જાણવું જરૂરી છે / જાતીય જીવનથી પત્નીનું શરીર વધી જાય?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Feb 13, 2019, 04:32 PM IST

સમસ્યા: અમારાં લગ્નને 10 વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે નિરોધનો પ્રયોગ કરતાં હતાં, પરંતુ છ મહિના પહેલાં પત્નીએ કુંટુબનિયોજનનું ઓપરેશન કરાવેલ છે. મારી પત્નીને ભય છે કે વધુ પડતા જાતીય સંબંધથી વીર્ય શરીરમાં જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે.
ઉકેલ: કહેવાતા જાહેર ખબરિયા, ખાનદાની સેક્સોલોજિસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઠસાવી દીધું છે કે વીર્ય શક્તિશાળી છે અને વારંવાર સમાગમ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો અને વૃદ્ધ થતો જાય છે. આ વાતમાં કોઈ જ સચ્ચાઈ નથી. એ વાત સાચી કે વીર્યમાં ફુક્ટોઝ નામની સુગર આવેલી હોય છે, પણ તે માત્ર વીર્યમાં રહેલા શુક્રાણુના પોષણ અને હલનચલન માટે જ પૂરતી છે. એ એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી હરગિજ નથી હોતી. ઊલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતીય સમાગમમાં આશરે દોઢસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વીર્યને કારણે નહીં, પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એક્ટિવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

સમસ્યા: મારી ઉંમર 35 વર્ષની છે. મારી પત્નીની ઉંમર 32 વર્ષની છે. મારા લગ્નજીવનનાં 14 વર્ષના ગાળામાં મારા ઘરે 4 બેબીનો જન્મ થયેલ છે. છેલ્લી બેબી વખતે મેં હોસ્પિટલના બોર્ડ ઉપર વાંચેલું કે છોકરા કે છોકરીનો જન્મ પુરુષ ઉપર આધારિત છે. જો આ સાચું હોય તો છોકરો થાય તે માટે મારે કેવી રીતે સમાગમ કરવો જોઈએ તેની રીત બતાવવા વિનંતી.
ઉકેલ: આપની વાત સાચી છે. પુત્ર કે પુત્રી થવા માટે પુરુષના શુક્રાણુ જવાબદાર હોય છે. એકવારના સ્ખલનમાં લાખો અને કરોડો શુક્રાણુનું સ્ખલન થતું હોય છે. આ શુક્રાણુની અંદર અમુક ‘x’ પ્રકારના હોય છે જ્યારે અમુક ‘y’ પ્રકારના હોય છે. જ્યારે સ્ત્રીની અંદર માત્ર ‘x’ જ હોય છે. જો પુરુષના ‘x’ નું મિલન સ્ત્રીના ‘x’ સાથે થાય તો પુત્રી આવે છે, પરંતુ પુરુષના ‘y’નું મિલન સ્ત્રીના ‘x’ સાથે થાય તો પુત્રનો જન્મ થાય છે. માટે પુત્ર-પુત્રી થવા પાછળ પુરુષના શુક્રાણુ મહત્ત્વના છે. આ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે. જેમ કે અમુક દિવસે સંબંધ રાખવો કે ખાસ આસનો કરવાં વગેરે વગેરે, પરંતુ આમાં કોઈ જ વૈજ્ઞાનિક તથ્ય નથી. માત્ર એક જ રીતે આપ ઇચ્છિત બાળક મેળવી શકો છો. જે દિવસે પત્નીનું સ્ત્રીબીજ છૂટું પડે (બારમાથી અઢારમા દિવસની વચ્ચે) તે દિવસે આપના વીર્યને લેબોરેટરીમાં વોશ કરાવી ‘x’ શુક્રાણુની આઇ.યુ.આઇ. પદ્ધતિ દ્વારા ગર્ભાશયમાં મૂકવામાં આવે તો પુત્ર રહેવાની શક્યતા વધી જતી હોય છે, પરંતુ આજના જમાનામાં છોકરો-છોકરી સરખાં જ છે. માટે વંશવેલો આગળ વધારવા પુત્રમોહ રાખવો યોગ્ય નથી. ગર્ભનું ભવિષ્ય પરીક્ષણ આપણા દેશમાં ગેરકાયદેસર છે.

સમસ્યા: મારી ઉંમર 35 વર્ષની છે. મને કોઈ બીમારી નથી, પરંતુ કામશક્તિમાં વધારો થાય તેવો ખોરાક, દવા અને ઉપાયો જણાવશો. લિંગવર્ધક યંત્ર દ્વારા લિંગની લંબાઈ તથા કામશક્તિમાં વધારો કરી શકાય છે?

ઉકેલ: ઇન્દ્રિયની તાકાત જ મર્દાનગીનું મૂળ છે, એવો ખોટો ખ્યાલ દુનિયાના દરેક સમાજમાં જોવા મળે છે. આ માટે લોકોે કબૂતરનું લોહી, સિંહ અને વાઘનાં હાડકાં, નખ તેમજ લિંગને ખાવામાં મિશ્ર કરતા હોવાના દાખલા ઇતિહાસમાં છે. ઘણા બધા લોકો જાતીય શક્તિ વધારવા ચરસ, ગાંજો, અફીણ, ઈંડાં અને માંસાહાર કરતા હોય છે, પરંતુ આનાથી તો ભવિષ્યમાં નપુંસકતા આવતી હોય છે. મેડિકલ સાયન્સ આવી કહેવાતી શક્તિવર્ધક દવાઓ લેવાનું સૂચવતું નથી. મોંઘી દવાની પેપરોમાં જાહેરાત આપી લોકોને ભરમાવવાનો પ્રયાસ અમુક લેભાગુઓ કરતા હોય છે. લોકો આવી દવા ખરીદે પણ છે. જેનાથી નુકસાન થઈ શકે છે. જો આનંદપ્રદ જાતીય જીવન માણવું હોય તો દારૂ, તમાકુ, સિગારેટ, બીડી, ઈંડાં અને માંસાહારથી દૂર રહેવું. નિયમિત કસરત કરો. સમજદાર અને પ્રેમાળ સાથી જ દુનિયાનું સૌથી ઉત્તમ અને એકમાત્ર સેક્સ ટોનિક છે. લિંગવર્ધક યંત્રથી ઇન્દ્રિયની લંબાઈ વધતી નથી કે કામશક્તિમાં કોઈ જ ફરક પડતો નથી. માત્ર ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઈ વધી શકે છે, પરંતુ જો પુરુષની ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચની હોય તો તે વધારવાથી પણ જાતીય આનંદમાં કોઈ ફેર પડતો નથી.
સમસ્યા: મારી ઉંમર 28 વર્ષની છે અને પત્નીની 25 વર્ષ. લગ્નને સાતેક મહિના થયા છે. મારી પત્ની મારી નજીક આવવાનું ટાળે છે. કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. ખાસ કરીને ચુંબન અને વધુ નિકટતાની ક્ષણોમાં આવું બને છે. પછી તે બે-ચાર દિવસ સુધી ચિડાયેલ રહે છે. મને સિગારેટ પીવાની આદત છે. પત્નીના જાતીય સહયોગ વગર જીવન આકરું લાગે છે. શું કરવું તે સમજાતું નથી?
ઉકેલ:સેક્સ એ કુદરતી અદ્્ભુત ભેટ છે, પરંતુ તેના પૂરતા આનંદ માટે યોગ્ય વાતાવરણ, જગ્યા, સમય, સાથી હોવાં જરૂરી છે. નહીંતર સેક્સ ત્રાસદાયક બની રહેતુ હોય છે. પરસેવાની વાસ, મોંમાંથી આવતી પાન-તમાકુની વાસ કોઈપણ વ્યક્તિને સેક્સથી વિમુક્ત કરી શકે છે. જાતીય સંબંધ પૂર્વે બ્રશ કરી લો અથવા તો મોઢામાં ઇલાયચી, પીપરમિન્ટ મમળાવો અને શક્ય હોય તો સિગારેટ છોડી દો. સિગારેટ, તમાકુ શરાબ, માંસાહાર, ઈંડાં વગેરે હેલ્થ માટે સારાં નથી.
સમસ્યા: મારાં લગ્નને 3 વર્ષ થયેલાં છે. મારી ઉંમર 27 વર્ષની છે અને પત્નીની ઉંમર 25 વર્ષની છે. છેલ્લાં બે વર્ષથી અમે બાળકનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીના બધા રિર્પોટ નોર્મલ છે. તકલીફ મારા શુક્રાણુમાં છે. મારા શુક્રાણુના કાઉન્ટ પાંચ લાખ છે અને એક્ટિવ મોટિલિટી દસ ટકા છે. અમે છેલ્લાં બે વર્ષમાં બાર વાર આઇ.યુ.આઇ. કરાવેલ છે, પરંતુ હજુ સુધી સફળતા મળેલી નથી. તો શું અમારે બાળક થશે? અમે માતા-પિતા બની શકીશું?
ઉકેલ:સૌ પ્રથમ તો તમારે શુક્રાણુની કમીનું કારણ શોધવું જોઈએ. નાનપણમાં થયેલ ઓળી-અછબડા, ગાલપચો‌ળિયું, ટીબીના કારણે ઘણીવાર શુક્રાણુની કમી સર્જાતી હોય છે. વેરિકોસિલ નામની વૃષણની ગોળીમાં થતી બીમારીના કારણે પણ શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન(મોટિલિટી)ની અસર જોવા મળે છે. ભઠ્ઠી કે વધારે પડતી ગરમી, લેપટોપને ખોળામાં મૂકીને લાંબો સમય ઉપયોગ વગેરે કારણસર પણ શુક્રાણુની સંખ્યા ઘટી જાય છે. આજના સમયમાં યોગ્ય નિદાન બાદ સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે. આપના આટલા ઓછા કાઉન્ટ દ્વારા આપ બીજી વીસ વાર આઇ.યુ.આઇ. કરાવશો તો પણ પરિણામ મળવાની શક્યતા નહીંવત્ છે. આઇ.યુ.આઇ. માટે શુક્રાણુની સંખ્યા દસ લાખ કરતાં વધારે હોવી જરૂરી છે. આપ સારવાર દ્વારા ચોક્કસ માતા-પિતા બની શકો છો. માટે ચિંતા છોડી નિદાન કરાવી યોગ્ય સારવાર શરૂ કરો. [email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી