Back કથા સરિતા
Home » Rasdhar » અધિનાયક
મહેશ યાજ્ઞિક - અધિનાયક
મહેશ યાજ્ઞિક

મહેશ યાજ્ઞિક

નવલકથા (પ્રકરણ - 90)
11 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપનારા મહેશ યાજ્ઞિક અત્યારના સૌથી સફળ નવલકથાકારોમાં સમાવિષ્ટ છે.
પ્રકરણ-17

‘મંજુલાશેઠાણીના સિંહાસન પર પપ્પાએ અલકાભાભીનો રાજ્યાભિષેક કરી નાખ્યો!’

  • પ્રકાશન તારીખ30 Jul 2018
  •  

દૂધવાળા ગરીબ ભૈયાની પ્રમાણિકતા જોઈને હરિવલ્લભદાસ પ્રભાવિત થઈ ગયા હતા.

‘શેઠ, તમને ખબર નથી પણ હવે કહેવામાં વાંધો નથી. તમારી જાણ બહાર મંજુબાએ આાવા તો કંઈક દુખિયારાને ટેકો કરેલો...’કાશીબાએ એમની સામે જોઈને રહસ્ય ખોલ્યું. ‘તમારો સ્વભાવ થોડોક કડક એટલે તમારી પાસે હાથ લંબાવવાની કોઈ નાના માણસની હિંમત ના ચાલે પણ મંજુબા તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર! એમની પાસે આવીને કોઈ હૈયું ખોલે અને ભીના અવાજે કરગરે એટલે એ તરત પીગળી જાય. નાના માણલની તો જરૂરુયાતેય સાવ નાની જ હોય ને? હજાર-બે હજાર માટે કોઈનું કામ અટક્યું હોય તો એ દોડીને મંજુબા પકડી લે. મંજુબા મદદ કરશે જ એવી એને પૂરી શ્રદ્ધા હોય...’

કાશીબાના અવાજમાં પીડા ઉમેરાઈ. ‘બધા નાના માણસો માટે તો મંજુબા આસ્થાનું સ્થાનક હતા. આપણને મંજુબાની ખોટ પડી એની સાથોસાથ એ લોકોએ પણ ટેકો ગૂમાવ્યો.. હવે હાથ ક્યાં લંબાવવાનો ?’

એમના શબ્દોમાં છલકાતી સાચી લાગણી અને અભાવની સંવેદના પારખીને હરિવલ્લભદાસે થોડી વાર વિચાર્યું. પછી અલકા સામે નજર કરીને કાશીબા સામે જોયું. ‘એ લોકોને મંજુબાની ખોટ નહીં પડે. ટેકો ચાલુ રહેશે. કોઈને સાચી જરૂરિયાત હોય અને તમને વાત કરે તો એને અલકાવહુ પાસે લઈ જજો. મંજુબાનું એ સ્થાન મોટી વહુ તરીકે અલકા સાંભળી લેશે. જરાયે સંકોચ વગર બધાને કહી દેવાનું કે અલકાશેઠાણીને વાત કરે...’

એમણે અલકા સામે જોયું. ‘આદિત્યને કહીશ એટલે પેટીકેશ તરીકે તું કહીશ એ રકમએ તને આપી દેશે. આ હેતુ માટે એ રકમ સાવ જુદી જ રાખવાની નાની રકમથી કોઈની મોટી પીડા હળવી થતી હોય તો એમાં જીવ ટૂંકો નહીં કરવાનો...’ સહેજ અટકીને એમણે ઉમેર્યું, ‘આપણા સ્ટાફનો ના હોય પણ આ દૂધવાળા જેવો બહારની કોઈ એજન્સીવાળો હોય તો કાશીબાને પૂછવાનું. એ યસ કહે એટલે માત્રે એ રકમ આપી દેવાની. આ પરિવારની મોટી વહુ તરીકે તમારા મમ્મીજીની પવિત્ર પરંપરા જાળવી રાખવાની જવાબદારી તારી. પરેવાંને ચણા નાખવા જેવા આ કામમાં ઉઘરાણીનો કોઈ નિયમ નહીં રાખવાનો ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. મુશ્કેલીમાં મૂકાયેલા માણસના ઉચાટમાં વધારો નહીં કરવાનો. એક વાર પૈસા આપ્યા પછી ભૂલી જવાનું...’

એમણે કાશીબા સામે જોઈને પૂછ્યું. ‘હવે તો રાજીને? તમારા શેઠાણીનો નિયમ આવો જ હતોને?’

આંખમાં ઝળઝળિયાં સાથે કાશીબાએ હરિવલ્લભદાસ સામે હાથ જોડીને હકારમાં માથું હલાવ્યું.

આ વાત ચાલતી હતી ત્યારે ભાસ્કરનો પ્રવેશ થયો એની સાથે બીજા ચાર માણસો પણ હતા. એ લોકો આવ્યા એટલે અલકા, ભાવિકા અને શાલિની ઊભા થઈને અલકાના ઓરડામાં ગયા. કાશીબા રસોડા તરફ ગયા.

‘અમારા માથે જે છત્રછાયા હતી એ અર્ધી થઈ ગઈ...’ મંજુબાની છબી સામે આંગળી ચીંધીને ભાસ્કરે એ ચારેયને કહ્યું.

‘અમારા માથે જે છત્રછાયા હતી એ અર્ધી થઈ ગઈ...’ મંજુબાની છબી સામે આંગળી ચીંધીને ભાસ્કરે એ ચારેયને કહ્યું. ‘બહુ વિચિત્ર અકસ્માતમાં મમ્મીએ જીવ ગૂમાવ્યો...’

એ બોલતો હતો એ દરમિયાન પેલા ચારેય માણસોએ મંજુલાની છબી પાસે જઈને આંખો બંધ કરીને હાથ જોડ્યા.

‘આ લોકો બહુચરાજી પાસેના ગામના છે...’ ભાસ્કરે પિતાની સાથે એ ચારેયની ઓળખાણ કરાવી.‘એક મિત્રના રેફરન્સથી આવેલા છે અને એમને વિભાકરનું કામ છે.’

‘વિભો તો એક કલાક પહેલાં જ નીકળી ગયો. બોપલ જવાનું કહેતો હતો અને એ પછી ગાંધીનગર જવાનો છે...’ એમણે ભાસ્કરને અને પેલા ચારેયને માહિતી આપીને ઉમેર્યું. ‘રાત્રે આઠેક વાગ્યે આવશે. ફોનથી કામ પતે એવું ના હોય તો પછી કાલે સવારે આવવું પડશે.’

‘રૂબરૂ જ વાત કરવાની છે..,’ એ ચારમાં જે નેતા જેવો હતો એણે કહ્યું. ‘અમે લોકો સવારે દસેક વાગ્યે આવીશું.’‘ચોક્કસ પધારો પણ, પ્લીઝઝ ફોન કરીવે આવજો એટલે ધક્કો ના પડા.’ ભાસ્કરે ચા-નાસ્તા માટે આગ્રહ કર્યો પણ એ લોકોએ માત્ર ચા પીધી અને વિદાય લીધી. હરિવલ્લભદાસે એમને સલાહ આપી.

‘આ લોકો બહુચરાજી પાસે જમીનના લોચામાં ફસાયા છે...’ એ ચારેયના ગયા પછી હરિવલ્લભદાસે ભાસ્કર સામે જોયું. ‘અગાઉ પણ તને. કહેલું, પણ તારા મગજમાંથી નીકળી ગયું લાગે છે...’ બાપે દીકરાને યાદ કરાવ્યું. ‘મિત્ર કે સંબંધીનો રેફરન્સ લઈને આવે તો પણ કોઈને ઘેર નહીં બોલાવવાના. સીધા ઑફિસમાં આવવાનું જ કહેવાનું...’એમણે હસીને ઉમેર્યું. ‘એટલા માટે જ મેં એમને ફોન કરીને આવવાની સૂચના આપી. સવારે એમનો ફોન આવે ત્યારે કહી દેડે કે વિભા ઘેર નથી, બે વાગ્યે ઑફિસ મળશે.’

‘જી,,,’ ભાસ્કરે તરત પોતાની ભૂલ સ્વીકારી લીધી. ‘વિભો એનો રૂમમાં ઊઁઘે છે...’ હરિવલ્લભદાસે ફોડ પાડ્યો. ‘ગઈ આખી રાતનો ઉજાગરો છે, એવું એણે મને કહેલું; એટલે એને ડિસ્ટર્બ ના કર્યો. અલબત્ત, એ જાગતો હતો તો પણ આ લોકોને ચા-નાસ્તો કરાવીને જ ફૂટાડી દેતો. બીજા દિવસે ઑફિસમાં મળવા આવજો એવું એ પ્રેમથી કહી દેતો. ઘરના પારિવરીક વાતાવરણમાં સોફા ઉપર બેસીને ધંધાની વાત કરવામાં પેલા લોકો મહેમાનની જેમ પાસે બેઠા હોય એટલે મજા ના આવે એ વાત વિભો સારી રીતે સમજે છે. ઑફિસમાં એ એની ઇટાલીયન લેધરની દમદાર રિવોલ્વિંગ ખુરસીમાં બેઠો હોય અને પેલા લોકો યાચકની જેમ સામેની ખુરસીઓ બેઠા હોય ત્યારે વિભો ખીલે, એના પ્રભાવશાળી અવાજનો રણકોએ વખતે સાવ અલગ જ હોય. વિભાની આ સ્ટાઇલ અને આ અભિગમ મને ગમે છે.’એમણે ગર્વથી ઉમેર્યું. ‘વિભો મારો પટ્ટશિષ્ય છે. બાર કમ ગુરુ તરીકે આ જ્ઞાન મેં જ એને આપેલું. આજે એ ચેલો મારાથીયે સવાયો થઈ ગયો છે એનો બાપ તરીકે મને આનંદ છે.’

‘યુ બોછ આર ગ્રેટ!’ ભાસ્કરે કાનની બુટી પકડી. ‘તમે આંગળી પકડીને ચાલતા શીખવ્યું એ રસ્તા પર અત્યારે વિભાદાદા વટથી દોડે છે...’ એણે નિખાલસતાથી કબૂલ કર્યું. ‘મારે અને આદિત્યભાઈએ વિભાદાદા પાસેથી હજુ ઘણું શીખવાનું બાકી છે. ઘણીવાર ગાંધીનગર એમની સાથે જવાનું બને છે. ભલભલા મિનિસ્ટર જોડે પણ વાત કરતી વખતે વિભાદાદાની ખુમારી જોવા જેવી હોય છે. ’

‘વળી તેં ભૂલ કરી. ત્યાં ગાંધીનગરનું ગણિત સાવ અલગ વાત છે. બહુ પ્રારંભિક તબક્કે જ એ ગુરુચાવી મેં વિભાને શીખડાવેલી. દુનિયામાં એક પણ માણસને બંને તરફ પીઠ નથી હોતી, એક તરફ પીઠ ને બીજી તરફ પેટ હોય છે. આ જ્ઞાન આપીને સમજાવેલું કે અમુક અધિકારીઓના પેટનું ઊંડાણ અતલ હોય છે. ગમે તેટલું ખાય તોય એમની ભૂખ ક્યારેય સંતોષાતી નથી. એવા નમૂનાઓને પારખીને એમને ધરવી દેવાના. ટીવીના લેટેસ્ટ મોડેલથી માંડીને હોન્ડાસીટી સુધીની ચીજવસ્તુઓની એમને લાલસા હોય છે. યુરોપ કે અમેરિકાની પેકેજ ટૂરના અભરખા મોટા અધિકારીઓને હોય છે. કોઈ બિચારો સાત દિવસ છ રાત્રિની કેરાલાની ટુરમાં પણ રાજી થઈ જાય. મોઢું જોઈને ચાંદલો કરવાની માસ્ટરી વિભામાં આવી ગઈ છે. આવા બધા લાભાર્થીઓ સાથે તો વિભો લાલ આંખ કરીને વાત કરે તોય પેલાએ સાંભળી લેવું પડે... સમજણ પડી?’

‘આ બધો વહીવટ વિભાદાદા સંભાળે છે એ સારી વાત છે. મારી કે આદિત્યભાઈની આવી હિંમત ના ચાલે..’ ભાસ્કરે હસીને કબૂલ કર્યું. ‘વીસેક વર્ષ અગાઉ રાત્રે મુંબઈથી અમદાવાદ આવવાનું હતું અને છેલ્લી ઘડી સુધી ટિકિટ કન્ફર્મ નહોતી થઈ. એ વખતે ટી.સીને સોની નોટ પકડાડાવતી વખતે પણ મને પરસેવો વળી ગયેલો...’

હરિવલ્લભદાસ ખડખડાટ હસી પડ્યા. ‘વિભો આપણા પરિવારની નવી પેઢી તૈયાર કરી રહ્યો છે, એ તો ખ્યાલ છેને? તારો ભૌમિક અને આદિત્યનો આકાશએ બંને એમના વિભાકાકાના ચેલકા છે. આ બંને છોકરાઓ રોજ જિમમાં વિભાકાકાની જોડે તાલીમ લઈને એમના જેવા બોડી બિલ્ડર બનવા મથે છે. જિમમાં કસરત કરતી વખતે વિભો એમને શારીરિક ઉપરાંત માનસિક તાલીમ પણ આપે છે. બહુ હળવાશથી બચ્ચાંઓને ખ્યાલ પણ ના આવે એ રીતે એમના મગજને એ ટ્રેઇન્ડ કરી રહ્યો છે. એ બંને હિંમતવાન અને બહાદુર છે એની ક્રેડિટ પણ વિભાને જ આપવી જોઈએ. ’એમણે યાદ કરાવ્યું. ‘છ મહિના પહેલા પાર્કિંગમાં બધી કાર પડી રહી છે ત્યાં સાપ જોઈને આદિત્ય, અલકા અને આકાંક્ષા તો ગભરાઈ ગયેલા, એ વખતે આકાશે એ સાપની પૂંછડી પકડીને દૂર ફંગોળી દીધો હતોને? એ વિભાની તાલીમનો પ્રભાવ...’

‘એવી તાલીમ ક્યારેક અમને ભારી પડી જાય પપ્પાજી!’ હરિવલ્લભદાસ બોલતા હતા ત્યારે અલકા આવીને એમની પાછળ ઊભી રહેતી હતી. હરિવલ્લભદાસને એની હાજરીની ખબર નહોતી. એમણે આ કિસ્સો કહ્યો કે તરત પાછળથી અલકાએ ટહૂકો કર્યો. ‘સાચું કહું? આકાશે સાપને પકડ્યો ત્યારે મારો તો જીવ ઊડી ગયો હતો. એના પપ્પા પણ ગભરાઈ ગયા હતા. આ છોકરો આવી ગાંડી હિંમત કરશે એવી અમને તો કલ્પના પણ નહોતી. એણે સાપને પકડીને દૂર ફેંકી દીધોને એ પછી તો ગેટ પરથી સિક્યોરિટીવાળાએ મામલો સંભાળી લીધેલો...’ સસરાની સામે જોઈને એણે મીઠી ફરિયાદ કરી. ‘એ ગાંડિયાને મેં પૂછ્યું કે અલ્યા, તને બીક ના લાગી? તો હસીને કહે કે થોડા દિવસ અગાઉ વાતવાતમાં વિભાકાકાએ એમના બાળપણની વાત કરેલી-એમાં કહેલું કે આપણા બંગલાના કમ્પાઉન્ડમાં એ વખતે તો ખૂબ સાપ નીકળચા હતાને હું પૂંછડી પકડીને એમને ફેંકી દેતો હતો. કાકાની વાત ઉપરથી પ્રેરણા લઈને ભત્રીજાએ પણ પરાક્રમ કરી બતાવ્યું! તમે વિભાકરભાઈને ટકોર કરજો કે બચ્ચાંઓને આવા જોખમી ખેલ ના શીખવાડે..’

‘હું સલાહ તો આપીશ પણ વિભો માનશે કે નહીં એની કોઈ ગેરંટી નથી...’ હરિવલ્લભદાસે હસીને કહ્યું, ‘બજારમાં અને કુટુંબમાં પીઠ પાછળ બધા મને સરમુખ્ત્યાર કે હિટલર કહે છે એ મને ખબર છે. મારા એ ગુણનો વારસો વિભાકરમાં પૂરેપૂરો ઊતર્યો છે. પોતાની જીદ સાચી હોય તે ખોટી, એ પોતાનું ધાર્યું જ કરે છે...’ બાપ તરીકે એમના અવાજમાં પીડા ભળી. ‘તમે બધા ઘર વસાવીને બાળકો સાથે જલસાથી જીવો છો અને આ ઉઁમરે પણ એ હજુ એકલો જ છે! એ વખતે તો અપ્સરા જેવી અનેક કન્યાઓ એની સાથે લગ્ન કરવા તૈયાર હતી. કંઈક કન્યાઓના બાપ મને કરગરતા હતા. પણ વિભાએ તો ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી. મેં અને મંજુએ હાથ જોડીને દીકરાને મનાવવા મથામણ કરેલી પણ એ ના પીગળ્યો...’

એ દિવસોની યાદથી વ્યથિત થઈને એ અટકી ગયા. એ પછી ગળું ખોંખારીને અલકા સામે જોયું. ‘એક વાત સમજી લે, હવેનો સમય સ્પર્ધાનો છે. હિંમત અને જિગર હશે એ જ આગળ વધી શકશે. વિભો જિમમાં બે કલાક ગાળે છે એ વખતે આપણી બચ્ચાપાર્ટી ત્યાં પહોંચી જાય છે. એ સારી વાત છે. વિભાના હાથનીચે ઘડાશેએ બચ્ચાંઓ જિંદગીમાં ક્યાંય પાછા નહીં પડે એ મારી ગેરંટી...’ એમણે હસીને ઉમેર્યું. ‘બાળકોને પોચકા અને ગભરૂ બનાવવાની જરૂર નથી. પડકાર ઝીલે એવા ખડતલ બનાવવા પડશે અને એ કામ વિભો કરી રહ્યો છે...’

અલકા ત્યાં ઊભી રહીને સસરાની વાત સાંભળી રહી હતી ત્યારે એના ઓરડામાં અલગ નાટક ભજવાઈ રહ્યું હતું. ભાવિકા ખુરસીમાં બેઠી હતી અને એની નણંદ શાલિની પલંગમાં બેસીને વિચારમાં ડૂબી ગઈ હતી. એ ઊભી થઈને ભાવિકા પાસે આવી.

‘ભાભી, આજે તમે માર્ક કર્યું?...’ ભાવિકાના ખભે હાથ મૂરીને એણે અવાજમાં સહાનુભૂતિ ઉમેરીને દીવાસળી ચાંપી ‘મમ્મીના અવસાનને હજુ કો આઠ દિવસ થયા છે અને અલકાભાભીનું નસીબ ઉઘડી ગયું. મંજુલાશેઠાણીનો સિંહાસન પર પપ્પાએ અલકાભાભીનો રાજ્યાભિષેક કરી નાખ્યો!’
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP