Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-25

‘મારી ગેરહાજરીમાં પણ તું એ ત્રણેયનું ધ્યાન રાખીશ એવી મને શ્રદ્ધા છે..’

  • પ્રકાશન તારીખ07 Aug 2018
  •  

સુભાષ અને શાલિનીનાં બંને સંતાન-પ્રશાંત અને પરિધિ બંગલામાં આવ્યાં. પરિધિ સાવ નિષ્પાપ અને ભોળી હતી. અત્યંત સાહજિકતાથી એણે હરિવલ્લભદાસ પાસે ભાંડો ફોડી નાખ્યો. એણે જે કહ્યું એ સાંભળીને વિભાકર અને હરિવલ્લભદાસ એકબીજાની સામે તાકી રહ્યા. એ બંને ઉપરાંત ત્યાં જિતુભાઈ પણ હાજર હતા. એમની હાજરીમાં આ વિષયની કોઈ ચર્ચા ના થાય એટલી સમજદારી બાપ દીકરામાં હતી.

‘ઓ.કે...’ વિભાકરે પ્રેમથી પ્રશાંત અને પરિધિના માથે ટપલી મારી. ‘તમે બંને નાનાજી જોડે વાતો કરે. હું જિમમાં છું.’ આટલું કહીને એણે જિમમાં જવા પગ ઉપાડ્યા.

જિમમાં આદિત્યનો પુત્ર આકાશ અને ભાસ્કરનો દીકરો ભૌમિક કસરત કરી રહ્યા હતા. ‘વિભાકાકા, આબુમાં માઉન્ટેનિયરિંગની ઇન્સ્ટિટ્યુટમાં ચાર-પાંચ દિવસનો કોઈ કોર્સ ચાલે છે?’ આકાશે પૂછ્યું.

‘કેમ? તમારા બંનેની ત્યાં જવાની ઈચ્છા છે?’ વિભાકરે હસીને પૂછ્યું અને પછી સમજાવ્યું. ‘ત્યાં કોઈ એ ટાઇપના બેઝિક કોર્સ ચાલે છે કે નહીં એનો ખ્યાલ નથી, પણ તપાસ કરીશ. તમારી ઈચ્છા હશે તો વેકેશનમાં બંને માટે ગોઠવણ કરાવી આપીશ.’

‘પ્રોમિસ?’ ભૌમિક કાકા સામે હાથ લંબાવીને ઢીલા અવાજે કહ્યું. ‘વચ્ચે મેં વાત કરેલી, ત્યારે મમ્મીએ પૂરી વાત સાંભળ્યા વગર જ ધડ દઈને ના પાડેલી.’

‘ડોન્ટ વરી...’ વિભાકરે એ બંનેને ધરપત આપી. ‘તમારી ઈચ્છા હશે તો સેટિંગ કરાવી આપીશ. હું કહીશ એ પછી તમારાં મમ્મી-પપ્પા ના નહીં પાડે...’

આકાશ અને ભૌમિકના ચહેરા પર પથરાયેલી ખુશી જોઈને વિભાકરે માહિતી આપી. ‘તમારા ચારની ટૂકડીમાં બે મેમ્બર અત્યારે ઉમેરાઈ ગયા છે. પ્રશાંત અને પરિધિ ચાર-પાંચ દિવસ રહેવા માટે આવી ગયા છે.’

‘ઓહ નો...’ પોતાનો અણગમો છૂપાવ્યા વગર ભૌમિક બોલ્યો. ‘પરિધિ દીદી ગુડ ગર્લ છે, પણ પ્રશાંતિયો લુચ્ચો છે.’

શાલુ ફોઈનો દીકરો છે અને આપણે ત્યાં આવે છે એટલે ના છૂટકે અમારે એને રમાડવો પડે છે. બધી વાતમાં જાણે પોતે જ હોંશિયાર હોય અને સાવ ડફોળ હોઈએ એ રીતે અમારી સાથે વાત કરે છે.’

‘એ કાયમ ઝઘડા કરે છે.’ આકાશે પણ મોં ખોલ્યું. ‘એકએક ગેઈમમાં એ ચિટિંગ કરે છે. પોતાની જાતને સ્માર્ટ હીરો સમજે છે. શાલુ ફોઈનો દીકરો છે અને આપણે ત્યાં આવે છે એટલે ના છૂટકે અમારે એને રમાડવો પડે છે. બધી વાતમાં જાણે પોતે જ હોંશિયાર હોય અને સાવ ડફોળ હોઈએ એ રીતે અમારી સાથે વાત કરે છે.’

‘આકાશ સાચું કહે છે. પ્રશાંત ગંદો છે...’ ભૌમિકે પછ્યું. ‘એ ખરેખર ચાર-પાંચ દિવસ રોકાશે? તો તો ત્રાસ થઈ જશે. ગયા વખતે આવેલો ત્યારે મારું લેપટોપ બગાડી નાખેલું.’

‘પ્રશાંત અને પરિધિ ચાર-પાંચ દિવસ અહીં રહેવાનાં છે, પણ તમારે ચિંતા કરવાની શું જરૂર છે? એ બંને તો એમના મમ્મી-પપ્પા સાથે નીચે ગેસ્ટરૂમમાં રહેવાના છે. તમે ચારેય ભાઈ-બહેન ઉપર જ રમ્યા કરજો..’

વિભાકરે આવું કહ્યું એટલે આકાશ હસી પડ્યો. ‘વિભાકાકા, એ પ્રશાંતને સીડી ચડતા આવડે છે! એમ બોલાવીએ નહીં તોય ગરજુડાની જેમ ધડધડાટ ઉપર આવી જાય, એટલે પરાણે અમારી સાથે રમાડવો પડે. એનામાં કોઈપણ જાતની મેનર નથી. પૂછ્યા વગર અમારા ચારેયના રૂમમાં ખાંખાખોળાં કરે..’ એણે ફરિયાદ કરી. ‘અમારું ધ્યાન ના હોય અને કોઈ વસ્તુ એને ગમી જાય તો ચાલાકી કરીને ખિસ્સામાં પણ સરકાવી દે! પરિધિ આવું નથી કરતી પમ પ્રશાંતિયો ચોર છે!’

‘તમારે લોકોએ ધ્યાન રાખવાનું. એલર્ટ રહેવાનું...’ એ બંનેને વિભાકરે સમજાવ્યું. ‘એ શાલુફૈબાનો દીકરો છે એટલે આપણા બંગલે આવે તો આપણાથી ના ના પડાય. પરિધિ તો ડાહી છેને?’

આકાશ અને ભૌમિક એક સાથે હકારમાં માથું હલાવ્યું. ‘પ્રશાંત એકલો પ્રોબ્લેમેટિક છે, પણ સામે તમે પાંચ છો. એ તોફાન કે અવળચંડાઈ કરે તો તમે પાંચેય એક થઈને એને ઇગ્નોર કરો. તમારી પાંચની ટીમ બનાવીને એને એકલાને લટકતો રાખો. એને બિલકુલ ભાવ નહીં આપવાનો અને બોલાવવાનો પણ નહીં. આવું કરશો એટલે એ ધૂંધવાશે, ગુસ્સે થશે પણ તમે પાંચેય એક સાથે હશો એટલે એણે હાર કબૂલવી પડશે. ગરજુડો થઈને એ રમવા આવે ત્યારે એની સાથે શરત કરવાની કે નો ચિટિંગ-નો અંચઈ. એ રીતે રમવા કબૂલ થાય તો જ એને ટીમમાં લેવાનો...’ વિભાકરે હસીને ઉમેર્યું. ‘તમે પાંચ એક ટીમ બનીને રહેશો તો એ ઓટોમેટિક સીધો થઈ જશે...’

‘ગુડ આઈડિયા...’ ભૌમિકે ઉત્સાહમાં આવીને વિભાકરનો હાથ પોતાના હાથમાં જકડી લીધો.

એ જ વખતે હરિવલ્લભદાસ જિમમાં પ્રવેશ્યા. વિભાકર આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યો. જિમમાં તો એ ભાગ્યે જ આવતા હતા.

‘ભૌમિક, તું વીસ મિનિટ સાઇકલિંગ કર અને આકાશ તારે વેઇટ લિફ્ટિંગ કરવાનું બાકી છે... ગો...’ એ બંનેને કામ ચીંધીને વિભાકરે હરિવલ્લભદાસ સામે જોયું. કોઈ કારણ વગર પપ્પા જિમમાં ના આવે એનો ખ્યાલ હતો.

‘શાલુનું વર્તન જોઈને પીડા થાય છે..’ વિભાકરની વધુ નજીક આવીને હરિવલ્લભદાસે હૈયું ખોલ્યું. ‘એમાં બેવકૂફી કે બાલિશતા હોત તો હસીને ભૂલી જતો, પણ એ ચાલાકી કરવા જાય છે...’ ફિક્કું હસીને એમણે ઉમેર્યું. ‘તારા જેવો ચતુર ચાલાકી કરે તો એ પકડાય નહીં, પણ આ છોકરી સાવ ડફોળ છે. બાપામાં બિલકુલ અક્કલ નથી એવું માનીને એ ખેલ પાડે ત્યારે હસવું કે રડવું એ જ સમજતું નથી.’

હું કંઈ સમજ્યો નહીં...કશું બોલ્યા વગર એમની સામે જોઈને વિભાકરે આંખોમાંથી જ આ સંદેશ આપ્યો.

‘એ વખતે કદાચ તું હાજર નહોતો...’ દીકરાને પૂરેપૂરી ટપ્પી નથી પડી એનો ખ્યાલ આવ્યો એટલે હરિવલ્લભદાસે ખુલાસો કર્યો. ‘બે દિવસ અગાઉ વાતવાતમાં મારાથી બોલાઈ ગયું કે જિંદગીનો કોઈ ભરોસો નથી. દસ-બાર દિવસનાં વિલ બનાવી નાખીશ કે જેથી પાછળ કોઈ વિવાદ ના થાય. આવું બોલ્યો ત્યારે અલકા અને ભાવિકાની સાથે શાલુ પણ હાજર હતી. વિલ બનાવવાનો છું એ વાત સાંભળીને શાલુના મનમાં સળવળાટ શરૂ થઈ ગયો હશે. એણે તરત સુભાષકુમારને વાત કરી હશે...’ એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું.

‘દીકરી થઈને બાપની નિર્ણયશક્તિ ઉપર અવિશ્વાસ કરે ત્યારે દુઃખ થાય છે. મેં વિલની વાત કરી એટલે એને મનમાં થયું કે પપ્પા મારાં સંતાનોને ભૂલી જશે તો? એવી શંકાને લીધે એ બંનેને સતત મારી આંખ સામે રહેવાની સૂચના આપીને એણે અહીં બોલાવી લીધા!

‘આમ તો અભ્યાસના બહાને શાલુબહેન એમના સંતાનોને અહીં લાવતાં નથી...’ એ અટકી ગયા એટલે વિભાકર બોલ્યો. ‘અત્યારે પ્રશાંત અને પરિધિ આવ્યા અને પરિધિએ ભોળાભાવે કહી દીધું કે મમ્મી-પપ્પાએ પ્રેશર કરીને સૂચના આપી છે કે નાના જોડે જ રહેવાનું છે... એણે આવું કહ્યું કે તરત મેં તમારી સામે આશ્ચર્યથી જોયેલું. પણ એ વખતે જિતુકાકા હાજર હતા. એમની હાજરીમાં કંઈ બોલાય નહીં એટલે હું ત્યાંથી સરકીને જિમમાં આવી ગયેલો.’

‘તારી સમજદારી માટે માન છે એટલે જ તારી પાસે મન હળવું કરું છું...’ બાપના હૃદયમાં વેદનાનો વલોપાત હતો. ‘દીકરી થઈને બાપની નિર્ણયશક્તિ ઉપર અવિશ્વાસ કરે ત્યારે દુઃખ થાય છે. મેં વિલની વાત કરી એટલે એને મનમાં થયું કે પપ્પા મારાં સંતાનોને ભૂલી જશે તો? એવી શંકાને લીધે એ બંનેને સતત મારી આંખ સામે રહેવાની સૂચના આપીને એણે અહીં બોલાવી લીધા! બાપડી પરિધિએ તો પપ્પાનો પણ ઉલ્લેખ કર્યો, ધેટ મીન્સ, આમાં શાલિનીની શંકા તો કારણભૂત છે જ, પણ એ ઉપરાંત સુભાષકુમારે પણ સળી કરી છે!’

‘તમને સલાહ આપવાની મારી હેસિયત નથી એ સમજું છું એ છતાં બોલ્યા વગર નથી રહેવાતું...’ વિભાકર નિખાલસતાથી કહ્યું. ‘ઓછી અક્કલવાળા માણસો એમની સંકુચિત બુદ્ધિથી વિચારે તો આપણે માફ કરી દેવાના. એમની દયા ખાઈને મગજમાંથી આ ચેપ્ટર ભૂંસી નાખવાનું... પ્લીઝ, ફરગેટ ઈટ. આવું વર્તન કરીને જાણે પોતે જાણે ખૂબ ચાલાક છે એવું માનીને રાજી થતા હોય તો એમનો રાજીયો અકબંધ રાખવાનો. પપ્પા પર પ્રભાવ પાડવાનો પ્લાન બનાવવામાં દીકરી-જમાઈને જલસો થતો હોય તો લેટ ધેમ એન્જોય... નાના માણસોની આવી નાનકડી ખુશીમાં આપણે આડે નહીં આવવાનું, જતું કરવાનું...’

‘એ તારી સાવકી બહેન છે એ છતાં તું આટલું ઉદારતાથી વિચારી શકે છે એ જોઈને આનંદ થાય છે...’ હરિવલ્લભદાસે વિભાકરના ખભે હાથ મૂક્યો. ‘હું કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યો. મારી ગેરહાજરીમાં પણ તું એ ત્રણેયનું ધ્યાન રાખીશ એવી મને શ્રદ્ધા છે..’ એ લાગણીવશ બનીને બોલતા હતા. ‘મંજુની ઉત્તરક્રિયામાં બેસવાની તારી ઈચ્છા હતી પણ મેં ના પાડી એ છતાં તું એ કડવો ઘૂંટડો ગળી ગયો. જોકે શાસ્ત્રોની દૃષ્ટિએ મારી વાત સાચી હતી અને લાગણીની રીતે તું સાચો હતો. તે નિમુની કુખે જન્મ લીધો છે જ્યારે આદિત્ય અને ભાસ્કરે મંજુની કુખે જન્મ્યા છે એટલે ઉત્તરક્રિયામાં બેસવા માટે એમનો અધિકાર વધુ પ્રમાણભૂત ગણાય. અલબત્ત, તને ના પાડતી વખતે મને પણ દુઃખ થયેલું...’

‘હું તો એ વાત ક્યારનોય ભૂલી ગયો છું...’ વિભાકરે હસીને કહ્યું. ‘તમે એ જવાબદારી ભાસ્કરને સોંપી એની સામે મને કોઈ વાંધો નથી, વાંધો હોઈ પણ ના શકે. મારો જે અધિકાર નથી એના માટે જીદ કરીને દુઃખી શા માટે થવાનું?...’ એણે હળવેથી ઉમેર્યું. ‘ઓગણપચાસ વર્ષની ઉંમરમાં ઘણું જતું કર્યું છે એટલે જતું કરી દેવાની આદત પડી ગઈ છે. જે થઈ ગયું એ થઈ ગયું. પાંચ-દસ મિનિટમાં એની પીડા મનમાંથી ખંખેરી નાખવાની...’ સહેજ અટકીને એણે બાપા સામે જોયું. ‘સુખેથી જીવવા માટે એક જ સિદ્ધાંતને વળગી રહ્યો છું. મગજ ઉપર ભાર નહીં રાખવાનો ને દિલમાં કોઈ ડંખ નહીં રાખવાનો!’

દીકરો જાણે પોતાનો ગુરુ એમ હરિવલ્લભદાસ એની સામે આદરભાવથી તાકી રહ્યા. ‘તું આવી રીતે જીવી શકે છે, એ તારી મહાનતા છે. બોલવા ખાતર હું આવું બોલી શકું, પણ એ રીતે જીવી ના શકું...’

એ આગળ કંઈ બોલે એ અગાઉ જિતુભાઈ હાથમાં ડાયરી લઈને આવ્યા. ‘શેઠ, આ સેવંતીલાલને ફોન કરવાનો છે. એ પછી ગૌતમભાઈ અને કરસનભાઈને પણ તમારે જ ફોન કરવો પડશે...’

‘ઓ.કે. હું આવું છું...’ વિભાકરને આંખોમાંથી જ આવજો કહીને એ જિતુભાઈની સાથે ડ્રોઈંગરૂમ તરફ ગયા.

‘વિભાકાકા, તમારા મોબાઇલમાં રિંગ વાગે છે...’ વિચારમગ્ન દશામાં વિભાકર જિમના બારણા પાસે જ ઊભો હતો ત્યારે આકાશે બૂમ પાડી. વિભાકરે અંદર જઈને મોબાઇલ હાથમાં લીધો. ‘વિભાદાદા, તમારી કસરત પતી?’ ભાસ્કરે પૂછ્યું. ‘બોલને, કામ શું છે?’ વિભાકરે સામો સવાલ કર્યો.

‘હું ને ભાવિકા આદિત્યભાઈના રૂમમાં બેઠાં છીએ. અમે ચારેય તમારી રાહ જોઈએ છીએ. આવો છો?’

‘તમે લોકો આદેશ આપો એ આંખ-માથા ઉપર...’ વિભાકરે હસીને કહ્યું. ‘એકથી પચીસ ગણો ત્યાં સુધીમાં આવી જઈશ.’ એણે આકાશ અને ભૌમિક સામે જોયું. ‘તમે ચાલુ રાખો. હું આવું છું.’

વિભાકર આદિત્યના રૂમમાં પહોંચ્યો. આદિત્ય અને ભાસ્કર સોફા ઉપર બેઠા હતા. અલકાને ભાવિકા પલંગમાં બેઠા હતા. એ ચારેયના ચહેરા સામે નજર રહે એ રીતે સોફા અને પલંગની વચ્ચે ખુરસી ખેંચીને વિભાકર ગોઠવાઈ ગયો.

‘વિભાદાદા, તમને ખબર નથી પણ શાલુ અને સુભાષકુમારે દોઢ કરોડ માટે કાવતરું કર્યું છે...’ આદિત્યે એ આખી કથા વિભાકરને વિગતવાર સમજાવી. વચ્ચે વચ્ચે કોઈ મુદ્દો રહી જાય ત્યાં ભાસ્કર યાદ કરાવતો હતો. છેલ્લો આદિત્યે કહ્યું. ‘પપ્પાને ખંખેરવાનો ખેલ એ બંનેએ શનિવારે ગોઠવ્યો છે. પપ્પાને મળીને સુભાષકુમાર સંતાપ કરશે અને મોટી બહેન બિચારી બની રડશે એટલે દોઢ કરોડનો દલ્લો મળી જશે... આ કઈ રીતે ચાલે?’

જવાબ સાંભળવા માટે આઠ આંખો ઉત્સુકતાથી વિભાકર સામે તાકી રહી હતી. આદિત્ય અને ભાસ્કરે જે કહ્યું એ સાંભળ્યા પછી વિભાકર વિચારમાં ડૂબી ગયો હતો.

‘મમ્મીના મૃત્યુનો મલાજો જાળવવાને બદલે દીકરી અને જમાઈ છળકપટ અને છેતરપિંડીમાં છબછબિયાં કરે છે!...’ વારાફરતી ચારેયની સામે જોઈને વિભાકરે મક્કમતાથી કહ્યું. ‘એમના પ્લાનનું પડીકું વાળી દઈશ. પપ્પા એમને એક પૈસોય ના આપે એવો પેંતરો ગોઠવવાની જવાબદારી મારી...’

એ આત્મવિશ્વાસથી બોલતો હતો. સુખદ આશ્ચર્ય અને આદરભાવથી બધા એની સામે જોઈ રહ્યા હતા.

(ક્રમશઃ)

mahesh_yagnik@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP