છેક દરવાજા સુધી આવીને પૂછી ગઈ કિસ્મત જિંદગીથી હારી ગયા કે ફાવી ગઈ આ રમત?

article by dr. sarad thaker

ડૉ. શરદ ઠાકર

Dec 16, 2018, 08:47 PM IST

‘વાહ! સવારના પહોરમાં જ શુકન થયા.’ અવસરના હોઠો પરથી શબ્દો સરી પડ્યા, ‘આજે ચોક્કસ કશુંક સારું થશે.’


હજુ તો અવસર ‘બ્રશ’ કરીને ચા પીવા માટે ખુરશીમાં બેસવા જાય ત્યાં જ સામેવાળા પ્રિયાંકભાઇની પાંચ વર્ષની ગુડ્ડી દોડતી આવી અને અવસરને વળગી પડી, કહેવા લાગી: ‘અંકલ, તમારા માટે ચોકલેટ લઇને આવી છું. મોઢું ખોલો.’ પછી રેપર કાઢેલી ચોકલેટ અવસરના મોંમાં ઠૂંસી દઇને એણે માહિતી આપી, ‘આજે મારો બર્થ ડે છે.’


અવસરને આ ઢીંગલી ખૂબ પ્રિય હતી. જે દિવસે સવારના પહોરમાં એનો હસતો, નિર્દોષ ચહેરો જોવા મળે તે દિવસે એને અચૂક લાભ થતો હતો. એ ઘણીવાર પત્નીની આગળ બોલી જતો હતો, ‘આ ગુડ્ડી મારા માટે લકી ચાર્મ છે. ગયા અઠવાડિયે એનું મોં જોયું અને મને બત્રીસ લાખ રૂપિયાનો બિઝનેસ ઓર્ડર મળ્યો હતો. એના માત્ર દસ ટકા જ નફો ગણીએ તો યે...? ગયા મહિને એનું મોં જોયું હતું અને મને...’

ઇશા પત્ની હતી જે એનું ઘર સાચવતી હતી, અને અવસરને તમામ જાતની સગવડો પૂરી પાડતી હતી, પણ આદત તો અવસર માટે એક ખાળી ન શકાય તેવી આદત હતી!

અવસરે આવી દસેક ઘટનાઓ ગણાવી દીધી. પત્ની ઇશાએ કહ્યું, ‘ત્યારે તો આજે પણ કોઇ મોટો લાભ થશે; એવું બને તો મને ફોન કરીને જણાવજો, હોં!’


‘ચોક્કસ.’ ચાનો ઘૂ઼ંટ ભરતાં અવસરે જવાબ આપ્યો. આજે એ એટલા બધા ઉત્સાહમાં હતો કે ચા પૂરી કર્યા પછી કપ વોશિંગ એરિયામાં મૂકવા ગયો ત્યાં કાચનો કપ હાથમાંથી છટકી ગયો. ચૂરચૂર થઇ ગયો. ઇશાથી બોલાઇ ગયું, ‘જરાક ધ્યાન રાખતા હો તો?’
ત્યાં તો અવસરનો અવાજ ધસમસતો બહાર ઊછળી આવ્યો, ‘અરે, ગાંડી કાચ ફૂટ્યો છે કાચ! જોતી નથી! એ તો બહુ મોટા શુકન થયા ગણાય. લાગે છે કે આજે તો આપણો બેડો પાર થઇ જશે...’
‘મને ફોન કરીને જણાવજો, હોં!’ ઇશા પણ ઉત્સાહમાં આવી ગઇ.


નાહી-ધોઇને, તૈયાર થઇને અવસર ઘરમાંથી બહાર નીકળ્યો. જ્યાં કાર પાર્કિંગમાંથી બહાર કાઢી ત્યાં જ સામે એક ગાય એની વાછરડી સાથે સામે મળી. અવસર પાગલ જેવો થઇ ગયો, ‘હે ભગવાન, આજે તેં શું ધાર્યું છે? શુકન ઉપર શુકન?! તું ક્યાંક મને આજે ને આજે અંબાણી બનાવી દઇશ એવું લાગે છે.’


કાર સહેજ આગળ વધી, ત્યાં અવસરનો મોબાઇલ રણક્યો. એણે કારને બાજુએ ઊભી રાખી દીધી. સ્ક્રીન પર કોલ કરનારનું નામ ઝબૂકતું હતું: આદત.


અવસર ખુશ થઇ ગયો. કેમ ન થાય! આદત એની પ્રેમિકા હતી. એને મન એ વિશ્વશ્રેષ્ઠ સ્ત્રી હતી. એ અલગ વાત હતી કે આદત એની પત્ની બની શકી ન હતી, પણ અવસરની સ્પર્ધાથી ભરેલી વ્યાવસાયિક જિંદગીમાં આદત એક રાહતનું કેન્દ્ર બની ચૂકી હતી. ઇશા પત્ની હતી જે એનું ઘર સાચવતી હતી, બાળકોને ઉછેરતી હતી અને અવસર માટે તમામ જાતની સગવડો પૂરી પાડતી હતી, પણ આદત તો અવસર માટે એક ખાળી ન શકાય તેવી આદત બની ગઇ હતી.


અવસરે કોલ રિસીવ કર્યો, ‘હાય, જાનૂ! આજે આ સમયે ફોન કર્યો? તારો બબૂચક વર આજે ઘરમાં નથી કે શું?’ અવસરને ખબર હતી કે આદતનો પતિ રોજ અગિયાર વાગે કામ પર જવા માટે નીકળતો હતો. અને રોજ સાડા અગિયારે આદત એને ફોન કરતી હતી. આજે શુકન પર શુકન થયા હતા એટલે જ કદાચ આદતનો ફોન સમય કરતાં વહેલા આવી ગયો હશે.


‘અવસર, ધ્યાનથી સાંભળજે. આજે તારું અને મારું નસીબ ઊઘડી ગયું. મારો હસબન્ડ પૂરણ આજે સવારે સાત વાગે એક બિઝનેસ મિટિંગમાં ભાગ લેવા માટે હોંગકોંગ જવા નીકળ્યો છે. અહીંથી જાતે કાર ચલાવીને અમદાવાદ સુધી અને ત્યાંથી ફ્લાઇટમાં મુંબઇ, પછી મુંબઇથી હોંગકોંગ.’
‘ઓહ નો! ત્યારે તો આપણા માટે મેદાન મોકળું.’ અવસર ઊછળી પડ્યો. આજે સવારે મળેલા ત્રણ-ત્રણ શુકનોનો સરવાળો એની આદત સાથેના મિલનની ઘટના બનીને આવી રહ્યો હતો. એણે પૂછ્યું, ‘પૂરણ કેટલા દિવસ માટે ગયો છે?’


‘મિટિંગ તો ચાર જ કલાકની હશે, પણ બધું મળીને પૂરણ ત્રણ-સાડા ત્રણ દિવસ માટે ઘરમાં નહીં હોય. આજે મંગળવાર છે ને! પૂરણ ગુરુવારે સાંજે અમદાવાદ રીટર્ન થશે. પછી મિત્રને ત્યાં મૂકેલી કાર ચલાવીને રાતના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પહોંચશે. તું ધારે તો આજે અહીં આવી જા, આપણે બે રાતો અને બે દિવસ સાથે રહી શકીશું.’


અવસરનું દિમાગ ઝડપથી ગણતરી કરી રહ્યું. જે સ્ત્રીને પોતે જીવથી વધારે ચાહી છે, પ્રાણવાયુથી વધારે ઝંખી છે અને જેને પામવા માટે પળ-પળ તડપ્યા કર્યું છે, એની સાથે બે દિવસ-બે રાત સાથે જીવવા મળે આવું પેકેજ તો ફરીથી ક્યારે હાથ લાગવાનું?


પણ એક મુશ્કેલી નડી ગઇ, ‘આદત, આવતીકાલે મારી વાઇફનો બર્થ ડે છે. એટલે હું વિચારું છું કે હું એક દિવસ માટે આવી જાઉં. ઓફિસનું કામ પતાવીને આજે સાંજે પાંચેક વાગે નીકળું તો પાંચ કલાકમાં તારે ત્યાં. પછી હું છું, તું છે અને આપણી વચ્ચે પૂરી રાત છે. આપણી આ સુહાગરાત માણીને, મોડેથી ઊઠીને, તારા હાથની ચા પીને કાલે સવારે દસ-સાડા દસે હું નીકળી જઇશ. ત્રણ વાગતાંમાં પાછો અહીં આવી શકું તો ઓફિસનું વર્ક પણ પૂર઼ું કરી શકું અને સાંજે ઇશાને લઇને પિક્ચર અને કેન્ડલ લાઇટ ડિનર માટે પણ જઇ શકું. ચાલશે ને?’


‘ચાલશે તો નહીં, પણ ચલાવી લઇશ. હું સમજી શકું છું કે આપણે સમાજની નજરે પતિ-પત્ની નથી, આવા ખાનગી પ્રેમસંબંધ માટે ઝાઝો સમય ન જ મેળવી શકીએ. પણ આપણે જેટલા કલાકો સાથે હોઇશું એની એક-એક પળને એક યુગ જેટલી સમજીને લૂંટી લઇશું. ચાલ, હવે ફોન મૂકું. તું આવે ત્યાં સુધીમાં મારે પણ સોળ શણગાર કરી લેવા પડશે ને! બ્યુટિપાર્લરમાં જઇને મારી કાયાને પૂરેપૂરી તરોતાજા કરાવી આવું.’


આ વાતચીત પૂરી થયા પછીનો અવસર સાવ અલગ જ બની ગયો. પાંત્રીસ વર્ષનો હતો એ પચીસનો થઇ ગયો. ઓફિસમાં પહોંચીને પહેલું કામ એણે પત્નીને ફોન કરવાનું કર્યું, ‘આજે હું લંચ માટે ઘરે નહીં આવું. ક્યાંકથી સેન્ડવિચ-કોફી મગાવીને ચલાવી લઇશ. અને સાંભળ! પાંચ વાગે મારે સુરત તરફ જવું પડશે. એક મોટી પાર્ટી સાથે મિટિંગ છે. લાગે છે કે શુકનો સાચાં પડશે. મોટો ઓર્ડર મળવાની શક્યતા દેખાઇ રહી છે. નાઇટ હોલ્ટ ત્યાં જ કરીશ.’


‘કાલે તો...?’


‘હા, યાદ છે. તારો બર્થ ડે હું ભૂલતો હોઇશ, ડાર્લિંગ? બોલ, તારે ગિફ્ટમાં શું જોઇએ છે?’
‘કંઇ નહીં. મારા માટે તો સૌથી કીમતી ગિફ્ટ તમે જ છો. લવ યુ, અવસર.’


અવસરે પણ સામે ‘લવ યુ’ કહીને વાત પૂરી કરી દીધી. અત્યારે એના મન પર પત્નીની કોઇ જ વાત અસર કરી શકે તેવી ન હતી. એના જીવનની સૌથી કીમતી ભેટ તો જામનગરમાં બેઠી હતી. હા, અવસર પત્નીની આગળ જૂઠું બોલ્યો હતો. આદત જામનગરમાં હતી, પણ ઇશાને એણે સુરત જવાનું છે એવું કહ્યું હતું.


બધું સારી રીતે ચાલી રહ્યું હતું. બરાબર પાંચ વાગે અવસર નીકળી પડ્યો. મોંઘી કાર હતી. અમદાવાદ-રાજકોટનો હાઇ-વે શ્રેષ્ઠ છે એટલે ત્રણ કલાકમાં તો એ રાજકોટને આંબી ગયો. બીજા બે કલાકમાં જામનગર આવી ગયું. આદતના ઘરે પહોંચ્યો ત્યારે રાત્રિના દસ વાગ્યા હતા. એક રીતે સારું જ હતું, દસ વાગતાં સુધીમાં તો સોસાયટીના લોકો બારણાં વાસીને ઘરોમાં પુરાઇ ગયા હતા. આદતે એના ઘરનું વિગતવાર વર્ણન આપી રાખ્યું હતું. અવસર કારને દૂર પાર્ક કરીને દબાયેલા પગલે જઇ પહોંચ્યો. બે હળવા ટકોરા, બારણાં ઊઘડ્યાં, વસાયાં અને પછી વર્ષોથી મિલનને તરસતાં બે શરીરો પ્રગાઢ આલિંગનમાં જકડાઇ ગયાં.


એ રાત સમાગમની નહીં પણ સમાધિની રાત્રી બની ગઇ. માત્ર ચામડીના ઉત્સવને બદલે સ્નેહનો, વાતોનો અને આત્મિક સમરસતાનો મહોત્સવ ઊજવાતો રહ્યો. સવારે છ વાગે બંનેની આંખો માંડ મળી અને બંને નિદ્રાધીન થયાં.
‘એ...ઇ...! જાગો હવે. દસ વાગ્યા. હું ચા મૂકું? તમને નાસ્તામાં શું ભાવશે?’ પ્રેમિકાના પ્રેમાળ ટહુકાથી અવસરની નીંદર તૂટી.


‘અરે, બાપ રે! બહુ મોડું થઇ ગયું. ત્યાં ઇશા મારી વાટ જોઇ રહી હશે. મારે અડધા કલાકમાં જ ભાગવું પડશે. ઝટપટ ચા બનાવી આપ. નાસ્તામાં જે હશે તે ચાલશે.’ કહીને અવસર પથારીમાંથી બહાર ઊતર્યો. ફાસ્ટ ફોરવર્ડ ઝડપે ચા-બિસ્કિટ્સ પેટમાં પધરાવીને, આદતને ‘પાર્ટિંગ કિસ’ કરીને, ઘરની બહાર નીકળ્યો. દૂર મૂકેલી કારમાં બેસીને અમદાવાદ તરફ રવાના થઇ ગયો, એણે ઘડિયાળમાં જોયું. પોણા અગિયાર વાગ્યા હતા. એ બબડી રહ્યો, ‘માય ગોડ! એકાદ કલાક મોડું થઇ ગયું. અમદાવાદ જતાં ચાર વાગી જશે. સ્પીડ રાખવી પડશે. એક કલાક મોડું થઇ ગયું...’
ઘરમાં એકલી પડેલી આદતને રડવું આવતું હતું. ઘર સૂનું લાગતું હતું. એક-એક જગ્યા પર એની અને અવસરની યાદો સચવાયેલી હતી. એને લાગ્યું કે પોતે ઘરમાં રહી નહીં શકે. એ બારણું ખોલીને બહાર આવી, બગીચામાં મૂકેલી નેતરની ખુરશીમાં બેસીને વીતેલી રાતની વાતને...! ત્યાં જ એના જોરદાર આશ્ચર્ય વચ્ચે કાર આવીને ઝાંપા પાસે ઊભી રહી. અંદરથી એનો પતિ પૂરણ બહાર નીકળ્યો.


આદતનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ‘તમે? તમે અચાનક...?’ પૂરણ ઘરમાં પ્રવેશ્યો, ‘હા, હું પાછો આવ્યો. અહીંથી અમદાવાદ અને ત્યાંથી મુંબઇ તો પહોંચી ગયો, પણ મુંબઇથી ફ્લાઇટ ચૂકી ગયો. ખૂબ કોશિશ કરી, પણ બીજી ફ્લાઇટમાં મેળ ન જ પડ્યો. લૌટ કે બુદ્ધુ ઘરકો આયે! જોકે આમાં મારો કોઇ જ વાંક ન હતો. બધો પ્રતાપ અપશુકનનો! અહીંથી રવાના થયો ત્યારથી જ ડગલે ને પગલે અપશુકનો જ થતાં રહ્યાં. છીંક આવવી, એરપોર્ટ પર દૂધ ઢોળાવું, રસ્તામાં સાપ આડો ઊતરવો...! અડધા કલાક માટે ફ્લાઇટ ચૂકી ગયો.’


(સત્ય ઘટના: કથાબીજ આપનાર: આદત. ફોન પર એણે મને પૂછ્યું, ‘સર, મારો પ્રેમી એક કલાક મોડો પડ્યો અને પતિ અડધો કલાક માટે ફ્લાઇટ ચૂકી ગયો. જો એ સહેજ વહેલો પાછો આવી ગયો હોત તો અમારું શું થાત?’ મેં કહ્યું, ‘શુકન અને અપશુકનની વચ્ચેથી જે સરી ગઇ... તે જિંદગી હતી.’)
[email protected]

X
article by dr. sarad thaker

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી