રે જિંદગી / ગાંડી ન થા! તારે ને એને શું?

article by raaj bhaskar

રાજ ભાસ્કર

Jan 20, 2019, 12:05 AM IST

કોલેજિયન છોકરાઓની રીડિયારમણ અને કાનના કીડા ખેરવી દેતી દારૂડિયા પતિની ગાળો જમનાબહેનના કાનમાં ઠલવાઈ રહી હતી. આ ઘટના એક દિવસની નહોતી રોજની હતી. વીસ વર્ષથી આ જ બનતું હતું!

  • દીકરો, દીકરી અને પતિ બહાર ચાલ્યાં ગયાં. જમનાબહેને બારણું બંધ કર્યું. ફરીવાર મોટી બહેનના શબ્દો કાનમાં પડઘાયા, ‘જમની, ખીમો ગયો!’ એ સાથે જ એમની આંખોના કૂવા છલકાઈ ઊઠ્યા

‘જમની સાલી બહેરી થઈ ગઈ છે, કેટલી વાર કીધું મને બરફનો ટુકડો આપ.’ પતિની વધુ એક ગાળ કાનમાં લટકાવી જમનાબહેન ફ્રીઝ તરફ આગળ વધ્યાં. ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. મોટાબહેન ગંગાનો ફોન હતો, ‘જમની, ખીમો ગયો.’


બસ આટલી જ વાત. મોટાબહેને વધુ એક પણ શબ્દ બોલ્યા વગર ફોન મૂકી દીધો. જમનાબહેન ત્યાં જ ખોડાઈ ગયાં. એમને પોક મૂકીને રડવાનું મન થયું, મરશિયા ગાવા ગળું તરફડવા માંડ્યું, છાતી બંને હાથે કૂટાવા માટે જાણે આગળ ધસમસતી હતી, પણ આંખમાંથી એક આંસુ પણ ન ખર્યું. સામે જ જુવાનજોધ થઈ ચૂકેલો દીકરો એની મૂછ સેટ કરી રહ્યો હતો અને જુવાનીના પહેલા પગથિયે ઊભેલી દીકરી એની છાતીને દુપટ્ટાથી ઢાંકી રહી હતી. આવા સમયે એક પારકા પુરુષ માટે કેમ રડવું?


ખીમો માત્ર ખીમો! મારે ને એને વળી શું? મોટી બહેનનો દિયર, એય પાછો સગો નહીં, કુટુંબના નાતે દૂર દૂરનો સંબંધ.


દીકરો, દીકરી અને પતિ બહાર ચાલ્યાં ગયાં. ઘર સાવ ખાલીખમ થઈ ગયું. જમનાબહેને બારણું બંધ કર્યું અને ઓરડામાં આવ્યાં. ફરીવાર મોટી બહેનના શબ્દો કાનમાં પડઘાયા, ‘જમની, ખીમો ગયો!’ એ સાથે જ એમની આંખોના કૂવા છલકાઈ ઊઠ્યા. એમણે ટીવીનો વોલ્યૂમ વધારી દીધો. ડૂસકાં અને ડૂમાના અવાજ એમાં ડૂબી ગયા. કોણ જાણે કેમ કશાયે સંબંધ વગર આજે ખીમા માટે આટલું બધું લાગી આવ્યું હતું!


ખીમાને એ ઓળખતાં પણ કેટલું હતાં. માત્ર બે-ચાર કલાકોની બે-પાંચ મુલાકાત. મોટી બહેનનાં લગ્નના દિવસે એ પહેલી વાર મળેલો. પછી પણ વધુ નજીક આવવાનો સમય મોટી બહેનની સુવાવડ વખતે મળેલો. જમના ઘરકામમાં મદદ કરવા ત્યાં ગયેલી. ખીમો પણ ત્યાં જ રહીને કોલેજ કરતો. લગભગ મહિનો સાથે રહેવાનું બનેલું. રોજ એકમેકની આંખો ટકરાતી, શરીરમાં કંઈક અજુગતું થતું અને આંખો ઢળી જતી.


આખરે એક દિવસ વાત પણ થઈ. એક ઢળતી સાંજે અગાશી પર બેઠેલી જમનાને ખીમાએ કહેલું, ‘જમની, મારે તને એક વાત કરવી છે.’ જમનાનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. એના કાન પ્રેમની ચાસણી ઝીલવા બેતાબ બન્યા ત્યાં જ એમાં ઝેર રેડાયું. મોટી બહેનના સસરાએ ઘાંટો પાડ્યો, ‘એય નાલાયકો, આ શું ધંધા માંડ્યા છે.’ એમણે જમના અને ખીમાને બીજા જ દિવસે ઘરભેગાં કરી દીધાં અને એ સાથે જ એક શરૂ જ ન થયેલો સંબંધ પૂરો થઈ ગયો.
⬛ ⬛ ⬛


જમનાબહેને આંખો લૂછી. હુંયે પાગલ છું, કોઈ સંબંધ વગર રડવા બેઠી. એ મને શું કહેવાનો હતો એ પણ ક્યાં ચોક્કસ હતું. છતાં આવું કેમ થાય છે? અત્યાર સુધી દારૂડિયા પતિ અને ઝઘડાખોર સંતાનોની ગાળો અને ઠપકા ખાઈ જિંદગી કાઢી નાખી, પણ હવે કેમ એવું લાગતું હતું જાણે એક પણ દિવસ જિવાશે નહીં. ગમે તે હતું, પણ દૂર દૂર શ્વસતો ખીમો હંમેશાં ટેકો બનીને સાથે રહ્યો હોય એવું લાગતું હતું. આજે એ ગયો અને જાણે જીવવાની હામ જ લેતો હતો. કશાયે સ્પર્શ વગર, સાથ વગર, સંગાથ વગરનો એક સંબંધ આજે એમની ધડકનો ચોરી રહ્યો હતો.

એમણે ઘણીયે કોશિશ કરી, મનને ટપાર્યું, એય જમની, ગાંડી થા મા, છોકરાં જવાન છે તારાં. આવી લાગણી આ ઉંમરે ન શોભે. તારે ને એને શું? સંબંધ શું હતો તમારો? પણ મન ન માન્યું. એ તડપતાં રહ્યાં, તરસતાં રહ્યાં, મનને પૂછતાં રહ્યાં કે તારે ને એને શું? પણ શરીરની એકેય ઇન્દ્રિય એમના કાબૂમાં નહોતી. એમની સામેથી દૃશ્યો ઓઝલ થવા માંડ્યાં, સાવ અંધારું થઈ ગયું, સાવ અંધારું.


અને અચાનક અજવાળું થયું. હવે તમામ દૃશ્યો એમને સ્પષ્ટ દેખાતાં હતાં. પતિ, બાળકો અને પાડોશીઓ એમને ઢંઢોળી રહ્યાં હતાં. સગાંવહાલાં, મોટી બહેન, બાપુજી બધાં રડી રહ્યાં હતાં અને એ ખીમા વાટે ઊભાં ઊભાં આ બધું ધ્યાનથી નીરખી રહ્યાં હતાં. છતાં હજુ મન એમને પૂછી રહ્યું હતું, ‘તારે ને એને શું?’
[email protected]

X
article by raaj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી