ક્રાઇમ સિક્રેટ / કમલા મર્ડર કેસ - ૧ એક સ્ત્રીની લોહીથી લથબથ લાશ અને છુંદાયેલું માથું

article by raj bhaskar

રાજ ભાસ્કર

Jan 23, 2019, 03:56 PM IST

૧૯મી ઓગષ્ટ ૧૯૯ર. રાતના સાડા દસ વાગી રહ્યાં હતા. તેગબહાદુર હોસ્પિટલના પરિસરમાં આવેલા ફ્લેટ નંબર ૧૩૦ની પાસે પોલિસની ગાડી આવીને ઉભી રહી. ઈન્સપેકટર ફ્લેટમાં પ્રવેશ્યા. કિચનના દરવાજા પાસે જ એક ત્રીસ - બત્રીસ વર્ષની મહિલાની લાશ પડી હતી.

લાશ ખુનથી લથપથ હતી. ગળા પર ઘા ના નિશાન હતા. માથુ કચડી નાંખવામાં આવ્યુ હતું અને પાસે જ એક લોહીવાળો ખાંડણીનો પથ્થર પડ્યો હતો. મૃતકના શરીર પર કિમતી ઘરેણા હતા અને ઘરમાં સુખ સુવિધાની અનેક ચીજો પણ પડી હતી. એ તમામ ચીજો જેમની તેમ પડી હતી. એનો મતલબ એમ કે મામલો લૂંટ કે ચોરીનો નહોતો.


ઈન્સપેકટર રાઠીએ ઝીણવટપૂર્વક લાશનું નિરીક્ષણ કરવા માંડ્યુ. નિરીક્ષણ દરમિયાન એની નજર લાશના જમણા હાથની મુઠ્ઠી પર પડી. મુઠ્ઠીમાં થોડાક વાળ હતા અને ફર્શ પર એક બટન પણ પડ્યુ હતું. લાશથી થોડે દુર એક વપરાઈ ગયેલા કારતુસનો ટુકડો પણ પડ્યો હતો પણ લાશ પર ગોળી વાગ્યાનંુ એક પણ નિશાન નહોતું. અલબત સામેની દિવાલ પર ગોળી ટકરાઈ હોય એવુ નિશાન જરૂર પડેલુ હતું. રાઠીએ લાશનું પંચનામુ કરાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ આખાયે મામલામાં થોડી અઘરી બાબત એ હતી કે મૃતકનાં કોઈ સગા કે વહાલા જ દેખાતા જ નહોતા. હત્યાનો રિપોર્ટ પણ રાઠીએ જ સંબંધિત પોલિસ સ્ટેશનમાં લખાવ્યો હતો. આ પરિસ્થિતીમાં પહેલા મૃતક વિશે માહિતી મેળવવી જરૂરી હતી. રાઠીએ કામ ચાલુ કરી દીધુ. પાડોશીઓને પૂછતા ખબર પડી કે મરનાર સ્ત્રીનું નામ કમલા શર્મા હતુ. લગભગ એક વર્ષથી એ એ ફ્લેટમાં રહેતી હતી. કમલાનો પતિ કોણ હતો? એ કયાં રહેતો હતો ? એ વીશે કોઈને કાંઈ જ ખબર નહોતી. હા, કમલા કહેતી હતી કે એના પતિનું નામ બ્રુજલાલ છે. અને એના કહેવા મુજબ એ દસ બાર વર્ષથી ગાયબ હતો. ઉપરાંત પાડોશીઓ એ બીજી પણ એક માહિતી આપી કે મોટર સાઈકલવાળો એક પુરુષ અવારનવાર એના ઘરે આવતો હતો.

  • લાશના જમણા હાથની મુઠ્ઠીમાં થોડાક વાળ હતા અને ફર્શ પર એક બટન પણ પડ્યુ હતું

આટલી માહિતી બાદ ઈ.રાઠીએ એના લેટની તપાસ આદરી. લેટમાંથી એમને થોડા કાગળો મળ્યા. જેમાં દિલ્હીના જૌહરીપુર નિવાસી કોઈ ચંદ્રપાલસિંહનો ઉલ્લેખ હતો. વધુ તપાસ કરતા ખબર પડી કે કમલાને પંદર અને સત્તર વર્ષની બે દિકરીઓ પણ હતી જે દહેરાદુનની કોન્વેન્ટ સ્કુલમાં રહીને ભણતી હતી. ઉપરાંત એને એક મોટી બહેન પણ હતી અને એનુ નામ રાજવી હતું. રાજવી એના પતિ સાથે ટાગોર ગલી, બાબરપુરમાં રહેતી હતી.
ઈન્સપેકટર રાઠી એ જ દિવસે રાજવીના ઘેર પહોંચી ગયા પણ એના ઘરે તાળુ હતું. પાડોશીઓ પાસેથી માહિતી મળી કે રાજવીના પતિનું નામ મોહન શર્મા હતુ. એ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને એમને યોગેન્દ્ર અને ગીરીશ નામના બે દિકરાઓ પણ હતા. પણ પાડોશીઓએ આપેલી સૌથી મહત્વની વાત એ હતી કે જે દિવસે કમલાનું ખુન થયુ હતુ એ રાતથી જ આ પરિવાર ગાયબ હતો. રાઠીને શંકા ગઈ કે કયાંક પારિવારીક મિલકતોના વિષયમાં તો ખુન નહીં થયુ હોય ને? એ માત્ર શંકા હતી, ખરી વાત તો હકીકત સામે આવે ત્યારે જ ખબર પડે.
રાઠીની તપાસ ચાલુ હતી. બીજા દિવસે એ ચંદ્રપાલસિંહના ઘરે પણ જઈ આવ્યા. અહીં પણ એવુ જ થયુ. ચંદ્રપાલસિંહ ઘરે હતો નહી. અને એના પરિવારવાળા જણાવતા નહોતા કે એ કયાં ગયો છે. આસપાસથી ખબર પડી કે ચંદ્રપાલસિંહ પ્રોપર્ટી ડિલીંગનો વ્યવસાય કરતો હતો અને બહુ રંગીન મિજાજનો હતો.
***


રાઠીએ તિલકરાજ નામના એક ખબરીને તપાસ સોંપી. તિલકરાજ બે દિવસમાં જ ખબર લઈ આવ્યો, ‘સર, કમલા બહુ ચાલુ કિસમની ઓરત હતી. એના સંબંધ ચંદ્રપાલસિંહ સાથે તો હતો જ પણ ડીટીસીના એક ડ્રાઈવર સુધીર સાથે પણ એની રંગરેલીયા ચાલુ હતી. એનુ પિયર ખુર્રમપુર મુરાદનગરમાં છે.’


કમલાના પીયર વિશેની જાણકારી બહુ મહત્વની હતી. રાઠીને વિશ્વાસ હતો કે એના પીયરેથી કમલા વિશેની બધી જ માહીતી એમને મળી રહેવાની હતી. એ બીજા જ દિવસે કમલાના પિયર પહોંચી ગયા અને એમણે વિચાર્યુ હતુ એવુ જ થયુ. ત્યાંથી એમને કલાની જિંદગીની આખી કરમ કુંડળી મળી ગઈ.
***
કમલાના પિતાનુ નામ અભયરામ હતું. એમની પહેલી પત્ની બે દિકરીઓ રાજવી અને કમલાના જન્મ બાદ મૃત્યુ પામી હતી. ત્યારબાદ અભયરામે બીજા લગ્ન કર્યા. બીજી પત્નીથી એમને ત્રણ દિકરા થયા. ત્રિભુવન, અનિલ અને સુનીલ. રાજવી અને કમલા સાવકીમાંના અમાનુષી અત્યાચાર વચ્ચે મોટી થઈ. આખરે રાજવીની લગ્નની ઉંમર થતા એના પિતાએ દિલ્હીના જ મોહનકુમાર સાથે એના લગ્ન કરી દીધા. લગ્ન બાદ રાજવી તો છુટી ગઈ. પણ કમલા હજુ સાવકીમાંના ત્રાસમાંથી બહાર નહોતી આવી. આથી રાજવીએ નાની બહેનને એની પાસે બોલાવી લીધી. અહીં કમલાને ખૂબ સ્વતંત્રતા આપવામાં આવી. એ રાજી થઈ ગઈ. પણ થોડા જ સમય બાદ કમલા છાપુ વેચનારા રાકેશ નામના છોકરા સાથે ભાગી ગઈ. પણ કમલા એક જ વર્ષમાં પાછી આવી ગઈ.

રાકેશનું મન ભરાઈ જતા એ કમલાને એક નાનકડી દિકરીની ભેટ ધરીને ચાલ્યો ગયો હતો. મોટી બહેને એને ફરી સાચવી લીધી. બહેન પર બોજો ન બને એટલે થોડા જ દિવસમાં કમલાએ દિલ્હીના ગાંધીનગરમાં આવેલી એક રેડીમેઈડ ગારમેન્ટની ફેકટરીમાં નોકરી શોધી લીધી. ત્યાં એણે ફેકટરીના માલિક ઈરફાનને ફસાવ્યો. ઈરકાને એને ભાડાનું ઘર લઈ દીધુ. કમલા બહેનનું ઘર છોડી ત્યાં આવી ગઈ. ઈરફાનથી બે વર્ષમાં એને એક દીકરી થઈ પછી ઈરફાને પણ એને છોડી દીધી. મકાન પણ પાછુ લઈ લીધું આથી કમલા ફરી એક વખત રસ્તા પર આવી ગઈ એટલે એને બહેન રાજવી યાદ આવી. ફરીવાર એ રોતી કકળતી બહેનના ઘરે ગઈ અને એના પગમાં પડી ગઈ. બહેને ફરી એને માફ કરીને અપનાવી લીધી. પોતે અને પોતાની બે દિકરીઓનો ખર્ચ કાઢવા માટે અને બહેન રાજવીને મદદ‚રૂપ થવા માટે કમલા ફરી નોકરીએ લાગી ગઈ. નોકરીની અવરજવર દરમિયાન એની મુલાકાત ટેકસી ડ્રાઈવર બ્રુજલાલ શર્મા સાથે થઈ. બંને વચ્ચે ઘનિષ્ટ સંબંધ કેળવાયો અને થોડા જ મહિનાઓ બાદ કમલાએ બ્રુજલાલ સાથે લગ્ન કરી લીધા. એ વર્ષ હતુ ૧૯૮૦નુ. કમલાએ ઘર વસાવી લીધુ એ વાતની રાજવીને સૌથી વધુ ખુશી હતી. આ વખતે એણે કમલા અને એની બંને દિકરીઓને હસતે મુખે વળાવવાનો આનંદ માણ્યો.


બ્રુજલાલ બિચારો બહુ સીધો સાદો માણસ હતો. એ કમલા અને એની બંને દિકરીઓને ખુબ જ સ્નેહથી સાચવતો હતો પણ કમલાની ચાલ ચલગત સારી નહોતી. થોડા જ વખતમાં એણે ચન્દ્રપાલસિંહને ફસાવ્યો. ચન્દ્રપાલસિંહ કમલાને મકાન પણ લઈ દેવાનો હતો. એ હવે બ્રુજલાલને છોડવાની જ હતી એના થોડા દિવસ પહેલા બ્રુજલાલ કયાંક ગાયબ થઈ ગયો. કમલાને તો મોકળુ મેદાન મળી ગયુ. એણે લખાવવા ખાતર પોલિસ સ્ટેશનમાં રીપોર્ટ લખાવ્યો પણ બ્રુજલાલનો પતો લાગ્યો નહીં. એ વર્ષ હતુ ૧૯૮રનું.


ચન્દ્રપાલસિંહે કમલાને દિલ્હીના અશોકનગરમાં એક સરસ મકાન લઈ આપ્યુ. અને એની બંને દીકરીઓને દહેરાદુનની કોન્વેન્ટ સ્કુલમાં ભરતી કરાવી દીધી. ચન્દ્રપાલસિંહ અને કમલાને મોકળુ મેદાન મળી ગયુ હતુ. એ કમલાના ઘરે જ પડ્યો રહેતો હતો. પાંચ પાંચ વર્ષ એક જ પુરુષ સાથે રહેવાને કારણે કમલા હવે ચન્દ્રપાલથી ધરાઈ ગઈ હતી. ચન્દ્રપાલની પરવાનગી લઈને ૧૯૮૭માં એણે નોકરી શરૂ કરી દીધી. એ રોજ ડીટીસીની બસમાં અવરજવર કરતી હતી. એ દરમિયાન એનો પરિચય ડીટીસીના ડ્રાઈવર સુધીર સાથે થયો. સુધીરની પત્ની મરી ગઈ હતી. કમલાએ એને પણ ફસાવ્યો. સુધીરે એક દિવસ કમલાને લગ્નની ઓફર કરી. આમ પણ કમલા હવે ચન્દ્રપાલથી ધરાઈ ગઈ હતી. એણે સુધીરની વાત માની લીધી અને ૧૯૮૯ની સાલમાં આર્ય સમાજના મંદિરમાં સુધીર સાથે લગ્ન કરી લીધા.
***


કમલાની જીવન કથાના પાના ઈન્સપેકટર રાઠી સામે ખુલ્લા પડ્યા હતા. એમનુ મગજ ચકરાવે ચડી ગયુ હતુ. રાકેશ, ઈરફાન, બ્રુજલાલ, ચંદ્રપાલ અને સુધીર જેવા પાંચ પાંચ પુરુષો સાથે સંબંધ ધરાવનાર કમલાનું ખુન કોણે કર્યુ ? એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. રાઠી સામે ક્રાઈમ તો જીવતો જાગતો પડ્યો હતો પણ એના સિક્રેટ માટે પાંચ પાંચ રસ્તા હતા. કયા રસ્તે સાચુ સિક્રેટ મળશે અને કેવી રીતે એ વાત આવતા અઠવાડીયે.

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી