જાણવું જરૂરી છે / આખી રાત સેક્સ કરવા છતાં પત્નીને સંતોષ મળતો નથી

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Mar 28, 2019, 05:29 PM IST

સમસ્યા: મારી ઉંમર બાવન વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા પાંચ-છ માસથી સફેદ પદાર્થ વધારે જામે છે. જેને કારણે ઘણીવાર ચળ ઉત્પન્ન થાય છે. પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સમાગમ કરતી વખતે તથા કર્યા પછી દુખાવો થાય છે.
ઉકેલ: સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો. જો ડાયાબિટીસ કાબૂમાં ન હોય તો આગળની ચામડી જાડી થઈ જાય છે અને ચોખ્ખાઈ બરાબર થતી હોતી નથી. તેમના પેશાબમાં પણ શુગર રહેલી હોય છે, જેથી ત્યાં બેક્ટેરિયાનો વિકાસ થતો હોય છે. ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. કદાચ એ જ કારણસર આપને ચળ આવતી હશે. જ્યારે આપ સ્નાન કરો ત્યારે ચામડીને પૂરેપૂરી નીચે ઉતારી, આગળનો ભાગ સાબુથી દરરોજ સાફ કરજો. આપની ઉંમર બાવન વર્ષ છે, તેથી આપનાં પત્નીની ઉંમર પણ આશરે છેતાલીસ-સુડતાલીસની આસપાસ હશે. આ ઉંમરે માસિકસ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે, જેથી સમાગમ વખતે યોનિમાર્ગમાં ભીનાશ ઓછી થાય છે અથવા થતી નથી. તે જ કારણે આપને સમાગમ વખતે અને તે પછી દુખાવો થાય છે. આમ ન થાય તે માટે ફોરપ્લેમાં થોડો વધારો કરો અને ફાયદો ન થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો. આ વોટરબેઝ જેલી છે. એટલે તેની કોઈ જ આડઅસર થતી નથી. દવાની દરેક દુકાને મળી શકે છે. આપ નિષ્ણાત સેક્સોલોજિસ્ટને બતાવી શકો છો.

સમસ્યા: મને ચાર વર્ષ પહેલાં જમણા અંડકોષમાં દુખાવાની તકલીફ થયેલી અને થોડું શીઘ્રપતન જેવું થતું. અમારા ડોક્ટરે દસ દિવસની દવા આપેલી, પરંતુ એ દવા પંદર દિવસ લીધી પણ ફાયદો ન થયો, ઉપરથી ઇન્દ્રિયમાં ઉત્થાન બિલકુલ બંધ થઈ ગયેલું છે. અમારા ડોક્ટરે હાથ ઊંચા કરી બીજા દવાખાને જવાનું કહેલું. બીજા ડોક્ટરના કહેવા મુજબ વધારે દવા લેવાથી ઇન્દ્રિયની નસો નબળી પડી ગયેલી છે, જેથી શુક્રાણુની ગતિ ઓછી થઈ ગયેલી છે. 60 દિવસનો દવાનો કોર્સ આપેલો, પરંતુ કોઈ જ ફાયદો થયો નહીં. હજી અંડકોષમાં દુખાવો થાય છે. રિપોર્ટમાં સારણગાંઠ બતાવેલ છે અને પાણી ભરાય છે તેમ કહેલું છે.
ઉકેલ: ઇન્દ્રિયમાં કોઈ નસ જેવું હોતું નથી, માત્ર ખાલી ખાબોચિયાં જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે અને પુરુષની ઇન્દ્રિય સમાગમ કરવા કાબેલ બને છે. એક શુક્રાણુને બનતા 3 મહિના જેટલો સમય લાગે છે. એટલે દસ-પંદર દિવસની દવા લેવાથી તેના ઉત્પાદન કે ગતિ ઉપર કોઈ જ અસર ન થાય. તમારા શરીરમાં એક પણ શુક્રાણુ ન હોય તો પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો, કારણ કે શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું છે. તેને અને સેક્સને કોઈ જ લાગતું વળગતું નથી. વૃષણ કોથળીનો દુખાવો તમને સારણગાંઠના લીધે જ હશે તેમ માનું છું. તેના માટે ઓપરેશન જ કરાવવું પડે, પરંતુ ચોક્કસ નિદાન કરાવીને જ નિર્ણય લેજો.

સમસ્યા: મારી ઉંમર 25 વર્ષની છે અને મારાં લગ્ન આ જ વર્ષે થયાં છે. મારી પત્ની પાતળા બાંધાની છે અને મારું શરીર જાડું છે. મારી પત્ની સમાગમ કરતી વખતે અકળામણ કરે છે. તો શું પત્નીની યોનિ સાંકડી હશે? પહોળી કરવા ઘણો પ્રયત્ન કરું છું. આખી રાત સમાગમ કરું છું. છતાં તેને સંતોષ મળતો નથી. મારી પત્નીને મહિના રહેતા નથી. કારણ જણાવવા વિનંતી.
ઉકેલ: પાતળી સ્ત્રી અને જાડો પુરુષ અથવા જાડી સ્ત્રી અને પાતળો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતાં નથી એવી આપણા સમાજમાં ગેરમાન્યતા છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો પત્નીને પુરુષ ઉપર અને સ્ત્રી નીચેવાળી સ્થિતિમાં વધારે વજન લાગતું હોય અને અકળામણ અનુભવાતી હોય તો તમે બીજાં આસનોનો પ્રયોગ કરી શકો છો. આખી રાત સમાગમ કરવાથી સ્ત્રીને સંતોષ મળે તે જરૂરી નથી. તમે કેટલીવાર સમાગમ કરો છો તે અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો તે વધારે મહત્ત્વનું છે. કલાત્મક કામક્રીડા સફળ દાંપત્યજીવન માટે આવશ્યક છે. આ માટે આપ ‘સેક્સ ગાઇડ’નો ઉપયોગ કરી શકો છો. જાતીય સંતોષ મળે તો જ સ્ત્રી ગર્ભવતી થાય તે જરૂરી નથી. સ્ત્રીના જનન અવયવોની તંદુરસ્તી, અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા તથા શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન (મોટિલિટી) જેવાં પરિબળો પર ગર્ભધારણની શક્યતા છે. જો બધું બરાબર હોય તો સ્ત્રી જાતીય ચરમસીમા વગર પણ ગર્ભધારણ કરી શકે છે. છેલ્લી વાત સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે. સ્ત્રીનો યોનિમાર્ગ ગમે તેટલો સાંકડો હોવા છતાં પણ ઇન્દ્રિય પ્રવેશ કરાવી શકો છો. તેને હાથથી કે બીજી રીતે પહોળો કરવાની જરૂર હોતી નથી.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી