કામ સંહિતા / પુરુષોમાં કામેચ્છા મંદ પડી જવાનાં કારણો

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Apr 01, 2019, 03:46 PM IST

પુરુષોમાં કામેચ્છા મંદી પડી જવા પાછળનાં બે કારણોની ચર્ચા આપણે ગયા અંકમાં કરી ચૂક્યા છીએ. આજે કરીએ વધુ કારણોની ચર્ચા...
તણાવને લીધે કામેચ્છા ઘટી જાય છે : નોકરીનો તણાવ તથા આત્મસન્માન એ બંને મહત્ત્વનાં પરિબળો છે. જો કોઈ વ્યક્તિ તેના કામના સ્થળે અપેક્ષા મુજબ યોગ્ય કામગીરી ન દાખવી શકતો હોય, તેને સતત તે બાબતે આત્મગ્લાનિનો અનુભવ થતો હોય તો આવી સ્થિતિમાં તેની જાતીય ઇચ્છાઓ અત્યંત મંદ પડી જાય છે. વ્યક્તિગતની સાથે સાથે સામાજિક તણાવ પણ કામેચ્છા માટે કાળ બની શકે છે.
તબીબી સમસ્યા : ઘણી તબીબી સમસ્યાઓ અને દીર્ઘકાલીન શારીરિક સમસ્યાઓની અસર પણ કામેચ્છાઓ પર માઠી અસર પહોંચાડે છે. કેન્સર અને ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓ સેક્સ અંગેના તમારા વિચારોને કુંઠિત કરી નાખે છે. હૃદયની બીમારી, હાયપર ટેન્શન તથા ડાયબિટીસ જેવી બીમારીઓને લીધે જનનાંગો સહિતના શરીરના અવયવોમાં રુધિરનો પ્રવાહ ઘટી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે જાતીય આવેગો નબળા પડી જાય છે. દારૂની લત પણ તમારી જાતીય ક્ષમતા નબળી પાડી દે છે. થાઇરોઇડ તથા પિચ્યુટરી ગ્રંથિ(જે સેક્સ હોર્મોન્સ સહિતના મોટાભાગના અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયમન કરે છે)માં ગાંઠને લીધે પણ કામેચ્છા મંદ પડી જાય છે.

  • લગ્નજીવનની ખુશી કે નારાજગી કામેચ્છાઓના માધ્યમથી રજૂ કરવામાં આવતી હોય છે

તબીબી ઉપચારોની આડઅસર : ડિપ્રેશનની સારવારમાં વપરાતી અમુક દવા જાતીય આવેગો અવરોધે છે. તે જ પ્રમાણે ટ્રાન્ક્વિલાઇઝર્સ તથા બીપીની દવાઓ પણ કામેચ્છા મંદ બનાવે છે. અફીણ, હેરોઇન, કોકેઇન તથા મારિજુઆના જેવી ગેરકાયદેસર નશાયુક્ત દવાઓ પણ જાતીય ઇચ્છાઓને હણી નાખે છે. આવા સંજોગોમાં ડોક્ટરનું માર્ગદર્શન લેવાથી તે જાતીય ઇચ્છાઓ પર ઓછી અસર કરતી વૈકલ્પિક દવાઓ સૂચવી શકે છે.
સંબંધોની પ્રગાઢતા કામેચ્છામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે: તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો કેટલા મજબૂત અને લાગણીસભર છે તેની અસર પણ જાતીય જીવન પર સીધી વર્તાય છે. લગ્નજીવનમાં પોતે કેટલા ખુશ છે તે બાબતે પોતાની કામેચ્છાઓના માધ્યમથી પોતાની લાગણી રજૂ કરતા હોય છે. સેક્સ અંગેની સમસ્યા સંબંધોની અન્ય સમસ્યાઓનું પરિણામ હોઈ શકે છે જેનો ઉકેલ જરૂરી છે. ક્રોધ અને નિરાશા ઘણીવાર બેડરૂમ સુધી ખેંચાઈ આવે છે.
વધુ પડતી નિકટતા પણ કામેચ્છા માટે નુકસાનકારક છે : વધુ પડતી નિકટતાનો અર્થ બહેતર સેક્સ છે તેમ માનવું ખોટું છે. ઘણીવાર વધુ પડતી નિકટતા સેક્સ માટેની ઇચ્છા હણે છે. કામાગ્નિ પેટાવવા હવા આવે તેટલી જગ્યા જરૂરી છે. જોડાવા માટે પહેલાં અલગ હોવું જરૂરી છે.
અસંગત આદરભાવના : કેટલાક પુરુષો તેમની પત્ની સાથે, ખાસ કરીને બાળકના જન્મ બાદ વધુ પડતા પ્રેમ અને આદરથી વર્તે છે, જેને કારણે પણ જાતીય ઇચ્છાઓ પર અસર સર્જાય છે. આ ઉપરાંત નવજાત શિશુ કે બાળકોની કાળજીમાં સતત સમય વ્યતીત કરવાને લીધે અનુભવાતા પરિશ્રમથી પણ મહિલાઓની જેમ જ પુરુષોની જાતીય ઇચ્છાઓમાં પણ ઘટાડો થાય છે.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી