જાણવું જરૂરી છે / નપુંસકતા અને ઉંમરને શું સંબંધ?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Dec 26, 2018, 06:00 PM IST

સમસ્યા: મારી ઉંમર 36 વર્ષની છે. થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. હાલમાં ગ્લાયનેઝ નામની ગોળીઓથી ડાયાબિટીસ કાબૂમાં આવી ગયો છે. મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ નપુંસક થઈ જાય છે. શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઈ સંબંધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


ઉકેલ: આપની ચિંતા અસ્થાને નથી, કારણ કે દર બીજા ડાયાબિટિક દર્દીને જાતીય તકલીફ અનુભવાતી હોય છે. તે પછી નપુંસકતા હોય કે શીઘ્રસ્ખલન. ડાયાબિટીસ એકવાર તમારા શરીરમાં આવે એટલે મિત્રની જેમ રહેતો હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તેને સારો મિત્ર બનાવવો કે દુશ્મન. સારો મિત્ર બનાવવા કાંઈ ખાસ વધારે મહેનત કરવાની નથી. બસ, ટાઇમસર દવા લેવાની, કસરત કરવાની અને ખાવામાં પરેજી પાળવાની. જો આમ નહીં કરો તો તે તમારા શરીરનો દુશ્મન થશે અને આખા શરીર પર આડઅસર કરશે. જો ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવવાની શક્યતાઓ ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીની ઉંમરને અને નપુંસકતાને કોઈ જ સંબંધ નથી. ડાયાબિટીસના દર્દીની વય ભલે ઓછી હોય, પણ સુગરનું પ્રમાણ વધારે રહે તો નપુંસકતા આવી શકે છે. ડાયાબિટીસના દરેક દર્દી નપુંસક થઈ જતા નથી, એટલે આપે વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવાથી પણ માનસિક નપુંસકતા આવી શકે છે. જો કોઈ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સૂતા કે કોઈ પણ અવસ્થામાં જો એકવાર પણ પૂરતી ઉત્તેજના આવે તો બિલકુલ ચિંતા કરવી ન જોઈએ.

સમસ્યા: મારી ઉંમર 44 વર્ષની છે. લગ્નને 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ શરૂઆતનાં એક-બે વર્ષ પછી જ મારા પતિને માત્ર સેક્સ ભોગવવામાં જ રસ છે. મારી ઇચ્છા હોય છે કે સેક્સ પહેલાં તેઓ મારી સાથે પ્રેમભર્યા શબ્દોની આપ-લે કરે. પરંતુ તેમને આ બધું ગમતું નથી. શું દરેક પુરુષ આવા જ હશે?


ઉકેલ: આપનો પ્રશ્ન એ અનેક સ્ત્રીઓનો પ્રશ્ન છે. ઘણાં યુગલો સમય જતાં બીબાંઢાળ, યાંત્રિક સમાગમ પૂરતાં જ નજીક આવતાં હોય છે. પુરુષોને લાગે છે કે તેઓ સ્ત્રીઓ વિશે બધું જ જાણે છે. કદાચ જાણતા હશે, પરંતુ પત્ની સિવાયની સ્ત્રીઓ માટે. સમાગમ પહેલાં જો પત્નીને બે વાર પણ પગમાં નાની અમથી ઠોકર વાગશે તો પણ પતિ કહેશે કે, ‘જાનુ વધારે તો વાગ્યું નથી ને’ અને એ જ પત્નીને સમાગમ પતી ગયા પછી એકાદ વાર પણ ઠોકર લાગી જશે તો એ જ પતિનું વાક્ય બદલાઈ જશે. તે કહેશે કે, ‘દેખાતું નથી? જોઈને ચાલવામાં શું વાંધો આવે છે?’ આપ પ્રેમ ઇચ્છો છો. આપના સૌંર્દયનાં વખાણ ઇચ્છો છો (જે નેવું વર્ષની સ્ત્રી પણ ઇચ્છતી હોય છે) આ નોર્મલ વાત છે અને દરેક પતિએ આ સમજવાની જરૂર છે, પરંતુ આ અંગે પતિને ટોકવાને બદલે એમને સમજાવો, તેમને રસ પડે તેવી વાતો કરો. પ્રેમાલાપ, આત્મીયતા, વિવિધ જાતીય રમતો એ મજબૂત જાતીય જીવનનો આધારસ્તંભ છે. એ માટે નિકટતા વધે એવા પ્રસંગો ઊભા કરો, એ સંબંધને સાહજિક બનાવે છે. એક સાંજે બધું ભૂલી જઈ 10 વર્ષ પહેલાંની ક્ષણો તાજી કરો. નાની ઉછળતી નવપરિણીત કન્યા બની જાવ. શક્ય છે પતિના જીવનમાં આવી જીવંત પળો નવો
પ્રાણ પૂરે દે!

સમસ્યા: હું અને મારી પત્ની સમાગમ દરમિયાન મુખમૈથુન કરવા માટેની તીવ્ર ઇચ્છાઓ દાખવીએ છીએ, પરંતુ અમને ‘એચ.આઇ.વી.’ એઇડ્સ થવાના ડરથી અમે તે ક્રિયાથી દૂર રહીએ છીએ. તો આપને વિનંતી કરીએ છીએ કે મુખમૈથુન વિશે વિસ્તૃત જાણકારી આપીને સ્પષ્ટ જાણકારી આપવા મહેરબાની કરશો.


ઉકેલ: સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે મુખમૈથુન એ 21મી સદીની દેણ નથી, હજારો વર્ષોથી પ્રચલિત જાતીય જીવનનો ભાગ છે. લગભગ ઈસવીસનની શરૂઆતથી આ પદ્ધતિ પ્રચલિત હોવાનું મનાય છે. સુશ્રુતે પણ દંતક્ષતથી ઘવાયેલ ઇન્દ્રિયની સારવાર વિશે લખેલું છે. લોકોની જાતીય જિંદગી વિવિધ ટેવોથી ભરેલી હોય છે. એમાંથી મોટાભાગની ટેવો આનંદપ્રદ અને બિનહાનિકારક હોય છે. ઓરલ સેક્સ અર્થાત્ મુખમૈથુન પણ આવી જ એક ટેવ છે, પરંતુ તેની એક શરત છે કે પતિ પત્નીએ લગ્નેતર સંબંધથી દૂર રહેવું જોઈએ. જેથી તેઓને એચ.આઇ.વી., એઇડ્સ ન થાય. ટૂંકમાં, જો બંનેમાંથી એક પણ જણાને એચ.આઇ.વી. ન હોય તો મુખમૈથુન અેઇડ્સ માટે સેફ છે. મુખમૈથુન માટે બંને વ્યક્તિના પ્રાઇવેટ ભાગની સફાઈ અને ચોખ્ખાઈ હોવી જરૂરી છે. વીર્ય મોંમાં જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી, તેમજ અન્ય કોઈ નુકસાન થતું નથી. તમે વીર્યને બહાર થૂંકી કાઢી શકો કે ગળી પણ જઈ શકો. શારીરિક રીતે આ બંનેમાં કશું ખોટું નથી, પરંતુ વીર્ય મોઢામાં જવાથી અણગમો કે ઊબકો આવે તો એવું ન થવા દેવું. સૌથી મહત્ત્વનું એ છે કે, આ પ્રક્રિયા પતિ-પત્ની બંનેની ઇચ્છા હોય તો જ કરવી.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી