જાણવું જરૂરી છે / કસરતની જાતીય જીવન પર શું અસર થાય છે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Jan 09, 2019, 06:11 PM IST

સમસ્યા: મારી ઉંમર 22 વર્ષની છે. બે મહિના પછી મારાં લગ્ન છે. રોજ હસ્તમૈથુન કરવાની મને ટેવ છે. તેમાં મારું વીર્ય ત્રણ દિવસથી બે ટીપાં જેટલું આવે છે, જે એકદમ પાણી જેવું જ હોય છે. મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી?


ઉકેલ: હસ્તમૈથુન નોર્મલ આદત છે, જે લગભગ દરેક પુરુષના જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુન ઘણી બધી સ્ત્રીઓ પણ માણતી હોય છે. હસ્તમૈથુનથી કોઈ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઈ જ તકલીફ પડશે નહીં. વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઈ જ વસ્તુ નથી. દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી ઇન્દ્રિયમાં કોઈ જ કમજોરી આવતી નથી. વીર્ય ચોવીસે કલાક બનતું હોય છે. બે-ચાર દિવસ હસ્તમૈથુનથી દૂર રહેશો તો ફરીથી તેની માત્રા વધી જશે અને ઘટ્ટ થઈ જશે. આ માટે ચિંતા કરવાની કે કોઈ ડોક્ટરને મળવાની બિલકુલ જરૂર નથી.

સમસ્યા: મારી અને પત્નીની ઉંમર 29 વર્ષની છે. અમારે 15 મહિનાનું બાળક છે. આ બાળક સિઝેરિયન દ્વારા આવેલું છે. જન્મતાં જ તેને કમળો અને લોહીમાં પ્રોબ્લેમ થયેલો. તેથી તેને કાચની પેટીમાં રાખેલું. બીજું બાળક ક્યારે કરી શકાય? ઉંમર વધવાથી બીજું બાળક કરવામાં તકલીફ પડી શકે છે? પહેલું બાળક સિઝેરિયનથી આવેલું, તો બીજું નોર્મલ ડિલિવરી દ્વારા થઈ શકે છે?


ઉકેલ: પહેલી ડિલિવરી સિઝેરિયનથી થયેલ હોવા છતાં બીજું બાળક ચોક્કસ નોર્મલ ડિલિવરી દ્વારા થઈ શકે છે, પરંતુ તે ડિલિવરીના છેલ્લા દિવસોમાં નક્કી થાય છે. નોર્મલ અથવા ઓપરેશનનો આધાર બાળકની પોઝિશન, પત્નીની ઊંચાઈ, બાળકના વજન, બાળકની આજુબાજુનું પાણી વગેરે ઉપર રહેલો છે. સામાન્ય રીતે બે બાળક વચ્ચેનો સમયગાળો 3થી 5 વર્ષનો હોવો જોઈએ. પત્નીની ઉંમર 32-33 વર્ષની થાય ત્યાં સુધી ખાસ ચિંતાની વાત નથી, પરંતુ વધારે મોડું થાય તો બાળક રહેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે 30 વર્ષ પછી દર વર્ષે બાળક રહેવાની શક્યતા 10 ટકા ઘટી શકે છે. બાકી નોર્મલ ડિલિવરી માટે તમારા સ્ત્રીરોગ નિષ્ણાત પાસે નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ અને જે કસરતો બતાવે તે કરવી જોઈએ.

સમસ્યા: સેક્સ ચેઇન્જ શું છે? સેક્સ ચેઇન્જ કરાવ્યા પછી પુરુષ સંપૂર્ણ સ્ત્રી બની શકે છે? આ ઓપરેશનનો ખર્ચ કેટલા સુધી આવે છે?

ઉકેલ: સેક્સ ચેઇન્જ ઓપરેશન દ્વારા પુરુષની ઇન્દ્રિય દૂર કરી કૃત્રિમ યોનિમાર્ગ, સ્તન લગાવવામાં આવે છે. સ્ત્રીઓેનાં સ્તન અને યોનિમાર્ગ દૂર કરી કૃત્રિમ લિંગ બેસાડવામાં આવે છે. તેઓ સંપૂર્ણ સ્ત્રી કે પુરુષ નથી બની શકતાં, કારણ કે આ ઓપરેશન પછી તે પિતા કે માતા નથી બની શકતાં. હા, તેઓ ચોક્કસ જાતીય જીવન માણી શકે છે. તેઓના સાથીને પણ પૂરતો સંતોષ આપી શકે છે. આ ઓપરેશનનો ઓછામાં ઓછો ખર્ચ એક લાખ રૂપિયા થઈ શકે છે, પરંતુ આ ઓપરેશન પહેલાં દર્દીની મનોસ્થિતિ જાણવી જરૂરી છે, કારણ કે ઘણીવાર વ્યક્તિમાં સ્કિઝોફ્રેનિયા નામની મનોવૈજ્ઞાનિક બીમારીમાં ‘ટ્રાન્સસેક્સ્યુલ’ પ્રકારની ઇચ્છા થતી હોય છે. આ ઓપરેશન પહેલાં દર્દીએ હોર્મોન્સ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. શરીરમાં બાયોલોજિકલ ચેઇન્જીસ કરાવવા કરતાં ક્રોસ ડ્રેસિંગ કરીને સોશિયલ ચેઇન્જ અપનાવો.


સમસ્યા: મારી ઉંમર 20 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 18 વર્ષની છે. લગ્નને હજી વાર છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરું છું. આમ કરવાથી ભવિષ્યમાં અમારાં બાળકોને કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? હું નિયમિત વ્યાયામ કરું છું. તો શું તેને કારણે સેક્સ માણવામાં અંતરાય આવી શકે?

ઉકેલ: નવપરિણીતો અથવા જેનાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે તેવાં યુવક-યુવતીઓએ જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. સાથીનાં કયાં અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અનુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઈ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને, આપના સાથીને કે આવનાર બાળકને આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય. વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે દરરોજ બે કિલોમીટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ પૂરતો સંતોષ આપી શકતા હોય છે.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી