જાણવું જરૂરી છે / સ્ખલન બાદ વીર્યનાં પાંચ-છ ટીપાં જ નીકળે છે

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Mar 20, 2019, 02:47 PM IST

સમસ્યા: ઘણાં વર્ષોથી મનમાં પ્રશ્ન ઘૂંટાતો હતો કે શાળાના દિવસો દરમ્યાન અમારી ડોક્ટરી તપાસ વારાફરતી નગ્ન અવસ્થામાં કરાતી હતી. જો વિદ્યાર્થીને ઉત્તેજના આવે તેમને તમાચો મારતા. જો હસ્તમૈથુન-ઉત્તેજના યુવાનીમાં સ્વાભાવિક હોય, તો તે ડોક્ટર સાહેબ કેમ ખફા રહેતા હતા? આ તપાસ જરૂરી છે?
ઉકેલ: નાની વયે સ્કૂલમાં કરાતી ડોક્ટરી તપાસ સામાન્ય રીતે કપડાં ઉતારીને જ છોકરાઓમાં થાય છે. જેથી તપાસ થઈ શકે કે અંડકોષ વૃક્ષણ કોથળીમાં ઊતરેલા છે કે નહીં? સારણગાંઠ છે કે નહીં? જો નાની ઉંમરે અંડકોષ વૃક્ષણ કોથળીમાં નથી એવું નિદાન થાય તો તે ઓપરેશન દ્વારા નીચે ઉતારી બચાવી શકાય છે. જો આમ ન થાય તો તેર-ચૌદ વર્ષ બાદ આ અંડકોષ નકામા થવાની શક્યતા વધારે રહેતી હોય છે. જેથી તે છોકરાને ભવિષ્યમાં પિતા બનવામાં તેમજ ઉત્તેજના આવવામાં મુશ્કેલી પડી શકે છે. માટે નાની ઉંમરે યોગ્ય તપાસ અને તેનો ઇલાજ થાય તે ખૂબ જ જરૂરી છે. બાકી ડોક્ટર કેમ ગુસ્સે થતા હતા અને લાફો મારતા હતા તે તેઓ જ કહી શકે છે.

સમસ્યા: ડોક્ટર સાહેબ, મારાં બે લગ્ન થયેલાં છે. બંને પત્ની મુખમૈથુન કરે છે. એમને કોઈ જ જાતીય તકલીફ નથી, પરંતુ બંને પત્નીઓને થાઇરોઇડની તકલીફ ઊભી થયેલી છે. તો શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોઇડ થયો હશે?
ઉકેલ: થાઇરોડ મોટાભાગે વારસાગત અને સ્ત્રીઓમાં જોવા મળતી બીમારી છે. આપણા દેશમાં ઘણીવાર આયોડિનની ઊણપને કારણે પણ થાઇરોડની તકલીફ જોવા મળતી હોય છે. બાકી મુખમૈથુનથી ક્યારેય થાઇરોઇડ જેવી બીમારી થતી નથી, પરંતુ હા, આપણા દેશમાં મુખમૈથુનથી સજા જરૂર થઈ છે, કારણ કે કાયદા પ્રમાણે આ પ્રતિબંધિત ક્રિયા છે.

સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે. હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારી સમસ્યા એ છે કે હું હસ્તમૈથુન કરું છું ત્યારે સ્ખલન બાદ વીર્યનાં ફક્ત પાંચ-છ ટીપાં જ નીકળે છે. તો શું આનાથી મારા લગ્નજીવનમાં કોઈ તકલીફ થઈ શકે ખરી? વીર્યનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? હું દર બે દિવસે હસ્તમૈથુન કરું છું.
ઉકેલ: સામાન્ય રીતે એકવારના સ્ખલનમાં બે એમ.એલ. વીર્યસ્ત્રાવ અર્થાત્ એક ચમચી વીર્યસ્ત્રાવને નોર્મલ ગણવામાં આવે છે, પરંતુ આ સ્ત્રાવનો મુખત્વે આધાર હસ્તમૈથુન અથવા સમાગમ વચ્ચેના સમયગાળા ઉપર નિર્ધારિત હોય છે. એકાદ કલાક પછી જ આ ક્રિયા ફરી કરવામાં આવે તો એ વખતે સ્ત્રાવ ખૂબ જ ઓછો હોય છે, પરંતુ તે જ વ્યક્તિ અઠવાડિયા પછી ફરી આ ક્રિયા કરે તો સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય છે. ઘણીવાર પ્રાઇમરી ટેસ્ટિક્યુલર ફેલ્યોરમાં પણ વીર્યસ્ત્રાવ બે-ચાર ટીપાં જ થતો હોય છે. તો કેટલીક વાર સેક્સના વિચારથી શરૂઆતમાં જે રંગવિહીન ચીકણો સ્ત્રાવ થાય છે તેને જ વીર્યસ્ત્રાવ સમજવાની લોકો ભૂલ કરતા હોય છે. આમ થવા પાછળનું કારણ જાણવા માટે તમારે વીર્ય અને હોર્મોન્સની તપાસ કરાવવી પડે. સાથે સાથે યોગ્ય અને વ્યવસ્થિત રીતે હિસ્ટ્રી જાણીને પણ ચોક્કસ નિદાન થઈ શકે છે. જો અંડકોષ (ટેસ્ટીસ)નો વિકાસ ન થયેલો હોય તો બાળક થવાની શક્યતા ઘટી જાય છે, પરંતુ હા તમે સમાગમ ચોક્કસ કરી શકો છો, કારણ કે હોર્મોન્સ બહારથી આપી શકાય છે, વીર્ય નહી. જો આમ હોય તો તમારે કૃત્રિમ ડોનર વીર્યથી બાળક ચોક્કસ રહી શકે છે.

સમસ્યા: મારી ઉંમર ચોવીસ વર્ષની છે. મારાં લગ્નને બે વર્ષ થયાં છે. અમે અઠવાડિયામાં ચારથી પાંચ વાર સંબંધ રાખીએ છીએ. અમને બંનેને ખૂબ જ સંતોષ છે, પરંતુ મને લાગે છે કે આમ કરવાથી મારું વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારુ વજન લગભગ આઠ કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?
ઉકેલ: ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દૂર કરવાની જરૂર છે. ઊલટું જો નિયમિત રીતે, એક્ટિવ સેક્સ માણવાથી વજન ઓછું થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હોવ તો શક્ય છે કે આપનું વજન વધી ગયું હોય. અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે તેમનામાં આડઅસર રૂપે ઘણીવાર વજન વધી ગયેલું જોવા મળતું હોય છે. જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે, માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો સાથે. શક્ય હોય તો યોગ-પ્રાણાયામ કરો. આમ કરવાથી વજન તો ઘટશે જ તેમજ માનસિક અને શારીરિક સ્ફૂર્તિ પણ રહેશે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી