કામ સંહિતા / ડાયાબિટીસ અને નપુંસકતાની સમસ્યા

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Mar 10, 2019, 12:05 AM IST

શિશ્નોત્થાનની સમસ્યા માટે ડાયાબિટીસ એ એક બહુ પ્રચલિત કારણ છે. ડાયાબિટીસ નહીં ધરાવતા પુરુષોની સરખામણીએ જોઈએ તો ડાયાબિટીસ ધરાવતા પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા થવાની શક્યતા ત્રણ ગણી વધારે રહે છે અને તે પણ વહેલી ઉંમરે. વધતી ઉંમર અને ડાયાબિટીસની પ્રબળતા અને સમય વધવાની સાથે સાથે શિશ્નોત્થાનની સમસ્યાનાં લક્ષણો પણ વધે છે.

  • ડાયાબિટીસ ધરાવતા પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા થવાની શક્યતા ત્રણ ગણી વધારે રહે છે

44 વર્ષીય પલકના 46 વર્ષીય પતિએ પાંચ વર્ષ પહેલાં શિશ્નોત્થાનને લગતી સમસ્યા માટે સારવાર લેવાની શરૂ કરી ત્યારથી તે આ સમસ્યા વિશે થોડું ઘણું જાણતી થઈ છે.
પોતાનો અનુભવ વર્ણવતાં પલક જણાવે છે કે પહેલાં તો તમને એવું જ પ્રતીત થાય છે કે ઉંમર વધી રહી હોવાથી તમારી શારીરિક ક્રિયા મંદ પડી રહી છે. જોકે, આ સમસ્યા એટલી હદે વધી કે તેઓ દવાઓની મદદ વગર સેક્સ કરી જ શકતાં નહોતાં. જોકે, પલકના પતિ એકમાત્ર આ સમસ્યાથી પીડાય છે તેવું નથી. ભારતમાં આશરે 38 ટકાથી વધુ પુરુષો નપુંસકતાની સમસ્યાથી પીડાય છે. 40 વર્ષની વય પછી આ સમસ્યા વધવાની શક્યતા વધારે છે.
સામાન્ય લોકોની તુલનાએ પલકના પતિની જેમ ડાયાબિટીસ ધરાવતા લોકોને નપુંસકતાની સમસ્યા થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે. આ રોગમાં રુધિરવાહિનીઓ તથા ચેતાકોષોને નુકસાન થાય છે જેના લીધે શિશ્નના ઉત્થાન પર અસર થાય છે.
ઉંમરલાયક પુરુષોમાં આ સમસ્યા વધુ પ્રવર્તતી હોવાનું જોવા મળે છે. જોકે, વધતી ઉંમર તેના માટેનું એકમાત્ર કારણ નથી. નપુંસકતાની સમસ્યાના આશરે 75 ટકા જેટલા કિસ્સાઓમાં શારીરિક કારણ જવાબદાર હોય છે. તેનો અર્થ એ છે કે તમારે વેળાસર તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તાજેતરમાં વધુ એક નવું સંશોધન જારી કરાયું છે. જેમાં જણાવ્યા અનુસાર વિટામિન ડીની ઊણપ અથવા ખામી પણ નપુંસકતાની સમસ્યા સાથે સંકળાયેલી છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર નપુંસકતાની સમસ્યા ધરાવતા 35 ટકા પુરુષોમાં વિટામિન ડીની ખામી જોવાઈ હતી. જ્યારે શિશ્નોત્થાનની સમસ્યા નહીં ધરાવતા 29 ટકા લોકોમાં વિટામિન ડીની ઊણપ જોવાઈ હતી. નપુંસકતાની સમસ્યા સાથે સંકળાયેલા શરાબનું સેવન, ધૂમ્રપાન, ડાયાબિટીસ, બ્લડપ્રેશરની સારવાર જેમ કે, બીટા બ્લોકર, ઈંડાં સહિતનો માંસાહાર તથા ડિપ્રેશન માટેની સારવાર જેવાં અન્ય પરિબળોનો અભ્યાસ કર્યો છતાં વિટામિન ડીની ઊણપ મહત્ત્વનું પરિબળ જણાયું હતું. વિટામિન ડી સપ્લિમેન્ટ્સ તથા સૂર્યપ્રકાશમાં સમય ગાળવા જેવી જીવનશૈલીમાં ફેરફારની મદદથી આ ઊણપ દૂર કરી શકાય છે.
નપુંસકતાની સમસ્યામાં સુધારો કરવાનો સૌથી સરળ રસ્તો જીવનશૈલીમાં ફેરફાર. કેટલાક પુરુષો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી, ધૂમ્રપાનનો ત્યાગ કરી, નિયમત કસરત કરી તથા તણાવ ઘટાડીને પુનઃ ક્ષમતા હાંસલ કરે છે. જોકે, વધુ સારવારની જરૂર હોય તેવા લોકોને અન્ય સારવારની સાથે સાથે જ જીવનશૈલીમાં ઉપરોક્ત બાબતોનો સમાવેશ કરવાથી લાભ થાય છે.

[email protected]

X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી