કામક્રીડા બંને પાત્રોના આનંદ માટે છે

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Dec 05, 2018, 12:05 AM IST

સમસ્યા: મારી ઉંમર 45 વર્ષની છે અને પત્નીની ઉંમર 37 વર્ષની છે. અમે નિયમિત રીતે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સમાગમ કરીએ છીએ. સમાગમ પહેલાં અમે એકબીજાના ગુપ્ત અવયવો પર દિવેલથી માલિશ કરીએ છીએ. દરેક સમાગમમાં દિવેલ વાપરવાથી કોઈ નુકસાન થાય ખરું? મહિનામાં એકાદ વખત મુખમૈથુન કરી મોઢામાં વીર્ય કાઢવાથી કાેઈ નુકસાન થાય ખરું?


ઉકેલ: સેક્સ એટલે માત્ર સમાગમની પ્રક્રિયા જ નહીં, પણ ખરા અર્થમાં સાહચર્ય. કામક્રીડા બંનેય પાત્રોના આનંદ માટે છે અને તેની સફળતાનો આધાર સમાગમ પૂર્વેના પ્રેમાલાપ અને પૂર્વક્રીડા પર હોય છે. માટે જો આપ બંને દિવેલની માલિશથી આનંદ આવતો હોય તો તેમ કરવામાં કાંઈ જ ખોટું નથી. વિવિધતા દરેક જગ્યાએ આવશ્યક છે. સેક્સમાં પણ કોઈ વાર આપ દિવેલને બદલે ક્રીમ અથવા વેસેલિનનો પ્રયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારના નિર્દાેષ માલિશથી ઇન્દ્રિયમાં કમજોરી આવતી નથી. હા, પણ જે મિત્રોને બાળકની ઇચ્છા હોય તેમને કોઈપણ પ્રકારનાં તેલ, ક્રીમ કે જેલીનો પ્રયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી શુક્રાણુની હલનચલન શક્તિ ઘટી જાય છે અને ગર્ભ રહેવાની શક્યતા ઓછી થઈ જાય છે. મુખમૈથુનથી કોઈ જ વાંધો ન આવે અને સ્ત્રી જો આ વીર્ય ગળી જાય તો પણ કોઈ જ નુકસાન કે ગર્ભ રહેતો નથી. વીર્યમાં Froctose અને પ્રોટીન જ હોય છે. માટે ચિંતા કરશો નહીં, પરંતુ યાદ રાખજો કે મુખમૈથુન આપણા દેશમાં ગેરકાનૂની છે અને સજાને પાત્ર છે.

સમસ્યા: એક મહિના પહેલાં હું બજારુ સ્ત્રી પાસે ગયો હતો. તેના થોડાક દિવસમાં મને પેશાબના ભાગે ચાંદું પડ્યું અને બળતરા થાય છે. દવા ચાલુ છે. બીજી કોઈ કાળજી રાખવાની?


ઉકેલ: ગુપ્ત રોગ થાય તે વખતે જ નહીં, તે પહેલાં પણ કાળજી રાખવી જોઈતી હતી. સૌ પ્રથમ તો લગ્નેતર સંબંધ તરત જ બંધ કરો. જ્યાં સુધી સંપૂર્ણ સાજા ન થાવ ત્યાં સુધી સમાગમ બિલકુલ ટાળો. જો લગ્ન થયેલાં હોય તો પત્નીની પણ તપાસ કરાવો અને જરૂર હોય તો સારવાર પણ. ત્રણ મહિના પછી એચ.આઇ.વી. પરીક્ષણ કરાવી લો. યાદ રાખો એઇડ્સનો ઇલાજ નથી, પણ થતો અટકાવી શકાય છે. હંમેશાં નિરોધનો ઉપયોગ કરવાની ટેવ પાડો


સમસ્યા: મારી ઉંમર 22 વર્ષની છે. મારા નીચેના પ્રશ્નોના જવાબ આપવા વિનંતી છે. સૌથી વધુ આનંદ સ્ત્રીને કયા આસનથી આપી શકાય છે? પુરુષો સેક્સમાં કયું આસન વધારે પસંદ કરે છે? ‘એનલ સેક્સ’ કોને કહેવાય? સ્ત્રીને કેવું લિંગ વધુ આનંદ આપી શકે? લંબાઈમાં વધુ હોય તે કે જેની જાડાઈ વધારે હોય તે? હાથથી લિંગને ખેંચવાથી કે હસ્તમૈથુનથી લિંગની લંબાઈ વધી શકે? લિંગની લંબાઈ અને જાડાઈ વધારવા માટે કઈ રીત અપનાવી શકાય?


ઉકેલ: દરેક પ્રશ્ન પૂછનાર મિત્રને વિનંતી છે કે એક કાગળમાં માત્ર એક જ પ્રશ્ન પૂછે. જેથી બીજા પત્રોનો પણ યોગ્ય જવાબ આપી શકાય. પંચોતેર ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે, સમાગમ દરમિયાન તેઓ ‘ઉપર’ અને પુરુષો ‘નીચે’ હોય એવી સ્થિતિ પસંદ કરે છે, કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને વીર્ય સ્ખલન થતાં પણ વાર લાગે છે. આમ છતાં પણ મોટાભાગનાં યુગલો ‘મેલસુપિરિયર’ આસન જ અપનાવે છે. પુરુષોની પસંદમાં કોઈ સામ્યતા જોવા મળેલ નથી. આ તો કોઈકને ચાઇનીઝ ભાવે તો કોઈક ને પંજાબી કે ગુજરાતી. તે જ રીતે સેક્સમાં પણ પોતાને અને સાથીને અનુકૂળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે. કોઈવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવાં પડે છે.

સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ન આવે તે જરૂરી છે. તે સમયે ‘સાઇડ બાય સાઇડ’ આસન વધારે અનુકુળ છે. ટૂંકમાં, દાંપત્યજીવનમાં પતિ-પત્નીએ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમાગમ કરવો જોઈએ. એનલ સેક્સ એટલે કે ગુદામૈથુન. આમ કરવાથી એઇડ્સ થવાની શક્યતાઓ રહે છે. નિરોધનો ઉપયોગ જરૂરી છે. સ્ત્રીના જાતીય આનંદનો આધાર શિશ્નના આકાર, લંબાઈ કે જાડાઈ ઉપર રહેલો નથી. ઇન્દ્રિયની લંબાઈ કે જાડાઈ નહીં, કલા અને ગુણવત્તા મહત્ત્વ ધરાવે છે. આનંદ માટે સંવેદના જરૂરી છે, જે સ્ત્રીના યોનિમાર્ગની બહારના ભાગમાં અને આગળના બે ઇંચમાં જ હોય છે. પાછળના ચાર ઇંચમાં સંવેદના નહીંવત્ હોય છે. વળી, યોનિમાર્ગ એક પ્રસારણક્ષમ, સ્ટ્રેચેબલ અવયવ છે. સમાગમ વખતે ઇન્દ્રિયની જાડાઈ જેટલું અને નવજાત શિશુના જન્મ સમયે તેના માથા જેટલું પહોળું થઈ શકે છે. આટલું જાણ્યા પછી પણ જો આપને લંબાઈ વધારવી જ હોય તો એક જ રસ્તો છે. આપ ઓપરેશન દ્વારા લંબાઈ અને જાડાઈ વધારી શકો છે. બાકી હાથથી ખેંચવાથી કે હસ્તમૈથુન દ્વારા લિંગની લંબાઈ કે જાડાઈમાં કોઈ જ ફેર પડતો નથી.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી