Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 56)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

વિવિધ આસનોથી બાળક રહેવામાં તકલીફ થાય?

  • પ્રકાશન તારીખ25 Apr 2019
  •  

સમસ્યા: અમારાં લગ્નને 3 વર્ષ થયાં છે. મારી ઉંમર 26 વર્ષની છે અને પત્ની 24 વર્ષની છે. અમે બે-ત્રણ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. અમે બન્ને જાતીય જીવનથી સંતુષ્ટ છીએ. અમને સમાગમ દરમ્યાન બે-ચાર અલગ-અલગ આસન માણવામાં આનંદ આવે છે. અમારો સવાલ એ છે કે શું આમ કરવાથી બાળક રહેવામાં કોઈ તકલીફ થઈ શકે છે?
ઉકેલ: ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીબીજનું મિલન થવું જરૂરી છે. આ મિલન ગર્ભાશયમાં થતું હોય છે. જ્યારે સમાગમ વખતે સ્ખલન થાય ત્યારે તેમાં એક જ ટકો વીર્ય હોય છે. તેમાં લાખો-કરોડો શુક્રાણુ હોય છે. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલને ચોંટી ધીરે-ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચતા હોય છે. બાકીનો નવ્વાણુ ટકા સ્ત્રાવ યોનિમાર્ગમાં દરેકને બહાર આવી જતો હોય છે. પછી તમે કોઈપણ આસન કેમ ન માણ્યું હોય. સ્ત્રી નીચે હોય, સમાગમ પછી અડધો કલાક સૂતેલી રહેલી હોય તો પણ આ સ્ત્રાવ બહાર જ આવી જતો હોય છે. જે નોર્મલ ક્રિયા છે. માટે સમાગમ માત્ર એક જ આસનમાં સંપન્ન થાય તે જરૂરી નથી. આપની જેમ ઘણા લોકો એકથી વધારે આસનોની અજમાઇશ કરતા હોય છે. આમ કરવાથી જાતીય જીવનમાં વિવિધતા રહે છે અને વર્ષો પછી પણ જાતીય ઉત્સાહ જળવાઈ રહે છે. ટૂંકમાં, આસનોની સંખ્યા અગણિત છે અને અલગ અલગ આસનો માણવાથી બાળક થવામાં કોઈ અંતરાય આવતો નથી.
સમસ્યા: મારી ઉંમર 27 વર્ષની છે. મારી સગાઈને ચાર મહિના થયેલા છે અને બે મહિના પછી લગ્ન થવાનાં છે, પરંતુ મારું વજન આશરે નેવું કિલો છે અને ઊંચાઈ પાંચ ફૂટ દસ ઇંચ છે. જ્યારે પત્નીનું વજન 54 કિલો છે. એની આગળ હું ભીમ જેવો લાગું છું. શું મારા આ વજનનો તફાવત મને પ્રથમ રાતે નડશે? આની મને ખૂબ જ ચિંતા છે. નિષ્ફળ જવા કરતાં સગાઈ તોડી નાખવાનું વિચારું છું, પરંતુ કોઈપણ પગલું ભરતા પહેલાં તમારો અભિપ્રાય મેળવવા માગું છું. તો આ અંગે સત્વરે માર્ગદર્શન આપવા વિનંતી.
ઉકેલ: મોટાભાગનાં યુગલો લગ્ન વખતે કદાચ સરખો બાંધો ધરાવતાં હોય છે, પરંતુ લગ્નનાં અમુક વર્ષો બાદ શરીરમાં ચરબીના થર જમા થાય છે, પરંતુ તેઓ
પણ જાતીય જીવન ચોક્કસ માણી શકતાં હોય છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો તમારું પેટ વચ્ચે આવે તો સ્ત્રી ઉપર હોય તે આસન કરી શકો છો અને એ પણ ન ફાવે તો બીજાં ઘણાં બધાં આસનો છે, જે આપને અને આપના સાથીને અનુકૂળ આવે તેનો પ્રયોગ કરી શકાય છે.
જે રીતે આપને કદાચ આલિયા ભટ્ટ કે બીજી સુંદર દેખાતી સ્ત્રી ગમતી હશે તે જ રીતે દરેક સ્ત્રીને પણ સલમાન ખાનની જેમ હેન્ડસમ દેખાતા પુરુષો પસંદ પડે છે. માટે સગાઈ તોડવા કરતાં થોડું ડાયટિંગ અને કસરતના સમન્વયથી શરીર ઓછું કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. પત્ની ગમતી હોય તો માત્ર આ મુદ્દા ઉપર સગાઈ તોડી
નાખવાની જરૂર નથી.
સમસ્યા: હું 23 વર્ષની યુવતી છું. બે મહિનામાં મારા લગ્ન થવાના છે. અમે બંને 1થી 2 વર્ષ સુધી બાળક ઇચ્છતા નથી. તો શું કરવું તે સમજાતું નથી. મેં સાંભળ્યું છે કે ગર્ભનિરોધક ગોળીઓથી ભવિષ્યમાં પ્રોબ્લેમ થઇ શકે છે. નિરોધ કોઇ વખત ફાટી જાય કે કોઇ પ્રોબ્લેમ થાય તો ગર્ભ રહી જવાનો ડર રહે છે. કોપર-ટી માફક ન આવે તો 15-20 દિવસે બ્લિડિંગ થાય શું આ બધી વાતો સાચી છે? કોપર-ટી જો મુકાવવી હોય તો ક્યારે મુકાવવી જોઈએ? લગ્ન પહેલા કે પછી? અમે ખૂબ જ ગંભીર છીએ અને પરિસ્થિતિ સામાન્ય છે. માટે આનો ખર્ચ કેટલો થશે તે જણાવશો.
ઉકેલ: નવપરણિતો માટે બે ઉતમ ગર્ભનિરોધક છે. સ્ત્રીઓ માટે ગોળીઓ અને પુરુષો માટે નિરોધ. આજના જમાનાની ગર્ભનિરોધક ગોળીઓ ખૂબ જ અસરકારક અને સલામત છે. પહેલા જેવી આડઅસરો નથી. દુનિયાભરમાં કરોડો સ્ત્રીઓ આ ગોળીનું સેવન કરે છે. આ ગોળીઓ બંધ કરતા જ બીજા મહિનાથી તમે ઇચ્છો તો માતા બની શકો છો. બીજું આ ગોળીઓથી તમારો માસિક સ્ત્રાવ પણ નિયમિત કરી શકો છો. આ દવા ડોક્ટર પાસે તપાસ કરાવીને લેવી વધુ હિતાવહ છે. જો નિરોધનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ભાગ્યે જ ફાટે છે અને જો એવું બને ત્યારે ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીના સેવનથી ગર્ભ રહેવા સામે તમને રક્ષણ મળી શકે છે. નિરોધના ઉપયોગથી શીધ્ર સ્ખલનમાં પણ ફાયદો થાય છે. સામાન્ય રીતે કોપર-ટી બાળકના જન્મ પછી જ મુકાવવી વધારે સલાહ ભરેલ છે. માસિકના દસમાંથી અઢારમાં દિવસ સિવાયના દિવસો સિલેકટીવલી સેઇફ દિવસો ગણાય છે. આ દિવસોમાં સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતા ઓછી હોય છે. આ ગર્ભનિરોધક ગોળી અને નિરોધ સરકારી દવાખાનામાં બિલકુલ મફત આપવામાં આવે છે. સરકારી નિરોધ અને ગોળી દવાની દુકાનેથી મળતા જેટલા જ અસરકારક અને સારા હોય છે.
સમસ્યા: હું 28 વર્ષનો યુવક છું અને મારી પત્નીની ઉંમર 25 વર્ષની છે. અમારે એક દોઢ વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઈ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમાગમ વધારે ચાલે ત્યારે વધારે પડતાં ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુખાવો ન થાય તેનો ઉપાય બતાવશો.
ઉકેલ: ઘણીવાર સમાગમ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમાગમ વખતે સ્ત્રીને દુખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડીવાર લાગે છે. વળી, કોઈકને કાનની બૂટને સ્પર્શ કરતાં જલદી ઉત્તેજના આવે, તો કોઈ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે. આ માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પસંદ-નાપસંદનો સંવાદ પતિ-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણીબધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોરપ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. અથવા દવાની દુકાનમાંથી K-Y જેલીનો વપરાશ પણ કરી શકો છો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઈ જશે.
dr9157504000@shospital.org

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP