાનક હતો. હવે આમાંથી છૂટવાનો એક જ રસ્તો હતો અને એ હતો મોત, શિવાનીનું મોત. શિવાની રાઝની એ વાત સમાજ અને મીડિયામાં જાહેર કરી દે એ પહેલાં એને મારવી જ‚રૂરી હતી. થોડા જ સમયમાં રવિકાંતે શિવાનીને મારવાની એક યોજના ઘડી કાઢી. 23મી જાન્યુઆરી 1999નો દિવસ શિવાની માથે કાળ થઈને ત્રાટક્યો. એ દિવસે રવિકાંતના મિત્રો પ્રદીપ શર્મા, સત્યપ્રકાશ તથા ભગવાન યોજના મુજબ એક કાર લઈને શિવાનીના ઘેર નવકુંજ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા. એ લોકોને પહેલેથી જ ખબર હતી કે શિવાનીનો પતિ એ દિવસે ઘરે નહોતો, શિવાની એકલી જ હતી. બે મિત્રો ફ્લેટથી થોડે દૂર ગાડીમાં જ બેસી રહ્યા. પ્રદીપ કુરિયર બોયના નામે શિવાનીના ફ્લેટમાં દાખલ થયો અને શિવાનીનું કાસળ કાઢી નાખ્યું.

આ સિલસિલાબંધ વિગત રવિકાંતની મોબાઇલ ડિટેઇલ્સને કારણે સામે આવી હતી. પોલિસ અધિકારી હેમંતને રવિકાંત પર શક જતાં એમણે એની કોલ ડિટેઇલ્સ મંગાવી હતી. એના આધારે ખબર પડી કે ઘટનાના થોડા દિવસ પહેલાંથી ગુડગાંવની ભગવાન નામની વ્યક્તિ સાથે રવિકાંતની અનેકવાર વાત થઈ છે અને કતલની રાતે પણ રવિકાંતે ભગવાન સહિત દિલ્હીના જ પ્રદીપ શર્મા અને સત્યપ્રકાશ સાથે પણ અનેકવાર વાત કરી હતી. આટલી જાણકારી મળતાં જ પોલીસે ભગવાનને ગિરફ્તાર કરી લીધો. પ્રદીપ શર્માને પણ પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યો. બંનેએ આખરે આખીયે ઘટના ઉપરથી પરદો ઊંચકી લીધો. પ્રદીપનું કહેવું હતું કે, આ કૃત્યમાં એમની સાથે ભગવાન ઉપરાંત, વેદપ્રકાશ શર્મા અને સત્યપ્રકાશ શર્મા નામની અન્ય બે વ્યક્તિઓ પણ સામેલ હતી. આ લોકોએ ગુનો કબૂલી લીધો હતો, પણ એ દરમિયાન રવિકાંત ફરાર થઈ ગયો. પોલીસ એને શોધતી હતી. આખરે પોલીસની ધોંસથી ત્રાસીને એણે પણ 17મી ઓગસ્ટ, 2002ના દિવસે અંબાલાની એક અદાલતમાં આત્મસમર્પણ કરી દીધું અને ગુનો કબૂલ કરી લીધો. આખરે અદાલતે રવિકાંત શર્મા, સત્યપ્રકાશ, અને પ્રદીપ શર્માને આજીવન કારાવાસની સજા ફટકારી. એ પછી 2011માં તેમને છોડી દેવામાં આવ્યા.

* * *
પ્રશ્ન એ છે કે એવું કયું રહસ્ય હતું જેના ખૂલી જવાના ડરથી રવિકાંતે શિવાનીનું મર્ડર કરાવી દીધું. શિવાની અને રવિકાંતની મુલાકાત થઈ અને એ બંને પ્રેમમાં પડ્યાં એ વખતે રવિકાંત પી.એમ.ઓ. કાર્યાલયમાં વડાપ્રધાનના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) તરીકે કાર્યરત હતો. આટલો મોટો હોદ્દો ધરાવતો હતો એટલે શિવાની પ્રેગ્નન્ટ થઈ એ વાત તો એના માટે સાવ મામૂલી હતી, પણ એને ડર લાગ્યો શિવાનીએ છેલ્લે એને આપેલી ધમકીથી, છેલ્લે શિવાનીએ એને ધધડાવતા કહી દીધું હતું કે, ‘રવિ, તેં મારી સાથે બેવફાઈ કરી છે. હું તને બરબાદ કરી નાખીશ. તને ખબર છેને કે તેં મને સરકારના અનેક ગોપનીય દસ્તાવેજો લીક કર્યા છે? હું પત્રકાર છું. સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં હું તને સમાજમાં ઉઘાડો પાડી દઈશ. તારી નોકરી પણ જશે અને... બસ, આ જ વાક્યે શિવાનીનો ભોગ લીધો. રવિકાંતે સૈંટ કિટ્સ મામલાના અનેક ગોપનીય દસ્તાવેજો શિવાનીને લીક કર્યા હતા એટલે એ એની ધમકીથી ગભરાઈ ગયો અને શિવાનીનું ખૂન કરવા તૈયાર થઈ ગયો. આખરે રવિકાંતનું પાપ તો શિવાનીના પેટે ચડીને પોકાર્યું જ, પણ શિવાનીને ભોગવવા માટે એણે સરકાર સાથે કરેલી ગદ્દારીનું ક્રાઇમ પણ ખૂલી ગયું. સમાપ્ત {
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી