Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-12

‘આ કર્મકાંડી બ્રાહ્મણનું દિલ તોડશો તો એક જ મહિનામાં બીજો અસ્થિકુંભ લઈને અહીં આવવું પડશે! દીવાલ પર લખાયું મને દેખાય છે!’

  • પ્રકાશન તારીખ25 Jul 2018
  •  

શહેરનો ભરચક ટ્રાફિક વીંધીને મહેસાણા હાઇવે ઉપર પહોંચ્યા પછી વિભાકરે નિરાંતનો શ્વાસ લીધો. સ્ટિયરિંગ ઉપરનો એનો કાબૂ અદભુત હતો, પણ શહેરની અંદરના ટ્રાફિકમાં કાર ચલાવતી વખતે એ માનસિક ત્રાસ અનુભવતો હતો.

હાઇવે આવી ગયા પછી એણે કારની ગતિ વધારી, ‘વિભા, આપણે કોઈ ઉતાવળ નથી...’

આદિત્યની પત્ની અલકા, ભાસ્કરની પત્ની ભાવિકા અને એ બંનેની મોટી નણંદ શાલિની એ ત્રણેય પાછળની સીટ પર બેઠાં હતાં. વિભાકર સાવકી બહેન શાલિનીથી સાડાચાર વર્ષ મોટો હતો. એ છતાં નાનપણથી જ એ બંને વચ્ચેનો સંબંધ એવો હતો કે એ વિભાકરને તુંકારે જ બોલાવતી હતી. અત્યારે કારની ગતિ વધી કે તરત એણે વિભાકરને સૂચના આપી. ‘હાલમાં આપણી ગ્રહદશા નબળી ચાલે છે અને સમયનું કોઈ બંધન નથી એટલે પ્લીઝ, શાંતિથી ધીમે ધીમે ચલાવ.’

‘પપ્પાજીની આ કાર હું ચલાવતો હોઉં ત્યારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી, એ છતાં તારી આજ્ઞા આંખ-માથા ઉપર...’ વિભાકરે હસીને બહેનને ધરપત આપી. ‘હવેથી ધીમેથી ચલાવીશ બસ...?’

‘તું મારો ભઈલો છે એટલો તેં મારી ડબડબ શાંતિથી સાંભળી, બાકી તારા બનેવીને તો મારાથી કંઈ કહેવાય નહીં...’ શાલિનીએ એના પતિ સુભાષ વિશે બોલવાનું શરૂ કર્યું કે તરત અલકા અને ભાવિકાએ એકબીજાની સામે જોયું. એ દેરાણી-જેઠાણી વચ્ચે આંખોથી સંવાદ થયો એ તરફ શાલિનીનું ધ્યાન નહોતું. એ પોતાની વાત કહેવામાં જ મગ્ન હતી. ‘ગાડી ઝડપથી ભગાવે અને હું એમને ટોકું કે તરત ચિડાય. કહે કે રસોડામાં આવીને હું તને દાળમાં વઘાર માટે કોઈ સલાહ આપું છું? એ તારો વિષય છે એમ ડ્રાઇવિંગ મારો વિષય છે...’

સુભાષકુમારની વાત સાચી છે. રસ્તા ઉપર જ નજર રાખીને વિભાકરે એને સમજાવ્યું. ‘વાહન ચલાવતી વખતે પૂરી એકાગ્રતા જોઈએ. એમાં કોઈ ખલેલ પહોંચાડે એ કોઈનેય ના ગમે. કાર ચલાવનારને પોતાની અને પોતાના પરિવારની સલામતીની પરવા તો હોય જને?...’ અર્ધી સેકન્ડ માટે પાછળ ગરદન ઘૂમાવીને એણે શાલિની સામે જોયું. ‘મોટાભાઈ તરીકે તને સલાહ આપું છું કે હવે પછી એમને સલાહ આપવાની મૂર્ખામી ના કરતી...’ લગીર અટકીને એકએક શબ્દ ઉપર ભાર મૂકીને એણે ઉમેર્યું. ‘પતિની વાતમાં બિનજરૂરી ચંચૂપાત નહીં કરવાનો. વાત ડ્રાઇવિંગની હોય, ધંધાની હોય કે કૌટુંબિક સંબંધોની હોય; એ જે કરે એ કરવા દેવાનું-સમજી?’

કોથળામાં પાંચ શેરી જેવા વિભાકરના શબ્દો સાંભળીને શાલિની તરત ચૂપ થઈ ગઈ. અલકા અને ભાવિકાએ એકબીજાની સામે જોયું. વિભાકરે જે સલાહ આપી એ સાંભળીને બંને રાજીરાજી થઈ ગઈ હતી.

એ બંનેનું ખુશ થવાનું કારણ એ હતું કે શાલિનીને આવી રીતે સંભળાવી દેવાની બીજા કોઈની તાકાત નહોતી. શેઠ હરિવલ્લભદાસ તો પુત્રીપ્રેમમાં અંધ હતા. આદિત્ય અને ભાસ્કર બધુંય જાણે-સમજે એ છતાં શાલિનીને સલાહ આપવાથી એ બંને ડરતા હતા. નાના ભાઈની સાચી શીખામણ માનવાને બદલે છંછેડાઈને અપમાન કરી નાખે એવો શાલિનીનો સ્વભાવ હતો. ગણતરીના શબ્દોમાં, એ છતાં કચકચાવીને વિભાકરે નણંદ ઊપર જે પ્રહાર કર્યા એ જોઈને બંને ભાભીઓને ખૂબ આનંદ થયો હતો.

શાલિનીની સલાહ માનીને વિભાકરે કારની ગતિ સામાન્ય કરી નાખી હતી. રેશમી કાપડમાં લપેટેલ અસ્થિકુંભ હાથમાં પકડીને ભાસ્કર ચૂપચાપ બેઠો હતો.

‘વાહન ચલાવતી વખતે પૂરી એકાગ્રતા જોઈએ. એમાં કોઈ ખલેલ પહોંચાડે એ કોઈનેય ના ગમે. કાર ચલાવનારને પોતાની અને પોતાના પરિવારની સલામતીની પરવા તો હોય જને?...’

‘તારા હાથ થાકી જશે...’ રસ્તા ઊપરના ટ્રાફિકમાં નજર રાખીને વિભાકરે એને કહ્યું. ‘અસ્થિકુંભને પાછળ આપી દે. એ લોકો એને સંભાળીને મૂકી દેશે...’ જાણે વિભાકરના સૂચનની જ રાહ જોતો હોય એમ ભાસ્કરે તરત જ અસ્થિકુંભનો હવાલો પાછળની સીટ પર આપી દીધો. અલકાએ કાળજીપૂર્વક લઈને એને વ્યવસ્થિત રીતે સીટ પર ગોઠવી દીધો.

મહેસાણામાં કોઈક ધાર્મિક સરઘસ નીકળ્યું હતું એને લીધે કાર અટકી અટકીને ચલાવવી પડી. ટ્રાફિકના જમેલામાંથી મુક્ત થયા પછી રોડ ઉપરના કોઈ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની જગ્યા દેખાઈ ત્યાં વિભાકરે કારને અંદર લઈ લીધી. ‘ટી બ્રેક...’ પાછળ અલકા અને ભાવિકા સામે જોઈને વિભાકરે કહ્યું અને કારમાંથી નીચે ઊતર્યો. ભાસ્કર પણ એની સાથે જ નીચે ઊતર્યો. બહારની ચા કોઈનેય ભાવતી ના હોવાથી થરમોસ ભરીને ચા સાથે જ લીધેલી હતી. શાલિનીએ થરમોસમાંથી કપ ભર્યા. ‘મહારાજે નાસ્તો પણ મૂક્યો છે. આપું?’ શાલિનીના પ્રશ્નના જવાબમાં વિભાકરે ગરદન ધુણાવીને ના પાડી.

એ અને ભાસ્કર કાર પાસે ઊભા રહીને ચા પીતા હતા. ત્રણેય મહિલાઓ કારમાં જ હતી. એ લોકો ચા સાખે કટકબટક નાસ્તો પણ કરી રહ્યા હતા. શોપિંગ સેન્ટરની બંધ દુકાનના ઓટલા પર એક વૃદ્ધ ભિખારી બેઠો હતો. વિભાકર અને ભાસ્કરના હાથમાં ચાના ડિસ્પોઝેબલ કપ હતા એની સામે એ તરસી નજરે તાકી રહ્યો હતો. એ લંગડા ભિખારીએ એ બંનેના નિરીક્ષણ પછી ઊભા થવાની હિંમત કરી. બગલમાં કાંખઘોડી ઘાલીને એ ધીમે ધીમે આ બંનેની સામે આવીને ચૂપચાપ ઊભો રહ્યો. એનો ચહેરો અને આંખોમાં તરવરતી લાચારી પારખીને વિભાકરે કારમાં જોયું. ‘શાલુ, એક કપ ચા અને થોડો નાસ્તો આપ...’

શાલિનીએ બારીમાંથી નાસ્તાનું પેકેટ અને ચાનો કપ લંબાવ્યા. પોતાનો ખાલી કપ બાજુ પર મૂકીને વિભાકરે નાસ્તો અને ચા લઈને પેલા ભિખારીને આપ્યા. જાણે સ્વર્ગ મળી ગયું હોય એમ ભિખારીનો ચહેરો ખીલી ઉઠ્યો. આંખોમાંથી જ આશીર્વાદ આપીને એ આભારવશ નજરે વિભાકર સામે જોઈ રહ્યો. પછી ધીમા પગલે ઓટલા પર જઈને એણે પેટપૂજા શરૂ કરી. એની ઝડપ જોઈને વિભાકર અને ભાસ્કરને લાગ્યું કે ચોવીસેક કલાકથી એ ભૂખ્યો હશે.

‘અમારો પ્રોગ્રામ પતી ગયો છે.’ અંદરથી ભાવિકાએ ભાસ્કરને કહ્યું. વિભાકર અને ભાસ્કર કારમાં ગોઠવાયા.

ઊંઝા પાસે હાઇવે પર જમણી તરફ એક આલિશાન હોટલનું બિલ્ડિંગ દેખાયું ત્યાં વિભાકરે કારની ગતિ ઘટાડી. ‘આ મેરીગોલ્ડ હોટલમાં ફોન થઈ ગયો છે. સિદ્ધપુરથી પાછા ફરતી વખતે આપણે અહીં જમવાનું છે.’

વીસેક મિનિટમાં જ સિદ્ધપુર આવી ગયું. હાઇવે પરથી જમણી તરફ પુલ પર થઈને કાર અંદર પ્રવેશી સહેજ અંદર જતાં જમણા હાથે ઘોલપુરી પથ્થરની લાંબી દીવાલ અને અંદર નવા બનેલાં મંદિરો દેખાયાં. ‘આ સિદ્ધપુરનું પ્રખ્યાત બિંદુ સરોવર છે...’ થોડીવાર માટે કાર ઊભી રાખીને વિભાકરે હાથ લંબાવીને બતાવ્યું. ‘સરોવર શબ્દ સાંભળીને જોવા જઈએ તો ભયાનક નિરાશા થાય એવું નાનકડું ખાબોચિયું છે અને એમાં પણ પ્લાસ્ટિકનો ઢગલાબંધ કચરો છે એય સાફ નથી થતો...’

પ્રાચીન શહેરની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને એ લોકો બીજા છેડે પહોંચ્યા. વિભાકરે કાર રોકી. ‘અહીંથી કાર આગળ નહીં જાય.’ એમ કહીને એ કારમાંથી નીચે ઊતર્યો. ભાસ્કરે અસ્થિકુંભ સંભાળી લીધો.


‘સરસ્વતી નદી તરફનો રસ્તો મુક્તિધામમાં થઈને જાય છે...’ બંને ભાભીઓ અને બહેનને વિભાકરે જાણકારી આપી. ‘આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે સતત ભીડ હોય છે. આજુબાજુનાં પચાસેક ગામના લોકો મૃતદેહો અહીં જ લાવે છે. સ્મશાનમાં હાઇટેક સુવિધા પણ છે. અગ્નિસંસ્કારની વિધિનું લાઇવ કવરેજ વિશ્વમાં ગમે ત્યાં દેખાડવું હોય તો દેખાડી શકાય એ રીતના એચ.ડી. કેમેરા પણ સ્મશાનમાં ગોઠવાયેલા છે...’

સ્મશાનમાં એક સાથે ચાર ચિતાઓની અગ્નિજ્વાળા ભભૂકી રહી હતી. ત્રણસો જેટલા ડાઘુઓ અલગ અલગ ટોળીઓ બનાવીને બેઠા હતા. બીજાં ત્રણ-ચાર શબ લાઇનમાં પડ્યાં હતાં. એના ડાઘુઓ બીજી તરફ રાહ જોઈને ઊભા હતા.

ઝડપથી એ વિસ્તાર પસાર કરીને એ બધા બહાર નીકળ્યા. થોડુંક ચાલ્યા કે તરત સામે સુકાયેલી સરસ્વતી નદીનાં દર્શન થયાં. ત્યાંથી ડાબી તરફ પગ ઉપાડતી વખતે વિભાકરે ભાસ્કર સામે જોયું. ‘તારા હાથમાં અસ્થિકુંભ જોઈને દસ-બાર ભિક્ષુકોનું ટોળું છેક સુધી પાછળ પાછળ આવશે...’ વિભાકર આ બોલતો હતો ત્યારે એને ખબર નહોતી કે ત્રીસેક વર્ષનો અઘોરી જેવો એક ભિખારીતો ક્યારનોય એમની પાછળ આવી રહ્યો હતો. સવા કરોડ રૂપિયાની કાર ઊભી રહી એ જોઈને જ એ અઘોરીની આંખ ચમકી હતી. એમાંય અસ્થિકુંભ સાથે ભાસ્કરને જોયો કે તરત દબાતાં પગલે એ આ લોકોની પાછળ ચાલતો હતો.

‘આખા ઇન્ડિયામાં સિદ્ધપુરની જ અમુક જમીન એવી છે કે સ્વર્ગસ્થ અસ્થિ પૂરેપૂરા વિલીન થઈ જાય છે. હું તમને ત્યાં લઈ જઈશ, શેઠ!’

ઘાટ વિસ્તારમાં આ લોકો પહોંચ્યા ત્યારે ઝડપથી પગ ઉપાડીને એ ભાસ્કરની આગળ આવીને ઊભો રહી ગયો. લાંબા અસ્તવ્યસ્ત, નશામાં હોય એવી ઘેઘૂર આંખો, લાંબી દાઢી, ગળામાં રંગબેરંગી મણકાની ત્રણ-ચાર માળા અને મેલું સફેદ વસ્ત્ર શાલની જેમ એ માણસે આખા શરીર પર વીંટાળ્યું હતું. અચાનક પ્રગટ થઈને એ સામે ઊભો રહી ગયો એટલે ભાસ્કર ચમક્યો. એણે તરત વિભાકર સામે જોયું. ‘ઇગ્નોર હીમ...’ વિભાકરે અંગ્રેજીમાં કહ્યું. ‘આવા તો અનેક નમૂનાઓ અહીંયા મળશે.’

પેલા એ આ પરિવારની સવા કરોડની લાંબી લચક લક્ઝરી કાર જોઈ હતી એટલે એની લાલચ તીવ્ર બની હતી. ‘કઈ રીતે અને કઈ જગ્યાએ અસ્થિ વિસર્જન કરવું એ બધું હું સમજવીશ...’ બાવાહિન્દીમાં એણે કહ્યું. ‘એક હજાર રૂપિયા આપી દેજો. આખા ઇન્ડિયામાં સિદ્ધપુરની જ અમુક જમીન એવી છે કે સ્વર્ગસ્થ અસ્થિ પૂરેપૂરા વિલીન થઈ જાય છે. હું તમને ત્યાં લઈ જઈશ, શેઠ! હજાર રૂપિયા તમારા માટે મોટી રકમ નથી...’

વિભાકરે આંખોથી જ ભાસ્કરને સમજાવ્યું કે ઝડપથી પગ ઉપાડ, એને બબડવા દે... બંને ભાઈઓ આગળ વધ્યા. અલકા, ભાવિકા અને શાલિની તો એ વિચિત્ર બાવાને જોઈને હેબતાઈ ગઈ હતી.

નાનકડી દુકાનો અને લારીઓ ઉપર ભીડ હતી. ત્યાંથી પગથિયાં ચડીને ઉપર વિશાળ ચોક જેવું હતું. એ પછી પગથિયાં ઊતરીને આગળ જઈએ ત્યાં બંધ બાંધેલો હતો અને એમાં છલોછલ પાણી હતું.

ભાસ્કર, વિભાકર, ભાવિકા, અલકા અને શાલિની આગળ વધી રહ્યાં હતાં. ત્રણેક ગરીબડી સ્ત્રીઓ અને બે પુરુષો આ પાંચેયની સામે હાથ લંબાવીને પાછળ પાછળ ચાલી રહ્યા હતા. પેલો અઘોરી તો ભાસ્કરની તદ્દન નજીક જ હતો.

‘અહીંથી આગળ જઈને બૂટ-ચંપલ ઊતારીને કુંભને જળમાં પધરાવી દો...’ એક ભિખારણ જેવી સ્ત્રીએ ગરીબડા અવાજે સાચી સૂચના આપી એટલે પેલો અઘોરી કાળઝાળ નજરે એની સામે તાકી રહ્યો. એ લોકો સામે ધ્યાન આપ્યા વગર વિભાકરની પાછળ ચારેય આગળ વધ્યા.

પગરખાં ઉતારીને પાંચેય જણાએ કુંભને હાથમાં રાખ્યો અને ભારે હૈયે જળમાં પધરાવી દીધો. એ પછી વિષાદમય દશામાં જ બૂટ-ચંપલ પહેરીને એ લોકો ચોકમાં આવ્યા ત્યારે પેલું ટોળું હાથ ફેરવીને એમની સાથે જ ચાલતું હતું.

‘શેઠ, હજાર રૂપિયા...’ જાણે અધિકારથી માગતો હોય એમ પેલો અઘોરી ભાસ્કરનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. ગાંજાના નશાને લીધે એની આંખો લાલઘૂમ હતી. કંઈ જવાબ આપ્યા વગર ભાસ્કર આગળ વધ્યો એટલે એની કમાન છટકી. ત્રાડ પાડીને એણે આ પાંચેયની સામે જોયું. ‘યાદ રખ્ખો. મારા શબ્દો યાદ રાખજો. આ કર્મકાંડી બ્રાહ્મણનું દિલ તોડશો તો એક જ મહિનામાં બીજો અસ્થિકુંભ લઈને અહીં આવવું પડશે! દીવાલ પર લખાયું મને દેખાય છે!’

એણે એટલા આક્રોશથી શાપ આપ્યો હતો કે એના શબ્દો સાંભળીને ભાવિકા, અલકા અને શાલિની ગભરાઈ ગઈ. એમના ચહેરા પરની ચિંતા અને ગભરાટ પારખીને વિભાકરે ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ બહાર કાઢ્યું.

વિભાકરે પાકીટ બહાર કાઢ્યું એટલે પેલો લપકીને વિભાકર પાસે આવીને હાથ જોડીને ઊભો રહી ગયો.

અખાડિયન વિભાકરનો હાથ ઊંચો થયો. પેલો કંઈ સમજે-વિચારે એ અગાઉ વીજળીવેગે વિભાકરે એના ગાલ ઉપર એટલા જોરથી તમાચો માર્યો કે અવાજ ખુલ્લા ચોકમાં પડઘાયો. અણધાર્યા જોરદાર પ્રવાગથી એ ગંજેરી લથડીને નીચે પડ્યો. એના લાંબા વાળ પકડીને વિભાકરે એને ઊભો કર્યો. ‘અમારે અસ્થિવિસર્જન માટે આવવું પડશે કે નહીં એ તો ઈશ્વર જાણે-પણ હવે એક શબ્દ પણ વધારે બોલીશ તો તારે તારાં અસ્થિ રિપેર કરાવવા હાડવૈદ પાસે જવું પડશે સમજણ પડી?’

દાંત ભીંસીને આટલું કહીને વિભાકરે ફરીથી હાથ ઊંચો કર્યો એની સાથે જ પેલો મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો. આજુબાજુ ઊભેલા લોકો સ્તબ્ધ હતા.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP