સંતોષ થયો છે તેનો ખ્યાલ કઈ રીતે આવે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Nov 21, 2018, 12:05 AM IST

સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે. હું છેલ્લાં કેટલાંય વર્ષથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં નાના બાળકની ઇન્દ્રિય જેવી દેખાય છે. શુક્રપિંડ પણ ઉપર નીચે છે, તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉત્તેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની-નાની ફોલ્લી જેવું કંઈ થઈ ગયું છે, તો મને એઇડ્સ તો નથી ને? શું હું મારી પત્નીને જાતીય સુખ આપી શકીશ? મારે લગ્ન કરવાં કે નહીં?


ઉકેલ: આ જ કોલમમાં ભૂતકાળમાં ઘણીવાર હસ્તમૈથુનની ચર્ચા થયેલી છે. જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલું હોય છે. નુકસાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ. આપ નપુંસક ન કહેવાવ અને ચોક્કસ લગ્ન કરી શકો છો. આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે. જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં બિલકુલ મૂંઝવણ રાખ્યા વગર માતા-પિતાને વાત કરો અને યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. સફેદ ફોલ્લી કદાચ ચેપને કારણે હોઈ શકે છે, જે દવાથી દૂર થઈ શકે છે. બાકી તે એઇડ્સની નિશાની નથી. એઇડ્સ મોટાભાગે અસુરક્ષિત જાતીય સંબંધને કારણે થાય છે.

સમસ્યા: ડોક્ટર સાહેબ, મારાં લગ્ન થયાને હજી 3 મહિના જ થયા છે. અમે પતિ-પત્નીને એકબીજા માટે ખૂબ જ પ્રેમ છે. અમારી સેક્સ લાઈફ પણ ખૂબ જ સારી છે, કોઈ જ તકલીફ નથી, પણ મને એવો વિચાર આવ્યા કરે છે કે શું પત્નીને સેક્સમાં પૂરતો સંતોષ મળતો હશે? તેને પૂરતી સંતુષ્ટિ થઈ હશે કે નહીં તેની જાણકારી મને કેવી રીતે મળી શકે?


ઉકેલ: પુરુષને જ્યારે સ્ખલન (વીર્યસ્ત્રાવ) થાય ત્યારે એનો અર્થ એમ કરાય કે તે સંતુષ્ટ થયો છે, કેમ કે પુરુષમાં સામાન્ય રીતે વીર્યસ્ત્રાવ તથા ચરમસીમા(ક્લાઇમેક્સ) સાથે અનુભવાતાં હોય છે, પણ સ્ત્રીમાં એ જાણવું થોડું અઘરું છે, કેમ કે સ્ત્રીમાં દેખીતું કોઈ સ્ખલન પરાકાષ્ઠા વેળાએ થતું હોતું નથી. આથી સ્ત્રીને ચરમસીમાનો આનંદ પૂરેપૂરો આવ્યો છે કે નહીં તે જાણવાનો ઉત્તમ માર્ગ એ છે કે સ્ત્રીને જ પૂછી લેવું. જો આપણે જવાબ સ્વીકારવા તૈયાર હોય તો પત્ની ચોક્કસ સાચો જવાબ આપશે. બાકી પરાકાષ્ઠા વખતે સ્ત્રીના શ્વાસોશ્વાસની ગતિ અનિયમિત થાય છે, ચહેરાના હાવભાવ બદલાય છે, ઓષ્ઠના સ્નાયુઓ, મુઠ્ઠીઓ તંગ થાય છે અને સંતુષ્ટિ વખતે હળવા ફૂલ બન્યાની લાગણી અનુભવાય છે. ઘણીવાર સ્ત્રી સમાગમ દરમિયાન એક કરતાં વધારેવાર પરાકાષ્ઠા મેળવી શકે છે, જે પુરુષમાં મોટાભાગે શક્ય નથી, પણ આ બધા જ અનુભવો સ્ત્રીએ સ્ત્રીએ તથા પ્રસંગે પ્રસંગે બદલાયા કરે છે.


સમસ્યા: હું 26 વર્ષનો યુવક છું. એક વર્ષ પહેલાં મારાં લગ્ન થયેલાં છે. હવે અમારે બાળક જોઈએ છે. મારો ટોટલ સ્પર્મ કાઉન્ટ 20 Millian/ml છે. તો શું અમારે બાળક રહેશે? શુક્રાણુની સંખ્યા વધારવાની દવા આખી જિંદગી લેવી પડે? તેનાથી કોઈ આડઅસર તો નહીં થાયને? સમાગમ કર્યા બાદ પત્નીને બંને પગના ઢીંચણ તેની છાતીએ અડાડી રાખવાથી બાળક થવાની સંભાવના શું વધી જાય છે?


ઉકેલ: બાળક રહેવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં, પરંતુ તેની હલનચલન શક્તિ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. આશરે ચાલીસથી પચાસ મિલિયનની સંખ્યા અને એક્ટિવ મોટિલિટી-હલનચલન શક્તિ પચાસ ટકા હોય તો તે નોર્મલ કહેવાય. આપની આ તકલીફને મેડિકલ ભાષામાં ઓલિગોર્સ્પમિયા કહેવામાં આવે છે. જો આપને જલદી બાળક જોઈતું હોય તો આઇ.યુ.આઇ. પદ્ધતિનો સહારો લેવો જોઈએ. જો નસીબ સારું હોય તો કદાચ પહેલીવારમાં જ બાળક રહી જાય. નહીંતર ચાર-પાંચ વાર આ સારવાર લેવાથી 70-80 ટકા સફળતા મળતી હોય છે. આ સારવાર પ્રમાણમાં બિલકુલ બિનખર્ચાળ છે. એક શુક્રાણુને બનતા ત્રણથી સવા ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે. એટલે જો આજથી સારવાર શરૂ કરો તો પહેલી અસર ત્રણ મહિના પછી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આ દવા એકાદ વર્ષ સુધી લેવી પડતી હોય છે. મોટાભાગના કિસ્સામાં શુક્રાણુની સંખ્યા ખૂબ જ વધતી જોવા મળેલ છે. આ દવાઓની કોઈ જ આડઅસર થતી નથી. બાકી આપ માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે દરરોજ સંબંધ રાખો. પછી તે કોઈપણ આસનથી હોય તો બાળક રહેવાની શક્યતા વધુ રહેલી છે. ઢીંચણ છાતીએ લગાવવાથી બાળક રહેવાની શક્યતામાં વધારો થતો નથી.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી