મનદુરસ્તી / મારા પરિવારને કંઈ થઈ જશે તો?

article by dr. prashant bhimani

ડો. પ્રશાંત ભીમાણી

Mar 13, 2019, 03:06 PM IST

‘શાશ્વત, શું કરે છે? અમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે. પ્લીઝ, તારા રૂમમાંં જઈને સૂઈ જા. લીના ઊંઘે છે કે એને પણ ડિસ્ટર્બ કરીને આવ્યો છે?’ મમ્મીએ પૂછ્યું.
છેલ્લા ઘણા દિવસથી બત્રીસ વર્ષનો શાશ્વત રોજ રાત્રે જાગતો હોય. ઊભો થઈને લાઇટ ચાલુ કરે અને વાઇફ લીનાના કાંડા પર હાથ મૂકીને એની પલ્સ ચેક કરે. ‘એ બરાબર તો છે ને?’ પછી ચાર વર્ષના દીકરાના નાક પાસે આંગળી મૂકીને એના શ્વાસ ચેક કરે. પછી મમ્મી-પપ્પાના રૂમમાં જઈને લાઇટ ચાલુ કરીને ચેક કરે એ બંને બરાબર તો છે ને! એમના શ્વાસ ચાલતા હોય એવું દૂરથી જોઈ લે પછી લાઇટ બંધ કરે. રૂમની બહાર જાય અને પાછો તરત રૂમમાં જાય, ફરીથી આ આખીય ચેક કરવાની પ્રોસેસ રિપીટ કરે.

  • વિશ્વમાં બે ટકા લોકોને ‘ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ નામની સમસ્યા છે

ઉપરાંત આખા ઘરનાને એણે હેલ્થ બાબતે હેરાન કરી નાખેલા. એ જે નક્કી કરે એ જ રોજ મેનુ હોય. બધાં શાકભાજી ઘરમાં આવે તો દસ વખત તો ધોવાં જ પડે. બધાએ ઘરમાં ત્રણ વખત તો નહાવાનું જ. હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ એટલો બધો કે જથ્થાબંધના ભાવે એ સ્ટોરરૂમમાં પડ્યા હોય. આખા ઘરમાં દરવાજા બંધ રાખવાના. મચ્છર જાળીઓ પણ જડબેસલાક. ફોન કે મોબાઇલને પણ સેનિટાઇઝરથી લૂછી નાખવાના, બધી ક્રિયાઓ દસ વખત તો કરવાની જ. પછી જ શાશ્વતને ચેન પડે. એ સવારે પાંચ વાગ્યે ઊઠે ત્યારે જ દસ વાગ્યે ઘરની બહાર જઈ શકે. તૈયાર થતા તો નાકે દમ આવી જાય, વારેઘડીએ હાથ ધોવાનું અને ચોખ્ખાઈનું આ વળગણ બીજાએ પણ કમ્પલ્સરી ફોલો કરવાનું. પોતાની ફાર્માસ્યુટિકલ ટ્રેડિંગની ઓફિસ હતી. એમાં પણ લોકો એનાથી ત્રાસી ગયાં હતાં.

શાશ્વતની ક્લિનિકલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે એને બારમા ધોરણમાં સ્ટ્રેસ થયું ત્યારે એ એક ધાર્મિક પ્રવચનમાં ગયો હતો. ત્યાં એ ધાર્મિક વડાએ એવું વારંવાર કહ્યું હતું કે ‘આ વિશ્વ નાશવંત છે. અહીંયાં કશુંય શાશ્વત નથી. આવતી ક્ષણે કોઈને કંઈ પણ થઈ શકે છે. માટે અત્યારે જ ભક્તિ કરી લો.’ આ ઉપદેશને શાશ્વત બહુ જુદી રીતે સમજ્યો અને એના મનમાં ભય ઘૂસી ગયો. બારમા ધોરણમાં બાયલોજી લીધેલું એટલે ડોક્ટર થવાની ઇચ્છા તો હતી, પણ બરાબર તૈયારી નહોતી. એટલે ભાગેડુ વૃત્તિ તરીકે એ પરીક્ષાના આગલા દિવસોમાં આવા પ્રવચનોમાં ભાગી જતો. અહીંયાં ગેરસમજના કારણે સ્ટ્રેસ ઘટવાને બદલે વધતું ગયું. મેડિકલમાં એડમિશન ન મળ્યું અને એણે કમને ફાર્મસીમાં જવું પડ્યું એટલે પેરામેડિકલ સમજ હતી. જેને એણે ગૂગલના સહારે ઓબ્સેશનમાં ફેરવી નાખી.

આના પરિણામે શાશ્વતને એવો સતત ભય રહેતો કે મને અથવા મારા પરિવારને કંઈક થઈ જશે તો? શાશ્વતની આ વર્તનની સમસ્યા ‘ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ તરીકે ઓળખાય છે. વિશ્વની કુલ વસ્તીના બે ટકા લોકોને આ વિકૃતિ થાય છે. ‘ઓબ્સેશન’ એટલે ‘અનિવાર્ય વિચાર-દબાણ.’ એમાં એકના એક વિચાર અથવા તરંગો દર્દીને વારંવાર અનુભવ થાય. દર્દી જાણે કે આ વિચાર અતાર્કિક છે છતાં તેને અટકાવી શકે નહીં. આવા અણગમતા ઘૂસણખોર વિચારો દર્દીને ડિસ્ટર્બ કરી દેતા હોય છે. સહદેવ જેવી સ્થિતિ તેમને લાચાર બનાવી દે છે. આ ઉપરાંત ‘કમ્પલ્ઝન’ મતલબ ‘અનિવાર્ય ક્રિયા દબાણ.’ પેલા રિપીટેડ વણજોઈતા વિચારોને કારણે વ્યક્તિ એવી કેટલીક વિચિત્ર ક્રિયાઓ કરે રાખે છે, જે પોતાને અને બીજાને હેરાન કરી નાખે છે. જેમ કે, શાશ્વત જેવા હેલ્થના વિચારો કે સ્વચ્છતાના વિચારો, ક્યારેક કેટલાક આંકડાઓ મનમાં ફિક્સ થઈ જાય તો દર્દી વારંવાર એ આંકડો ગણે પછી જ કોઈ ક્રિયા કરે. ક્યારેક એને આસપાસનું વાતાવરણ એટલું ગંદુ લાગે કે એ પાણી ઢોળ્યા જ કરે. ક્યારેક અમુક વિચિત્ર વર્તનો રિપીટ કર્યા કરે.

બધું વારંવાર ચેક કર્યા કરવું, ચેપ કે રોગ થઈ જશે તેવા વિચારો, બધંુ સરખી રીતે ગોઠવાયેલું હોવું જોઈએ તેવો હઠાગ્રહ તેમજ બિનજરૂરી અને જૂની વસ્તુઓની સંગ્રહખોરી કર્યા કરવી. આ મુખ્ય પ્રકારે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર દેખા દે છે.
આવા સંજોગોમાં શાશ્વતને મનોચિકિત્સા આપવામાં આવી. સિટિંંગ દરમિયાન એના મનમાંથી અકારણ ચિંતા અને અસલામતી દૂર થવાની એંગ્ઝાયટી ઓછી થઈ. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી સાથે ક્યારેક જરૂરી દવાઓ પણ સારાં પરિણામ આપે છે.
વિનિંગ સ્ટ્રોક : ઘણીવાર કોઈ પણ ઊંચું ધ્યેય પ્રાપ્ત કરવાની ‘વૃત્તિ’ હોય, પણ ‘શક્તિ’ ન હોય તો એ ધ્યેય પોતે જ બૂમરેંગ થતું હોય છે.

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી