રે જિંદગી / ઠોઠ આપણે ઠાઠથી થયા

article by raaj bhaskar

રાજ ભાસ્કર

Mar 04, 2019, 04:29 PM IST

‘મહારાજ મને જ્ઞાન આપો. હું ખૂબ દૂરથી તમારી પાસે જ્ઞાન લેવા માટે જ આવ્યો છું.’
‘ભાઈ, હું ફક્ત દયાળુ માણસો અને પ્રેમીજનોને જ જ્ઞાન આપું છું. અભિમાનીઓ અને ગુસ્સાવાળા સ્વભાવના લોકોને નહીં…’
મનસુખ શેઠ ચોંકી ગયા. એ લેવા આવ્યા હતા આધ્યાત્મિક જ્ઞાન છતાં એ મનમાં બબડી ઊઠ્યા, ‘આ બે ટકાનો બાવો મારા જેવા કરોડપતિને અભિમાની કહે છે? એની શું હેસિયત’ પણ મનની વાત હોઠ પર ન આવવા દીધી. સાવ હળવાશ અને નરમાશથી ‘કાગડો’, ‘કોયલ’ થઈને ટહુક્યો, ‘હેં…હેં…હેં મહારાજ શું આપ પણ! હું બિલકુલ ગુસ્સાવાળો પણ નથી અને અભિમાની પણ નથી. આપે ક્યારે મને ગુસ્સો કે અભિમાન કરતો જોયો? હું તો પહેલીવાર આપની સાથે વાત કરી રહ્યો છું.’ મહારાજ મર્માળુ સ્મિત રેલાવતાં બોલ્યા, ‘ભાઈ, તેં હાલ જ ગુસ્સો પણ કર્યો અને તારા પૈસાનું અભિમાન પણ બતાવ્યું.’
‘એ કેવી રીતે મહારાજ?’
‘ભાઈ, તું અહીં મારી સન્મુખ બિરાજમાન થયો એ પૂર્વે તેં સામે પડેલી ફાટેલી સાદડી પર સ્થાન ગ્રહણ કરવાને બદલે તારા નોકર પાસે તે દૂર હટાવડાવી અને એને બદલે મખમલનું પાથરણું પાથર્યું. આમ કરીને તેં તારા રૂપિયાનું અભિમાન બતાવ્યું છે.’
‘મેં ગુસ્સો ક્યારે કર્યો? મેં ગુસ્સો કર્યો જ નથી.’ શેઠે પાંગળો બચાવ કર્યો, પણ મહારાજે એનોય જવાબ આપ્યો. ‘ભાઈ, તેં ગુસ્સો પણ કર્યો છે. તને સ્મરણ નહીં હોય પણ મને છે. તારા નોકરે ગાડીમાંથી પાથરણું લાવવામાં જરાક વાર કરી એમાં તેં એને અપશબ્દોમાં ઠપકો આપ્યો. મને ક્ષમા કર ભાઈ! હું તને જ્ઞાન નહીં આપી શકું. જ્ઞાન લેવું હોય તો જા પહેલાં અભિમાન અને ગુસ્સાનો ત્યાગ કરીને આવ. સાવ નિર્મળ બની જા.’
‘હેં હેં જય રામજી કી મહારાજ!’ મનસુખ શેઠ ઊભા થઈ ગયા.

  • શેઠને ખૂબ લાગી આવ્યું. એ મૂંગા મોઢે ઊભા થઈ ગયા. ઘરે આવીને પણ એમને ચેન ન પડ્યું. એમણે નિશ્ચય કર્યો કે અભિમાન અને ગુસ્સો કેમ ન છૂટે? અને એમણે પ્રયત્નો શરૂ કરી દીધા

છ મહિના પછી ફરી શેઠ પધાર્યા. કમ્પાઉન્ડમાં ગાડી ઊભી રહી. શેઠ ગાડીમાંથી ઊતર્યા અને સહેજ આગળ વધ્યા ત્યાં જ આશ્રમનો એક માણસ તેમની સાથે ભટકાઈ ગયો. એના હાથમાં માટલું હતું. એ શેઠ પર ઢોળાઈ ગયું. શેઠે ગાળાગાળી કરી નાખી. ‘સાલા, ભિખારાઓ, સહેજેય સંસ્કાર નથી. મારો શૂટ બગાડી નાખ્યો હં!’ દૂરથી મહારાજ જોઈ રહ્યા હતા. એ દિવસે પણ મહારાજે શેઠને જ્ઞાન ન આપ્યું. ગુસ્સો ને અભિમાન ત્યજીને આવવા જણાવ્યું. આ વખતે શેઠને ખૂબ લાગી આવ્યું. એ મૂંગા મોઢે ઊભા થઈ ગયા.
ઘરે આવીને પણ એમને ચેન ન પડ્યું. એમણે નિશ્ચય કર્યો કે અભિમાન અને ગુસ્સો કેમ ન છૂટે? અને એમણે એના પ્રયત્નો શરૂ કરી દીધા. ગાડીમાં ફરવાનું બંધ કરી દીધું. સાવ સાદાં વસ્ત્રો પહેરવા લાગ્યા. કોઈ ઉપર જરા પણ ગુસ્સો ન કરતા. આખરે બીજા છ મહિનાના અંતે એમણે ગુસ્સો અને અભિમાન સંપૂર્ણપણે ત્યાગી દીધા. સાવ નિર્મળ થઈ ગયા.
મનસુખ શેઠ ફરી મહારાજ પાસે પહોંચ્યા. સાવ સાદાં વસ્ત્રોમાં, પગપાળા યાત્રા કરીને એ ત્યાં પહોંચ્યા હતા. આશ્રમમાં પગ મૂક્યો ત્યાં જ સફાઈ કરનાર એમની સાથે ભટકાયો. ગંદો કચરો તેમની ઉપર પડ્યો. છતાં તે ગુસ્સે ન થયા. બોલ્યા, ‘હશે! આવું તો થયા કરે. આ કચરાનો કંઈ વાંધો નહીં. સાચો કચરો તો મનના દુર્ગુણો છે. એ દૂર થવા જોઈએ.’ મહારાજે દૂરથી આ જોયું.
શેઠ મહારાજ પાસે જઈને બેઠા. મહારાજે એમને આવકાર્યા. એમના ત્યાગ-તપશ્ચર્યાની પ્રશંસા કરી ને એમને જ્ઞાન આપવાનું વચન આપ્યું.
વાતો ચાલતી હતી જ ત્યાં જ એક સેવક ત્યાં આવી ચઢ્યો. ‘મહારાજ, એક ભાઈ કથા માટે આપને નિમંત્રણ આપવા આવ્યા છે.’
‘એમને કહો કે એકાવન હજાર દક્ષિણા થશે.’
સેવક પાછો ગયો અને થોડીવારમાં એક માણસ અંદર આવ્યો. મહારાજને કરગરવા લાગ્યો, ‘મહારાજ, ખૂબ ગરીબ માણસ છું. એકાવન હજાર દક્ષિણા તો નહીં આપી શકું. આપનું ખૂબ નામ સાંભળ્યું, આપની પાસે જ કથા કરાવવી છે. રહેમ કરો મહારાજ દસ હજાર રૂપિયા આપીશ. આપ કથા કરવા પધારો…’
મહારાજ ઉકળ્યા, ‘આ કંઈ શાકભાજીની દુકાન છે. ચાલ્યા આવો છે તે!’ હું કોણ, આ શહેરનો પ્રખર જ્ઞાની પંડિત. મારા પગલાં એમ દસ હજાર રૂપરડીમાં ન પડે. ચાલ્યા જાવ.’ મહારાજે પેલાને કાઢી મૂક્યો. પછી શેઠ તરફ કરતાં બોલ્યા, ‘આવો ભાઈ, તમને જ્ઞાન આપું, અંદર પધારો.’ અને જવાબમાં શેઠ બે હાથ જોડી જરાય ગુસ્સા કે અભિમાન વગર ઊભા થઈ ગયા. ‘મને જ્ઞાન મળી ગયું મહારાજ! દુનિયાનું સંપૂર્ણ જ્ઞાન મળી ગયું! જય રામજી કી.’

[email protected]

X
article by raaj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી