ક્રાઇમ સિક્રેટ / દિલ્હીનો પ્રખ્યાત જેસિકા લાલ મર્ડર કેસ

article by raj bhaskar

રાજ ભાસ્કર

Jan 03, 2019, 07:34 PM IST

1999નું વર્ષ હતું. મનુ શર્માએ પૂરપાટ જતી ગાડીના ડેસ્ક પર હાથની મુઠ્ઠી પછાડી, ‘ભેણ દી ટકી શરાબ ચડતી હી નહીં. સાલે લફંગે મિલાવટ કરતે હૈં!’

હરિયાણાના કોંગ્રેસી
મંત્રીના દીકરા મનુ શર્માએ બારગર્લ જેસિકાને જાહેરમાં ગોળી મારી દીધી

‘અબે, બાવરો હો ગયો હે કે! હમ તીનોં ને દો બોતલ ખતમ કી હૈ. અબ કી પી તો લે ડૂબેગી. યે લે સિગારેટ પી ઔર નશા બઢા લે! ગાડી ડ્રાઇવ કરી રહેલા આલાપ ખન્નાએ સિગારેટનો ઊંડો કસ ખેંચ્યો અને મનુ તરફ ધર્યો.’
મનુ ખિજાયો. એણે આલાપના હાથમાંથી સિગારેટ લઈને આલાપની સીટ નીચે દાબતાં કહ્યું, ‘પીછવાડે મેં ઘુસેડ દે તેરી સિગારેટ! શેર કભી ઘાસ નહીં ખાતા.


પાછળ બેઠેલો વિશાલસિંહ ખડખડાટ હસી પડ્યો અને મનુની સામે જોઈ બોલ્યો, ‘અબે, રાત કે સાડે બારા બજે હૈ. ઇસ વક્ત કૌન તેરા બાપ દેગા દારૂ‚?’
‘મેરા બાપ નહીં દેગા, લેકિન મેરે બાપ કા નામ તો દેગા હી દેગા. તું જાનતા નહીં ક્યા બે, મૈં કિસકા બેટા હૂં?’
‘હા ભઈ હા, તું મિનિસ્ટર વિનોદ શર્મા કા બેટા હૈ. ચલ પીલા કે દેખ!’
‘પીલાતા હૂં. ગાડી મોડ લે! મનુએ ટૂંકમાં પતાવ્યું.’


રાતના સાડાબાર વાગ્યા હતા. દિલ્હીની સડક પર એક મોટી કાર પૂરપાટ વેગે જઈ રહી હતી. ત્રણ મોટા બાપના ખોટા લફંગાઓ એમાં સવાર હતા. એમાં એક હતો હરિયાણાના મિનિસ્ટર વિનોદ શર્માનો લફંગો. થોડી જ વાર બાદ ગાડી દિલ્હીના એક બાર પાસે આવીને ઊભી રહી. ગાડી ઊભી રહી ત્યારે કોઈને ખબર પણ નહોતી કે આજનો દિવસ ભારત વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક બની જવાનો હતો.
***


તારીખ 19 એપ્રિલ, 1999
સમય - રાતના 12.45


દિલ્હીના એક પોશ વિસ્તારમાં એક હાઇ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. મોટા બિઝનેસ ટાયકૂન હાથમાં શરાબના પ્યાલા લઈને ડિસ્કસ કરી રહ્યા હતા અને શોર્ટ કલોથ્સમાં સજ્જ યંગ્સ ડાન્સ કરી રહ્યા હતા. ત્રણસો લોકોની આ મોટી પાર્ટીમાં મોડેલ જેસિકા લાલ વીવીઆઇપી બારમેડ તરીકે કામ કરી રહી હતી. એની સાથે એનો ખાસ મિત્ર અને સાથી શાયર મહંમદ પણ હતો. બંને મહત્ત્વના ગેસ્ટ અને કસ્ટમર્સને દા‚રૂ સર્વ કરી રહ્યાં હતાં.


બરાબર પોણા એક વાગ્યે હરિયાણાના કોંગ્રેસી મંત્રી વિનોદ શર્માનો દીકરો મનુ શર્મા અને એના બે મિત્રો આલાપ અને વિશાલ એ પાર્ટીમાં આવે છે. નશામાં ધૂત ત્રણે મિત્રો પાર્ટીમાં થોડીવાર નાચે છે. ત્રણસો લોકોની મોટી ભીડ વચ્ચે બધા નશા અને તાનમાં ધૂત છે. મનુ બાર કાઉન્ટર પર જઈને ઊભો રહે છે. અંદરની તરફ શાયર ઊભો હોય છે, ‘યેસ સર?’


‘કેન આઇ હેવ અ ડ્રિંક પ્લીઝ!’
‘નો સર, બાર કલોઝ્ડ.’ શાયરે પ્રોફેશનલ સ્મિત આપતાં કહ્યું.


મનુને લાગ્યું કે આ લોકો જોડે અંગ્રેજિયતને બદલે હરિયાણવી જ ઠીક રહેશે. એ વિકૃત હસ્યો અને બોલ્યો, ‘અબે, બાર બંદ હો ગયા હૈ તો ખોલ દે.’
‘પ્લીઝ સર, આઇ કાન્ટ ડુ ધિસ ઔર શરાબ ભી ખતમ હો ગઈ હૈ!’


‘અબે, તેરે જૈસે કો મૈં બહુત અચ્છી તરહ સે જાનતા હૂં. નિકાલ કોને મેં સે વરના...’


મનુ ગુસ્સાથી બોલ્યો ત્યાં જ જેસિકા આવી અને એની સામે ગુસ્સાથી ઊભી રહી ગઈ. ‘તુમને સુના નહીં. શરાબ ખતમ હો ગઈ હૈ ઔર બાર બંદ હો ગયા હૈ.’ બાજુમાં જેસિકાની એક ફ્રેન્ડ નિશા પણ ઊભી હતી. વેઇટર રામજી પણ છેક પાછળના ડોર પર ઊભો હતો. પાર્ટીનો શોરબકોર અંદર આવી રહ્યો હતો. જેસિકાના વાક્યથી મનુ વધારે ઉશ્કેરાયો, ‘અબે તેરી ભેણ કો... સાલી! દો ટકે કી ઔરત! તું જાણતી હૈ મૈં કોણ હૂં?’


‘શરાબી હૈ તૂ... ઔર શરાબ મેરે પાસ નહીં હૈ! પ્લીઝ.’ જેસિકાએ જેમ બને એમ કંટ્રોલ કર્યો, પણ મનુ એની જાત પર કંટ્રોલ ન રાખી શક્યો. એ તાડૂકીને બોલ્યો, ‘મિનિસ્ટર હૈ મેરા બાપ ઔર તુમ સબકા બાપ ભી હૈ સમજી. મુઝે માલૂમ હૈ. તુમ જૈસે લોગ પૈસો કે લિયે યે સબ નાટક કરતે હો. યે લે પૈસે. મનુએ નોટનું બંડલ કાઢ્યું.’


જેસિકાને પણ ગુસ્સો ચડ્યો, ‘તું કિસી કા ભી બેટા હો. લેકિન હૈ તો લફંગા. ગેટ આઉટ!’


મનુનો પિત્તો ફાટી ગયો. એણે તરત જ કમરે ખોસેલી રિવોલ્વર કાઢી, છત પર ગોળી ચલાવી. ત્યાં ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. સન્નાટો છવાઈ ગયો. મનુનું મગજ ભમી ગયું હતું. એણે ફરીવાર પૂછ્યું, ‘સાલી, હલકટ અબ બોલ! શરાબ દેતી હૈ યા ગોલી ખાતી હૈ?’
‘નહીં દેતી!’


તરત જ મનુએ રિવોલ્વર એની સામે તાકી અને ગોળી છોડી દીધી. ગોળી એના કાન પાસે થઈને નીકળી ગઈ. લોહીનો ફુવારો ઊડ્યો. જેસિકા ઢળી પડી. શાયરે એને ખોળામાં લઈ લીધી. મનુ અને એના બંને મિત્રોને હવે ભાન થયું હતું કે એમણે આ શું કરી નાખ્યું હતું. એ ત્રણે ત્રણ ત્યાંથી ભાગ્યા. પાર્ટી એરેન્જ કરનાર દંપતી સુશીલ યાદવ અને મીરાં યાદવ બહાર હતાં. એ ભાગ્યા એટલે અંદરથી જેસિકાની ફ્રેન્ડ નિશા બહાર દોડી. એણે ખૂની... ખૂની... એવી બૂમ પાડી. પાર્ટીમાં ઝૂમતા ત્રણસો લોકોમાં હાહાકાર મચી ગયો. મ્યુઝિક બંધ થઈ ગયું. ત્રણસોએ ત્રણસો લોકોની ભીડને ચીરીને મનુ અને એના મિત્રો ફરાર થઈ ગયા. એ લોકો ત્યાં પડેલી કાર લેવા પણ ન રહ્યા.


મનુ દૂર ખેતરમાં જઈને સંતાઈ ગયો. એની પાસેની રિવોલ્વર એણે ખાડો કરીને દાટી દીધી. પછી તરત જ વિશાલને ફોન જોડ્યો. ત્રણે એક હાઇવે પર પાછા મળ્યા. તરત જ ઘટનાસ્થળ પર પડેલી પોતાની કાર લીધી અને એક જંગલમાં જઈને સંતાડી દીધી અને પાછા ખેતરમાં જઈને પેલી રિવોલ્વર પણ કાઢી લીધી. મનુએ તરત જ એના પિતા અને કોંગ્રેસના મોટા મંત્રી વિનોદ શર્માને ફોન કરીને આ હાદસાની ખબર આપી દીધી. એ ગુસ્સે થયા, પણ આખરે દીકરો હતો. એમણે મનુ અને એના બંને મિત્રોને એક રાજકારણીને ત્યાં છુપાવી દીધા.
***


જેસિકા લાલ દિલ્હીમાં એનાં માતા-પિતા અને મોટી બહેન સબરીના સાથે રહેતી હતી. મનુ શર્માએ એને ગોળી મારી દીધી અને ભાગી છૂટ્યો પછી તરત જ એના ઘરે જાણ કરવામાં આવી અને એને હોસ્પિટલ ખસેડવામાં આવી. ખબર મળતાં જ સબરીના અને એનાં માતા-પિતા ભાગતાં હોસ્પિટલ પહોંચ્યાં. સબરીના એને બાઝી પડી, ‘હેય, જેસી ! પ્લીઝ ઉઠ જા!’ પણ જેસિકા એમને હંમેશાં માટે છોડીને ચાલી નીકળી હતી.


ત્રણસો જણની ભીડ વચ્ચે અનેક લોકોએ જોયું હતું કે મનુ શર્માએ જેસિકા પર ગોળી છોડી હતી અને એનું કતલ કરી નાખ્યું હતું. એમાંય નજીકથી જોનારા ત્રણ લોકો હતા. જેસિકાની સાથે જ કામ કરનારો અને બારમેડ શાયર, એ વખતે ત્યાં દા‚રૂ લેવા આવેલી એની ફ્રેન્ડ નિશા અને પાછળ ઊભેલો વેઇટર રામજી.


શાયરે એને આખી ઘટના રડતાં રડતાં કહી સંભળાવી હતી. સબરીનાને ખબર પડી ગઈ કે એની બહેનને હરિયાણાના મંત્રીના દીકરા મનુ શર્માએ મારી છે. તરત જ એણે એના વિરુદ્ધ પોલીસ કમ્પ્લેઇન કરી.


કમ્પ્લેઇન થતાં જ ભારતના રાજકારણમાં હાહાકાર મચી ગયો. લોકોમાં આ કેસે બહુ જ ઉત્સુકતા જગાડી. મનુ શર્મા અને એના મિત્રોને શોધવા માટે પોલીસના કાફલા ઊતરી પડ્યા અને આખરે મનુ, વિશાલ અને આલાપ ત્રણેને એરેસ્ટ કરી લેવામાં આવ્યાં, પણ આપણા મનુ શર્માનો બાપ ખૂબ પહોંચેલો હતો. આ કેસ એટલા બધા વળાંક લઈ ગયો કે ચારેકોર હાહાકાર મચી ગયો હતો. પછી શું થયું એ વાત આવતા બુધવારે!


(નોંધ : આ સત્યઘટનાનાં કેટલાંક પાત્રોનાં નામ બદલ્યાં છે અને સંવાદો કાલ્પનિક છે.)

ક્રમશ:

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી