રે જિંદગી / કાશીમાના નેનકાનું કમોત

article by raj bahskar

રાજ ભાસ્કર

Feb 10, 2019, 05:54 PM IST

કોલોનીમાં આવી સમાચાર જાણી કનુ સ્તબ્ધ થઈ ગયો. ગળામાંથી ડૂમામાં ઝબોળેલો હોંકારો નીકળી ગયો. ઘડીભર તો એ માણસ મટીને મડદું બની ગયો, પણ લાગણીવશ થવું એને પાલવે એમ નહોતું. સુનામીનાં મોજાં જેમ ધસી આવતાં આંસુઓને એણે એક ઝાટકે ગળામાં ઉતારી લીધાં અને એ દોડીને કાશીમાના ઘરે જઈ ચડ્યો.
કનુને જોતાં જ કાશીમા ભાંગી પડ્યાં. એને ભેટીને પોક મૂકી,
‘દીકરા મારા દીકરા! હું લૂંટાઈ જઈ! મારો નેનકો મને મેલી હાલ્યો જ્યો! મારી ઘૈડપણની લાકડી ભાંગી જઈ દીકરા!’

  • જીદ કરીને નેનકો મુંબઈ તરફ રવાના થયો, પણ બીજા દિવસે સવારે તો એ પાછો આવ્યો. અલબત્ત મરેલો. મુંબઈના હાઇવે પર રાતે રસ્તો ઓળંગતા કોઈ ટ્રકે એને અડફેટે લીધો

કનુનું આખું ખમીસ નીતરી ગયું. કાશીમાના મરશિયા હૈયા પર ટ્રક ફેરવી જતા હતા. કનુએ કેટલીયે કોશિશ કરી પણ એની જીભેથી આશ્વાસનના શબ્દો જ ન સર્યા. કનુ ક્યાંય સુધી કાશીમાને પસવારતો રહ્યો અને મરશિયાના ઘૂંટડા પીતો રહ્યો.
***
બાળપણથી જ કનુ કાશીમાનો હેવાયો. કનુની મા તો એને જન્મ આપતાંવેંત જ મરી ગયેલી, પણ કાશીમાએ એને સંભાળી લીધેલો. કાશીમાને એક દીકરો પણ હતો. એનું નામ નિલેશ. કાશીમા એને નેનકો કહેતા. નેનકો એમનો એકનો એક દીકરો હોવાં છતાં કાશીમાએ કનુને વધારે લાડ લડાવેલા. થોડા થોડા સમયે કનુ અને નિલેશ બંનેના માથેથી બાપનો છાંયો હટી ગયેલો. એક વિધવા સ્ત્રીનાં માથે બે-બે દીકરાની જવાબદારી આવી ગયેલી. છતાં કાશીમાએ યથાશક્તિ કનુને ભણાવેલો. સમજણ આવતાં કનુ કમાવા માટે બહાર નીકળી ગયેલો અને ત્યાં જ સ્થાયી થઈ ગયેલો. એની ટૂંકી કમાણીમાંથી ક્યારેક-ક્યારેક કાશીમા અને નેનકા માટે બે-પાંચ રૂપિયા મોકલતો.
***
નેનકો ગયો. ગુજરી ગયો. કનુનું મન હજુ આ વાત માનવા તૈયાર નહોતું. એનું મન ખાટું થઈ ગયું હતું. કાશીમા કરતાં પણ વધારે આઘાત એને લાગ્યો હતો. એમાંય નેનકો કેવી રીતે મર્યો એ વાત જાણ્યા પછી એનું હૃદય જાણે બંધ પડી ગયું હતું. એસિડ છાંટેલા કુમળા છોડ જેવી એની હાલત થઈ ગઈ હતી.
નેનકો ઓછું ભણેલો. આ નાનકડા શહેરમાં આવક-જાવકના બે છેડા માંડ ભેગા થતા. એનાં સપનાં કંઈક ઓર જ હતાં. એણે કાશીમા આગળ જીદ કરી, ‘મા, મારે મુંબઈ જાવું છે! શહેરમાં જઈને કમાણી કરવી છે.’
‘ના, બેટા! યાં નો જવાય. ઈ શેર નથી અજગર છે. ભલભલાને ભરખી જાય.’
‘મા, બસ એકાદ વરસ જાવા દે. પછી જો હું તને બંગલો બાંધી આલું! તને સુખના શિખરે બેસાડી દઉં!’
‘બેટા! મારો બંગલો અને સુખ સંધુય તું જ છે!’
‘ના મા, મારે જાવું જ છે!’
અને આખરે જીદ કરીને નેનકો મુંબઈ તરફ રવાના થયો, પણ બીજા દિવસે સવારે તો એ પાછો આવ્યો. અલબત્ત મરેલો. મુંબઈના હાઇવે પર રાતે રસ્તો ઓળંગતા કોઈ ટ્રકે એને અડફેટે લીધો. નેનકો ચગદાઈને રોટલો બની ગયો અને ટ્રક અંધારામાં અદૃશ્ય થઈ ગઈ. એના ખિસ્સામાં પડેલું સરનામું એને ઘરના આંગણા સુધી ખેંચી લાવ્યું.
***
આજે પાંચમો દિવસ હતો. કાશીમાએ અન્નનો એક દાણો પણ મોઢામાં નહોતો મૂક્યો. કનુ સાવ ભાંગેલી ચાલે તેમની પાસે આવ્યો.
‘મા, થોડું ખાઈ લ્યો.’
કાશીમાએ ડૂસકું મૂક્યું, ‘ભાઈ! મારા નેનકા વગર કોળિયા કડવા લાગે છે.’
‘હશે મા, જે થવાનું હતું ઈ થઈ ગયું.’
ત્યાં જ કાશીમાની આંખોમાં રતાશ ફૂટી, ‘ના દીકરા, થવાનું હતું ઈ નથી થ્યું. મારે ઈ નરાધમ ડ્રાઇવરને પૂછવું સે કે મારા નેનકાએ અને મેં ઈનું શું બગાડ્યું હતું?’
કાશીમાના ડૂમામાં ઝબોળેલા શબ્દો ફરીવાર કનુના કાનમાં રેડાયા. કાશીમા એની સામે ચાતક નજર માંડીને એને કહી રહ્યાં હતાં,
‘બેટા, તુંય મુંબઈમાં જ રહે છે ને? તારોય ઈ જ ધંધો છે ને? તો મને વચન આપ કે તું જલદીથી ઓલા મારા નેનકાના ખૂની, નરાધમ ડ્રાઇવરને પકડીને મારી સામે લાવીશ. વચન આલ, દીકરા! વચન આલ!’
પણ કનુ કાંઈ જ ન બોલ્યો. મૂઠ મારેલા ઝાડ જેમ એ લાકડું બનીને ખોડાઈ ગયો હતો. એના મનમાં અત્યારે વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. એનો આત્મા અત્યારે અવઢવમાં હતો. એ વિચારી રહ્યો હતો કે, ‘કાશીમાને કઈ રીતે કહેવું કે એના નેનકાને કચડી નાખનાર ડ્રાઇવર એ પોતે જ હતો અને પોલીસથી બચવા જ એ અત્યારે ભાગીને અહીં આવ્યો છે.’
[email protected]

X
article by raj bahskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી