પૂરતું ઉત્થાન આવે તો ચિંતા કરવા જેવું નથી

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Nov 28, 2018, 12:05 AM IST

સમસ્યા: ડોક્ટર સાહેબ, હું 26 વર્ષીય પરિણીત યુવતી છું. મને બે વર્ષના દાંપત્યજીવનમાં બાળક ન થવાથી બહુ જ બેચેની થાય છે. માસિક સમયસર 26-27 દિવસે આવે છે. ગર્ભધારણ કરવા માટે કયા દિવસે સમાગમ કરવો જોઈએ? મહેરબાની કરીને જલદી જવાબ આપવા વિનંતી.
ઉકેલ: સૌ પ્રથમ તમે પતિ-પત્ની નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો. ચાર-પાંચ દિવસ સુધી જાતીય સંબંધથી દૂર રહીને સારી લેબોરેટરીમાં પતિના વીર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઈ ખામી ન હોય તો પછી આપની તપાસ કરાવી લો. જો આપ બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસોએ સંબંધ રાખો. આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી તેરમા દિવસથી સોળમા દિવસમાં દરરોજ સંબંધ રાખો, કારણ કે આ દિવસોમાં તમારું સ્ત્રીબીજ છૂટું પડશે. જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થશે તો બાળક રહેશે. ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો, પરંતુ જો આમાં સફળ ન થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે. તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વીર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધું મૂકી શકાય છે. આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વંધ્યત્વની સારવાર શક્ય છે, પરંતુ ધીરજ રાખવી જરૂરી છે.


સમસ્યા: મારાં લગ્નને 23 વર્ષ થયાં છે. અત્યાર સુધી કોઈ જ તકલીફ હતી નહીં, પરંતુ છેલ્લા દસ દિવસથી ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી અનુભવાય છે. તો શું કરવું એનો ઉપચાર બતાવશો.
ઉકેલ: જો કોઈ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સૂતા કે કોઈપણ અવસ્થામાં એકપણ વાર પૂરતું ઉત્થાન આવે તો કોઈ જ ચિંતા કરવા જેવું નથી. ઘણીવાર થાક, કામના ભારણ અથવા કોઈ પણ ટેન્શનના કારણે બે-ચાર વાર ઉત્તેજના બિલકુલ ન પણ આવે. જે રીતે સચીન તેંડુલકર ત્રણ-ચાર મેચમાં સળંગ શૂન્ય રને આઉટ થઈ જાય તેનો મતલબ એ નથી કે તે ફરીવાર સેન્ચુરી નહીં બનાવી શકે, તેજ રીતે આપ પાંચ-છ વાર સદંતર નિષ્ફળ જવાથી જિંદગીભર નપુંસક નથી બની જતા. આપને કોઈ જ દવાની જરૂર નથી, આ દરેક પુરુષના જીવનમાં અનુભવાતી હકીકત છે, પરંતુ જો આપે સો વર્ષ સુધી જાતીય જીવન માણવું હોય તો દારૂ, તમાકુ, સિગારેટ, બીડી, માંસાહાર અને ઈંડાંનો ત્યાગ કરવો જરૂરી છે. આના ઉપયોગથી આજે નહીં તો કાલે જરૂર નપુંસકતા આવી શકે છે.


સમસ્યા: હું 30 વર્ષનો પરિણીત યુવાન છું. મારું શિશ્ન નરમ હોય છે ત્યારે ત્રણ ઇંચનું હોય છે અને ઉત્તેજિત અવસ્થામાં છ ઇંચનું થાય છે. સમાગમ સમયે આશરે પાંચ ઇંચ અંદર પ્રવેશ અને એક ઇંચ બહાર રહે છે. મારી પત્નીને સંભોગ કરવામાં તકલીફ પડે છે. આ પહેલાં મારા બે વખત છૂટાછેડા થયા છે. સમાજમાં તો લોકો આ કારણે મને નપુંસક માને છે. જે હકીકત નથી. તો શું મારા શિશ્નની જાડાઈ અને લંબાઈને કારણે તો છૂટાછેડા નહીં થતા હોય ને? સમાગમ વખતે થોડું વધારે શિશ્ન પ્રવેશ કરાવવાની કોશિશ કરું છું તો પત્ની બૂમાબૂમ કરી મૂકે છે. હું આ વાત કોઈને કહી પણ શકતો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે.
ઉકેલ: આપે લખેલ ઇન્દ્રિયની સાઇઝ નોર્મલ છે. આપની પત્નીને આ કારણસર વેદના થાય છે. તે માનવું આપની ભૂલ છે, કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની એવરેજ લંબાઈ આશરે છ ઇંચ જેટલી હોય છે અને તેના આગળના બે ઇંચમાં જ સૌથી વધારે ઉત્તેજના અનુભવાતી હોય છે. પાછળના ચાર ઇંચમાં નહીંવત્ સંવેદના હોય છે. વળી, સ્ત્રીનો યોનિમાર્ગ સંકોચનક્ષમ અને પ્રસારણક્ષમ હોય છે. બાળકના જન્મ સમયે બાળકનું માથું પણ અહીંથી જ બહાર આવે છે. આથી કોઈ પણ કદની ઇન્દ્રિય યોનિમાર્ગમાં પ્રવેશી શકે છે. આપનાં પત્નીની પીડાનું કારણ કંઈક અલગ હોવું જોઈએ. અપૂરતું ઉત્થાન હોય અને તે વખતે જો પુરુષ વધારે પ્રયત્ન કરે કે જોર કરે તો તે પણ સ્ત્રીને પીડા થતી હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં પૂરતો ફોરપ્લે-(સંભોગ પૂર્વેની ક્રિયાઓ જેવી કે સ્પર્શ, ચુંબન વગેરે) કરેલ હોતા નથી. જેથી સ્ત્રી યોગ્ય રીતે, પૂરતી ઉત્તેજિત થયેલી હોતી નથી અને સમાગમ કષ્ટદાયક બને છે. ઘણીવાર લોકલ ઇન્ફેક્શન, મૂત્રાશયમાં ચેપનાં કારણો પણ સમાગમ વખતે અસહ્ય દુખાવો થઈ શકે છે. આ સિવાય ડિસ્પેચ્યુનિયા અને વજાઇનિસ્મસ નામના સ્ત્રીના જાતીય રોગ વખતે ઇન્દ્રિયનું કદ નોર્મલ હોવા છતાં સ્ત્રીને પીડા અનુભવાતી હોય છે અને સમાગમ શક્ય બનતો નથી. આપના બે વાર છૂટાછેડા થઈ ચૂકેલ છે. ઇતિહાસનું પુનરાવર્તન ન થાય માટે વહેલી તકે સેક્સોલોજિસ્ટને મળી સમસ્યાનો નિકાલ લાવો.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી