જાણવું જરૂરી છે / પત્ની સેક્સમાં સપોર્ટ આપતી નથી, મારેે શું કરવું?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Mar 05, 2019, 03:37 PM IST

સમસ્યા: મારે એ જાણવું છે કે ડોક્ટર કોપર-ટીની સલાહ એક બાળક થઈ ગયા પછી જ કેમ આપે છે? શું કોપર ટી મુકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે? કેટલા ટકા શક્યતા ઘટતી હોય છે?
ઉકેલ: સામાન્ય રીતે જે સ્ત્રીને એક પણ બાળક ન થયેલ હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયનું મુખ ટાઇટ હોય છે. જેથી કોપર ટી મૂકતી વખતે સ્ત્રીને દુખાવો થવાની શક્યતા વધુ રહેતી હોય છે. આવી સ્ત્રીઓમાં ગર્ભાશયનો સોજો પણ આવી શકતો હોય છે. જેનાથી ભવિષ્યમાં બાળક રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. જ્યારે એક બાળકને જન્મ આપી ચૂકેલ સ્ત્રીઓમાં આમ બનતું નથી. તેથી ડોક્ટર હંમેશાં માતા બની ચૂકેલ સ્ત્રીઓમાં જ કોપર ટીની સલાહ આપે છે. માતા ન બનેલી સ્ત્રીઓમાં ગર્ભનિરોધક ગોળી એ ઉત્તમ કોન્ટ્રાસેપ્ટિવ છે. આ ગોળીઓથી ગર્ભ રહેતો અટકે છે સાથે સાથે માસિક પણ નિયમિત આવતું હોય છે. માતા બની ચૂકેલી સ્ત્રીઓમાં કોપર ટી કાઢી લેવામાં આવે તો બીજા જ મહિનાથી તે ફરીથી માતા બની શકે છે. આવી સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં કોપર ટી કાઢ્યા પછી બાળક રહેવાની શક્યતામાં કોઈ જ ઘટાડો થતો હોતો નથી.

સમસ્યા: મારે પરિણીત સ્ત્રી જોડે લગ્નેતર સંબંધ છે. તેની યોનિમાં હું મુખમૈથુન કરું તો જ તેને આનંદ આવે છે અને આ પછી જ અમે સમાગમ કરીએ છીએ. તો શું મુખમૈથુનથી એઇડ્સ થઈ શકે છે?
ઉકેલ: એચ.આઇ.વી. કોઈપણ વ્યક્તિને, ઉંમર હોદ્દાવાળીને થઈ શકે છે. કોઈના ચહેરા ઉપર આનાં નિશાન હોતાં નથી. આપનો આ લગ્નેતર સંબંધ આગ સાથે રમત કરવા જેવો છે. જે તમને અને સ્ત્રીને બંનેને કોઈક વાર સમાજમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. સામાન્ય રીતે એઇડ્સ મુખમૈથુનથી ફેલાતો નથી, પરંતુ ચેપી વ્યક્તિના યોનિમાર્ગમાં કે આપના મુખમાં કાપા પડેલ હોય કે તે વખતે દાંત વાગે તો એચ.આઇ.વી./એઇડ્સ થવાની શક્યતા નકારી શકાય નહીં. માટે શક્ય હોય તો લગ્નેતર સંબંધ બંધ કરો અને લગ્ન કરી સ્થાયી થઈ જાવ. જો આમ શક્ય ન હોય તો હંમેશાં નિરોધનો પ્રયોગ કરવાનું રાખો. પછી ભલેને તે પાત્રને માત્ર તમારી જોડે જ કેમ સંબંધ ન હોય

સમસ્યા: હું 28 વર્ષનો યુવાન છું. મારી હાઇટ બોડી સરસ છે. ઇન્દ્રિય પણ પૂરતી લંબાઈ અને જાડાઈ ધરાવે છે. ઉત્તેેજના પણ પૂર્ણ આવે છે, પરંતુ મારી છાતીનો ભાગ સ્ત્રીનાં સ્તન જેવો લાગે છે. ઘણીવાર મારી સ્ત્રીમિત્ર પણ આની મજાક કરે છે. હું તેનાથી લઘુતાગ્રંથિ અનુભવું છું.
ઉકેલ: તમારી આ તકલીફને મેડિકલ ભાષામાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. જેમાં પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીનાં સ્તન જેવો હોય છે, જે મોટા ભાગના કિસ્સાઓમાં બિનનુકસાનકારક હોય છે. જો આપને ઇન્દ્રિયમાં ઉત્થાન બરાબર આવતું હોય, જાતીય ઇચ્છાઓ થતી હોય, પૂરતા પ્રમાણમાં દાઢી-મૂછ આવતાં હોય તો ચિંતા કરવા જેવું નથી. મેં ઘણા આ તકલીફને કારણે લઘુતાગ્રંથિ અનુભવતા પુરુષો જોયા છે. તેઓ હેલ્થ ક્લબમાં કે મિત્રોની વચ્ચે શર્ટ બદલી શકતા નથી. સ્વિમિંગ કરવામાં તેમને શરમ અનુભવાતી હોય છે. આનો ઇલાજ એક જ છે. કિહોલ ઓપરેશન. નવી ટેક્નિકથી કરાતા આ ઓપરેશન બાદ શરીરમાં કોઈ કાપો કે ટાંકા દેખાતા નથી. છાતી નોર્મલ પુરુષો જેવી એકાદ કલાકમાં જ થઈ જતી હોય છે. જો તમને આના કારણે તકલીફ કે શરમ આવતી હોય તો તમારે આ સારવાર કરાવવી જોઈએ. ઓપરેશન દ્વારા નીકળેલ ચરબીને હંમેશાં બાયોપ્સી માટે મોકલવી જોઈએ.
સમસ્યા: મારી ઉંમર 33 વર્ષ અને પત્નીની ઉંમર 31 વર્ષની છે. લગ્નને સાત વર્ષ થયેલાં છે. અમારે ત્રણ સંતાનો છે. હું નોકરિયાત માણસ છું. મારી પત્ની મને સેક્સમાં સપોર્ટ આપતી નથી. પહેલાં આવું નહોતું. મારેે શું કરવું?
ઉકેલ: અમુક વખતે ત્રણ-ત્રણ બાળકો પાછળ સમય આપતાં સાંજે તે એકદમ થાકી જતી હોય તેમ પણ બને. ઘણીવાર ધાર્મિક વાતાવરણને કારણે સ્ત્રીઓ સેક્સની બાબતમાં કાયમી નીરસ બની જઈ શકે છે. તો ઘણા કિસ્સાઓમાં પતિ પણ જવાબદાર હોઈ શકે છે. કેટલીકવાર ફોરપ્લેનો અભાવ, શીઘ્રસ્ખલનની તકલીફના કારણે સ્ત્રીને ચરમસીમાનો અનુભવ મળતો નથી. કેટલાક પતિઓને તમાકુ, સિગારેટ, બીડી, દારૂનું વ્યસન હોય છે. આ વ્યસનોની બદબૂના કારણે પણ પત્નીની ઉત્તેજના શમી જતી હોય છે. સ્ત્રીને જીવનના કોઈ એક તબક્કે સેક્સમાંથી રસ ઊડી જાય તો એનાં કારણોમાં ડિપ્રેશન, શારીરિક બીમારી, પતિ-પત્નીના કથળેલા સંબંધો વગેરેમાંથી કોઈક હોઈ શકે છે. જેમ સ્ત્રીની ઇચ્છા મરી જાય છે, તેમ યોગ્ય વાતાવરણ સર્જાતા ઇચ્છા ફરીથી પ્રગટી પણ શકે છે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી