પુરુષની જાતીય કાર્યક્ષમતા ઘટે ત્યારે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Sep 30, 2018, 12:05 AM IST

પુરુષની ઉંમર વધવાની સાથે સાથે જ તેની જાતીય કાર્યક્ષમતામાં ક્રમશ: ઘટાડો થાય છે તે બાબત સર્વવિદિત છે. પુરુષમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવાની સાથે જ જાતીય ઉત્તેજના માટેના સમયમાં વધારો થાય છે. એકવાર ઉત્તેજિત થયા બાદ શિશ્નોત્થાનમાં અને ત્યારબાદ જાતીયસુખની ચરમસીમા સુધી પહોંચવામાં ઘણી વાર લાગે છે. નપુંસકતા એ વધતી ઉંમર સાથે સંકળાયેલી સમસ્યા છે. 40થી 70 વર્ષની વયજૂથમાં જાતીય રીતે સક્ષમ પુરુષોની ટકાવારી 60 ટકાથી ઘટીને 30 ટકા જેટલી નોંધાઇ છે.


પુરુષ તેની સેક્સ લાઇફના અત્યંત મહત્ત્વના તબક્કા દરમિયાન એટલે કે આશરે 30 વર્ષની વયથી પાકટ વય અને વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે તેમ તેમ તેના શિશ્નમાં નોંધપાત્ર ફેરફાર નોંધાય છે. જેમાં અહીં દર્શાવેલ બાબતોનો સમાવેશ થાય છે.


દેખાવ: બે ખાસ ફેરફાર થાય છે. રક્તપ્રવાહમાં ઘટાડો થવાથી શિશ્નના મુખનો જાંબુડિયો રંગ ધીરે ધીરે આછો થઇ જાય છે.

જાતીય જીવનને સંતોષકારક બનાવવા માટે સૌથી મહત્ત્વનું તત્ત્વ તમારા સાથીને સંતોષ આપવાની તમારી ક્ષમતા છે

શિશ્નનું કદ: પેટના નીચેના ભાગમાં ચરબી જમા થવાને લીધે શિશ્નના દેખીતા કદમાં ફેરફાર થાય છે. જઘનાસ્થિની આસપાસની ચરબીને કારણે શિશ્ન ટૂંકું દેખાય છે. વધુ પડતું વજન ધરાવતા દર્દીઓને ઉત્સાહિત કરવા તેમને હું સલાહ આપું છું કે જો તમે તમારું વજન ઘટાડશો તો તમારા શિશ્નના કદમાં આપોઆપ એક ઇંચનો વધારો થઇ જશે. 30 વર્ષની વયે જો પુરુષના સંપૂર્ણ ઉત્તેજિત શિશ્નની લંબાઇ છ ઇંચ હોય તો 60-70 વર્ષની વયે તેની લંબાઇ પાંચ કે સાડા પાંચ ઇંચ હોય છે.


શિશ્નના સંકોચનનું કારણ શું છે અથવા તો એવાં કયાં કારણો છે જેના કારણે શિશ્ન સંકોચન પામે છે? આ માટે ઓછામાં ઓછી બે બાબતો જવાબદાર છે. પ્રથમ તો શિશ્નની ધમનીઓમાં ચરબીયુક્ત પદાર્થનું જામી જવું કે છારી બાજવી જેના કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ સમસ્યાને એથરોસ્કલેરોસિસ કહે છે. આ સમસ્યા હૃદયની ધમનીઓમાં અવરોધ ઊભો કરે છે અને હૃદયરોગનો હુમલો થાય છે.


શિશ્નના સંકોચન માટે જવાબદાર બીજી બાબત ઉત્થાન સાથે સંકળાયેલા ભાગની આસપાસ આવેલા આવરણમાં બિનસ્થિતિસ્થાપક પેશીઓનું જમા થઇ જવું છે. આ ભાગમાં લોહીનો પ્રવાહ ધસી આવવાને કારણે શિશ્નોત્થાન થાય છે. શિશ્નની ધમનીમાં અવરોધને કારણે ઉત્થાનમાં સમસ્યા સર્જાય છે.


તમારા જાતીય જીવનને સંતોષકારક બનાવવા માટેનું સૌથી મહત્ત્વનું તત્ત્વ તમારા સાથીને સંતોષ આપવાની તમારી ક્ષમતા છે. અને તેના માટે મોટા શિશ્નની કે અત્યંત તીવ્ર જાતીય આવેગની જરૂર નથી. જ્યાં સુધી સ્ત્રીને સંભોગમાં આનંદ મળે છે ત્યાં સુધી પુરુષને તેની સક્ષમતા પર ગર્વ થાય છે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી