ક્રાઇમ સિક્રેટ / કમલા મર્ડર કેસ - 2 પાંચ પુરુષો સાથે સંબંધ ધરાવતી એ સ્ત્રીનું ખૂન કોણે કર્યું?

article by raj bhaskar

રાજ ભાસ્કર

Jan 30, 2019, 06:12 PM IST

કમલાની જીવનકથાનાં પાનાં ઇન્સ્પેેક્ટર રાઠી સામે ખુલ્લાં પડ્યાં હતાં. એમનું મગજ ચકરાવે ચડી ગયું હતું. રાકેશ, ઇરફાન, બ્રુજલાલ, ચંદ્રપાલ અને સુધીર જેવા પાંચ-પાંચ પુરુષો સાથે સંબંધ ધરાવનાર કમલાનું ખૂન કોણે કર્યું?

એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. બે દિવસ બાદ રાઠી પોલીસ કમિશનર દીપક મિશ્રા સાથે કેસની ચર્ચા કરી રહ્યા હતા. કમલાની આખી કહાની સાંભળ્યા પછી કમિશનર બોલ્યા,‘મને લાગે છે કે કમલાનુ ખૂન સુધીર અથવા ચંદ્રપાલમાંથી જ કોઈએ કર્યું હોવું જોઈએ, કારણ કે કમલાનું ચારિત્ર્ય જોતાં એવું લાગે છે કે કમલાએ સુધીર સાથે લગ્ન કર્યાં બાદ પણ ચંદ્રપાલસિંહ સાથે સંબંધો ચાલુ રાખ્યા હશે. સુધીરને એ વાતની ખબર પડી ગઈ હશે અને એણે એને મારી નાખી હશે. અથવા એવું પણ બન્યુ હોય કે સુધીર સાથેનાં લગ્નથી ચંદ્રપાલ નારાજ થયો હશે અને એણે કમલાને પતાવી દીધી હોય.

  • તમે બંને જો મને સાથ આપો તો હું એને હંમેશાં માટે અટકાવી દઉ

ચર્ચા કર્યા બાદ રાઠીએ સુધીરની તપાસ આદરી. એ દિલ્હી પરિવહન નિગમમાં નોકરી કરતો હતો એટલે શોધતા વાર ન લાગી. ઇન્સ્પેક્ટર રાઠીએ કમલા વિશે પૂછતા સુધીરે જવાબ આપ્યો કે કમલા તો ત્રણ મહિનાથી પિયર ગઈ છે. એને તો એ પણ નહોતી ખબર કે કમલાનું ખૂન થઈ ગયું છે, કારણ કે કમલા બે-ચાર મહિના સુધીરના ઘરે રહેતી હતી, તો બે ચાર મહિના પિયર. આ એનો હંમેશનો ક્રમ હતો. સુધીરે એમ પણ કહ્યું કે કમલાનાં બહેન અને બનેવી એનાં સુધીર સાથેનાં લગ્નથી નારાજ હતાં એટલે કમલા એને ક્યારેય પિયર આવવા નહોતી દેતી. જ્યારે રાઠીએ સુધીરને જણાવ્યું કે, કમલાએ છેલ્લા એક વર્ષથી ગુરુ તેગબહાદુર હોસ્પિટલના પરિસરમાં એક ફ્લેટ પણ ભાડે લઈ રાખ્યો છે અને એ ત્યાં જ રહેતી હતી ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો.


ઇન્સ્પેક્ટર રાઠીએ સુધીરને દિલ્હીની બહાર ન જવાની સૂચના આપી. હવે બીજું નામ હતું ચંદ્રપાલ સિંહ. આખરે એ પણ એક વખત એના ઘરે આવ્યો ત્યારે એને ઝડપી લેવાયો. સીમાપુરી પોલીસ સ્ટેશને લઈ જઈને રાઠીએ એની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન રાઠીનું ધ્યાન અચાનક ચંદ્રપાલની ખોપરી પર ગયું. એના માથાના ભાગમાંથી કેટલાક વાળ ઊખડી ગયા હતા. રાઠીને કમલાની મુઠ્ઠીમાંથી મળેલા વાળ યાદ આવી ગયા. એ સમજી ગયા કે કમલાનો હત્યારો ચંદ્રપાલ જ છે અને એ અત્યારે એમની સામે જ બેઠો છે. આખરે એમણે ડંડાનો ઉપયોગ કરવો પડ્યો ત્યારે ચંદ્રપાલે કબૂલ્યું કે કમલાનું ખૂન એણે જ કર્યું છે. એણે ખૂનની રજેરજ માહિતી રજૂ કરી દીધી.


ચંદ્રપાલસિંહ જાણતો હતો કે કમલા સારા ચારિત્ર્યની સ્ત્રી નથી. એ એની દીકરીઓ અને પૈસા સિવાય કોઈ ચીજને પ્રેમ કરતી નથી. તેમ છતાં એણે કમલાને એક મકાન લઈ આપ્યું હતું અને એનો અને એની દીકરીઓનો તમામ ખર્ચ ઉઠાવતો હતો. ચંદ્રપાલે એને ખૂબ સાચવી હતી તેમ છતાં એણે એને દગો કર્યો અને સુધીર સાથે લગ્ન કરી લીધાં હતાં. જોકે, સુધીર સાથેનાં લગ્નની વાત પહેલાં તો ચંદ્રપાલને ખબર નહોતી. કમલાએ એક ગજબનો ખેલ ખેલ્યો હતો.

એણે સુધીર સાથેનાં લગ્નની વાતથી ચંદ્રપાલને અજાણ રાખ્યો હતો. એકાદ બે મહિના ચંદ્રપાલ સાથે રહે અને પછી પિયર જવાનું બહાનું કરીને પાછી સુધીર સાથે રહેવા ચાલી જતી હતી. ચંદ્રપાલને પહેલાં તો એની વાત સાચી લાગી, પણ એ એક દિવસ અચાનક કમલાની બહેન રાજવીના ઘરે જઈ ચડ્યો. રાજવીએ ખબર આપ્યા કે કમલા અહીં આવે છે, પણ ક્યારેય એકાદ બે દિવસથી વધારે રોકાતી નથી. ચંદ્રપાલને સમજાઈ ગયું કે કમલા જ‚રૂર કોઈ ખેલ ખેલી રહી છે. એણે એની તપાસ ચાલુ કરી દીધી. થોડા જ સમયમાં એને ખબર પડી ગઈ કે કમલાએ સુધીર સાથે લગ્ન કરી લીધાં છે. ચંદ્રપાલનું મગજ ફાટી ગયું હતું. એ સ્ત્રી જેની પાછળ એણે લાખ્ખો ‚રૂપિયા ખર્ચ કર્યા હતા, એણે એની પીઠમાં ખંજર ભોંક્યું હતું. એ વખતે એણે નક્કી કરી લીધું હતું કે આ દગાનો બદલો એ કમલાના મોતથી જ લેશે.


દરમિયાન ઉનાળાની રજાઓમાં કમલાની બંને દીકરીઓ એને મળવા દિલ્હી આવી હતી. એક દિવસ એ કમલાના ઘરે એને મળવા ગયો ત્યારે બંને યુવાન છોકરીઓને જોઈને એની અંદર વાસનાનો સાપ સળવળવા લાગ્યો, પણ કમલાએ એ દિવસે એને એના ઘેર આવવાની પણ ના પાડી દીધી. એણે કહ્યું કે, ‘દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે. આપણા સંબંધ વિશે હવે એ બધું સમજતી થઈ ગઈ છે.

એ બંને અહીં રહે ત્યાં સુધી તમે અહીં ન આવો તો જ સારું.’ ચંદ્રપાલે હા પાડી દીધી. એણે થોડા દિવસ ત્યાં જવાનું બંધ કરી દીધું, પણ એના દિમાગમાંથી કમલાની કાચી કેરી જેવી જુવાન દીકરીઓ ખસતી જ નહોતી. એને એ પણ ખબર હતી કે કમલા એની બંને દીકરીઓને ખૂબ ચાહે છે. એ જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી તો એની દીકરીઓને પામવી મુશ્કેલ છે. ચંદ્રપાલે વિચાર્યું કે જો કમલા મરી જાય તો એની બંને દીકરીઓ નિરાધાર થઈ જશે અને પછી એમની પાસે એની સાથે રહેવા સિવાય કોઈ છૂટકો જ નહીં રહે. પછી એ મનફાવે તેમ તેમને ભોગવી શકશે. કમલાની મોટી બહેનનો દીકરો ગિરીશ અને કમલાનો પિતરાઈ ભાઈ અનિલ ચંદ્રપાલને સારી રીતે ઓળખતા હતા.

ચંદ્રપાલ અવારનવાર ખર્ચાઓ કરતો અને દારૂ પીવરાવતો હતો. ચંદ્રપાલે નક્કી કર્યું હતું કે કમલાની હત્યામાં એ બંનેનો ઉપયોગ પણ કરશે. એક દિવસ એણે પાર્ટી ગોઠવી અને ગિરીશ અને અનિલને દારૂ પીવા બોલાવ્યા. ત્રણે જણની મહેફિલ જામી હતી. ચંદ્રપાલે લાગ જોઈ વાત છેડી, ‘માનો ના માનો પણ કમલાને કારણે તમારો પરિવાર ખૂબ બદનામ થયો છે.’

ગિરીશે નશામાં વાત ઉપાડી લીધી, ‘સાચી વાત છે તમારી. એ સ્ત્રીના કારણે મારી મમ્મીને બહુ દુ:ખ પડ્યું છે.’ અનિલે પણ ટાપસી પુરાવી, ‘અમે તો આખા ગામમાં થૂ થૂ થઈ ગયા છીએ.’ ઘણ બરાબર લોઢા પર પડ્યો જાણીને ચંદ્રપાલ બીજું પત્તું ઊતર્યો, ‘સાચું કહું. એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે તો જાણો જ છો કે મેં એની પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચ કર્યા છે. છતાં આજકાલ એ સુધીર નામની કોઈ વ્યક્તિ સાથે રહે છે. આ સ્ત્રીને તો ઇજ્જતની કાંઈ પડી નથી. એ તો રોજ ઊઠીને નવા નવા શિકાર શોધ્યા કરે છે, પણ આપણું શું?’
‘હા, પણ હવે એનું થાય પણ શું? એ કાંઈ આપણા કીધે અટકવાની નથી.’ અનિલે કહ્યું.


‘અટકવાની ક્યાં વાત કરે છે. તમે બંને જો મને સાથ આપો તો હું એને હંમેશાં માટે અટકાવી દઉં. પહેલાં તો બંને આ વાત માન્યા નહીં, પણ ચંદ્રપાલે બંનેને ખૂબ પૈસા અને યામાહા મોટરસાઇકલ અપાવવાની વાત કરી એટલે બંને પીગળી ગયા. ચંદ્રપાલનું તીર બરાબર નિશાન પર લાગી ગયું. ગિરીશ અને અનિલ કમલાના ખૂનમાં સાથ આપવા રાજી થઈ ગયા. બીજા જ દિવસે ખૂનની યોજના બની ગઈ.

યોજના મુજબ 19મી ઓગસ્ટ, 1992ની રાત્રે ગિરીશ અને અનિલ કમલાના ઘરે ગયા. એ વખતે કમલા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. બંનેને પાણી આપી એ ફરી પાછી રસોડામાં ચાલી ગઈ. ગિરીશે ટીવી ચાલુ કર્યું. થોડી જ વારમાં ચંદ્રપાલ પણ ત્યાં આવી પહોંચ્યો. અંદર આવીને એણે બારણું બંધ કર્યું. કમલા બહાર આવી અને એને પણ પાણી આપ્યું.

પાણી આપીને એ પાછી જવા જ જતી હતી ત્યાં જ ચંદ્રપાલે એને પાછળથી પકડી લીધી અને ગળચી દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ કમલા એના હાથમાંથી છટકી ગઈ અને એના વાળ પકડી લીધા. આ દરમિયાન અનિલે ઇશારો કરતાં ગિરીશ પોતાની પાસેનું ચપ્પુ લઈને આગળ આવ્યો અને સાત-આઠ ઘા કમલાના પેટમાં ઝીંકી દીધા.

ઝપાઝપી દરમિયાન ચંદ્રપાલે પણ એની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, પણ ગોળી કમલાને ન વાગતાં સામેની દીવાલ સાથે અથડાઈ. થોડી જ વારમાં કમલા છટપટાઈને નીચે ઢળી પડી અને ત્રણે જણા ત્યાંથી ભાગી છૂટ્યા, પણ ચંદ્રપાલને ખબર નહોતી કે આ ઝપાઝપી દરમિયાન એના શર્ટનું બટન તૂટીને ત્યાં પડી ગયું છે અને કમલાની મુઠ્ઠીમાં એના વાળ પણ રહી ગયા છે અને આખરે એ જ બટન અને વાળે ચંદ્રપાલને પકડાવી દીધો. ઇન્સ્પેક્ટર રાઠીએ બીજા દિવસે ગિરીશ અને અનિલને પણ પકડી પાડ્યા. અદાલતે ત્રણેને સજા કરી અને એક ઓરતે ખેલેલા વાસનાના આખાયે ક્રાઇમનો અંત આવ્યો.

સમાપ્ત

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી