રે જિંદગી / એક મેલોઘેલો છોકરો…

article by raaj bhaskar

રાજ ભાસ્કર

Apr 07, 2019, 04:49 PM IST

મહેશભાઈ મારી સામે બેઠા. એમણે વાત શરૂ કરી: ‘એ છોકરાને જોઈને મને ચીતરી ચઢતી હતી. ખૂબ ગંદો હતો એ. સ્વચ્છતાને અને એને જાણે બાપે માર્યાં વેર હતાં. ગંદકીને એ મા જણી બહેનની જેમ સાચવતો અને ગંદવાડાને સગા ભાઈની જેમ. ખુદ ભગવાન પણ જો આવીને એને એમ કહે કે ચાલ તારા પગ ધોઈ દઉં, તો એ એના મોઢા પર ચોખ્ખીચટ્ટ ના ફટકારી દે. પાણી પણ એના પગને અડવા તરસતું હતું. હંમેશાં એના શરીર પર માંખો બમણ્યા કરતી.
મારા ઘરની સામે જ ફૂટપાથ પર પડેલી એક મોટી પાઇપમાં એ રહેતો.
ફૂટપાથથી થોડે દૂર આવેલી મિકેનિકની દુકાનમાં એને કામ મળી ગયેલું. આખો દિવસ એ ગંદી થયેલી મોટરસાઇકલો અને સ્કૂટરો સાફ કર્યા કરતો. એ બધો મેલ એના શરીરે ચોંટતો. છ મહિનાથી એકની એક ચડ્ડી પહેરી હતી. શર્ટ બદલાતો. કદાચ બે શર્ટ હશે!
એની ઉંમર આશરે ચૌદેક વર્ષ હશે. એના શરીર પર હાડ મેલ જામી ગયેલો. માથાના વાળ શાહુડીનાં પીછાં જેવા થઈ ગયેલા. પાસે જ સરકારી નળની વ્યવસ્થા હતી, પણ એ કદાચ નહાતો જ નહોતો.
ઓફિસેથી આવતાં જતાં ઘણીવાર એ મને સામે ભટકાઈ જતો. મારું ધ્યાન હોય તો હું પાછો વળી જતો, નહીંતર સજા પામતો. એનાથી બે ફૂટ દૂર હોઈએ તોય નાક દુર્ગંધથી ભરાઈ જતું. મને બાળકો ગમતાં, દયાભાવ પણ ખરો, પણ અસ્વચ્છતાથી ભારે સૂગ. ઘણીવાર એને આડકતરી રીતે ચોખ્ખું રહેવા સમજાવેલું હતું, પણ પથ્થર ઉપર પાણી.
ઘણીવાર એ અમારી સોસાયટીના મેદાનમાં રમવા માટે આવતો. મારો પાંચેક વર્ષનો દીકરો પણ રમતો હોય. એક દિવસ પેલો છોકરો મારા દીકરા સાથે રમવા લાગ્યો. હું બારીમાંથી જોઈ ગયો. તરત જ મેદાનમાં દોડી ગયો, મારા દીકરાને પાછો ખેંચી લઈ દૂર ઊભા રહી પેલા છોકરાને ધમકાવી નાખ્યો.
એ છોકરો એટલો બી ગયો કે એની આંખમાં આંસુ આવી ગયાં. છતાં મારું ધમકાવવાનું ચાલુ જ હતું, ‘સા..........…રેઢિયાળ! તારી હિંમત કેમ થઈ મારા દીકરાની નજીક આવવાની! ચાલ ભાગ અહીંથી.’ હાસ્તો વળી. ધમકાવે નહીં તો બીજું શું કરે? જેની નજીકથી પસાર થતાંય ઊબકા આવે એમ ગંદકીથી ખદબદતો હતો. તમે જ કહો, એની નજીક તો કઈ રીતે જવાય?
  • છાપું ફેંકી સામેનું દૃશ્ય જોઈ હું પણ ચીસ પાડી ઊઠ્યો. મારો દીકરો દોડીને રોડ ક્રોસ કરી રહ્યો હતો અને એક ધમસમતી ટ્રક એનાથી અડધો ફૂટ દૂર હતી. એ ટ્રક નહોતી, પણ યમરાજ હતો
સાંજનો સમય હતો. હું મારા ઘરના વરંડામાં બેઠાં-બેઠાં છાપું વાંચી રહ્યો હતો. મારો દીકરો મેદાનમાં રમી રહ્યો હતો. મારી અડધી આંખ છાપાના સમાચારો પર હતી અને દોઢ મારા દીકરા પર, પણ શી ખબર ક્યારે બંને આંખો સમાચાર પર ઠરી ગઈ એ જ ન સમજાયું.
ત્યાં જ અચાનક ચીસાચીસ થઈ. છાપું ફેંકી સામેનું દૃશ્ય જોઈ હું પણ ચીસ પાડી ઊઠ્યો. મારો દીકરો દોડીને રોડ ક્રોસ કરી રહ્યો હતો અને એક ધમસમતી ટ્રક એનાથી અડધો ફૂટ દૂર હતી. એ ટ્રક નહોતી, પણ યમરાજ હતો. મેં બીજી એક મરણચીસ નાખીને દોટ મૂકી, પણ મને ખબર હતી કે એ ટ્રક એની ઉપર ફરી વળવાની હતી. હું ત્યાં નહોતો પહોંચી શકવાનો.
ત્યાં જ એક ચમત્કાર થયો. તારણહાર બની પેલો છોકરો ફૂટપાથ પરથી રસ્તા પર કૂદ્યો. મારા છોકરાને ધક્કો મારી ટ્રક નીચે કચડાતો બચાવી લીધો અને ટ્રકનાં પૈડાં એના એક પગ પર
ફરી વળ્યાં.
હું બમણા વેગથી દોડ્યો. દોડીને એ ગંદા છોકરાને ઊંચકી લીધો અને મેલનો થર જામેલા એના ગાલને ચુંબનોથી નવરાવી દીધો. એ ગોબરા શરીરમાંથી એક અનોખી સુવાસ ઊઠી અને મારા તન અને મનને સુવાસિત કરી ગઈ.’
મહેશભાઈએ વાત પૂરી કરી ત્યાં જ મારે ત્યાં નવોસવો આવેલો પટાવાળો ગંદાંગોબરાં કપડાંમાં ગ્લાસ ભરીને લાવ્યો. મારો ગુસ્સો આસમાને ચઢી ગયો, પણ હું કંઈ બોલું એ પહેલાં જ મહેશભાઈ એ ગ્લાસ ગટગટાવી ગયા અને પટાવાળા સાથે હાથ મિલાવી આભાર માની રહ્યા હતા. ⬛
[email protected]
X
article by raaj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી