Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-24

‘આપ પોલીસવાળા છો, ઇન્કમટેક્સવાળા નથી એટલે તમેને કહેવામાં વાંધો નહીં’

  • પ્રકાશન તારીખ06 Aug 2018
  •  

પાઠકનો ચહેરો કોળોધબ થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે વાત શરૂ કરીને વિભાકરે એને એ રીતે લપેટામાં લીધો હતો કે એ ડઘાઈ ગયો હતો. વિભાકર થોડીવાર માટે અટક્યો ત્યારે પાઠકે જાત સંભાળી લીધી. પોતે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર છે અને સામે બેઠેલો આ માણસ એક આરોપીને છોડાવવા આવ્યો છે એ વિચારની સાશોસાથ એણે ગૂમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવીને ફરીથી ઇન્સ્પેક્ટરના રોલમાં આવી ગયો.

‘કઈ બ્રીફકેસ?’ અવાજમાં પોતાના હોદ્દાને શોભે એવી કરડાકી ઉમેરીને એણે વિભાકર સામે જોયું. ‘તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. તમારી બ્રીફકેસ મારી પાસે ક્યાંથી હોય?’

‘ચમત્કારો આજે પણ બને છે, પાઠક સાહેબ!’ જરાયે વિચલિત થયા વગર વિભાકરે પોતાની સ્ટાઇલ જાળવી રાખી. ‘હળહળતા આ કળિયુગમાં ક્યાપેર આવો ચમત્કાર કે જોગોનુજોગ જોવા મળે ત્યારે આનંદ થાય છે... કળિયુગ પણ કેવો? પૈસા અને મિલકત માટે બધા એકબીજાનું લોહી પીવા દોડી રહ્યા છે, સંબંધોનું સત્યાનાશ વળી ગયું છે...’ ફરીવાર પાઠકની આંખોમાં આંખ પરોવીને એણે પ્રહાર કરવા માટે શબ્દો ગોઠવ્યા. ‘જમીનના એક ટૂકડા માટે બાપ અને બેટો એકબીજાના દુશ્મન બની જાય છે. એકબીજાનું ગળું કાપવા જેટલા ક્રૂર બની જાય છે. અમૃતલાલ જેવા જમીનદાર પાસે અઢળક જમીન હતી, તોય એક ટૂકડા માટે થઈને એણે સગા દિકરાને ભડાકે દીધેલોને?’

પાઠક ઠરી ગયો હતો. ગોળગોળ વાત પૂરી કરીને વિભાકરે નામજોગ ઉલ્લેખ કર્યો એ પછી એકેય શબ્દ બોલવાની એનામાં તાકાત નહોતી.

‘જમીનની લાલસામાં અમૃતલાલે સગા દીકરાની હત્યા તો કરી નાખી પણ એ પછી એ પારાવાર પસ્તાવો કરતો હતો. એના એ પસ્તાવો દીકરાને મારી નાખ્યો એના માટેનો નહોતો, પણ એ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એનાથી એ ગળે આવી ગયો. આ અપરાધમાંથી છૂટવા માટે પોલિટિશ્યનથી માંડીને પોલીસવાળા સુધીના બધાને ધરાવવા માટે ઢગલાબંધ રૂપિયાની જરૂર હતી. એ લાવવા ક્યાંથી?’

સ્તબ્ધ પાઠકની સામે જોઈને વિભાકરે આગળ કહ્યું. ‘મોટા ગજાના રાજકારણના ખેલાડી તો આવીને વચન આપી ગયા કે તને નિર્દોષ છોડાવીશ-એ વચનના બદલામાં એમણે વીસ વીઘાનું એક ખેતર પડાવી લીધું. એક રાત્રે અમૃતલાલ અમારા બંગલે આવ્યો અગાઉની જમીન સાથે સોદા કરેલા હતા એટલે પપ્પા સાથે એમને સારો સંબંધ. એ રાત્રે અમૃતલાલે આવીને ચાલીસ લાખ રૂપિયા રોકડા માગ્યા...’

મોં મલકાવીને વિભાકરે એની સામે જોયું. ‘આપ પોલીસવાળા છો, ઇન્કમટેક્સવાળા નથી એટલે તમેને કહેવામાં વાંધો નહીં. જમીનની લે-વેચનો અમારો જે કારોબાર છે એના માટે તમારી કલ્પનામાં ના હોય એટલી રોકડ બંગલામાં રાખવી પડે છે! પપ્પાએ મારી સામે જોયું. અમૃતલાલ પાસે પુષ્કશ જમીન હતી એટલે પૈસા આપવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો. ધુમા અને સાણંદ વચ્ચેનું એક ખેતર લખી આપવા માટે અમૃતલાલ તૈયાર હતો. પપ્પાએ એની પાસે કાચી ચીઠ્ઠીમાં લખાણ લઈ લીધું અને પૂછ્યું કે આ ચાલીસ લાખ કોને પધરાવવાના છે? એ વખતે સાહેબ, આપ સાણંદમાં ઇન્સ્પેક્ટર હતા અને આ આખો કેસ તમારા હાથમાં હતો. અમૃતલાલે આપનું નામ આપ્યું- ત્યારથી આપને નામથી ઓળખું છું. બીજી કોઈ બ્રીફકેસ હાથવગી નહોતી અને આપને પૈસા પહોંચાડવા માટે અમૃતલાલ એટલી ઉતાવળ કરતો હતો કે મારીએ સિંગાપુરવાળી બ્રીફકેસમાં ચાલીસ લાખ ભરીને મેં એમને આપ્યા અને તાકીદ કરી કે અમૃતકાકા, આ બ્રીફકેસ પાછી આપજો, અહીં ઇન્ડિયામાં આવો નમૂનો નથી મળતો. એમણે હા પાડી અને પૈસા લઈને એ રવાના થયા... એ પછી દસેક દિવસ બાદ એ હળવાશથી મળવા આવ્યા ત્યારે મેં એમને બ્રીફકેસ યાદ કરાવી...’

વીંધી નાખે એવી નજરે પાઠક સામે જોઈને વિભાકરે ઘા માર્યો. ‘મેં બ્રીફકેસ માગી કે તરત બે ગાળ દઈને અમૃતકાકાએ આપને યાદ કરેલા. કહ્યું કે ચાલીસ લાખ રોકડા આપ્યા તોય એ પોલીસવાળાને ધરવ ના થયો. બ્રીફકેસમાં પણ દાનત બગાડી. મેં માગી પણ ધરાર પાછી ના આપી!’

કાપો તો લોહી ના નીકળે પાઠકની દશા હતી. આવી કફોડી હાલતમાં અગાઉએ ક્યારેય મૂકાયો નહોતો. કાંડા ઘડિયાળ સામે નજર કરીને વિભાકરે એને કહ્યું. ‘અમૃતકાકા જોડે તો આજની તારીખમાંય એવો સંબંધ છે કે અત્યારે અડધી રાત્રે ફોન કરું તોય એ પ્રેમથી જવાબ આપે...’ એણે મોબાઇલ હાથમાં રાખીને પૂછ્યું. ‘વાત કરવાની આપની ઈચ્છા છે?’

આ માણસ જોડે પંગો લેવાની પોતાની તાકાત નથી એ હકીકત પાઠક સમજી ચૂક્યો હતો. વિભાકરની વાતમાં જે સચ્ચાઈ હતી એનો ઇન્કાર કરવાની કોઈ ગુંજાઈશ નહોતી. નકારમાં માથું ધૂણાવીને એણે ના પાડી.

‘પાઠક સાહેબ, એ બાળકે ભૂલ કરી છે એ કબૂલ એના વતી હું આપની અને આપના ડિપાર્ટમેન્ટની માફી માગવા તૈયાર છું, પણ એની કેરિયરનો સવાલ છે, એટેલ એના પેટ ઉપર લાત ના મારતા...’ પાઠક હવે કંઈ બોલી શકવાનો નથી એની ખાતરી થઈ ચૂકી હતી એટલે ઓરડાના બારણા સામે જોઈને વિભાકરે બૂમ પાડી. ‘સૌરભ...’

સૌરભ અંદર આવ્યો. એની પાછળ પાછળ જયરાજ અને ચાર-પાંચ કોન્સ્ટેબલ પણ ઓરડામાં આવ્યા. ‘સૌરભ, બે કાન પકડીને આ પાઠક સાહેબ અને તમામ કોન્ટેબલભાઈઓને સોરી કહી દે... વચન આપ કે હવે પછી કોઈ પણ પોલીસ જોડે ઉદ્ધત વર્તન નહીં કરે...’

જયરાજ સામે જોઈને વિભાકરે સમજાવ્યુ. ‘આ પાઠક સાહેબ જોડે તો જૂની ઓળખાણ નીકળી. વળી, એકદમ ઉમદા માણસ છે એટલે સૌરભના માથેથી ઘાત ગઈ. એમણે કોઈ કાગળિયાં પણ નથી કર્યાં એ એમની મહેરબાની...’

વિભાકરના આદેશનું પાલન કરીને સૌરભે એ રીતે માફી માગી. જયરાજે બે હાથ જોડીને પાઠકનો આભાર માન્યો વિભાકરે ઉષ્માથી પાઠક સાથે હાથ મિલાવ્યો અને આખું ટોળું પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યું.

‘જૂની ઓળખાણના આધારે આજે તો બાલબાલ બચી ગયો પણ દર વખતે ડોશી દાળીયો ના આપે...’ બહાર નીકળ્યા પછી વિભાકરે સૌરભના માથે ટપલી મારીને તાકીદ કરી. ‘તારો વાંક નહીં હોય એની સો ટકા ખાતરી છે, એ છતાં ભવિષ્યમાં ધ્યાન રાખજે. કજિયાનું મોં કાળું...થોડું જતું કરીને પણ સામેવાળાને માફ કરી દેવાનો.... મન ઉપર ભાર નહીં રાખવાનો’

‘જી...’ બે હાથ જોડીને સૌરભે વિભાકરની વાત સ્વીકારી. એ બધા એમના વાહનોમાં બેસે એ અગાઉ જયરાયજ ગળગળો થઈને વિભાકર પાસે આવ્યો. કશું બોલ્યા વગર આંખમાં ઝળઝળિયાં સાથે એણે વિભાકર સામે બે હાથ જોડ્યા.

‘અરે ગાંડા, આ શું કરે છે?’ વિભાકરે એને અટકાવ્યો. ‘આટલા વર્ષોની આપણી દોસ્તી છે એટલે તારો દીકરો એ મારો દીકરો જ ગણાય. એને બચાવી લેવાની તારા જેટલી જ મારી ફરજ હતી. નસીબજોગે સેટિંગ થઈ ગયું એટલે ઘાત ટળી...’ એણએ જયરાજના ખભે હાથ મૂક્યો. ‘હવે આરામથી ઘેર જઈને ઊંઘી જાવ.’

જયંતી અને બીજા બે મિત્રો હાજર હતા એ બધા આદરભાવથી વિભાકર સામે જોઈ રહ્યા હતા. એ તમામને આવજો કહીને વિભાકર કારમાં બેઠો અને ભીખાજીએ કાર સ્ટાર્ટ કરી.

મણિનગર પોલીસ સ્ટેશનથી છેક સેટેલાઇટ રોડ પર બંગલામાં પહોંચ્યા ત્યાં સુધી વિભાકરને મનોમન હસવું આવતું હતું. ઇન્સ્પેક્ટર પાઠકને લપેટામાં લેવાની એને મજા આવી હતી. સાચા માણસની સામે આંખ ઊંચી કરીને તમે દાદાગીરીથી વાત ના કરી શકો પણ ગુનેગારને તો ગમે તે રીતે દબડાવી શકાય. લાંચિયા અધિકારી સામે વટથી વાત કરીને ધમકાવી શકાય. મોઢું ખોલવાની નૈતિક હિંમત ગૂમાવીને એણે કમાણી કરી હોય છે. નીચું મોઢું રાખીનવે એણે બધું સાંભળી લેવું પડે.. જો પાઠકી જગ્યાએ કોઈ બીજો ઇન્સ્પેક્ટર હોત તો લાચારી બતાવીને એને કરગરવું પડતું અને ખિસ્સામાં હાથ પણ નાખવો પડતો... પણ આજે તો મનોરંજક રીતે સાવ મફતમાં સૌરભને બચાવી લીધો.

પોતાના રૂમમાં આવીને એણે કપડાં બદલ્યાં. એસીનું કૂલિંગ વધાર્યું અને પલંગમાં પડતું મૂક્યું.

સવારે દસ વાગ્યે એ જિમમાં હતો ત્યારે આકાશ અને ભૌમિક ત્યાં આવી ગયા. કસરતની સાથે એ બંને ભત્રીજાઓ સાથે હસી-મજાકની વાતો કરતો હતો, એ વખતે ભૈરવી ત્યાં આવી. ‘વિભાકાકા, ડ્રોઇંગરૂમમાં બેઠા છે અને તમને યાદ કરે છે.’

વિભાકર ડ્રોઇંગરૂમમાં આવ્યો ત્યારે હરિવલ્લભદાસ સોફા પર બેઠા હતા અને જિતુભાઈ એમની પાસે બેઠા હતા. જિતુભાઈ એમની પેઢીના સૌથી જૂના કર્મચારી હતા અને ઓલ ઇન વન જેવી એમની આવડત હતી. પરિવારના સભ્યોના બધા સગાં-સંબંધીઓના સરનામાં અને ફોન નંબરની ડાયરી પણ એમણે કાળજીપૂર્વક બનાવેલી હતી.

‘વિભા, ઉત્તરક્રિયા શુક્રવારે છે અને એ માટેના કાગળ તો જિતુભાઈએ બધાને કુરિયર કરી દીધા છે. ગારિયાધાર એ કાગળ તો પહોંચી ગયો હશે પણ ત્યાં માત્ર કાગળથી ના ચાલે. તારા મામાને મારે ફોન કરવો પડે. જિતુભાઈ ક્યારનાય મથે છે, પણ તારા વસંતમામા કે કમલેશમામાનો નંબર બદલાઈ ગયો લાગે છે...’

‘હું ફોન કરી દઈશ. એ બંનેના નવા નંબર મારી પાસે છે.’ વિભાકરે મોબાઇલ હાથમાં લીધો.

‘ભાણિયા તરીકે તું કહે એ જુદી વાત છે, પમ વડીલ તરીકે મારે વાત કરવી જોઈએ. તું નંબર જોડી આપ.’ હરિવલ્લભદાસે કહ્યું એટલે વિભાકરે મોટા મામા-વસંતમામાનો નંબર જોડીને મોબાઇલ એમના હાથમાં આપ્યો.

વસંતમામા અને કમલેશમામા બંનેની સાથે વારાફરતી વાત કરીને હરિવલ્લભદાસે એમને ઉત્તરક્રિયામાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું. વાત પૂરી થયા પછી એમણે મોબાઇલ વિભાકરને પાછો આપ્યો. ‘બીજું કોઈ તને યાદ આવતું વિભાકરને પાછો આપ્યો.’ ‘બીજું કોઈ તને યાદ આવતું હોય તો કહી દેજે. કોઈનેય એવું ના લાગવું જોઈએ કે અમને હોય તો કહી દેજે. કોઈનેય એવું ના લાગવું જોઈએ કે એમને બોલાવ્યા...’ હરિવલ્લભદાસ બબડ્યા. આપણેને ખ્યાલ પણ ના હોય અને સરતચૂકથી કોઈકને કહેવાનું રહી જાય તો એ માણસ સુધી દુઃખી થઈ જાય. એને એવું લાગે કે શેઠએ અમારી અવણગના કરી. જિતુભાઈ પાસે લિસ્ટ છે એના ઉપર તું નજર ફેરવી લેજે...’

‘જી...’ એમ કહીને વિભાકર પાછો જિમમાં જવા પગ યુપાડે એ અગાઉ ધમધમાટ કરતા પ્રશાંત અને પિરિધિ બંગલામાં આવ્યા. બંને એ પીઠ પાછળ થેલા ભરાવેલા હતા. વીસ વર્ષના પ્રશાંતે ઘેરા લાલા રંગનું ટિશર્ટ અને ક્રીમ કલરનું જિન્સ પહેર્યું હતું. એકદમ ગોરો રંગ હતો એટલે લાલ ટિશર્ટમાં એ સોહામણો લાગતો હતો. અઢાર વર્ષની પરિધિએ વાદળી ટિશર્ટ અને કાળું જિન્સ પહેર્યું હતું. ભરાવદાર કેરા વાળની આધુનિક શૈલીને લીધે એ ફિલ્મની હોરોઈન જેની દેખાતી હતી.

બંનેએ ઝૂકીને હરિવલ્લભદાસનો ચરણસ્પર્શ કર્યો અને પછી વિભાકરને પણ ઝૂકીને પ્રણામ કર્યા.

‘અમારી શાલિનીનો દીકરો પ્રશાંત અને દીકરી પરિધિ...’ હરિવલ્લભદાસે જિતુભાઈને પરિચય કરાવ્યો. ‘શાલુ અને સુભાષકુમાર તો મંજુલા ગઈ એ દિવસથી અહીં જ છે પણ આ બંને ભણેશરીને એમના ભણતરની ચિંતા હતા. એટલે છેક આજે આવ્યા...’ એમણે બંનેના માથે હાથ મૂક્યો. ‘ચાલો, સારું થયું તમને બંનેને નાનાની યાદ તો આવી! ’

‘એક્ઝામનું ટેન્શન હતું એટલે નહોતો આવ્યો.’ પ્રશાંતનો અવાજ એના પપ્પા સુભાષની જેવો રણકદાર હતો. ‘વાંચવાનું ડિસ્ટર્બ ના થાય એટલે કાકા-કાકી જોડે શાહીબાગમાં જ રહેલો... ગઈ કાલે પતી એટલે ફ્રી બર્ડ બનીને આવ્યો..’


‘મારે તો આઠ દિવસ પછી એક્ઝામ છે...’ પરિધિના મીઠા અવાજમાં પારદર્શક નિખાલસતાથી સાથે ભારોભાર ભોળપણ છલકાતું હતું. ‘મમ્મીને કહેલું કે શુક્રવારે એક દિવસ માટે ચોક્કસ આવીશ. તોય કોણ જાણે કેમ મમ્મીને પપ્પા બેઉ જણા વારાફરતી આવીશ. તોય કોણ જાણે કેમ મમ્મીને પપ્પા બેઉ જણા વારાફરતી ફોન કરે કે જલ્દી આવી જાવ અને નાનાજી જોડે ચાર-પાંચ દિવસ રહો...’ એ નિર્દોશતાથી હસી પડી. ‘નાનાજી, અહીં આવીને મારે ભૈરવીદીદી કે આકાંક્ષાદીદી જોડે તોફાન મસ્તી નથી કરવાના. માત્ર તમને કંપની આપવાની છે એવું મમ્મીએ વારંવાર કહ્યું છે!’

એ બોલતી હતી. હરિવલ્લભદાસ અને વિભાકરપ એકબીજાની સામે તાકી રહ્યા હતા.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP