ક્રાઇમ સિક્રેટ / મનુ શર્માએ બધાની સામે બાર ગર્લને ગોળી મારી મર્ડર કરીને છૂટી ગયેલા મંત્રીના દીકરા વિરુદ્ધ લડી લેવાનો એણે સંકલ્પ કર્યો!

article by raaj bhasker

રાજ ભાસ્કર

Jan 16, 2019, 03:19 PM IST

મંત્રી વિનોદ શર્માના દીકરા મનુ શર્માએ ત્રણસો લોકોની ભીડ વચ્ચે બાર ગર્લ જેસિકાલાલને ગોળી મારીને મારી નાખી. પોલીસે મનુ શર્માની ધરપકડ કરી, કોર્ટમાં કેસ ચાલ્યો, પણ મંત્રીએ ખરીદેલા અને ડરાવેલા લોકોમાંથી એક પણ જણ સાચી ગવાહી દેવા ન આવ્યો. માત્ર એક નિશા નામની છોકરી આગળ આવી, પણ ચાલાક વકીલ એને પણ મૂંઝવી રહ્યા હતા. દિવસો સુધી, વરસો સુધી કેસ ચાલતો રહૃાો. નિશા સિવાય એક પણ સાક્ષીએ મનુ શર્મા વિરુદ્ધ ગવાહી આપી નહોતી. આખો કેસ મનુ શર્માને નિર્દોષ જ સાબિત કરતો હતો.

  • તીનસો લોગોં કે સામને એક નિર્દોષ લડકી કો મારકે યે મવાલી કૈસે છૂટ શકતા હૈ?

જેસિકાની બહેનને હવે એકમાત્ર શાયર પર આશા હતી. એણે સબરીનાને કહ્યું હતું કે એણે મનુને કતલ કરતા જોયો છે, પણ એ ઘણા દિવસથી ગાયબ હતો. આખરે એક વખતે રામ ચંદાણીએ જ શાયરને કોર્ટમાં રજૂ કર્યો. ‘ક્યા આપને કિસી કો જેસિકા કા કતલ કરતે દેખા હૈ.’
શાયર બોલ્યો, ‘સર, આઇ ડોન્ટ નો હિન્દી, પ્લીઝ ટોક ઇન ઇંગ્લિશ! અને સોપો પડી ગયો.’રામ ચંદાણીએ તરત જ જજ સાહેબને કહ્યું, ‘મિલોડ! મારા સાક્ષી હિન્દી જાણતા જ નથી. તેમ છતાં એમના નામના હિન્દી બયાન પર સહી કરાવવામાં આવી છે એ વાત નોટ કરવામાં આવે.’


આ આખી વાત પછી શાયરે એનું બયાન અંગ્રેજીમાં આપ્યું એ આ મુજબ હતું કે, ‘મને હિન્દી આવડતું નથી. પોલીસને મેં માહિતી આપી હતી કે મનુ શર્મા ત્યાં હતો. જેસિકાએ શરાબ ન પીરસતા એણે ગોળી ચલાવી હતી, પણ એ ગોળી છત પર જ ચલાવી હતી. જેસિકા પર નહીં. જેસિકા પર તો બીજી દિશામાંથી ગોળી છૂટી હતી. મનુ શર્માએ કતલ નથી કર્યું એનો હું સાક્ષી છું અને પોલીસે હિન્દીમાં મારું બયાન લખી મારી સહી કરાવી લીધી હતી. હું હિન્દી જાણતો ન હોવાથી મેં વાંચ્યું નહીં કે અંદર શું લખ્યું હતું. મેં પોલીસને કહ્યું તો પણ એમણે મને ધમકાવ્યો હતો.’


શાયરના આ બદલાયેલા બયાને આખા કેસની રૂખ જ ફેરવી નાખી. મંત્રીશ્રીએ પૈસા આપી ફોરેન્સિક લેબવાળાને પણ ફોડી નાખ્યા હતા. એમણે પણ એવા પુરાવા આપ્યા કે ઘટના સ્થળ પર ચાલેલી બંને ગોળીઓ અલગ અલગ રિવોલ્વરમાંથી ચાલી હતી. પૂરાં સાત વર્ષ કેસ ચાલ્યો. મનોજ શર્માએ પોલીસને જે બયાન આપ્યું હતું એ રેકોર્ડ પણ કોર્ટમાં રજૂ ન થવા દેવાઈ. પોલીસ પર દબાવ લાવી એ રેકોર્ડિંગ પણ દબાવી દેવાયું.

આખરે 7 વર્ષ બાદ 21મી ફેબ્રુઆરી, 2006ના રોજ દિલ્હીની નીચલી કોર્ટે ચુકાદો આપતાં મનોજ શર્મા, અલાપ અને વિશાલ સહિત બીજા નવ આરોપીઓને બાઇજ્જત બરી કરી દીધા. ચુકાદો સાંભળી સબરીના અને એનાં મા-બાપ પર આભ તૂટી પડ્યંુ. એમના પગ તળેથી જમીન સરકી ગઈ અને ગુનેગારો નાચતાં નાચતાં બહાર નીકળી ગયા, પણ એમને ખબર નહોતી કે આ પિક્ચરનો એન્ડ હજુ બાકી હતો. કોર્ટે આપેલા આ ચુકાદાને લઈને ભારતવર્ષમાં એક અભૂતપૂર્વ ઘટના બનવાની હતી.
***


તારીખ 22 ફેબ્રુઆરી, 2006. એક પ્રખ્યાત ટીવી ચેનલની એક બાહોશ પત્રકાર અંજના સવારની ચા સાથે અખબાર હાથમાં લે છે. એની નજર હેડલાઇન પર ફરી વળે છે, ‘નો વન કિલ્ડ જેસિકા’ જેસિકા કેસના આરોપીઓ નિર્દોષ છૂટી ગયા એ વાત ગઈકાલે જાણીને જ એ ગમગીન થઈ ગઈ હતી, પણ આજે અખબારના માર્મિક ટાઇટલે એને હચમચાવી મૂકી હતી. એ તત્કાલિક ચેનલ હેડને મળે છે, ‘સર, તીનસો લોગોં કે સામને એક નિર્દોષ લડકી કો મારકે યે પૈસેવાલા મવાલી કૈસે છૂટ શકતા હૈ? હમારી જ્યુડિશિયરી કૈસે કહ શકતી હૈ કી નો વન કિલ્ડ જેસિકા! તો જયુડિશિયરી કો વો ગવાહ ઔર સબૂત મૈં દૂંગી. પ્લીઝ, મુઝે જેસિકા કેસ કે લિયે મુહિમ ચલાને કે લિયે પરમિટ દીજિયે.’


‘ઓ.કે. ડન!’ બોસે હા પાડી દીધી અને શરૂ થયું ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય શ‚રૂ ન થયું હોય એવું અભિયાન. કોર્ટના ચુકાદા વિરુદ્ધ ચેનલે એક અભિયાન ચલાવ્યુ. અંજનાએ સ્પેશિયલ કાર્યક્રમો આપવાના શરુ કર્યા. ફૂટી ગયેલા સાક્ષીઓનાં સ્ટિંગ ઓપરેશન પણ કર્યાં. મનુ શર્માને ગોળી મારતા જોનારો વેઇટર રામજી એકવાર એના મિત્રો સામે દારૂ‚ પીને ફાંકા મારી રહ્યો હતો કે, ‘અરે, વો તો મર ગઈ. લેકિન મેરા કામ કર ગઈ. મુઝે મુંહ બંદ રખને કે પૂરે દસ લાખ મિલે હૈ.’ અંજનાએ એનું વિડિયો કેપ્ચરિંગ કરી લીધું. આ કેસમાં સૌથી મોટો ગવાહ હતો શાયર. જેના બયાને આ કેસની રુખ બદલી નાખ્યું હતું. એ એમ કહેતો હતો કે એને હિન્દી નથી આવડતું. અંજનાએ એનું મોં ખોલાવવા એક ડ્રામા કર્યો.


એક વખત શાયર પર એક ફોન આવ્યો, ‘શાયરજી, મૈં જીજસ ફિલ્મ કંપની સે બોલ રહી હૂં. હમ એક ફિલ્મ બના રહે હૈ. ઉસમેં આપકો લીડ રોલ મેં લેના ચાહતે હૈં. ઉસ બારે મેં આપસે બાત કરની થી.’
શાયર ખુશ થઈ ગયો. બીજા દિવસે શાયર બનીઠનીને હોટેલ પર જાય છે. ત્યાં એક છોકરી અને બે ડિરેક્ટર જેવા માણસો બેઠા હોય છે. છોકરી પોતાનો પરિચય પ્રોડ્યુસર તરીકે આપે છે. શાયર સાથે અનેક પ્રકારના સવાલ જવાબ થાય છે. પછી એ છોકરી પૂછે છે કે, ‘શાયરજી હમ હિન્દી ફિલ્મ બના રહે છે. આપ હિન્દી તો જાનતે હૈ ના!’


‘જી, અચ્છી તરહ સે જાનતા હૂં. બધી જ વાતો શાયર હિન્દીમાં કરે છે. આ બધી જ વાતો કેમેરામાં કેદ થતી હોય છે.’ એ જ દિવસે રાત્રે ટીવી પર અંજના તહલકો મચાવી દે છે. શાયરની હિન્દી બોલતી વિડિયો ટેપ બતાવીને એ કહે છે કે, ‘દેખિયે ઇસી આદમીને કોર્ટ મેં યે કહા થા કી ઉસે હિન્દી નહીં આતી, ઔર પુલિસને ઉસકે બયાન પર જબરદસ્તી સાઇન કરવાયા થા. યે આદમી જૂઠ બોલ રહા થા. કયૂં કી જેસિકા કે મર્ડર્સને ઉન્હેં પૈસે ખિલાયે થે.’


બીજા દિવસે અંજના પેલા વેઇટરનો વિડિયો ટેપ ચેનલ પર બતાવે છે. આ બધું જોતાં જે પોલીસ અધિકારીએ દબાવમાં આવી મનુ શર્માના બયાનની જે ટેપ દબાવી રાખી હતી એ ટેપ એ અંજનાને આપી દે છે. અંજના એ ટેપ પણ ચેનલ પર દર્શાવે છે. જેમાં મનુ શર્મા ખુદ કહે છે કે એણે જ ગુસ્સામાં આવી જેસિકા પર ગોળી ચલાવી હતી. આ મુહિમથી આખા દેશમાં હલચલ મચી જાય છે.

જેસિકાનો કેસ રિઓપન કરવા માટે અંજના ટીવી ચેનલ પર એક જાહેરાત કરે છે અને દેશના લોકોને દિલ્હીમાં કેન્ડલ માર્ચ માટે આહ્્વાન આપે છે. નિશ્ચિત દિવસે લાખો લોકો ‘જસ્ટિસ ફોર જેસિકાના બેનર અને કેન્ડલ લઈને દિલ્હીની સડકો પર ઊતરી આવે છે.’ આખરે કેસ રિઓપન થાય છે. જેસિકાની માતા તો એ દરમિયાન ગુજરી ગઈ હોય છે અને પિતા પથારીવશ થઈ ગયા હોય છે. તેની બહેન ભીની આંખે અંજનાને મળે છે અને આભાર માને છે. અખબારની એક હેડલાઇન ‘નો વન કિલ્ડ જેસિકા’એ ભારતવર્ષમાં કદી ન રચાયો હોય એવો ઇતિહાસ રચી દીધો. એ હેડિંગ એક ટીવી પત્રકારના મગજમાં ઘૂસી જાય અને એ એક મરેલી છોકરીને ન્યાય અપાવવા પાવરફુલ પોલિટિશિયનો સામે મુહિમ ચલાવે છે. મીડિયા ધારે તો કેટલું સારું કામ થઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.


કેસ રિઓપન થયો. બધા જ ગુનેગારો વિરુદ્ધ બિન જામીન પાત્ર ધરપકડના વોરંટ જાહેર કરાયા. એક પણ દિવસની ચૂક વિના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો. બધા જ સાક્ષીઓની ફેર તપાસ થઈ અને ગુનેગારોની પણ કડક પૂછપરછ થઈ. અને આખરે જેસિકાને જસ્ટીસ મળ્યો. 20મી ડિસેમ્બર, 2006ના દિવસે ફેંસલો જાહેર થયો. શાયર સહિત બીજા 32 સાક્ષીઓ જે ફરી ગયા હતા એમને ગુનેગાર ઠેરવીને બીજી કોર્ટમાં એમના પર કેસ ચલાવાયો અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

સૌથી મોટો ફેંસલો જે સાંભળવા માટે માત્ર જેસિકાનો આત્મા, જેસિકાની બહેન સબરીના, એનો પરિવાર કે જર્નાલિસ્ટ અંજના જ નહીં, પણ આખો દેશ બેતાબ હતો એ આવ્યો. કોર્ટે કહ્યું કે, ‘બધા જ પુરાવાઓ અને સાક્ષીઓ જોતાં એ પુરવાર થાય છે કે જેસિકાની હત્યા મનુ શર્માએ જ કરી છે. માટે એને આ અદાલત આજીવન કારાવાસની સજા આપે છે. સાથે સાથે એના મિત્રો આલાપ અને વિશાલને પણ સબૂત મિટાવવા અને અન્ય ગુના સબબ ચાર-ચાર વર્ષની કેદની સજા ફરમાવે છે.’


આ ફેંસલાથી પૈસા ખાઈને દબાવાઈ ગયેલું ક્રાઇમનું સિક્રેટ ખૂલી ગયું. આ ફેંસલાના શબ્દો સાંભળી આખો દેશ ઉત્સાહથી ઊછળી પડ્યો. હોસ્પિટલમાં બેઠેલા જેસિકાના પિતા જેસિકાને યાદ કરીને ખુલ્લા મોંએ રડી પડ્યા. કોર્ટના બાંકડા પર બેઠેલી સબરીના અંજનાને વળગીને રડી પડી. આ આંસુ જીતનાં હતાં, ન્યાયનાં હતાં. હવે એવું છાતી ઠોકીને કહી શકાય કે, પોલિટિશિયન હોય કે એનો બાપ. આ દેશમાં, ‘નો વન કેન કિલ એની વન!’

સમાપ્ત

(નોંધ : આ સત્યઘટનાનાં કેટલાંક પાત્રોનાં નામ બદલ્યાં છે. સંવાદો કાલ્પનિક છે.)

[email protected]

X
article by raaj bhasker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી